દેસાઈ, કનુ (જ. 12 માર્ચ 1907, અમદાવાદ; અ. 8 ડિસેમ્બર 1980, મુંબઈ) : ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર. રવિશંકર રાવળ દ્વારા સ્થપાયેલી સંસ્થા ઘરશાળા અને પછી રવિશંકર રાવળે સ્થાપેલા ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં તૈયાર થયેલા ગુજરાતના ચિત્રકારોના અગ્રણી તેજસ્વી પ્રતિનિધિ. તેમણે પોતાના કલાગુરુની બંગાળ-શૈલીની જળરંગી ચિત્રપદ્ધતિનો વિશેષ પ્રભાવ ઝીલ્યો. તેમને શાંતિનિકેતન ખાતે નંદબાબુ પાસે પણ કલા-સંસ્કાર પામવાની તક મળી. ત્યાંથી પાછા ફર્યા પછી 1920માં તેમણે ‘સત્તર છાયાચિત્રો’ નામનો સર્વપ્રથમ ચિત્રસંપુટ પ્રગટ કર્યો. 1930માં તેમણે દાંડીયાત્રામાં ભાગ લીધો હતો. એ પ્રસંગવિશેષને આવરી લેતો એક ચિત્રસંપુટ પણ તેમણે પ્રગટ કર્યો હતો. તેમણે 15,000થી વધારે ચિત્રો અને 30 જેટલા સંપુટો આપ્યા છે.

કનુ દેસાઈ

થોકબંધ ચિત્રો મારફત તેમણે ચિત્રકલાને શહેરોનાં જ નહિ, ગામડાંનાંય ઘરો સુધી પહોંચાડી સૌપ્રથમ વાર કલાને વ્યાપક સ્તરે લોકભોગ્ય બનાવી. કૅલેન્ડર, ફોટા, શુભેચ્છાકાર્ડ, ચિત્રસંપુટ, પુસ્તકો તથા દીપોત્સવી અંકોનાં મુખપૃષ્ઠો, પ્રસંગવિશેષની ભેટ માટેનાં આલબમ એમ અનેકવિધ રૂપે તેમનાં ચિત્રો લોકસમુદાય સુધી પહોંચ્યાં અને તેથી સામાન્ય જનની કલાર્દષ્ટિમાં પરિવર્તન પણ જોવા મળ્યું. તેમની કલાના આવા વ્યાપક પ્રભાવનું કારણ તે તેમની ચિત્રશૈલીની સાદગી. સરળ–સુગમ વિષયો, જોતાવેંત સમજાય તેવું ચિત્રસંયોજન (composition),  કદાચ પહેલી જ વાર જોવા મળતી રેખાઓની માધુર્યસભર નમણાશ અને ભડકીલા નહિ, પણ સૌમ્ય રંગોની મોહકતા – એ તેમની શૈલીની તરી આવતી લાક્ષણિકતા હતી.

તેમણે ગુજરાતની તળપદી લોકકલાઓમાં પણ ઝીણવટભર્યો અને નિષ્ઠાપૂર્વક રસ લીધો તેમજ ગુજરાતના કલાજગતમાં તેને નવેસર પ્રતિષ્ઠા અપાવી. આ ઉપરાંત ગુજરાતનાં ગામડે ગામડે પ્રચલિત બનેલી રંગોળીની કલાનું તેમણે નવસંસ્કરણ કર્યું. વસ્ત્ર-ડિઝાઇન ક્ષેત્રે પણ તેમણે મૌલિકતા દાખવી. તેમની અન્ય મહત્વની કામગીરી તે તેમનાં સુશોભન-કાર્યો. આમાં ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ તથા હરિપુરા કૉંગ્રેસ અધિવેશન જેવા પ્રસંગે તેમણે તૈયાર કરેલાં સુશોભનચિત્રો ખાસ આકર્ષણ કરે તેવાં નીવડ્યાં હતાં.

1950 પછી તે મુંબઈના ફિલ્મ-ઉદ્યોગ ક્ષેત્રે કલા-નિર્દેશક તરીકે જોડાયા. 60 જેટલાં હિન્દી-ગુજરાતી ચલચિત્રોમાં તેમણે ર્દશ્યસજાવટ તથા સેટના કલાનિયોજનની કામગીરી દક્ષતાપૂર્વક પાર પાડી; એમાં પણ વિજય ભટ્ટ દિગ્દર્શિત ‘રામરાજ્ય’નું તથા વી. શાંતારામનાં ચલચિત્રોનું કલાનિર્દેશન ખૂબ પ્રશંસનીય નીવડ્યું.

1934માં ગુજરાતી સાહિત્ય પરિષદના કલાવિભાગના અધ્યક્ષ તરીકે તેમની વરણી થયેલી. 1938માં તેમને રણજિતરામ ચંદ્રક અપાયો અને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તરફથી 1965માં તેમનું બહુમાન કરાયું હતું.

અમિતાભ મડિયા