દેવરિયા : ઉત્તરપ્રદેશ રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 26 6´ ઉ. અ.થી 26 48´ ઉ. અ. અને 83 21´ પૂ. રે.થી 84 16´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કુશીનગર જિલ્લો, પૂર્વમાં બિહાર રાજ્યના ગોપાલગંજ અને શિવાન જિલ્લા, દક્ષિણે મઉ અને બલિયા જિલ્લા જ્યારે પશ્ચિમે ગોરખપુર જિલ્લો આવેલા છે. તે સમુદ્રની સપાટીથી આશરે 70 મીટરની ઊંચાઈએ આવેલો છે.

આ જિલ્લો નેપાળમાંથી ઉદગમ પામતી નદીઓ ઘાગરા, ચોટીગંડક અને રપટી નદીઓના કાંપ-માટીના નિક્ષેપને કારણે બન્યો હોવાથી તે લગભગ સમતળ છે. એક કિલોમીટરે એક ઇંચનો પણ ઢોળાવ જોવા મળતો નથી. વધુ વરસાદ જ્યારે પડે છે ત્યારે અહીં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે. આ નદીઓ હંમેશાં માર્ગ બદલતી રહે છે, જેથી ચોમાસાની ઋતુ દરમિયાન પૂરનો ભય રહેતો હોય છે.

આ જિલ્લાની આબોહવા મોટે ભાગે ઉપાર્દ્ર – સક્રમણ પ્રકારની ગણાવી શકાય. જુલાઈનું તાપમાન 26–41 સે. અને જાન્યુઆરીનું તાપમાન 9–24 સે. જોવા મળે છે. અહીં વાર્ષિક વરસાદ આશરે 1000થી 2000 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : આ જિલ્લામાં લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી અને પશુપાલનની છે. આ વિસ્તારમાં લગભગ દર વર્ષે પૂરના કારણે જમીનનું નવું સ્તર નિર્માણ પામે છે. પરિણામે જમીનની ફળદ્રૂપતા બની રહે છે. આ માટીનો રંગ આછો હોય છે. ચૂનાનાં તત્ત્વોનું પ્રમાણ ઓછું અને ચીકાશનું પ્રમાણ અધિક હોય છે. આ જમીનમાં ભેજનો સંગ્રહ વધુ થાય છે. આ જમીનમાં ખાદ્યાન્ન પાકોમાં જવ, ઘઉં, ડાંગર, બાજરી, મકાઈ, કઠોળનું ઉત્પાદન વધુ લેવાય છે. જ્યારે રોકડિયા પાકોમાં શેરડી, કપાસ, તેલીબિયાંની ખેતી થાય છે.

ખેતીની સાથે પશુપાલનની પ્રવૃત્તિ સંકળાયેલી છે. પાણી અને લીલો ઘાસચારો પર્યાપ્ત પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અહીં ભેંસ-ગાયનું પ્રમાણ અધિક હોવાથી અહીં દૂધ અને તેની આડપેદાશો બનાવવાના એકમો સ્થપાયેલા છે. ખાંડ અને ખાંડ પરના પ્રકમણના ઔદ્યોગિક એકમો જિલ્લામાં જોવા મળે છે.

પહિવહન – વસ્તી : આ જિલ્લામાં જિલ્લામાર્ગો અને તાલુકામાર્ગોનું જાળું પથરાયેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ અને રેલવે માર્ગોનું પ્રમાણ ઓછું છે. ગોરખપુર – છપ્રા બ્રૉડગેજ રેલમાર્ગ પસાર થાય છે. આ રેલ માર્ગ ઈશાન રેલવે વિભાગમાં આવે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 27નો લાભ મળેલ છે. તેમજ રાજ્ય પરિવહનની બસો અને ખાનગી બસોની સુવિધા ઉપલબ્ધ છે. આ જિલ્લો બિહાર રાજ્યની સીમા ધરાવતો હોવાથી બિહાર રાજ્ય પરિવહનની બસોની સુવિધા રહેલી છે. નજીકનું રેલવેસ્ટેશન ગોરખપુર છે.

આ જિલ્લાનો વિસ્તાર 2,538 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 31,00,946 છે. સાક્ષરતાનું પ્રમાણ 73.23% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 1013 સ્ત્રીઓ છે. શહેરી વસ્તીનું પ્રમાણ 10.22% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 15.11% અને 3.54% છે. અહીં હિન્દુઓની વસ્તી 87.07% છે, જ્યારે મુસ્લિમોની વસ્તી 11.56% છે. આ જિલ્લામાં મુખ્ય ભાષા ભોજપુરી (85.80%) છે. આ સિવાય હિન્દી (12.67%), ઉર્દૂ (1.40%) છે.

આ જિલ્લામાં પાંચ તાલુકાઓ આવેલા છે. જેમાં નવ નગરપંચાયત આવેલી છે.

ઇતિહાસ : આ જિલ્લો એક સમયે મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. ઉત્તરે પ્રાચીન આર્ય સંસ્કૃતિ, દક્ષિણે સ્યાનડિકા (Syandika) નદી અને પશ્ચિમે પંચાલ સામ્રાજ્યની વચ્ચે આ દેવરિયા આવેલું હતું તેથી તેનું મહત્ત્વ વધુ હતું. આ જિલ્લામાંથી પ્રાચીન સમયનાં મંદિરો, ઈંટો, સિક્કા, મૂર્તિઓ પ્રાપ્ત થયા છે. એક સમયે આ વિસ્તાર મૌર્ય, ગુપ્ત સામ્રાજ્યને હસ્તક રહ્યો હતો. ગઢવાલ સામ્રાજ્યના રાજા ગોવિંદા ચંદ્રા કે જેઓએ ઈ. સ. 1114થી 1154 સુધી શાસન કર્યું હતું. બ્રિટિશરોના સમયગાળા દરમિયાન રાજપૂત વંશના રાજા મજહૌલીને હસ્તક હતું. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે આ દેવરિયા સંકળાયેલું હતું.

દેવરિયા (શહેર) : આ શહેર નાની નદીના કિનારે વસેલું છે. તેનું ભૌગોલિક સ્થાન આશરે 26 20´ ઉ. અ. અને 83 40´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની વસ્તી (2011 મુજબ) 1,29,479 છે. આ શહેર સમુદ્રની સપાટીથી આશરે 68 મીટર ઊંચાઈ ધરાવે છે.

આ શહેર જિલ્લામથક હોવાથી ખેતપેદાશોનું મુખ્ય બજાર છે. આ શહેરમાં ખાંડ બનાવવાના અનેક એકમો આવેલા છે. ખાદ્યપ્રક્રમણનું મુખ્ય કેન્દ્ર છે. કુટિરઉદ્યોગો તેમજ હૅન્ડલૂમ કાપડના એકમો પણ જોવા મળે છે. સરકારી ગૅઝેટ મુજબ ‘દેવરિયા એટલે મંદિરોની ભૂમિ’ એમ જણાવાયું છે. અહીં દેવરાહા બાબા આશ્રમ અને દુગધેશ્વરનાથ મંદિર વધુ જાણીતાં છે.

અહીં હિન્દુઓની વસ્તી 87.77% જ્યારે મુસ્લિમોની વસ્તી 11.66% છે. આ સિવાય અહીં શીખ, ક્રિશ્ચિયન, જૈન, બૌદ્ધ લોકો પણ વસે છે. સાક્ષરતાનું પ્રમાણ લગભગ 78% છે. આ શહેરની મુખ્ય ભાષા હિન્દી છે, પરંતુ ભોજપુરી ભાષાનો મહત્તમ ઉપયોગ થાય છે.

આ જિલ્લો ગોરખપુર વિભાગમાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

નીતિન કોઠારી