દૂરદર્શન : ભારતની ટેલિવિઝન પ્રસારણ-સંસ્થા. સ્ટુડિયો અને ટ્રાન્સમીટરની વ્યવસ્થા, કાર્યક્રમનું વૈવિધ્ય અને દર્શકોની વિશાળ સંખ્યાને કારણે દૂરદર્શન વિશ્વની એક વિશાળ પ્રસારણ-સંસ્થા છે. 1959ની 15મી સપ્ટેમ્બરે દિલ્હીમાં નાનકડા ટ્રાન્સમીટર અને અસ્થાયી સ્ટુડિયોની સહાયથી પ્રાયોગિક ધોરણે પ્રસારણનો સાવ સામાન્ય રીતે પ્રારંભ થયો. અઠવાડિયાના બે દિવસ દિલ્હીની આજુબાજુનાં વીસ ગામોમાં કૃષિ અને શિક્ષણ આધારિત કાર્યક્રમો દર્શાવવામાં આવતા. એના પ્રસારણના સમયમાં ક્રમશ: વધારો થતો ગયો અને 1965થી રોજ નિયમિત પ્રસારણ થવા લાગ્યું. 1972માં મુંબઈમાં દૂરદર્શન શરૂ થયું. 1975 સુધી ભારતનાં માત્ર સાત મુખ્ય શહેરો ટેલિવિઝનનું પ્રસારણ ધરાવતાં હતાં. આજે 1415 ટ્રાન્સમીટર દ્વારા દૂરદર્શનના કાર્યક્રમો દેશની 92.2 ટકા વસ્તીને અને 82 ટકા વિસ્તારને આવરી લે છે. કાર્યક્રમો તૈયાર કરવા માટે 66 સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યા છે. આ અદ્યતન યંત્રવિદ્યાનો સામાજિક શિક્ષણ માટે વિશ્વમાં સૌપ્રથમ ઉપયોગ કરવાનો પ્રયાસ 1975–76માં ભારતમાં થયો. સૅટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સ્પેરિમેન્ટ(SITE)નો કાર્યક્રમ ‘નાસા’ની સહાયથી અમલમાં આવ્યો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO) તથા એ સમયે ‘આકાશવાણી’ના એક વિભાગ જેવું દૂરદર્શન તેમજ જુદી જુદી રાજ્ય-સરકારોના સંયુક્ત પ્રયાસથી આંધ્રપ્રદેશ, ઓરિસા, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ છ રાજ્યોમાં પાંચ જુદી જુદી ભાષાઓમાં સવારે શૈક્ષણિક અને સાંજે  કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરેને લગતા કાર્યક્રમો દર્શાવવામાં આવ્યા. ‘નાસા’એ એક વર્ષ વાપરવા માટે આપેલા ઉપગ્રહ દ્વારા પછાત ક્ષેત્રોમાં આવેલાં 2,400 ગામોને આવરી લેવામાં આવ્યાં.

1976માં ‘સાઇટ’ બંધ થતાં ભારતનાં ગામડાંઓ માટે ‘સાઇટ કન્ટિન્યૂઇટી સર્વિસ’ શરૂ થઈ, જેનું સંપૂર્ણ યંત્રવિદ્યાકીય કાર્ય અને તેનો અમલ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં થયો. 1981માં ભારતે ઍપલ ઉપગ્રહની સહાયથી કાર્યક્રમો દર્શાવ્યા. 1982માં ઇનસેટ શ્રેણીનો બીજો સંચાર ઉપગ્રહ મૂકવામાં આવ્યો. એ વર્ષે દિલ્હી અને જુદાં જુદાં ટ્રાન્સમીટરો વચ્ચે નિયમિત ઉપગ્રહજોડાણ કરીને રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરાયો. 1982ની 15મી ઑગસ્ટે ભારતમાં 34.30 કરોડ રૂપિયાના ખર્ચે રંગીન પ્રસારણનો પ્રારંભ કરાયો. દિલ્હીમાં યોજાયેલા નવમા એશિયાઈ રમતોત્સવમાં ટેલિવિઝનના રંગીન પ્રસારણનો પ્રયોગ થયો અને આને પરિણામે ટેલિવિઝનની લોકચાહનામાં પણ વધારો નોંધાયો. ભારતે આને માટે ‘પાલ’ પદ્ધતિ અપનાવી. એ સમયે દેશમાં પ્રતિદિન એક ટ્રાન્સમીટર સ્થપાતું હતું. પરિણામે માત્ર એક જ દસકામાં 46થી વધીને 553 ટ્રાન્સમીટરો થયાં અને કાર્યક્રમ નિર્માણ કરનારાં કેન્દ્રોમાં પણ નોંધપાત્ર વધારો થયો.

1976ની 1લી એપ્રિલે ‘આકાશવાણી’થી જુદું પાડીને ‘દૂરદર્શન’ને જુદું નામાભિધાન અને સ્વતંત્ર વિભાગનું રૂપ અપાયું. દૂરદર્શને એના કાર્યક્રમો પાછળ શિક્ષણ, માહિતી અને મનોરંજન – ત્રણેય હેતુઓ રાખ્યા. દૂરદર્શન ત્રણ સ્તરે કાર્યક્રમો દર્શાવે છે – રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક. રાષ્ટ્રીય કાર્યક્રમોમાં એનો વિશેષ ઝોક દેશની અખંડિતતા, કોમી સંવાદિતા તેમજ સમાચાર, વર્તમાન બનાવો, વિજ્ઞાન, ધારાવાહિક  સાંસ્કૃતિક ઘટનાઓ, સંગીત, નૃત્ય, નાટક અને ફીચર ફિલ્મો પર હોય છે. પ્રાદેશિક કાર્યક્રમો જે તે રાજ્યના પાટનગરમાં તૈયાર કરાય છે અને રાજ્યનાં બધાં જ ટ્રાન્સમીટર દ્વારા એનું પ્રસારણ થાય છે. સ્થાનિક કાર્યક્રમો અમુક નિશ્ચિત વિસ્તારના સ્થાનિક પ્રજાના પોતાના પ્રશ્નો માટે યોજાય છે.

1985માં ઇનટેક્સ્ટ નામે ઓળખાતી ટેલિટેક્સ્ટ સેવા દિલ્હીમાં શરૂ કરવામાં આવી; જેમાં ટ્રેનના સમય, વિમાની સેવાઓ, શૅરબજારના આંકડાઓ તથા ઋતુ જેવી લોકોપયોગી વિગતો આપવામાં આવે છે. લોકસેવા સંચાર પરિષદની સ્થાપના કરીને દૂરદર્શને રાષ્ટ્રભાવના તથા સામાજિક ઉત્થાનની ભાવનાની બાબતમાં પ્રયાસ કર્યો. આમાં માધ્યમો અને વિક્રય એ બંને ક્ષેત્રોના સર્જનશીલ નિષ્ણાતોનો સમાવેશ કર્યો. દૂરદર્શનનો એક વિભાગ એના કાર્યક્રમોનું આંતરરાષ્ટ્રીય વેચાણ કરવાની કામગીરી સંભાળે છે. વ્યવસાયી સંશોધકો દ્વારા દૂરદર્શન એના ‘ઑડિયન્સ રિસર્ચ યુનિટ’ દ્વારા પ્રસારણનાં જુદાં જુદાં પાસાંઓનો અભ્યાસ કરે છે. દર અઠવાડિયે કાર્યક્રમોને ક્રમાંક (rating) પણ આપે છે. વળી દર્શકોનાં સૂચનોના અમલ પર ધ્યાન આપવા ઉપરાંત રાષ્ટ્રીય અને પ્રાદેશિક કેન્દ્રોના સ્તરે ‘ડેટા બૅંક’ પણ ધરાવે છે. દૂરદર્શન પર 1976થી વિજ્ઞાપન કાર્યક્રમોની શરૂઆત થઈ. એ પછી વિજ્ઞાપનો અને પ્રાયોજિત કાર્યક્રમો પણ આવવા લાગ્યા. 1996–97માં આ વિજ્ઞાપનોમાંથી દૂરદર્શનનેં આશરે સાડા પાંચ અબજ રૂપિયા મળ્યા હતા.

1984માં મહાનગરોની પ્રજાને અનુલક્ષીને દિલ્હી કેન્દ્ર દ્વારા બીજી ચૅનલ શરૂ કરવામાં આવી અને તે પછી મુંબઈ, કૉલકાતા, ચેન્નાઈ અને અન્ય શહેરોમાં પણ આ સુવિધા આપવામાં આવી. 1993માં ચાર ટ્રાન્સમીટરનું ઉપગ્રહ સાથે જોડાણ થતાં શહેરી દર્શકોને વધુ મનોરંજક કાર્યક્રમો પૂરા પાડવામાં આવ્યા. આ સેવા ‘ડીડી2 મેટ્રો એન્ટરટેઇનમેન્ટ ચૅનલ’ તરીકે બીજાં શહેરોમાં વિસ્તારવામાં આવી અને અત્યારે લગભગ સાડા સાત કરોડ લોકો આ કાર્યક્રમ જોઈ શકે છે. દૂરદર્શને પ્રાદેશિક ભાષાની દસ સેટેલાઇટ ચૅનલ શરૂ કરી છે. દૂરદર્શન–3 દ્વારા વર્તમાન ઘટનાઓ, સાંસ્કૃતિક બનાવો અને વાણિજ્ય પ્રવાહો વિશે જાણકારી મેળવવા ઉત્સુક દર્શકો માટે ચૅનલ શરૂ કરવામાં આવી છે. 1995ના એપ્રિલમાં ‘મૂવી ક્લબ’ નામની ચલચિત્ર દર્શાવતી ચૅનલનો પ્રારંભ થયો. આ ચૅનલ પર રોજ ચારથી પાંચ ફિલ્મો દર્શાવવામાં આવે છે અને ભારતીય ફિલ્મોને આવરીને ભિન્ન ભિન્ન વિષયના કાર્યક્રમો દર્શાવાય છે. દૂરદર્શને કેબલ ન્યૂઝ નેટવર્ક (CNN) સાથે કરાર કરતાં દર્શકોને ચોવીસ કલાક સમાચાર અને વર્તમાન પ્રવાહોની છણાવટ કરતા કાર્યક્રમો જોવા મળે છે. દૂરદર્શનના દર્શકોની સંખ્યામાં અસાધારણ ઝડપે વધારો થયો છે અને થઈ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ દ્વારા 62,000 જેટલા સામૂહિક ટી.વી. સેટ ગામડાંઓમાં મૂકવામાં આવ્યા છે. આમ દૂરદર્શન ટેલિવિઝનના ક્ષેત્રે કદાચ વિશ્વની એક અગ્રણી સંસ્થા બની રહ્યું છે.

દૂરદર્શન અને શિક્ષણ : તા. 1–8–1975, શુક્રવારે સાંજે 6-20 વાગ્યે અમદાવાદમાં તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ ભારતનાં કેટલાંક રાજ્યોના દુર્ગમ અને આંતર પ્રાદેશિક ગામોને આવરી લઈ શકે તેવા સૅટેલાઇટ દૂરદર્શનનું ઉદ્ઘાટન કરીને ડૉ. વિક્રમ સારાભાઈના દૂરદર્શન દ્વારા સમૂહ-શિક્ષણ(mass education)ના સ્વપ્નને સાકાર કર્યું. શ્રીમતી ગાંધીએ પ્રસારણમાં કહ્યું કે સૅટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સ્પેરિમેન્ટ (SITE) દ્વારા રાષ્ટ્રની એકતા મજબૂત બનશે. 15–9–1959ના રોજ પ્રાયોગિક કક્ષાએ દૂરદર્શન સેવાનું ઉદ્ઘાટન દિલ્હીમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કર્યું હતું. યુનેસ્કો પ્રકલ્પ(project)ના ભાગ રૂપે તેનો હેતુ ‘પ્રયોગ, પ્રશિક્ષણ અને મૂલ્યાંકન’નો હતો. ભારતમાં રંગીન દૂરદર્શનની શરૂઆત ઑગસ્ટ, 1982થી કરવામાં આવી.

દૂરદર્શન દ્વારા શાળાકીય કાર્યક્રમો (ETV) ઑક્ટોબર, 1961થી શરૂ થયા. પરંતુ તેનો વ્યાપ ઘણો સીમિત હતો. દૂરદર્શન વિચાર-પ્રસારણનું ખૂબ જ પ્રબળ માધ્યમ હોઈ શિક્ષણક્ષેત્રે ક્રાંતિકારી સુધારા કરવા માટેનું અદ્વિતીય ઉપકરણ બની શકે તેમ છે. પ્રાથમિક શિક્ષણ, પ્રૌઢશિક્ષણ, શિક્ષણ-પ્રશિક્ષણ, સમૂહશિક્ષણ કે નવીન વિચારોના પ્રસારણ માટે શૈક્ષણિક દૂરદર્શન ખૂબ જ મહત્વનો ફાળો આપી શકે તેમ છે.

શૈક્ષણિક દૂરદર્શનના મુખ્ય બે પ્રકાર પાડી શકાય : ઓપન સર્કિટ અને ક્લોઝ્ડ સર્કિટ. પ્રથમ પ્રકારમાં સિગ્નલને ટ્રાન્સમીટર દ્વારા રેડિયોતરંગની સહાયથી પ્રસારિત કરી 70થી 120 કિમી.નો વિસ્તાર આવરી લેવાય છે; પરંતુ સિગ્નલ ટ્રાન્સમીટરથી ઍન્ટેના સુધી સીધી લીટીમાં જતા હોઈ પર્વતીય અથવા અસમતલ ભૂમિમાં આનો ઉપયોગ મર્યાદિત બને છે. ઓપન સર્કિટ દૂરદર્શનના બે પ્રકાર છે : (ક) વેરી હાઈ ફ્રિક્વન્સી (VHF), (ખ) અલ્ટ્રા હાઈ ફ્રિક્વન્સી (UHF). બીજા પેટા પ્રકારનો ઉપયોગ વધુ થાય છે; તેમાં 12 ચૅનલોની મર્યાદા છે. બીજા પ્રકારમાં સિગ્નલ કોઍક્સિઅલ કેબલ દ્વારા લઈ જવામાં આવે છે. આમાં મર્યાદિત ભૌગોલિક વિસ્તાર આવરી લેવાય છે. શાળાઓ જ્યારે ઇચ્છે ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં પ્રસ્તુત પ્રકાર વધુ સફળ પુરવાર થઈ શકે તેમ છે. સ્થાનિક લોકોની અભિરુચિને લક્ષમાં રાખી દૂરદર્શને શરૂઆતમાં ભારતનાં 6 રાજ્યો(આંધ્રપ્રદેશ, ઓરિસા, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર અને ઉત્તરપ્રદેશ)માં ધી ઇન્ડિયન નૅશનલ સૅટેલાઇટ (INSAT) સેવાઓ પૂરી પાડવાની શરૂઆત કરી. હવે INSAT સેવાઓનો વ્યાપ વર્ષ-પ્રતિવર્ષ વધતો રહ્યો છે. કાર્યક્રમો VHF અને સૅટેલાઇટનો ઉપયોગ કરી ડિરેક્ટ રિસીવર સેટ્સ (DRS) દ્વારા ગ્રામજનોના મોટા સમુદાયને આવરી લઈ અવૈધિક શિક્ષણ પૂરું પાડે છે.

શિક્ષણક્ષેત્રે ત્રણ પ્રકારના કાર્યક્રમો માટે દૂરદર્શન ઉપયોગમાં લઈ શકાય : (ક) નિદર્શન (demonstration) પ્રકારના કાર્યક્રમો, (ખ) પૂરક (supplementary) પ્રકારના કાર્યક્રમો અને (ગ) સીધા શૈક્ષણિક (direct teaching) પ્રકારના કાર્યક્રમો. શૈક્ષણિક દૂરદર્શનને વધુ સફળ બનાવવા માટે સી. ઈ. સ્વેનસને કેટલાક સિદ્ધાંતો રજૂ કર્યા છે. દૂરદર્શન કાર્યક્રમનું વિષયવસ્તુ (content) પ્રેક્ષક વર્ગ(ગમે તે ઉંમરના વિદ્યાર્થીઓ)ની જરૂરિયાતો અને વલણોને સંતોષી શકે તેવું પ્રબળ (reinforcing) હોવું જોઈએ. ભવિષ્યમાં જે જવાબદારીઓ પ્રેક્ષકવર્ગને ઉપાડવાની હોય તેને અનુલક્ષીને વિષયવસ્તુ હોવું જોઈએ. ટૂંક સમયમાં જ વળતર આપી શકે અથવા આનંદ આપી શકે તે પ્રકારનું વિષયવસ્તુ હોવું જોઈએ.

ભારતમાં અનેકવિધ જાતિઓ, લોકો, ભાષાઓ, સામાજિક રીતરિવાજો, રહેણીકરણી અને સામાજિક મૂલ્યો હોઈ પ્રસ્તુત વિવિધતામાંથી એકતા સ્થાપવા દૂરદર્શન સર્વોત્કૃષ્ટ માધ્યમ બની શકે તેમ છે. દૂરદર્શન દ્વારા શિક્ષણકાર્ય કરવાથી કેટલીક બાબતો સુલભ બને છે : શિક્ષણકાર્યમાં વિવિધતા, વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ પેદા થવી, ઝડપી અને અસરકારક વિચારપ્રસારણ, એકીસાથે અનેક સ્થળોના મોટા સમૂહોને આવરી લેવાની શક્તિ, દૂરના સ્થળના બનતા બનાવોનું તાત્કાલિક (live) દર્શન, ઉપરાંત વલણ-ઘડતરમાં, મૂલ્યોના વિકાસ માટે તેમજ સામૂહિક પ્રતિભા વિકસાવવામાં મદદરૂપ થઈ શકે તેવા કાર્યક્રમો તૈયાર કરીને દૂરદર્શન દ્વારા પ્રસારિત કરી તેનો ઇષ્ટ ઉપયોગ થઈ શકે. શૈક્ષણિક દૂરદર્શનની કેટલીક મર્યાદાઓ પણ છે. શરૂઆતમાં સારું એવું રોકાણ, અપૂરતા તજ્જ્ઞો, એકમાર્ગી શિક્ષણપ્રક્રિયા, વિદ્યાર્થીની સજાગતાનો પ્રશ્ન, ચોક્કસ ઝડપથી આગળ વધતા ટેલિકાસ્ટ સાથે બધા જ વિદ્યાર્થીઓ એ જ ઝડપે માહિતી સમજી શકે કે કેમ, વિદ્યાર્થીઓને વિચારવિમર્શ કે પ્રશ્નો પૂછવા માટેની તકોનો અભાવ વગેરે. ઉપર દર્શાવેલી મર્યાદાઓ દૂર કરવા દૂરદર્શન દ્વારા અપાતા શિક્ષણનો વૈધિક શિક્ષણ સાથે યોગ્ય સમન્વય થવો આવશ્યક છે.

ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાં 1983–84ના શૈક્ષણિક વર્ષમાં એજ્યુકેશન મીડિયા રિસર્ચ સેન્ટર(EMRC)ની સ્થાપના થઈ જે વિવિધ વિષયોને લગતી અનેક ટીવી શ્રેણીઓનું નિર્માણ કરી, તેના પર સંશોધન કરી, તે દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનો પ્રસાર કરવામાં મહત્વનો ફાળો આપી રહેલી છે.

ગુજરાતમાં દૂરદર્શન : ગુજરાતમાં પીજ ખાતે બહુ મર્યાદિત ક્ષેત્રમાં વિશેષ ગ્રામ અને કૃષિલક્ષી કાર્યક્રમના પ્રસારણ માટે 1975માં કેન્દ્ર સ્થપાયું. ગુજરાત સીમાવર્તી રાજ્ય હોવાથી પાકિસ્તાનનો ભારતવિરોધી દ્વેષીલો પ્રચારધોધ હોવા છતાં ગુજરાત પ્રત્યે દુર્લક્ષ સેવાયું. છેક 1983માં અમદાવાદને 25 કિમી. ત્રિજ્યાનો વિસ્તાર આવરી શકે તેવું નબળું કેન્દ્ર અપાયું. તે સાથે પીજ કેન્દ્ર બંધ કરાયું. તેની યંત્રસામગ્રી બીજા રાજ્યને આપવા ઠરાવવામાં આવ્યું. તા. 2 ઑક્ટોબર, 1987થી ગુજરાતી ભાષામાં 15 મિનિટના પ્રાદેશિક સમાચારનું પ્રસારણ આરંભાયું.

તા. 7 જુલાઈ, 1988ના દિવસે ડાંગમાં આહવામાં પ્રસારણકેન્દ્ર સ્થપાતાં ગુજરાતનાં કેન્દ્રોની સંખ્યા 15 થઈ. અત્યારે દૂરદર્શન ડીટીએચ સર્વિસ ઉપરાંત 31 ટીવી ચૅનલો પરથી પ્રસારણ કરે છે જેમાં સ્પૉટર્સ ચૅનલ (1999), ડીડી ભારતી (2002) અને પ્રાદેશિક ભાષામાં પ્રસારણ કરતી બધી દૂરદર્શન ચૅનલનો સમાવેશ થાય છે. 1995માં ડીડી-વર્લ્ડ ચૅનલની શરૂઆત કરવામાં આવી. પરદેશ ગયેલા ભારતીયો ભારતના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક પ્રવાહો સાથે જોડાયેલા રહે તેવો તેનો હેતુ છે. આ ચૅનલ 2002થી ડીડી-ઇન્ડિયાને નામે ઓળખાય છે જે 146 દેશોમાં ચોવીસે કલાક પ્રસારણ કરે છે.

અત્યારે ઉચ્ચ શક્તિ ધરાવતાં 11 કેન્દ્રો, 54 અલ્પશક્તિ કેન્દ્રો અને ત્રણ અત્યલ્પશક્તિ કેન્દ્રો છે.

પ્રીતિ શાહ

જયંતીભાઈ હીરાલાલ શાહ