દૂરકાળ, જયેન્દ્રરાવ ભગવાનલાલ

March, 2016

દૂરકાળ, જયેન્દ્રરાવ ભગવાનલાલ (જ. 1 સપ્ટેમ્બર 1881, ઠાસરા, જિ. ખેડા; અ. 3 ડિસેમ્બર 1960, અમદાવાદ) : ગુજરાતી નિબંધકાર, કવિ, સંપાદક. વડનગરા નાગર ગૃહસ્થ, વતન અમદાવાદ. પ્રાથમિક શિક્ષણ ગોંડલમાં, માધ્યમિક કેળવણી વડોદરા, ઉચ્ચતર અભ્યાસ બહાઉદ્દીન કૉલેજ (જૂનાગઢ) અને ગુજરાત કૉલેજ (અમદાવાદ). બી.એ. 1906, એમ. એ. 1910. એમ.એ. અભ્યાસ દરમિયાન નારાયણ મહાદેવ પરમાનંદ યુનિવર્સિટી નિબંધ પારિતોષિકની પ્રાપ્તિ.

અનુસ્નાતક અભ્યાસ બાદ કૉલકાતામાં ઍંગ્લો વર્નાક્યુલર હાઈસ્કૂલમાં હેડમાસ્તર હતા. ત્યાં 1912માં ‘ધ રિવ્યૂ’ નામે અંગ્રેજી માસિક શરૂ કરેલું. એમનાં અંગ્રેજી લખાણો ‘બૉમ્બે ગેઝેટ’ અને ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં પ્રગટ થતાં. 1916માં કૉલકાતાથી અમદાવાદ આવી ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયા. 1920થી નિવૃત્તિ પર્યંત સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં ગુજરાતી અને અંગ્રેજીના અધ્યાપક હતા. સૂરતની ધર્મવિષયક પ્રવૃત્તિમાં તેમણે સારો ભાગ ભજવ્યો હતો; થોડો વખત સૂરતની શ્રી વિઠ્ઠલદાસ ઠાકોરદાસ હિંદુ ગુરુકુળ સંસ્થામાં પ્રધાન આચાર્ય હતા તેમજ સનાતન ધર્મશિક્ષણ મંડળના પ્રમુખ હતા.

એમણે મુખ્યત્વે નિબંધકાર તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. એમના ગંભીર નિબંધોના સંગ્રહો ‘થોડાંક છુટ્ટાં ફૂલ’ (1927), ‘ધર્મ અને રાષ્ટ્ર’ (1936), ‘નંદિની’ (1951), ‘ગીતાકૌમુદી’ (1951) છે. વિનોદપ્રધાન અને કટાક્ષયુક્ત શૈલીનો સંગમ સાધતા હળવા હાસ્યરસિક નર્મમર્મયુક્ત નિબંધોના એમના સંગ્રહો ‘પોયણાં’ (1929), ‘અમી’ (1935) અને ‘ઊંધે ઘડે પાણી’ (1950) છે.

એમનો કાવ્યસંગ્રહ ‘ઝરણાં – ટાઢાં અને ઊન્હાં’ (1928) છે જેના પર કાન્ત અને ન્હાનાલાલ જેવા કવિઓનો પ્રભાવ વર્તાય છે. પૌરાણિક વસ્તુ લઈને રચેલાં નાટકો ‘સાત લીલાનાટકો અથવા વિભુની વિભૂતિઓનું સુદર્શન’(1951)માં ગ્રંથસ્થ છે જે એમના ધર્મશાસ્ત્ર અને પુરાણના જ્ઞાનના સાક્ષીરૂપ છે. જોકે નાટકો માત્ર સંવાદરૂપ બની રહે છે. ‘લોકોને પ્રભુ ઈશુની સંગત’ (1942) નામે બોધક પુસ્તિકા એમણે લખી છે.

દૂરકાળે એમની માતા જસબાનાં કાવ્યોના સંગ્રહ ‘હરિરસગીત’ (1915) અને ‘સિંહસ્થ યાત્રાવર્ણન’ (1925) પ્રસિદ્ધ કર્યા હતા. ‘સનાતન ધર્મ શિક્ષણમાળા’ શ્રેણીમાં બાળકોને ધર્મ અને સદાચારનું શિક્ષણ મળે એવા સંસ્કૃત શ્લોકોનો એમનો સંગ્રહ ગુજરાતી ભાષાન્તર સહિત ‘બાળપાઠ્યપોથી’ (1937) નામે હિન્દુ ગુરુકુળ (સૂરત) દ્વારા પ્રગટ થયો હતો જેની ટૂંક સમયમાં અનેક આવૃત્તિઓ થઈ હતી.

ધર્મતત્વ-ચિંતનનાં એમનાં બે સંપાદનો ‘ચિત્તતત્વ નિરૂપણ’ (1918) અને ‘અંજલિ’ છે. એમણે અંગ્રેજીમાં પણ પુસ્તકો લખ્યાં છે, તે ‘હાર્મની ઑવ્ કિડ્ઝ’ (1912), ‘ઇન્ડિયન એજ્યુકેશન’ (1928), ‘પૉલિટિક્સ ઍન્ડ એજ્યુકેશન’ (1928) અને ‘સ્ફિયર્સ ઑવ્ સાયન્સ ઍન્ડ ફિલૉસૉફી’ (1937) છે.

તેમને બનારસના ભારતધર્મમંડળ તરફથી ‘ધર્મવિનોદ’ અને જગન્નાથપુરીના શંકરાચાર્ય તરફથી ‘વિદ્યાવારિધિ’ની પદવી મળી હતી.

મનોજ દરુ