દુષ્કાળ : અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિને કારણે ઊભું થતું અન્નસંકટ. આહારની ચીજોની લાંબો સમય ચાલતી તીવ્ર તંગી, જેને પરિણામે લોકો મોટી સંખ્યામાં ભૂખમરો ભોગવે અને મૃત્યુપ્રમાણ વધી જાય. લોકો ખેતી કરીને સ્થિર વસવાટ કરતા થયા ત્યારથી દુષ્કાળો પડતા આવ્યા છે. નોંધવામાં આવેલો સહુથી જૂનો દુષ્કાળ ઇજિપ્તમાં ઈ. સ. પૂર્વે 3500માં પડેલો. દુષ્કાળોમાં વત્તીઓછી સંખ્યામાં લોકોનાં મૃત્યુ નીપજતાં હોય છે. પરંતુ તેને અંગે વિશ્વાસપાત્ર ચોક્કસ આંકડો આપી શકાતો નથી. ચાલુ વીસમી સદીમાં પણ દુનિયાના વિવિધ દેશોમાં પડેલા દુષ્કાળોમાં ખરેખર કેટલા માણસો ભૂખમરાથી મૃત્યુ પામ્યા તેની ભરોસાપાત્ર માહિતી ઉપલબ્ધ નથી.

દુષ્કાળનાં કારણો : આહારની ચીજોની તીવ્ર તંગી સર્જાવાનાં કારણો કુદરતી અને માનવસર્જિત હોઈ શકે. અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિ તેનું સહુથી મોટું અને સર્વસામાન્ય કારણ હોય છે. અતિવૃષ્ટિ, પૂર અને વાવાઝોડાથી પાક નાશ પામે તોપણ અનાજની અછત સર્જાઈ શકે. પાકમાં જીવાત પડવાથી અને વ્યાપક પ્રમાણમાં રોગ પ્રસરી જવાથી પણ પાક નિષ્ફળ  જતાં દુષ્કાળની સ્થિતિ ઉદભવી શકે. આયર્લૅન્ડમાં 1845થી 1851 વચ્ચે ત્રણ વર્ષ રોગને કારણે બટાટાનો પાક મહદંશે નાશ પામવાથી દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી અને તેમાં 10થી 15 લાખ લોકો મૃત્યુ પામ્યા હોવાના અંદાજો છે.

વિવિધ કુદરતી કારણોથી દુષ્કાળ સર્જાઈ શકે, પરંતુ તેમાં મોટાભાગના દુષ્કાળો અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિને કારણે પડેલા છે. અઢારમી સદી પછી દુષ્કાળો મુખ્યત્વે સૂકા ગણાતા એશિયાના દેશોમાં, ખાસ કરીને ચીન અને ભારતમાં પડેલા છે. આનો અર્થ એવો નથી કે અન્ય ખંડોમાં આવેલા દેશોમાં દુષ્કાળ પડ્યા નથી. પરંતુ ચીન અને ભારતમાં જેટલી સંખ્યામાં દુષ્કાળો પડ્યા છે તેટલી મોટી સંખ્યામાં અન્ય દેશોમાં પડ્યા નથી. આને કારણે એમ માનવામાં આવે છે કે અતિ વસ્તી અને ગરીબી દુષ્કાળ માટે જવાબદાર એવાં મહત્વનાં પરિબળો છે. યુરોપના દેશોમાં મધ્યયુગમાં (આઠમીથી પંદરમી સદી) સંખ્યાબંધ દુષ્કાળો પડ્યા હતા; દા. ત., ઇંગ્લૅન્ડમાં 95 અને ફ્રાન્સમાં 75 દુષ્કાળો પડ્યા હતા. છેલ્લી ત્રણેક સદીઓ દરમિયાન યુરોપના દેશોમાંથી ગરીબી મહદંશે નાબૂદ થતાં કુદરતી કારણોથી સર્જાતા દુષ્કાળો પણ દૂર થયા એ હકીકતને ઉપર્યુક્ત મતના સમર્થનમાં ટાંકી શકાય.

કુદરતસર્જિત દુષ્કાળોની તુલનામાં માનવસર્જિત દુષ્કાળોની સંખ્યા ઓછી નથી. યુદ્ધમાં રોકાયેલા દેશોએ પાકનો નાશ કરીને અનાજની કારમી તંગી સર્જી હોય એવા સંખ્યાબંધ દાખલાઓ ઇતિહાસમાં નોંધાયેલા છે. ચોક્કસ વિસ્તારો કે શહેરોની નાકાબંધી કરીને જે તે વિસ્તાર કે શહેરોમાં બહારથી અનાજ નહિ પહોંચવા દઈને દુષ્કાળ સર્જવામાં આવ્યો હોય એવા પણ સંખ્યાબંધ કિસ્સાઓ બન્યા છે. દેશમાં થયેલા આંતરવિગ્રહને કારણે દુષ્કાળ સર્જાયો હોય એવા પણ દાખલા બન્યા છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આવા માનવસર્જિત દુષ્કાળને કારણે લેનિનગ્રાડ, વૉર્સો, નેધરર્લૅન્ડ્ઝ અને ગ્રીસમાં હજારો માણસોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. એ જ રીતે ચીનના હોનાન પરગણામાં 1943માં યુદ્ધે સર્જેલા દુષ્કાળમાં 30થી 50 લાખ માણસો મૃત્યુ પામ્યા હોવાના અંદાજો છે. એ જ વર્ષે ભારતમાં બંગાળમાં પડેલા દુષ્કાળનું એક કારણ યુદ્ધ હતું. નાઇજિરિયામાં 1967થી ’70 વચ્ચે થયેલા આંતરવિગ્રહમાં ભૂખમરાથી 20થી 30 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 1975માં કંબોડિયામાં યુદ્ધ અને આંતરવિગ્રહના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી, જોકે તેમાં કેટલા માણસો માર્યા ગયેલા તે જાણી શકાયું નથી. 1979માં યુગાન્ડામાં આંતરવિગ્રહ અને અનાવૃષ્ટિને કારણે પડેલા દુષ્કાળમાં અઢી લાખ માણસો માર્યા ગયેલા. શાંતિના સમયમાં પણ શાસકોએ તેમની ઇચ્છા પ્રજા પર લાદવા માટે અનાજનો પુરવઠો કાપી નાખીને દુષ્કાળ સર્જ્યો હતો, એવા કેટલાક દાખલાઓ છે. 1932થી ’34 દરમિયાન સોવિયેત રશિયામાં ખેતીનું સામૂહિકીકરણ કરવા માટે એ રસ્તો અપનાવવામાં આવ્યો હતો. તેમાં સર્જાયેલ ભૂખમરાથી મૃત્યુ પામેલા માણસોની સંખ્યાના વિભિન્ન અંદાજો મુકાયા છે. તેમાં એક અંદાજ 50 લાખનો છે.

સામાન્ય રીતે દુષ્કાળની સ્થિતિ સમગ્ર દેશ કે પ્રદેશમાં વ્યાપક રીતે સર્જાતી નથી. તે કેટલાક વિસ્તારો પૂરતી મર્યાદિત રહેતી હોય છે. જે વિસ્તારોમાં એક કે બીજા કારણે અનાજની તીવ્ર તંગી વર્તાય તેમાં અનાજના ભાવો ઝડપથી વધે છે. અને તેથી ગરીબો તે ખરીદી શકતા ન હોવાથી ભૂખમરાનો ભોગ મુખ્યત્વે ગરીબો બનતા હોય છે.

દૂરના ભૂતકાળમાં દુષ્કાળનો જે ભય હતો. તે હવે આજે રહ્યો નથી. છેલ્લાં દોઢસો, બસો વર્ષ દરમિયાન દુનિયામાં અનાજના ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. વાહનવ્યવહાર ઝડપી અને પ્રમાણમાં સસ્તો બન્યો છે. તેથી આજે દુનિયાના કોઈ પણ ભાગમાં ત્વરાથી અનાજ મોકલીને ભૂખમરાને ટાળી શકાય છે. ભારતમાં 1965–67નાં વર્ષોમાં અલ્પવૃષ્ટિ વ્યાપક હતી, છતાં અનાજની આયાતો દ્વારા દુષ્કાળને નિવારી શકાયો હતો.

ભારતમાં દુષ્કાળો : ભારતમાં ઘણા લાંબા સમયથી દુષ્કાળો પડતા રહ્યા છે. બ્રિટિશ રાજ્યકાળ પહેલાં ભારતમાં પડેલા દુષ્કાળો અંગેની કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એમ કહેવાય છે કે દર 50 વર્ષે એક મોટો દુષ્કાળ પડતો હતો. અગિયારમી સદીથી સત્તરમી સદીના અંત સુધીમાં ભારતમાં લગભગ 14 દુષ્કાળો પડ્યા હતા; જેમાંના મોટાભાગના દુષ્કાળો નાના વિસ્તારો પૂરતા મર્યાદિત હતા. 1765થી 1858 સુધીમાં 12 દુષ્કાળ પડેલા અને ચાર વખત તીવ્ર અછતની સ્થિતિ સર્જાઈ હતી. દુષ્કાળ વિશેની સૌપ્રથમ અધિકૃત માહિતી 1838માં પડેલા દુષ્કાળ વિશેની ગણાય છે. આ દુષ્કાળ ભારતના હાલ ઉત્તરપ્રદેશ તરીકે ઓળખાતા ઉત્તર-પશ્ચિમ પ્રાંતોમાં પડ્યો હતો, જેમાં 8 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ 1860 થી 1880ના ગાળામાં પાંચ દુષ્કાળ પડેલા અને ત્રણ વખત અછતની સ્થિતિ સર્જાઈ હતી. આ સમયગાળામાં જે દુષ્કાળો પડ્યા તેની અસર તે વખતના ઉત્તર-પશ્ચિમના પ્રાંતો, અવધ, મુંબઈ ઇલાકો, મદ્રાસ ઇલાકો, ઓરિસા, બિહાર, રાજપૂતાના, બંગાળ, પંજાબ, હૈદરાબાદ અને મૈસૂર પર થઈ હતી. 1870 પહેલાં જે દુષ્કાળો પડ્યા તેમાં વાહનવ્યવહારની અલ્પ સગવડો મુખ્યત્વે જવાબદાર હતી. 1872 સુધીમાં ભારતમાં અમુક રેલવે-લાઇનો નંખાઈ ચૂકી હતી તેથી અનાજની હેરફેર કરવાનું થોડું સહેલું બન્યું હતું. જોકે અંતરિયાળ વિસ્તારોમાં અનાજ પહોંચાડવાનું તો હજુ મુશ્કેલ જ હતું. અનાજની અછત, અનાજના વધતા જતા ભાવો, અને અનાજ ખરીદવાની શક્તિનો અભાવ વગેરે પરિબળો દુષ્કાળની ભયાનકતા વધારવામાં જવાબદાર હતાં.

1880થી 1895ના સમયગાળામાં કોઈ ભયાનક દુષ્કાળો પડ્યા ન હતા, પરંતુ જુદી જુદી જગ્યાએ 14 વખત અછતની પરિસ્થિતિ સર્જાઈ હતી. આમાંની કેટલીક અછત ખૂબ જ ગંભીર હતી, જેમાં બંગાળ, બિહાર, ચેન્નાઈ, પંજાબ, ઉત્તર-પશ્ચિમી પ્રાંતો, મધ્ય-પ્રાંત, અજમેર અને મારવાડનો સમાવેશ થયો હતો. 1891માં બંગાળમાં અનાજની જે તીવ્ર અછત સર્જાઈ હતી, તેનું વર્ણન બંગાળના લેફ્ટનન્ટ ગવર્નરે કર્યું હતું. તે મુજબ તે વખતની પરિસ્થિતિમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હતો, દરરોજ એક આનામાં (હાલના 6 પૈસામાં) માનવી પોતાનું ભરણપોષણ કરી શકે તેમ હતું. પરંતુ ભૂમિહીન મજૂરો પાસે અનાજ ખરીદવા એક આના જેટલી રકમ પણ ન હતી. આ એક આનો કમાવા માટે તેમણે સરકારી રાહતકામો ઉપર મજૂરી કરવી પડતી હતી. 1891–92માં બ્રહ્મદેશ (હાલનું મ્યાનમાર)ના ઉત્તર ભાગમાં દુષ્કાળ પડેલો. 1890 અને 1892માં અલમોડા અને ગઢવાલના પર્વતીય પ્રદેશોમાં અને ઉત્તર-પશ્ચિમી પ્રાંતોમાં સ્થાનિક અછતની સ્થિતિ સર્જાઈ હતી. 1888–89માં મદ્રાસ ઇલાકાના ગંજામ જિલ્લામાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો.

1896થી 1908ના સમયગાળામાં માત્ર બે જ વર્ષ ખેતીની ર્દષ્ટિએ સંતોષકારક રહ્યાં હતાં, જેમાંનું એક 1898નું અને બીજું 1904નું વર્ષ હતું. બાકીનાં 12 વર્ષો દરમિયાન દેશના કોઈ ને કોઈ ભાગમાં દુષ્કાળ કે અછતની પરિસ્થિતિ સર્જાતી રહેલી. 1895માં બુંદેલખંડમાં મર્યાદિત દુષ્કાળ પડેલો, જે 1896માં પણ ચાલુ રહેલો. 1896ના વર્ષમાં આખા ભારતમાં વરસાદ ખૂબ ઓછો પડવાથી લગભગ સમગ્ર દેશમાં દુષ્કાળની સ્થિતિ સર્જાયેલી. ત્યારબાદ 1899–1900માં પાક નિષ્ફળ જવાથી ‘છપ્પનિયા દુકાળ’ તરીકે જાણીતો થયેલો  એક મોટો દુષ્કાળ પડેલો. 1860 પછી પડેલા તમામ દુષ્કાળોમાં આ દુષ્કાળ સૌથી ભયંકર ગણાય છે. 1906માં ઉત્તર-બિહારમાં, અને 1907–8માં આગ્રા, અવધ, મધ્યપ્રાંત, તથા મુંબઈ અને મદ્રાસ ઇલાકાના કેટલાક ભાગોમાં દુષ્કાળ પડેલો.

1908થી 1942 દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં છૂટક છૂટક અછતની સ્થિતિ ઊભી થયેલી પરંતુ કોઈ મોટો દુષ્કાળ પડ્યો ન હતો. અછત ઊભી થતી ત્યારે લોકો આસપાસના વિસ્તારોમાં સ્થળાંતર કરી જતા. સમગ્ર રીતે તે દરમિયાન અનાજના ભાવો કાબૂમાં રહેવાથી ગરીબોને અનાજની અછત નડી નહિ, તેમજ દુષ્કાળરાહત-કાર્યોની પણ ખાસ જરૂર પડી નહિ. જોકે કેટલીક જગ્યાએ નાના પાયા ઉપર રાહતકાર્યો અમલમાં મુકાયાં. સરવાળે આ સમયગાળામાં દુષ્કાળ ન પડવાથી લોકોમાં એવી છાપ ઊભી થઈ કે હવે દુષ્કાળ એ ભૂતકાળની ઘટના બની ગઈ છે; પરંતુ ત્યાં જ 1943માં બંગાળમાં પડેલા ભયંકર દુષ્કાળે લોકોનો આ ભ્રમ ભાંગી નાખ્યો. ‘બંગાળના દુષ્કાળ’ તરીકે જાણીતા આ દુષ્કાળની પરિસ્થિતિ ઉત્પન્ન થવા માટે નીચેનાં કારણો જવાબદાર ગણાય છે :

(1) અત્યાર સુધી બંગાળમાં ચોખાનો પુરવઠો બ્રહ્મદેશમાંથી આવતો હતો, પરંતુ તેના ઉપર જાપાને કબજો જમાવ્યો તેથી ત્યાંથી આવતો ચોખાનો પુરવઠો અટકી ગયો હતો.

(2) પંજાબ તથા સંયુક્ત પ્રાંતમાંથી આવતો રાહત માટેના અનાજનો પુરવઠો તે વિસ્તારની નદીઓમાં આવેલાં પૂરને કારણે અટકી ગયો હતો.

(3) જાપાન દ્વારા આક્રમણ થશે એવા ભયને લીધે અનાજનો પુરવઠો પૂર્વ બંગાળમાંથી બીજા પ્રાંતોમાં સરકારે ખસેડી લીધો હતો.

(4) અનાજની અછત ઊભી થઈ તેનો ગેરલાભ લઈને વેપારીઓએ અનાજની સંઘરાખોરી કરવાનું ચાલુ કર્યું હતું.

(5) દુષ્કાળની પરિસ્થિતિને હલ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી હતી.

1943ના આ દુષ્કાળની તપાસ કરવા માટે નિમાયેલા દુષ્કાળ તપાસ પંચે  (1944) નોંધ્યું હતું તે મુજબ લગભગ 15 લાખ લોકો આ દુષ્કાળમાં  હોમાઈ ગયા હતા. કલકત્તા યુનિવર્સિટીના પ્રો. કે. પી. ચટ્ટોપાધ્યાયે આ દુષ્કાળમાં થયેલાં મૃત્યુ અંગે કરેલી નમૂનારૂપ મોજણીના આધારે એમ તારવેલું કે તેમાં લગભગ 35 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 1943ના જુલાઈ માસથી ડિસેમ્બર સુધીમાં આ દુષ્કાળ તેની પરાકાષ્ઠાએ હતો. આ સમયગાળા દરમિયાન બંગાળમાં મૃત્યુદરમાં 108.3 % જેટલો વધારો નોંધાયો હતો.

આ દુષ્કાળને કાબૂમાં લેવા માટે સરકારે સૌપ્રથમ અનાજના મહત્તમ ભાવો નક્કી ર્ક્યા; પરંતુ અનાજના પૂરતા પુરવઠાને અભાવે આ ભાવનિયંત્રણ અસરકારક બની શક્યું નહિ. વળી સરકારે લોકોને એવી સલાહ આપી કે બે મહિના ચાલે તેટલો અનાજનો પુરવઠો સૌ નાગરિકોએ પોતાની પાસે રાખી મૂકવો. આવી જાહેરાતથી અનાજની સંઘરાખોરી વધી અને અછત વધુ તીવ્ર બની. છેવટે અનાજની હેરફેર તથા વહેંચણી કરવા માટે લશ્કરની મદદ લેવામાં આવી અને ત્યારબાદ દુષ્કાળની પરિસ્થિતિ કાબૂમાં આવી.

ભારતમાં દુષ્કાળની અસરો : ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં દુષ્કાળની અસરો ખૂબ જ આપત્તિજનક નીવડે છે. અગાઉના સમયમાં દુષ્કાળ દરમિયાન અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ જતા. પાછળથી આ સ્થિતિમાં પલટો આવ્યો અને દુષ્કાળને લીધે સર્જાતા ભૂખમરાથી થતાં મૃત્યુનું પ્રમાણ ઘટ્યું. આમ છતાં, દુષ્કાળની પાછળ પાછળ આવતા રોગચાળામાં ઘણા લોકો મૃત્યુ પામતા. દુષ્કાળમાંથી બચી જનારા લોકોમાં એટલી બધી શારીરિક નબળાઈ આવી જતી કે તેઓ પોતાનું રોજિંદું કામકાજ પણ સારી રીતે કરી શકતા નહિ. આથી છેવટે કાર્યક્ષમતામાં ઘટાડો થતો. વળી દુષ્કાળના સમયમાં ખેતીની પ્રવૃત્તિ બંધ થઈ જવાથી ખેડૂતોને ઘણું આર્થિક નુકસાન થતું. ઘાસચારાની તંગીને કારણે અનેક પશુઓનાં મૃત્યુ થતાં અને દેશનું પશુધન ઘટી જતું. દુષ્કાળને લીધે ખેડૂતોની આવકમાં અને ખરીદશક્તિમાં ઘટાડો થતો તેથી તેઓ જે ચીજવસ્તુઓની ખરીદી કરતા તેમાં ઘટાડો થતો. છેવટે તેની પ્રતિકૂળ અસર દેશના ઉદ્યોગ, વેપાર, તથા ધંધા ઉપર પડતી.

અનાજના ભાવમાં વધારો : દુષ્કાળ દરમિયાન અનાજની અછત ઊભી થવાથી અનાજના ભાવ વધી જતા. આમાં પણ વેપારીઓ નફાખોરી કરવાની વૃત્તિ રાખતા હોવાથી અનાજની સંઘરાખોરી કરતા, અછતને વધુ તીવ્ર બનાવતા, એને પરિણામે ભાવોમાં ઓર વધારો થતો. ભાવવધારાને લીધે સામાન્ય માનવી માટે અનાજ ખરીદવાનું મુશ્કેલ બની જતું અને તે ભૂખમરામાં ધકેલાઈ જતો. ભાવ કેટલા પ્રમાણમાં વધી જતા તેનાં કેટલાંક ઉદાહરણો ઉપલબ્ધ છે : 1860માં કાનપુરમાં 1 રૂ.ના 25 શેર (લગભગ 12 કિગ્રા.) ઘઉં મળતા હતા, પરંતુ તે વર્ષે દુષ્કાળ પડવાથી 1 રૂ.માં 15 શેર (લગભગ 7 કિગ્રા.) ઘઉં મળવા લાગ્યા. 1860માં સહારનપુરમાં દોઢ રૂપિયે એક મણ આશરે (37 કિગ્રા.) ઘઉં મળતા હતા, જ્યારે 1861માં ભાવ વધીને પાંચ રૂપિયે એક મણ (આશરે 37 કિગ્રા.) થયા હતા. સામાન્ય રીતે દુષ્કાળ દરમિયાન અનાજના ભાવો સામાન્ય સમયના ભાવો કરતાં ઓછામાં ઓછા બમણા તો થઈ જ જતા. 1943માં પડેલા બંગાળના દુષ્કાળ દરમિયાન ચોખાના ભાવમાં થયેલો અભૂતપૂર્વ વધારો ચોંકાવી મૂકનારો હતો; દા. ત., બંગાળના બર્દવાન જિલ્લામાં મધ્યમ પ્રકારના ચોખાનો ભાવ 18મી નવેમ્બર, 1942ના રોજ એક મણ(આશરે 37 કિગ્રા.)ના રૂ. 7.5 જેટલો હતો. સાત જ દિવસમાં આ ભાવ વધીને રૂ. 10.5 થયો, 1942ના ડિસેમ્બર મહિનાની બીજી તારીખે તે વધીને રૂ. 11.5 થયો અને 1943ના મે મહિનામાં તે રૂ. 30 જેટલો થયો, ઑગસ્ટ મહિનામાં રૂ. 40થી 50 જેટલો ભાવ ઊંચો ગયો, જ્યારે ચિત્તાગૉંગ જિલ્લામાં આ સમયે ચોખાનો ભાવ એક મણ(આશરે 37 કિગ્રા.) દીઠ રૂ. 80ની અકલ્પ્ય સપાટીએ પહોંચી ગયો હતો.

ગુજરાતમાં દુષ્કાળો : ગુજરાતમાં દુષ્કાળોના ઇતિહાસ અંગે નીચેની વિગતો જાણવા મળે છે :

(1) 1334–35નાં વર્ષોમાં ગુજરાતમાં વ્યાપક દુષ્કાળ પડ્યો હતો. તે સમયે મહમ્મદ તુઘલુકે રાહત માટે કેટલાક ઉપાયો યોજ્યા હતા. તેણે કૂવા ખોદાવ્યા; અન્નક્ષેત્રો ખોલ્યાં; માંદા, અશક્ત અને વૃદ્ધ લોકો માટે આર્થિક સહાય આપવાની સગવડ પણ કરેલી. આ ઉપરાંત દુષ્કાળથી અસર પામેલા લોકોને ધિરાણ આપવાની વ્યવસ્થા પણ કરી હતી.

(2) 1597માં અકબરના સમયમાં એક મોટો દુષ્કાળ પડેલો. વાહનવ્યવહારનાં સાધનો અને સગવડોનો બહુ ઓછો વિકાસ થયો હતો તેવા સમયમાં અકબરે દુષ્કાળરાહતનાં જે પગલાં લીધેલાં તે પ્રશસ્ય ગણી શકાય તેવાં હતાં. લોકોને રોજી પૂરી પાડવાના આશયથી લશ્કરમાં વધારાની ભરતી શરૂ કરવામાં આવી હતી તથા કિલ્લાઓ બાંધવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દુષ્કાળના સમયમાં તેણે દશેરી વેરો નાખવાનું ચાલુ કરેલું. અછતગ્રસ્ત વિસ્તારોમાં પણ જે ખેડૂતો પાસે સિંચાઈની સગવડ હોય, અથવા અછતગ્રસ્ત વિસ્તારોની આસપાસના પરંતુ દુષ્કાળની અસર વગરના જે વિસ્તારો હોય તે વિસ્તારોમાં ખેડાણ હેઠળની એક વીઘા (આશરે 4,047 ચોમી.) જમીનદીઠ આશરે 10 કિગ્રા. અનાજનો વેરો ખેડૂત ઉપર નંખાયો. આ વેરા દ્વારા જેટલું અનાજ મળે તે દુષ્કાળથી અસર પામેલી વસ્તીને પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્નક્ષેત્રો ખોલીને તથા રાહતકાર્યો શરૂ કરીને તેણે દુષ્કાળપીડિતોને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો.

(3) 1630–31માં શાહજહાંના શાસનકાળ દરમિયાન ગુજરાતે એક ભયંકર દુષ્કાળ અનુભવેલો. તે દરમિયાન બાદશાહે મુખ્યત્વે રાહતકાર્યો તથા અન્નક્ષેત્રો દ્વારા લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત તેણે અપંગ અને નિરાધાર લોકોને મદદ કરેલી. મહેસૂલમાફીની નીતિ પણ તેણે વધુ સારી રીતે અમલમાં મૂકી.

(4) 1900માં પડેલા અને ‘છપ્પનિયા દુકાળ’ તરીકે જાણીતા બનેલા દુષ્કાળે ગુજરાતમાં મોટી ખાનાખરાબી સર્જી હતી. ગુજરાતમાં સામાન્ય રીતે વાર્ષિક સરેરાશ 33 ઇંચ જેટલો વરસાદ પડતો, તેને બદલે 1899માં માત્ર 7.3 ઇંચ વરસાદ પડ્યો. હજારો લોકો દુષ્કાળમાં સપડાયા હતા. આ દુષ્કાળ દરમિયાન જે રાહતકાર્યો હાથ ધરાયાં તેમાં કયા વિસ્તારમાં પ્રજાના કયા કયા વર્ગો મજૂરી માટે આવતા તેની વિગતો નીચે મુજબ છે :

મજૂરોનો અમદાવાદ ખેડા પંચમહાલ
વર્ગ સંખ્યા ટકાવારી સંખ્યા ટકાવારી સંખ્યા ટકાવારી
ખેડૂતો 48,889 66.4 11086 60.7 7133 41.9
ખેતમજૂરો 2083 2.8 442 2.7 618 3.7
પછાત વર્ગો 4611 6.3 3007 18.4 69 0.4
વણકરો 670 0.9 104 0.6 82 0.5

1868માં મુંબઈ પ્રાંતમાં પડેલા દુષ્કાળની અસરો ગુજરાતના કેટલાક ભાગોમાં પણ થઈ હતી. 1868ના જુલાઈ અને ઑગસ્ટ માસમાં ગુજરાતની નદીઓમાં આવેલા ભારે પૂરને કારણે જે તારાજી થઈ તેને લીધે અછતની પરિસ્થિતિ સર્જાઈ હતી. વળી રાજપૂતાનામાં પડેલા દુષ્કાળથી અસર પામેલા હિજરતીઓમાંથી કેટલાક લોકોએ ગુજરાતમાં સ્થળાંતર કર્યું. તેથી અનાજની અછત વધુ તીવ્ર બની. 1870 સુધી આ દુષ્કાળ માટેનાં રાહતકાર્યો ચાલુ રહ્યાં.

ગુજરાતમાં દુષ્કાળ પડ્યા ત્યારે દિલ્હી દરબાર તરફથી રાહતકાર્યો હાથ ધરવામાં આવતાં. આ ઉપરાંત સ્થાનિક રાજાઓ તથા કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ દુષ્કાળના સમયમાં લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરતી; દા. ત., 1791ના કચ્છના દુષ્કાળમાં કચ્છના મહારાવે ભુજના દરવાજે જે કોઈ આવે તેને મફત જમાડવા માટે અન્નક્ષેત્ર ખોલેલું. તેવી જ રીતે 1791માં ભરૂચ જિલ્લામાં પડેલા દુષ્કાળમાં ‘મજમુદાર લલ્લુભાઈ આશ્રમ’ નામની સંસ્થાએ લોકોને મોટા પાયા ઉપર અનાજની મદદ પૂરી પાડેલી.

અંગ્રેજ અમલમાં દુષ્કાળો અંગેની નીતિ : અંગ્રેજ અમલ દરમિયાન દુષ્કાળ અંગેની નીતિને બે વિભાગમાં વહેંચી શકાય : (અ) રાહત-કાર્યો, (બ) દુષ્કાળ સામે રક્ષણનાં પગલાં.

(અ) રાહતકાર્યો : (1) અગમચેતીનાં પગલાંની તૈયારી : દેશમાં વિવિધ ખેતપેદાશોના પાકની સ્થિતિ કેવી છે, આબોહવા કેવા પ્રકારની રહેશે, વગેરે બાબતોની માહિતી સરકાર મેળવતી રહેતી અને કદાચ કોઈ કટોકટીભરી સ્થિતિ સર્જાય તો કેવાં પગલાં લેવાં તેનું આયોજન અગાઉથી કરવામાં આવતું. સમગ્ર દેશને રાહત-કાર્યો માટેના અલગ  અલગ વિભાગોમાં વહેંચી દેવાતો અને રાહતકાર્યો હેઠળ કયાં પગલાં લઈ શકાય તેની આગોતરી યાદી તૈયાર રાખવામાં આવતી.

(2) ભયસૂચક ચેતવણી : અમુક ઘટનાઓ બને એટલે તેને ભવિષ્યમાં આવી રહેલી દુષ્કાળની આપત્તિ માટેની ભયસૂચક ચેતવણી તરીકે લેખવામાં આવતી. દા. ત., પાક નિષ્ફળ જાય, ધિરાણનું પ્રમાણ ઘટે, બેકારીમાં વધારો થાય વગેરે.

(3) પ્રાથમિક કામગીરી : સરકાર પોતે કયાં પગલાં ભરવા માંગે છે તેની સમજૂતી પ્રજાને આપવામાં આવતી. સાથે સાથે બિનસરકારી સંગઠનોનાં સહાનુભૂતિ તથા સહકાર મેળવવાનો સરકારપક્ષે પ્રયાસ કરવામાં આવતો. ભૂખમરાથી મૃત્યુ પામેલા લોકોની ગામવાર યાદી બનાવવામાં આવતી અને જેમને મદદ આપવાની જરૂર જણાતી, તેવી વ્યક્તિઓની પણ અલગ યાદી તૈયાર કરાતી. દુષ્કાળથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા જ્યારે વધી જતી ત્યારે ગરીબોને મદદ કરવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી.

(4) રાહતનો પહેલો તબક્કો : આ તબક્કામાં કેટલાંક નમૂનારૂપ રાહતકાર્યો શરૂ કરવામાં આવતાં. આવાં રાહતકાર્યોમાં વાજબી શરતોએ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવતી.

(5) રાહતનો બીજો તબક્કો : જો સ્થિતિ વધુ ગંભીર બને, દુષ્કાળથી થતાં મૃત્યુનું પ્રમાણ વધે તો ગામડાંઓમાં સામૂહિક રસોડાં ખોલીને લોકોને જમાડવામાં આવતાં.

(6) દુષ્કાળના વર્ષ પછીનું ચોમાસું નજીક આવતું જાય અને લોકો પોતાનાં ખેતરો ઉપર પાછા ફરવાની તૈયારી કરતા જાય તેમ તેમ મોટાં રાહતકાર્યો સમેટી લઈને ગામની નજીકના જાહેર બાંધકામના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા. ખેડૂતો ખેતી માટેનાં સાધનો, બિયારણ, પશુઓ વગેરે ખરીદી શકે તે માટે તેમને ઉદાર શરતોએ ધિરાણ પૂરું પાડવામાં આવતું.

(આ) દુષ્કાળ સામે રક્ષણ માટેનાં પગલાં : (1) આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવી : લોકોની આર્થિક સ્થિતિ, વિવિધ જિલ્લાઓમાં લોકોની બદલાતી જતી આવક, ખનિજ-સંપત્તિ વગેરે બાબતોની ચોકસાઈપૂર્વકની આંકડાકીય માહિતી એકત્રિત કરવામાં આવતી.

(2) દુષ્કાળ માટેનો વીમો અને દુષ્કાળ-રાહત ભંડોળ : 1919 પછી દરેક પ્રાંતને દુષ્કાળ-વીમા માટે પોતાના અલગ ભંડોળની જોગવાઈ કરવાની ફરજ પાડવામાં આવતી. 1928–29માં એવી જોગવાઈ કરવામાં આવી કે દરેક જિલ્લામાં દુષ્કાળ-રાહત ભંડોળ ઊભું કરવું. 1940 સુધીમાં આ ભંડોળમાં રૂ. 3 કરોડ 8 લાખ જેટલી રકમ જમા થઈ હતી. આ ભંડોળમાં પરદેશના લોકો તરફથી મળતા દાનની રકમ પણ સ્વીકારવામાં આવતી.

(3) દુષ્કાળની પરિસ્થિતિને વધુ અસરકારક રીતે પહોંચી વળવા માટે  રેલવેનું વિસ્તરણ કરવામાં આવ્યું.

(4) ખેતીમાં મુશ્કેલીનું વર્ષ હોય ત્યારે ખેડૂતોને જમીન-મહેસૂલમાં રાહત અપાતી.

(5) તગાવી લોન પૂરી પાડવામાં આવતી.

(6) સહકારી પ્રવૃત્તિને ઉત્તેજન અપાતું.

(7) સિંચાઈ માટેની યોજનાઓનો અમલ કરાતો.

(8) ખેતીને વિકસાવવાના પ્રયાસો હાથ ધરાતા.

(9) ગણોતિયાઓને ભાડાના દરમાં રાહતની જોગવાઈ કરાતી.

1860 પછી અવારનવાર દુષ્કાળ પડવા લાગ્યા તેથી સરકાર મૂંઝાઈ ગઈ હતી. દુષ્કાળની સમસ્યાનું સાચું સ્વરૂપ સમજતાં જ સરકારને કેટલોક સમય લાગ્યો. તે સમજાયા પછી પણ નાણાભીડને કારણે તથા સામ્રાજ્યવાદી નીતિને કારણે આ સમસ્યા સાથે અસરકારક રીતે કામ પાર પાડવામાં સરકાર નિષ્ફળ રહી. દુષ્કાળના સમયમાં સરકાર રાહતકાર્યો ચાલુ કરતી હતી, પરંતુ આ કાર્યો પાછળ થતા ખર્ચમાં કરકસર કરવા જતાં દુષ્કાળપીડિતોને પૂરતી મદદ મળતી નહિ. પરિણામે, અનેક લોકો મોતના મુખમાં હોમાઈ જતા. દુષ્કાળને પહોંચી વળવા સરકારે જે રસ્તો અપનાવેલો તેમાં રેલવેના વિકાસ ઉપર ભાર મૂકેલો; પરંતુ તેનો ઉપયોગ દુષ્કાળનિવારણ માટે થવાને બદલે બ્રિટિશ રાજ્યનાં વેપારી હિતો સાધવા માટે વધુ થયો. આને બદલે સરકારે સિંચાઈ માટેની નહેરોના વિકાસ ઉપર જો ધ્યાન આપ્યું હોત તો તેથી દુષ્કાળનિવારણમાં વધુ મદદરૂપ થઈ શકાયું હોત. વળી અનાજની નિકાસ માટે સરકારે અપનાવેલી નીતિ તો વધુ દુ:ખદ અને આશ્ચર્યજનક રહી છે. અનાજની ગમે તેટલી અછત હોય તોપણ સરકાર અનાજની નિકાસ ઉપર કોઈ અંકુશ મૂકતી નહિ. આને પરિણામે, દુષ્કાળના સમયમાં પણ અનાજની નિકાસ ચાલુ રહેતી, ઘરઆંગણે અનાજની અછત વધુ તીવ્ર બનતી, તેને લીધે અનાજના ભાવ વધતા અને સામાન્ય માનવીની હાલત વધુ કફોડી બનતી.

દુષ્કાળ અને ખેતી : ભારતમાં દુષ્કાળો વખતે ખેતીની સ્થિતિ કેવી હતી, અને તેને સુધારવા માટે સરકારે કયાં પગલાં લીધેલાં તે જાણવું પણ જરૂરી છે. 1860 પછી ખેતીનું વાણિજ્યીકરણ (commerciali-sation) થવા લાગ્યું ત્યારે ખેડૂતોમાં એવું વલણ સર્જાયું કે અનાજનું ઉત્પાદન થયા પછી તરત જ તેનું વેચાણ કરીને આવક ઊભી કરી લેવી. અગાઉના સમયમાં સારું વર્ષ હોય ત્યારનું અનાજનું ઉત્પાદન ભવિષ્યમાં આવનારા નબળા વર્ષ માટે સાચવી રાખવાની પ્રથા હતી; પરંતુ વાણિજ્યીકરણને લીધે આ પ્રથાને તિલાંજલિ મળવા લાગી. વળી વાણિજ્યીકરણને લીધે કપાસ કે ગળી જેવા રોકડિયા પાકોનાં વાવેતરને પ્રોત્સાહન મળ્યું, જેને લીધે અનાજના વાવેતર હેઠળની જમીનમાં ઘટાડો થયો. દુષ્કાળને પરિણામે અનાજના ભાવ વધતા પરંતુ તેટલા પ્રમાણમાં ખેતમજૂરોના વેતનમાં વધારો થતો નહિ. ભારતમાં ખેતરનું સરેરાશ કદ નાનું રહેતું. વળી જમીનની ઉત્પાદકતા પણ ઓછી રહેતી. સામાન્ય ખેડૂત તો હંમેશાં દેવામાં ડૂબેલો જ રહેતો. દુષ્કાળ પડે ત્યારે આવા ખેડૂતની સ્થિતિ વધુ કફોડી બનતી. દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા અને ખેતીનો પાયો મજબૂત બનાવવા માટે સિંચાઈની સગવડો વધારવાનું ખૂબ જરૂરી હતું. આ માટે સરકારે નહેરો દ્વારા સિંચાઈ વધારવાનું આયોજન કરેલું. 1878–79માં નહેરો દ્વારા સિંચાઈ પામતો કુલ વિસ્તાર 42,93,000 હેક્ટર જેટલો હતો તે 1896–97માં વધીને 61,96,500 હેક્ટર જેટલો થયો. ખેતી પાછળ સરકાર વધુ ધ્યાન આપી શકે તે માટે 1880ના દુષ્કાળપંચે ખેતી માટે એક અલગ ખાતું રચવાની ભલામણ કરી હતી અને તે મુજબ દરેક ઇલાકામાં આવા ખાતાની રચના કરવામાં આવી હતી.

દુષ્કાળપંચ : વારંવાર પડતા દુષ્કાળની સમસ્યાએ બ્રિટિશ સરકારને વિચારતી કરી મૂકેલી. ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં બિહાર અને ઓરિસામાં પડેલા દુષ્કાળ બાદ તે વખતના સેક્રેટરી ઑવ્ સ્ટેટ સર સ્ટૅફર્ડ નૉર્થકોટે રજૂ કરેલી નોંધ મુજબ, આવી દુ:ખદ ઘટનાઓ સરકારની નિષ્ફળતાઓના સ્મારકરૂપ બની રહે તેવી પરિસ્થિતિ સર્જાય છે અને તેને લીધે આ દેશના લોકોની ગરીબીમાં વધારો થાય છે અને આવા દુષ્કાળોથી સરકારનું તથા સરકારી અધિકારીઓનું નાક કપાયા જેવું થાય છે. બ્રિટિશ સરકારની આ ચિંતામાંથી જ દુષ્કાળ-પંચોની રચના થઈ. દુષ્કાળ-પંચો અગાઉના દુષ્કાળોની સમીક્ષા કરતા, દુષ્કાળ-રાહતનાં પગલાં સૂચવતાં અને ભવિષ્યમાં દુષ્કાળ અટકાવવા માટે શું કરવું જોઈએ તેનાં પગલાં પણ સૂચવતાં.

પ્રથમ દુષ્કાળપંચ, 1878 : 1876–78ના દુષ્કાળ પછી ભારતમાં પ્રથમ દુષ્કાળ-પંચ નીમવામાં આવ્યું હતું. સર રિચાર્ડ સ્ટ્રેચીના અધ્યક્ષપણા હેઠળ નિમાયેલા આ પંચે પોતાના અહેવાલમાં દુષ્કાળ અંગેની કેટલીક આચારસંહિતા વિશે ચર્ચા કરેલી, જેના આધારે દુષ્કાળ રાહતની વ્યવસ્થાનું માળખું ઘડાયું હતું. આ પંચનાં મુખ્ય સૂચનો આ પ્રમાણે હતાં : (1) દુષ્કાળ વખતે સરકારે કેટલાંક રાહત-કાર્યો શરૂ કરવાં. આ રાહતકાર્યોમાં મજૂરીએ આવતા લોકો પોતાનું કામ બરોબર રીતે કરે તેની તકેદારી રાખવી તથા આ મજૂરોને તેમના જીવનનિર્વાહ માટે પૂરતાં થઈ રહે તેટલાં નાણાં વેતન તરીકે ચૂકવવાં.

(2) રાહતકાર્યોમાં માત્ર સશક્ત લોકો જ જોડાઈ શકે તેની તકેદારી રાખવી. જેઓ અશક્ત કે અપંગ હોય તેમને સરકારે ઘેરબેઠાં મદદ પહોંચાડવી જોઈએ.

(3) અનાજના વેપારમાં સરકારે બને ત્યાં સુધી હસ્તક્ષેપ કરવો નહિ. એટલે કે અનાજનો પુરવઠો સંપાદિત કરીને સરકારી એજન્સી દ્વારા તેની વહેંચણી કરવાને બદલે ખાનગી ક્ષેત્ર દ્વારા જ અનાજનો વેપાર થવા દેવો.

(4) જેટલા પ્રમાણમાં પાક નિષ્ફળ ગયો હોય તેટલા પ્રમાણમાં જમીનના માલિકો પાસેથી જમીન-મહેસૂલ વસૂલ કરવાનું મોકૂફ રાખવું; તેટલું જ નહિ, પરંતુ આવા કપરા સમયમાં સરકારે તેમને ધિરાણ પૂરું પાડવું.

બીજું દુષ્કાળપંચ, 1898 : 1896–97ના દુષ્કાળ પછી સર જેમ્સ લ્યાલના અધ્યક્ષપણા હેઠળ બીજું દુષ્કાળ-પંચ નિમાયેલું. તેની ભલામણો લગભગ પહેલા દુષ્કાળ-પંચ જેવી જ હતી, જોકે તેમાં વણકરો, આદિવાસીઓ અને ડુંગરાળ પ્રદેશોમાં વસતા લોકોને રાહત આપવાની વિશેષ ભલામણ કરવામાં આવેલી. આ પંચે રજૂ કરેલા અહેવાલમાં 1880થી 1895 દરમિયાન ખેડૂતોની હાલત કેવી રહેવા પામી હતી તેનો ચિતાર રજૂ કરવામાં આવેલો. તેના પરથી જણાય છે કે 1880થી 1895 દરમિયાન ખેડૂતોની સ્થિતિમાં ઠીક ઠીક સુધારો થયો હતો. કારણ કે ખેતપેદાશોના ભાવો વધવાથી ખેડૂતોની આવક વધી હતી. અહેવાલમાં એવું પણ નોંધાયું હતું કે અત્યાર સુધીના દુષ્કાળોમાં 1896–97નો દુષ્કાળ સૌથી વધુ વ્યાપક અને બિહામણો હતો.

ત્રીજું દુષ્કાળપંચ : સર ઍન્થની મૅક્ડોનલના અધ્યક્ષપદ હેઠળ 1901માં ત્રીજું દુષ્કાળપંચ નિમાયું હતું. આ પંચે જણાવ્યું કે રાહત-કાર્યો હાથ ધરતી વખતે ‘ડહાપણભરી હિંમત’ બતાવવી જોઈએ. એટલે કે રાહત-કાર્યો પાછળ ખર્ચ કરતી વખતે બિનજરૂરી કરકસર ન કરવી. પરંતુ સાથે સાથે કોઈ પણ જાતનો દુર્વ્યય ન થાય તેની તકેદારી રાખવી. વળી ઘાસચારાના દુષ્કાળ વિશે પણ આ પંચે ઉલ્લેખ કરેલો. તેણે જણાવ્યું કે દુષ્કાળ પડે ત્યારે ઝડપથી તથા ઉદાર શરતોએ તગાવી લોન વહેંચવી, જમીન-મહેસૂલ-માફીની જાહેરાત તાત્કાલિક કરવી અને લોકોને બિનસરકારી મદદ પણ મળી રહે તે માટેના ઉપાયો હાથ ધરવા.

ચોથું દુષ્કાળપંચ, 1945 : 1943ના બંગાળના દુષ્કાળ પછી ‘વુડહેડ દુષ્કાળ-પંચ’ તરીકે જાણીતા બનેલા દુષ્કાળ-પંચની 1944માં રચના કરવામાં આવેલી. આ પંચની મુખ્ય ભલામણો આ પ્રમાણે હતી : (1) દેશભરમાં અનાજના વહીવટનું સુસંકલન કરવા માટે અખિલ ભારતીય અનાજ સમિતિની રચના કરવી. (2) અનાજ પ્રાપ્ત કરવા માટે તથા તેની વહેંચણી કરવા માટે તે ક્ષેત્રમાં રાજ્યની ઇજારાશાહી પ્રસ્થાપિત કરવી. (3) ઉત્પાદકો તથા ગ્રાહકો આ બંને વર્ગોને વાજબી લાગે તેવી સપાટીએ ખેતપેદાશોના ભાવ જળવાઈ રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી. (4) યુદ્ધ પછીના સંક્રાંતિકાળમાં ઓછામાં ઓછા 1951–52 સુધી ઘઉં અને ચોખાના મહત્તમ અને લઘુતમ ભાવો નક્કી કરવા. (5) કેન્દ્ર-સરકાર દ્વારા અલાયદા કૃષિ અને અન્ન ખાતાની રચના કરવી. શરૂઆતના સંક્રાંતિકાળમાં અનાજ ઉપરના અંકુશો ચાલુ રાખવા. (6) લોકોને વધુ પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ઊંચી ગુણવત્તા ધરાવતા અનાજના ઉત્પાદનમાં વધારો કરવો.

અનિલ સોનેજી