દિયરવટું : પતિના મૃત્યુ બાદ તેની વિધવા સાથે પતિનો નાનો ભાઈ એટલે કે દિયર પરણે એવી પ્રથા. આ પ્રથા સદીઓથી વિભિન્ન સમાજોમાં જોવા મળે છે. દિયરવટાની પ્રથા વધુ સ્પષ્ટ રીતે વિધવાવિવાહની સાથે સંકળાયેલી છે. ભારતમાં વેદકાળમાં વિધવાને પોતાની મરજી મુજબ પુનર્વિવાહ કે નિયોગ કરવાની કે એકલી રહીને જીવવાની તક મળતી. નિયોગ એટલે કોઈ પણ સંતાન વિનાની વિધવા અથવા નપુંસક પતિની પત્ની દિયર અથવા પતિના ગોત્રજ પુરુષથી સંતાન ઉત્પન્ન કરાવતી તે પ્રથા. જો વિધવાને બાળકો હોય તો તે નિયોગ કરી ના શકે. કૌટિલ્યના સમયમાં જો વિધવા અપુત્ર હોય તો તે પુત્રપ્રાપ્તિ અર્થે દિયર સાથે નિયોગ કરી શકે અને જો તે (સ્ત્રી) તરુણ હોય તો દિયર સાથે લગ્નસંબંધ બાંધી શકે.

દિયરવટાની પ્રથાના સ્વરૂપમાં સમાજે સમાજે તફાવત જોવા મળે છે. મોટા ભાઈના મૃત્યુ બાદ નાના ભાઈઓમાંથી કોઈ એકની ફરજ બની રહે છે કે ભાભી સાથે પરણે, એ રીતે ફરજના સ્વરૂપથી માંડી મૃત ભાઈની મિલકત તથા તેનાં બાળકો ઉપર કાયદેસર અધિકાર પ્રાપ્ત કરવાનો આશય આ પ્રથામાં જોવા મળે છે. આફ્રિકાના ‘નુઅર’ લોકોમાં મૃત ભાઈની સ્ત્રી સાથે પરણવાનો ‘પ્રેત લગ્ન’નો રિવાજ દિયરવટા સાથે મળતો આવે છે. આ પ્રથા માટે અંગ્રેજી ભાષામાં વપરાતો શબ્દ Levirate મૂળ લૅટિન Levir(દિયર)માંથી ઊતરી આવ્યો છે. રામાયણમાં એવાં ઉદાહરણો છે કે વિધવાએ તેના મૃત પતિના ભાઈ સાથે લગ્ન કર્યાં હોય. રાવણના મૃત્યુ પછી તેની પત્ની મંદોદરીએ પોતાના દિયર વિભીષણ સાથે પુનર્લગ્ન  કર્યું હતું. વાલીના મૃત્યુ પછી તેની વિધવા તારાએ વાલીના ભાઈ સુગ્રીવ સાથે લગ્ન કર્યું હતું.

દિયરવટા માટેનાં કારણોમાં મિલકતની વહેંચણી અને કુટુંબવ્યવસ્થા જાળવી રાખવાના હેતુઓ જણાય છે. કુટુંબ સંપત્તિવાન હોય તો દિયરવટાની શક્યતા વધુ રહે કારણ કે તેથી વિધવા પુત્રવધૂ અને તેનાં સંતાનો ઘરમાં જ રહે અને મિલકતમાંથી જુદો ભાગ આપવો પડે નહિ. દિયરવટાની પ્રથા સામાન્ય રીતે ઉપલી જ્ઞાતિઓમાં જોવા મળતી નથી, કારણ કે તેઓમાં વિધવાવિવાહની છૂટ ન હતી. કેટલીક પછાત અને દલિત જ્ઞાતિઓમાં આ પ્રથા જોવા મળે છે. જોકે વર્તમાન સમયમાં આ પ્રથા મૂલ્યો બદલાવાને કારણે કે સંસ્કૃતીકરણની પ્રક્રિયાના ભાગ રૂપે ઓછી પ્રચલિત બની છે. ઓગણીસમી સદીના ગુજરાતમાં, કોળીઓમાં દિયરવટું બહુ પ્રચલિત ન હતું. આ રિવાજ સર્વમાન્ય ન હતો કારણ કે ભાભી દિયર માટે માતા સમાન છે એવું પણ મનાતું. કોળીઓમાં જો સગાંસંબંધીઓની ઇચ્છા વિરુદ્ધ દિયરવટું કરવામાં આવતું તો વિરોધ અને બહિષ્કારથી બચવા આવાં દંપતી થોડા સમય માટે ગામ છોડી અન્યત્ર રહેવા જતાં. વિધવાને નાનાં બાળકો હોય તો તેણે બહાર પરણવા કરતાં દિયર સાથે પરણવું યોગ્ય મનાતું. રેવા–કાંઠાના કોળીઓમાં ભાઈનું મૃત્યુ થતાં ભાભીને તેનો દિયર પરણે એ સ્વાભાવિક ગણાતું.

દિયરવટાની પ્રથાના નિયમો અંગે જ્ઞાતિપંચનું મહત્વ હોય છે. જ્ઞાતિપંચો જ્યાં અસરકારક હોય ત્યાં પંચો દિયરવટાની પ્રથા બંધ થાય એવા ઠરાવો કરે છે. જ્ઞાતિપંચોના ઠરાવોમાં ‘દિયરવટું વાળવું’ એવો શબ્દપ્રયોગ થાય છે. ઉદાહરણ જોઈએ તો બસો બ્યાસી પરગણાં રોહિત જ્ઞાતિપંચ કડી(ઉ.ગુ.)ના તા. 11-12-’81ના ઠરાવ નંબર 31 પ્રમાણે “કોઈ પણ વિધવા સ્ત્રી સાથે તેના દિયરે દિયરવટું વાળવાનું બંધ કરવામાં આવે છે; પરંતુ જો કોઈ પણ વિધવા સ્ત્રી છોરુની મા હોય અને તેનો દિયર વિધુર હોય અને તે વિધવા સ્ત્રીની મરજી હોય તેમ જ તેના પિયરપક્ષની સંમતિ હોય તો નાતના પુનર્લગ્નના ઠરાવ પ્રમાણે ઠરાવેલું દાપું આપી દિયરવટું વાળી શકાશે. આથી વિરુદ્ધ વર્તન કરનાર નાતનો ગુનેગાર ગણાશે અને તેણે દંડના રૂ. 151.00 આપવા પડશે”.

દિયરવટાની પ્રથા ધીમે ધીમે જુદી જુદી જ્ઞાતિઓમાંથી એક કુરિવાજ તરીકે ઘસાતી જાય છે. તેમ છતાં એક પરંપરા તરીકે આજે પણ તેનાં ઉદાહરણો કેટલીક જ્ઞાતિઓમાં જોઈ શકાય છે.

ગૌરાંગ જાની