દાવર, ફીરોઝ કાવસજી

March, 2016

દાવર, ફીરોઝ કાવસજી (જ. 16 નવેમ્બર 1892, અહમદનગર; અ. 3 ફેબ્રુઆરી 1978, અમદાવાદ) : જન્મે પારસી અને અંગ્રેજી વિષયના પ્રોફેસર ફીરોઝ કાવસજી દાવર ત્રણેક વિદ્યાર્થીપેઢીના વિદ્યાગુરુ, સંનિષ્ઠ શિક્ષણકાર અને એક વિરલ બહુશ્રુત સારસ્વત હતા.

પ્રા. દાવરના પિતા કાવસજી જાહેર બાંધકામ વિભાગના કાબેલ હિસાબનીસ હોઈ એમને નોકરી અર્થે ગામેગામ ફરવાનું થતું. માતા દીનામાય એક લેખિકા હતાં અને ‘આરમઈતી’ તખલ્લુસથી તત્કાલીન પારસી અખબાર અને સામયિકોમાં લેખો-વાર્તાઓ લખતાં. એમને પાંચ બહેનો અને શાવકશાહ નામે એક મોટા ભાઈ હતાં.

1933માં પ્રા. દાવરનું લગ્ન સૂરતના જાણીતા ન્યાયાધીશ દીનશાહજી મહેતાનાં પુત્રી સુનામાય સાથે થયું હતું. એમને સંતાનમાં એક માત્ર પુત્રી છે. પોતાનાં માતુશ્રી દીનામાય જે ઉપનામથી લખાણો કરતાં તેની સ્મૃતિ રૂપે પ્રા. દાવરે પુત્રીનું નામ આરમઈતી રાખ્યું. પિતાને પગલે, એમનાં આ પુત્રી પણ શિક્ષણને વરેલાં છે અને અમદાવાદની જાણીતી મહિલા સંસ્થા બી. ડી. આર્ટ્સ કૉલેજમાં આચાર્યા તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયાં છે.

જેમ અહમદનગર એમની જન્મભૂમિ, તેમ કર્મભૂમિ બન્યું ગુજરાતનું અમદાવાદ. ગવર્નમેન્ટ મિડલ સ્કૂલમાં અને ત્યારબાદ આર. સી. હાઈસ્કૂલમાં એમણે શાળાનું શિક્ષણ લીધું. મૅટ્રિક થઈ 1909માં તેઓ ગુજરાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસાર્થે જોડાયા. 1912માં કૉલેજમાંથી સ્નાતક થઈ દક્ષિણા ફેલોશિપ પ્રાપ્ત કરી. અંગ્રેજી અને ફારસી વિષયો સાથે 1913માં મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા પાસ કરી.

ફીરોઝ કાવસજી દાવર

પિતાજીની ઇચ્છાથી એમણે કાયદાનું શિક્ષણ પણ લીધું અને 1916માં એલએલ.બી.ની પદવી મેળવી. સાથે ‘ઇક્વિટી’ વિષયમાં યુનિવર્સિટીનું ’શ્રી મંચેરજી નવરોજી બનાજી’ પારિતોષિક પ્રાપ્ત કર્યું. વકીલાત કરવા માટે એમનું મન નહીં માનતાં પુત્રને વકીલ બનાવવાનો આગ્રહ પિતાએ જતો કર્યો. તે પછીનું 1916થી 1966 સુધીનું પૂરા અર્ધશતકનું પ્રા. દાવરનું જીવન સાહિત્ય-શિક્ષણસેવામાં જ સમર્પિત થયું. 1916માં એમણે નેટિવ સ્કૂલના મુખ્ય શિક્ષક તરીકે થોડોક સમય કામ કર્યું. તે પછી પુણેની ડેક્કન કૉલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે જોડાઈને એમણે એમની અધ્યાપકીય કારકિર્દીનો આરંભ કર્યો.

1918માં પ્રા. દાવર બદલી પામીને અમદાવાદની ગુજરાત કૉલેજમાં આવ્યા અને આ જ સંસ્થામાં 1947 સુધી પોતાની સેવાઓ આપી. અહીં તેઓ સાક્ષરવર્ય આનંદશંકર ધ્રુવના ગાઢ પરિચયમાં આવ્યા. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી તેઓ શેઠ લાલભાઈ દલપતભાઈ આટર્સ કૉલેજમાં  અંગ્રેજીના પ્રાધ્યાપક અને વિભાગાધ્યક્ષ બન્યા અને 1966માં ત્યાંથી નિવૃત્ત થયા.

અર્ધી સદી (1916–66) સુધીના આ અધ્યાપનકાળ દરમિયાન ઊછરતી ત્રણેક યુવાપેઢીઓને એમણે અંગ્રેજી સાહિત્યનું શિક્ષણ આપ્યું, જેમાંના ઘણા આજે અંગ્રેજીના વિદ્વાન અધ્યાપકો તરીકે ખ્યાત થયા છે.

અવિરત સ્વાધ્યાય અને ચિંતન-મનને એક સફળ અધ્યાપક તરીકેના એમના પાયાને ર્દઢ કર્યો. વિદ્યાવ્યાસંગી પ્રા. ફીરોઝ દાવરનાં વર્ગવ્યાખ્યાનો સદાયે વિદ્યાતેજથી વિભૂષિત થતાં. વિષયનો તલસ્પર્શી અભ્યાસ, અસ્ખલિત વાગ્ધારા, વિશદતાપૂર્ણ છણાવટ અને અંગ્રેજીની સાથે સંસ્કૃત-ફારસીના અનેક સંદર્ભોની પ્રસ્તુતિને કારણે એમનાં વ્યાખ્યાનો વિદ્યાર્થીઓને પ્રભાવિત કરતાં અને જ્ઞાનનો પ્રકાશપુંજ પાથરતાં.

એમની સુદીર્ઘ અધ્યાપકીય સેવા અને વિદ્યાપરાયણતાની કદર રૂપે ગુજરાત યુનિવર્સિટી તરફથી એમને 1971માં ‘ડી.લિટ્.’ની પદવી એનાયત કરવામાં આવી. પ્રા. દાવર તત્કાલીન શિક્ષણજગતમાં ’હરતાફરતા પુસ્તકાલય’ તરીકે અને ‘જીવતાજાગતા જ્ઞાનકોશ’ તરીકે ઓળખાતા.

અધ્યાપનકાર્યની સમાંતરે પ્રા. દાવરનું લેખનકાર્ય પણ સતત ચાલતું રહ્યું. નિવૃત્તિ પછીયે, આંખની ઝાંખપ છતાં, એમનો લેખન-વાચનનો એ સ્રોત વહેતો જ રહેલો.

પ્રા. દાવરનાં લખાણોમાં નીચેનાં અંગ્રેજી-ગુજરાતી પુસ્તકોનો સમાવેશ થાય છે :

1. ‘આર્ટ ઍન્ડ મૉરાલિટી ઍન્ડ અધર ઍસેઝ’ (1935), 2. ‘ઈરાન ઍન્ડ ઇટ્સ કલ્ચર’ (1953), 3. ‘સૉક્રેટિસ ઍન્ડ ક્રાઇસ્ટ’, 4. ‘સર નવરોજી પી. વકીલ – એ બાયૉગ્રાફિકલ સ્કેચ’ (1955), 5. ‘ઈરાન ઍન્ડ ઇન્ડિયા થ્રૂ ધી એજીસ’ (1962), 6. ‘પારસીઝ ઍન્ડ રેસિયલ સ્યુસાઇડ’ (1971), 7. ‘મોત પર મનન’ (1944), 8. ‘જરથોસ્તી અને બહાઈ ધર્મો ઉપર પ્રકાશ પાડતા લેખો’ (1943), 9. ‘ઈરાનનો ચેરાગ’ (1950), 10. ‘પારસીઓનો ધર્મ’ (1965), 11. ‘જરથુષ્ટ્ર દર્શન’ (1974).

આ પુસ્તકો ઉપરાંત ‘રિફ્લેક્શન્સ’ (1985) એ ગુજરાત કૉલેજ શતાબ્દી સમિતિ દ્વારા પ્રકાશિત અને પ્રિ. ડૉ. આરમઈતી ફીરોઝ દાવર સંપાદિત, પ્રા. દાવરનાં સાહિત્ય, કેળવણી, ધર્મ, સમાજ વગેરે પરનાં અગ્રંથસ્થ અંગ્રેજી-ગુજરાતી લખાણો-વ્યાખ્યાનોનો સંકલનગ્રંથ છે.

પ્રા. દાવરનું ‘મોત પર મનન’ પુસ્તક ગુજરાતીમાં મૃત્યુવિષયક ચિંતન રજૂ કરતાં પુસ્તકોમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. 1941માં ટાઇફૉઇડના ઉપરાછાપરી ત્રણ હુમલાઓનો પોતે ભોગ બન્યા, અને તબીબોએ બચવાની આશા છોડી દીધા પછી પણ એમાંથી ઊગરી ગયા. આમ મૃત્યુની છેક સમીપે પહોંચી ચૂકેલા પ્રા. દાવરના મનમાં સ્વાનુભૂતિસભર જે વિચારમંથન ચાલ્યું એનું આવિષ્કરણ તે આ ‘મોત ઉપર મનન’ ગ્રંથ. એમાં તેઓ લખે છે કે–આત્મા જર્જરિત કાયાની કાંચળી ઉતારી પ્રયાણ કરે છે ત્યારે મૃત્યુનો દેવ આત્માએ સંચિત કરેલા અનુભવો, વ્યક્તિની નેકીની મૂડી, સદગુણે સાચવેલો સ્નેહ અને સ્વભાવની સુવાસ – આ સૌને છીનવી શકતો નથી. ‘આર્ટ ઍન્ડ મૉરાલિટી’ તેમનાં અંગ્રેજી વિવેચનાત્મક લખાણોનો સંગ્રહ છે. તેમાં નીતિલક્ષી જીવનમૂલ્યોનો આદર કરતી કલાનો તેમણે મહિમા કર્યો છે. ‘સૉક્રેટિસ ઍન્ડ ક્રાઇસ્ટ’ એ અંગ્રેજીમાં લખાયેલો ચિંતનાત્મક ગ્રંથ છે જેમાં સૉક્રેટિસની ફિલસૂફી અને ક્રાઇસ્ટનો ધર્મ – બંનેની વિચારધારાઓની તુલનાત્મક સમીક્ષા કરવામાં આવી છે. ‘જરથોસ્તી અને બહાઈ ધર્મો પર પ્રકાશ પાડતા લેખો’માં તે ધર્મો વિશેની વિવિધ ર્દષ્ટિબિંદુઓથી ચર્ચા કરવામાં આવી છે. ‘પારસીઝ રેસિયલ સ્યુસાઇડ’માં પારસી કોમની મુખ્ય સમસ્યા – મિશ્ર લગ્ન વિશે એમણે પોતાનાં મંતવ્યો રજૂ કરીને પારસી કોમને આ બાબતે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

1956માં મુંબઈ ખાતેના ઈરાનના એલચી તરફથી ઈરાનની તહેરાન યુનિવર્સિટી ખાતે, ત્રણ મહિના માટે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે પ્રા. દાવરને ઈરાનના ઇતિહાસ અને તેની સંસ્કૃતિ વિશે વ્યાખ્યાનો આપવાનું નિમંત્રણ મળતાં એમણે પારસીઓના માદરે વતન ઈરાનનો શૈક્ષણિક પ્રવાસ કર્યો. આ અગાઉ એમનાં ‘ઈરાનનો ચેરાગ’ અને ‘ઈરાન ઍન્ડ ઇટ્સ કલ્ચર’ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં હતાં;  પણ ઈરાનની મુલાકાત દ્વારા ત્યાં વસતા પારસીઓના પ્રજાકીય જીવનનો પ્રા. દાવરને જે પ્રત્યક્ષ અનુભવ થયો તેના નિષ્કર્ષ રૂપે અંગ્રેજીમાં ‘ઈરાન ઍન્ડ ઇન્ડિયા થ્રૂ એજીસ’ ગ્રંથ એમણે 1962માં પ્રગટ કર્યો.

1966માં તહેરાનમાં વર્લ્ડ કૉન્ગ્રેસ ઑફ ઈરાનોલૉજિસ્ટ્સનું અધિવેશન મળ્યું. તેમાં પ્રા. દાવરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને એ રીતે ઈરાનની એક દાયકા પછી પુન:મુલાકાત લેવાની તક એમને પ્રાપ્ત થઈ.

પ્રા. દાવર એક સંતહૃદયી સજ્જન હતા. સર્વધર્મસમભાવને એમણે સાચા અર્થમાં પચાવી જાણ્યો હતો. તેઓ પ્રાત:કાળે ઊઠીને અવસ્તામાંથી બંદગી કરતા અને ગાયત્રીમંત્રનો પાઠ પણ કરતા. ભગવદ્ગીતા અને બાઇબલ જેવા ધર્મગ્રંથો વાંચીને ઊંડું મનન કરતા. તેમજ ઉત્તરાવસ્થામાં મહર્ષિ અરવિંદના સાહિત્યમાં અને અરવિંદ વિશેનાં રોહિત મહેતાનાં વ્યાખ્યાનોમાં ઊંડો રસ લેતા.

શિક્ષણને વરેલા પ્રા. દાવરમાં દેશદાઝ પણ એટલી જ તીવ્ર હતી. સ્વાતંત્ર્ય-આંદોલનના ચોમેર ગુંજતા વાતાવરણમાં એમને ગુજરાત કૉલેજના પ્રિન્સિપાલ શિરાઝ દ્વારા, રાષ્ટ્રવાદી વલણ ધરાવવા સામે ચેતવણી આપવામાં આવી હતી, અને કૉલેજમાં એમને સિનિયર વ્યાખ્યાતા તરીકેની બઢતી અપાઈ ન હતી. આ અન્યાય છતાં તેઓ વિદ્યાર્થીઓ પ્રત્યેની અધ્યાપક તરીકેની કર્તવ્યનિષ્ઠા કદી ચૂક્યા નહોતા.

પ્રા. દાવર ગાંધીવિચારધારાથી પ્રભાવિત હતા; છતાં ગાંધીજીના હડતાળના શસ્ત્ર વિશે એટલા માટે સાશંક હતા કે ગાંધીજીએ શુદ્ધ હૃદયથી વાપરેલું આ શસ્ત્ર વામણા લોકો સ્વાર્થ કાજે પણ પ્રયોજી બેસે. ખાસ કરીને હડતાળનું આ શસ્ત્ર શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રે ન વપરાવું જોઈએ એમ તેઓ ર્દઢપણે માનતા. આમ છતાં, ગુજરાત કૉલેજમાં હડતાળ પર ઊતરેલા અને રસ્તો અવરોધીને આડા સૂઈ ગયેલા વિદ્યાર્થીઓને જોઈને ‘વિદ્યાર્થીઓના શરીર પર પગ મૂકવા કરતાં હું રાજીનામું આપવું પસંદ કરું’ એમ કહીને પોતે પાછા વળી ગયેલા એ પ્રસંગમાં એમનો નર્યો વિદ્યાર્થીપ્રેમ વ્યક્ત થાય છે.

પ્રા. ફીરોઝ દાવરનું વ્યક્તિત્વ નિર્દોષતા, પારદર્શિતા, નિખાલસતા, ઋજુતા અને વિનમ્રતાથી સભર હતું. વિચાર, વાણી અને વર્તનમાં માણસાઈને કદીયે ન વીસરનારા આ નેકદિલ સદગૃહસ્થના હૃદયમાં સંતપુરુષનાં ક્ષમા અને ઔદાર્ય વસેલાં હતાં. તેઓ વિદ્યાકીય જગતના ઋષિજન હતા.

અમદાવાદ પારસી પંચાયતના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવાઓ આપી હતી. તેમનું તૈલચિત્ર ગુજરાત કૉલેજના ગાંધી હૉલમાં અને પારસી અગિયારી અમદાવાદમાં રાખવામાં આવેલું છે. પારસી કોમમાં થતી મરણ પછીની ક્રિયામાં અન્ય મોટા દસ્તૂરોની સાથે ફીરોઝ દાવરના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે.

કાન્તિલાલ શાહ