દાદાભાઈ નવરોજી

March, 2016

દાદાભાઈ નવરોજી (જ. 4 સપ્ટેમ્બર 1825, મુંબઈ; અ. 30 જૂન 1917) : ભારતના વડીલ નેતા, સમાજસુધારક, તથા ઉચ્ચ કોટીના દેશભક્ત. એક ગરીબ પારસી ધર્મગુરુના કુટુંબમાં જન્મેલા દાદાભાઈનાં લગ્ન 11 વર્ષની વયે સોરાબજી શ્રોફની પુત્રી ગુલબાઈ સાથે થયાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ તથા કૉલેજના અભ્યાસ દરમિયાન દાદાભાઈએ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ખ્યાતિ મેળવી હતી.

વિદ્યાભ્યાસ બાદ દાદાભાઈ નવરોજીએ પ્રથમ ઍલ્ફિન્સ્ટન શાળામાં શિક્ષક તરીકે (1845) અને પછીથી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અધ્યાપક તરીકે (1850) સેવાઓ આપી. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાકૃતિક તત્વજ્ઞાન તથા ગણિતશાસ્ત્ર તેમના પ્રિય વિષયો હતા. અધ્યાપક તરીકે આ કૉલેજમાં નિયુક્ત થનાર તેઓ પ્રથમ હિંદી હતા.

તેમણે અધ્યાપનકાર્યની સાથે સામાજિક સેવાની પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. પારસી સમાજની સુધારણા માટે ઑગસ્ટ, 1851માં સ્થપાયેલી પારસી ધર્મસભાના મંત્રી તરીકે તેમણે વર્ષો સુધી પોતાની સેવાઓ આપી.

દાદાભાઈએ નવેમ્બર, 1851માં ‘રાસ્ત ગોફતાર’ નામે પાક્ષિક (પછીથી સાપ્તાહિક) શરૂ કર્યું. આ સામયિકે વિશેષત: પારસી તથા સામાન્યત: હિન્દુ ધર્મ અને સમાજની સુધારણામાં નોંધપાત્ર ફાળો આપ્યો. દાદાભાઈના પ્રયાસોથી મુંબઈમાં 1852માં ‘બૉમ્બે ઍસોસિયેશન’ નામે પ્રથમ રાજકીય સંસ્થાની સ્થાપના થઈ, જે દ્વારા દાદાભાઈએ ભારતમાં રાજકીય સુધારણા દાખલ કરવા બ્રિટિશ સરકારને અનુરોધ કર્યો.

અધ્યાપનકાર્ય છોડીને દાદાભાઈ 1855માં ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ચૌદ વર્ષ(1855–1869)ના પ્રથમ વસવાટ દરમિયાન ધંધાકીય વિકાસની સાથે તેમણે ભારતની વિવિધ પ્રકારે સેવા કરી. માર્ચ, 1856થી 1865–66 દરમિયાન તેમણે લંડનની યુનિવર્સિટી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે પણ કામ કર્યું હતું. ધંધાકીય કમાણીમાંથી તેમણે પારસી કન્યાઓના શિક્ષણ તથા પારસી સેવાસંસ્થાઓના વિકાસ અર્થે ઉદારતાથી દાન આપ્યાં. તેમણે લંડનમાં પ્રથમ ‘લંડન ઇન્ડિયન સોસાયટી’ સ્થાપી (1865), જેને એક વર્ષ બાદ ‘ઈસ્ટ ઇન્ડિયા ઍસોસિયેશન’ નામ આપ્યું. આ સંસ્થાનો આશય બ્રિટિશ સરકાર તેમજ બ્રિટિશ સંસદ સમક્ષ ભારતના પ્રશ્નો રજૂ કરીને રાજકીય સુધારા મેળવવાનો તેમજ ભારતની ગરીબી દૂર કરાવવાનો હતો. દાદાભાઈએ કૉલકાતા, મુંબઈ તથા ચેન્નાઈમાં આ સંસ્થાની શાખાઓ પણ શરૂ કરી.

દાદાભાઈ નવરોજી

દાદાભાઈ થોડા સમય માટે લંડનથી ભારત પાછા ફરતાં વડોદરાના મહારાજાએ તેમની પોતાના રાજ્યના દીવાન તરીકે નિમણૂક કરી (1874). ફક્ત 13 મહિનાના પોતાના વહીવટ દરમિયાન દાદાભાઈએ વડોદરા રાજ્યમાં નોંધપાત્ર સુધારા કર્યા અને ત્યારબાદ પોતાના પદનું રાજીનામું આપ્યું. ત્યારપછી દાદાભાઈએ 1875માં મુંબઈની નગરપાલિકાને થોડા સમય માટે પોતાની સેવાઓ આપી. તેમણે 1882માં હન્ટર કમિશન સમક્ષ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણનો વ્યાપ વધારવા માટે રજૂઆત કરી. 1883માં તેમણે ‘વૉઇસ ઑવ્ ઇન્ડિયા’, નામનું અખબાર શરૂ કર્યું. લૉર્ડ રીપને ન્યાયની બાબતમાં સમાનતા સ્થાપવા પોતાના કાનૂની સભ્ય ઇલ્બર્ટ મારફત રજૂ કરાવેલ ઇલ્બર્ટ બિલને દાદાભાઈએ ટેકો આપ્યો અને તેનો વિરોધ કરનાર યુરોપિયનોની તેમણે સખત ઝાટકણી કાઢી (1883–84).

જાન્યુઆરી, 1885માં સ્થપાયેલ બૉમ્બે પ્રેસિડન્સી ઍસોસિયેશનના  તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા અને 1886માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે પોતાના અવસાન સુધી હિન્દી રાષ્ટ્રીય મહાસભા મારફત રાષ્ટ્રસેવાનું કાર્ય સતત ચાલુ રાખ્યું. તેઓ 1892માં મધ્યસ્થ ધારાસમિતિના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.

દાદાભાઈ ઇંગ્લૅન્ડના ઉદારમતવાદીઓના ટેકાથી બ્રિટિશ સંસદના પ્રથમ હિન્દી સભ્ય તરીકે ચૂંટાયા (1892). તેમણે બ્રિટિશ સંસદમાં હિન્દના પ્રશ્નોની સચોટ રજૂઆત કરી તથા હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને સ્વરાજ્ય આપવાનો બ્રિટિશ સરકારને અનુરોધ કર્યો. 1906માં  દાદાભાઈ ફરી કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા અને તેમણે બ્રિટિશ સરકારને ફરી સ્વરાજ્ય માટે અનુરોધ કર્યો. દક્ષિણ આફ્રિકાની સરકારની રંગભેદની નીતિ સામે ગાંધીજીની ન્યાયી લડતને દાદાભાઈએ ટેકો આપ્યો.

દાદાભાઈ નવરોજીએ ભારતની ગરીબી માટે ભારતમાંના બ્રિટિશ શાસનને જવાબદાર ઠેરવ્યું. 1901માં ‘પૉવર્ટી ઍન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા’ નામે લખેલ ગ્રંથમાં તેમણે આધારભૂત આંકડાઓ સાથે સાબિત કર્યું કે બ્રિટિશ શાસન તથા તેની આર્થિક નીતિથી એક વખતનું સમૃદ્ધ ભારત આર્થિક રીતે પાયમાલ થયું હતું. આને દાદાભાઈએ દ્રવ્યાપહરણ (drain theory) તરીકે ઓળખાવેલ છે. આ પુસ્તકમાં દાદાભાઈની દેશવાસીઓ પ્રત્યેની સહાનુભૂતિ તથા રાષ્ટ્રભક્તિ પ્રગટ થાય છે.

દાદાભાઈએ 1906માં ઇંગ્લૅન્ડ છોડીને પોતાના દેશમાં વસવાટ કર્યો અને જીવનના અંત સુધી (1917) રાષ્ટ્રસેવાનું કાર્ય ચાલુ રાખ્યું. દાદાભાઈએ 61 વર્ષના લાંબા સમય સુધી ભારતની સતત સેવા કરી. તેઓ નિ:સ્વાર્થ રાષ્ટ્રભક્તિ તેમજ ઉમદા ચારિત્ર્યના શ્રેષ્ઠ ઉદાહરણરૂપ હતા. ગાંધીજીએ દાદાભાઈને વાસ્તવિક અર્થમાં ભારતના દાદા તરીકે વર્ણવ્યા છે તથા તેમને સેવા અને સાધનાના ઉમદા પ્રતીક તરીકે બિરદાવ્યા છે.

રમણલાલ ક. ધારૈયા