દવે, જુગતરામ (જ. 1 સપ્ટેમ્બર 1892, વઢવાણ; અ. 14 માર્ચ 1985, વેડછી) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની. સૌરાષ્ટ્રના ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ની ભૂમિમાં મૂળ વીરમગામથી લખતર જઈને વસેલા એક સંસ્કારી પરિવારમાં તેમનો જન્મ. પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ ડાહીબહેન. જુગતરામભાઈના પિતા ઝાલાવાડથી મુંબઈ નોકરી માટે ગયેલા, ત્યાં પ્લેગનો રોગ ફાટી નીકળતાં તેમાં સપડાઈ ગયા અને તેનો શિકાર બન્યા. જુગતરામ અને તેમના ભાઈને લઈ માતા લખતર આવી. આમ પિતાની છાયા બહુ થોડી મળેલી.

જુગતરામ દવે

જુગતરામભાઈનું બચપણ વઢવાણ અને ધ્રાંગધ્રાના કસબાઓમાં વીત્યું. નાનપણમાં ઉત્સવોમાં ખૂબ ભાગ લીધેલો જેની અસર વેડછીમાં મોટી ઉંમરે પણ જણાતી હતી.

વઢવાણ અને ધ્રાંગધ્રાની હાઈસ્કૂલ તેમજ મુંબઈની ગોકુળદાસ તેજપાલ હાઈસ્કૂલમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ; પરંતુ મૅટ્રિકની પરીક્ષામાં બે વાર નાપાસ થયા. મોટા ભાઈએ એક અમેરિકન કંપનીમાં કારકુન તરીકેની નોકરી શોધી આપી. આ દિવસોમાં જ જુગતરામભાઈને સ્વામી આનંદનો પરિચય થયો. સ્વામી આનંદે જુગતરામભાઈની સાહિત્યિક અભિરુચિ જોઈને પરદેશી કંપનીની નોકરી છોડાવી, હાજી મહમદ અલારખિયા શિવજી સાથે ઓળખ કરાવી. અહીં તેમને ‘વીસમી સદી’ નામે નવા પ્રગટ થનાર માસિકમાં કામ મળ્યું. પ્રકાશન અંગેની તાલીમ મળી જે ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બની. 1912માં સ્વામી આનંદે કાકાસાહેબ કાલેલકર જોડે પણ જુગતરામની ઓળખાણ કરાવી. પરિણામે તેઓ કાકાસાહેબ પાસે વડોદરા રહેવા લાગ્યા. વડોદરામાં તેમને કલાગુરુ રવિશંકર રાવળ અને કેશવ દેશપાંડે જોડે ઓળખાણ થઈ. દેશપાંડેએ સયાજીપુરા ગામે સ્થાપેલા મારુતિ મંદિરના પૂજારી તરીકે તેઓ રહ્યા. જુગતરામભાઈ માટે ગ્રામવાસનો આ પ્રથમ અનુભવ હતો. પૂજા-આરતી ઉપરાંત તેમણે રબારીઓના નેસમાં જઈ તેમના જીવનમાં રસ લેવા માંડ્યો. સયાજીપુરાનો આ વસવાટ ભવિષ્યના ગાંધી-આશ્રમની ભૂમિકારૂપ બન્યો.

1919થી 1923 દરમિયાન તેઓ અમદાવાદમાં ગાંધીજીના સાપ્તાહિક ‘નવજીવન’માં સ્વામી આનંદને મદદ કરવા તેમજ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે જોડાયા. 1924માં સૂરત જિલ્લામાં સરભોણ આશ્રમમાં ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિના ભાગ રૂપે જોડાયા. 1926માં બારડોલી આશ્રમમાં રાનીપરજ વિદ્યાલય શરૂ કર્યું. 1927ના રેલસંકટ અને ત્યારપછી બારડોલી સત્યાગ્રહમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. 1928થી તેમણે વેડછીને પોતાની કર્મભૂમિ બનાવી. આશ્રમી પ્રવૃત્તિઓ શરૂ થઈ. ‘આશ્રમ ઉદ્યોગશાળા’ એવું નામ આપ્યું.

ગાંધીજીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી સવિનય કાનૂનભંગની લડત અને 1942ની ‘હિંદ છોડો’ની લડતમાં તેમણે ભાગ લીધો. 1930, 1932 અને 1942માં તેઓ જેલમાં ગયા.

‘નઈ તાલીમ’ના સિદ્ધાંતોને અનુલક્ષીને જુગતરામે વેડછીમાં આદિવાસી બાળકોને શિક્ષણ આપવા શાળા શરૂ કરી. ચારિત્ર્યઘડતર, રચનાત્મક પ્રવૃત્તિ અને રાષ્ટ્રીય આદર્શોને અનુસરીને શરૂ કરેલી સંસ્થાનો તેમણે સર્વાંગી વિકાસ કર્યો. મઢી અને વ્યારામાં પણ તેમણે વિદ્યાલયો સ્થાપ્યાં. આ વિદ્યાલયો ઉદ્યોગ, શિક્ષણ અને સમાજસેવાનાં કાર્યોમાં અનેકવિધ પ્રગતિ કરી શક્યાં છે. આવાં વિદ્યાલયોની સંખ્યા સો કરતાં પણ વધારે થઈ છે.

સેવા, શિક્ષણ અને સાહિત્ય એ ત્રણ ક્ષેત્રોને જુગતરામભાઈએ પોતાના પરસેવા વડે ખેડ્યાં છે. પણ એ બધાંની પાછળ પ્રેરકબળ અધ્યાત્મક્ષેત્રનું છે. રચનાત્મક કાર્યકર્તા તરીકે તેમનામાં ધીરજ, ખંત, નિષ્ઠા, સેવા કરવાની ધગશ, તત્પરતા, આવડત, અભિવ્યક્તિ વગેરે ગુણો જોવા મળે છે. આ સાથે સાથે તેઓ ઉત્તમ શિક્ષક પણ હતા.

સ્વરાજ પછી જુગતરામે રાષ્ટ્રનિર્માણના કાર્યમાં મહત્વનો ફાળો આપ્યો. તેઓ ભૂદાન આંદોલનમાં પણ જોડાયા હતા. ગુજરાતમાં તેમજ રાષ્ટ્રમાં કુદરતી આફત વખતે પણ તેમની પ્રેરણા હેઠળ વેડછી આશ્રમના કાર્યકરો અને વિદ્યાર્થીઓ કામે લાગી જતા. તેમની પ્રેરણાથી શાંતિસૈનિક-દળ તૈયાર કરવામાં આવ્યું હતું. 1971માં બાંગ્લાદેશના શરણાર્થીઓ વચ્ચે પણ આ શાંતિસૈનિકોએ કામ કર્યું હતું. 1971થી 1978 સુધી તેમણે ‘વટવૃક્ષ’ માસિકનું સંપાદન કરેલું.

એમનું કાવ્યસર્જન પ્રાસંગિક છતાં ઊંચી ગુણવત્તાવાળું છે.

‘કૌશિકાખ્યાન’ (1926) પ્રૌઢ શૈલીમાં રચાયેલું કથાકાવ્ય છે. તેમાં મરાઠીના ઓવી છંદનો પ્રયોગ કર્યો છે. ‘ગીતામંજરી’ (1945) ગીતાના શ્લોકોને આધારે રચેલી રૂપકાત્મક ગેય રચનાઓ છે.

‘આંધળાનું ગાડું’ (1927) એ લોકનાટ્યનો પ્રયોગ છે. ઉપરાંત ‘પ્રહલાદ નાટક તથા સાહસવીરનાં ગીતો’ (1929); ‘ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ’ (1931); ‘રોકડિયો ખેડૂત’ (1957) નાટકો અને બાળનાટિકા ‘ગાલ્લી મારી ઘરરર… જાય’ (1957) તેમણે લખેલાં છે.

‘મારી જીવનકથા’ (1975) આત્મકથા અને ‘ગાંધીજી’ (1939), ‘ભારતસેવક ગોખલે’ (1940), ‘ખાદીભક્ત ચૂનીભાઈ’ (1966) એમણે આપેલાં ચરિત્રો છે. બાળકો માટે ‘ચાલણગાડી’ (1923), ‘પંખીડાં’ (1923), ‘ચણીબોર’ (1923) અને ‘રાયણ’ (1923) એમનાં સંપાદનો છે. ‘ગ્રામભજનમંડળી’ (1938) ઉત્તમ ભજનોનું સંપાદન છે.

‘ઈશ ઉપનિષદ’ (1966) સમજૂતી સાથેનો પદ્યાનુવાદ છે. ‘ગુરુદેવનાં ગીતો’ (1972) ટાગોરનાં કાવ્યોના ભાવવાહી અનુવાદ છે.

જયંતીલાલ ધારશીભાઈ ભાલ