દલિત પૅંથર : પોતાના સામાજિક અને આર્થિક શોષણ સામે સામૂહિક રીતે લડત આપવા ભારતના દલિત વર્ગના યુવાનોએ ઊભું કરેલ સંગઠન. સદીઓથી કહેવાતા ઉજળિયાત વર્ગના હાથે શોષણનો શિકાર બનેલી જાતિઓ ભારતમાં દલિત તરીકે ઓળખાય છે. સદીઓથી તેમની સાથે અમાનવીય અને ભેદભાવપૂર્ણ વ્યવહાર કરીને, તેમને અસ્પૃશ્ય ગણીને હિંદુ સમાજે તેમને ઘોર અન્યાય કર્યો છે, જે દૂર કરી ભારતની નવી સમાજવ્યવસ્થામાં તેમને અન્ય જાતિઓની સમકક્ષ સ્થાન મળે તે માટે દલિત પૅંથરના નામે આંદોલન ઊભું કરવામાં આવ્યું છે. આ ચળવળમાં દલિત વર્ગો, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, લઘુમતી વર્ગો વગેરે ઓછાવત્તા પ્રમાણમાં સામેલ થાય છે.

અમેરિકામાં અશ્વેત લોકોએ 1966માં બ્લૅક પૅંથર્સ પાર્ટીના નેજા હેઠળ જે આંદોલન શરૂ કર્યું તેનો ઉદ્દેશ પણ તે દેશમાં અશ્વેત જાતિના લોકોના શોષણ સામે જેહાદ પોકારવાનો હતો. ‘દલિત પૅંથર્સ’ એ નામ પણ અમેરિકાના અશ્વેત આંદોલનની પ્રેરણાથી પાડવામાં આવ્યું હોય તેમ લાગે છે. અલબત્ત, અમેરિકા અને ભારત વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક અને ભાષાકીય બાબતો અંગે મૂળભૂત તફાવતો હોવાથી અમેરિકામાં અશ્વેત જાતિએ શરૂ કરેલ આંદોલન અને ભારતમાં દલિત જાતિઓની આ ચળવળ બંને સ્વરૂપગત રીતે ભિન્ન છે. ભારતમાં દલિત ગણાતા લોકોએ આધુનિક ભારતીય સમાજવ્યવસ્થામાં પોતાનું આર્થિક અને સામાજિક સ્થાન મજબૂત કરવા તથા પોતાના ન્યાયોચિત અને માનવીય અધિકારોને વાચા આપવા ‘દલિત પૅંથર્સ’ના નામથી આ ચળવળ શરૂ કરી છે. અસ્પૃશ્યતાની બદીને દેશમાંથી કાયમ માટે નિર્મૂળ કરવાનું ધ્યેય પણ આ ચળવળે સ્વીકાર્યું છે અને તે માટે તેના દ્વારા વિવિધ સ્તરે નક્કર કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ચળવળની શરૂઆતથી જ તેનો ઝોક ઉદ્દામવાદી/લડાયક હોવાથી આ ચળવળની પહેલ કરનારાઓએ દીપડાને તેમના આંદોલનનું પ્રતીક બનાવ્યું છે. ભારતના દલિતોના ટોચના નેતાઓ પૈકીના એક ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોએ આ ચળવળને બળ પૂરું પાડ્યું છે.

દલિત પૅંથર ચળવળની શરૂઆત 1972માં મુંબઈ ખાતે થઈ હતી. શરૂઆતના તબક્કામાં તેમાં ડૉ. આંબેડકરની જાતિના મહાર યુવકોનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. આ ચળવળ મહાર જાતિના યુવકોની હતાશામાંથી સર્જાઈ એમ મનાય છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન આ જાતિના યુવકો મોટી સંખ્યામાં લશ્કરમાં જોડાયા હતા અને પ્રથમ તથા દ્વિતીય વિશ્વયુદ્ધો દરમિયાન તેમાંથી કેટલાકને પરદેશ જવાનો મોકો મળ્યો હતો, જેને લીધે તેમના ર્દષ્ટિકોણ પર તથા તેમની સામાજિક વિચારસરણી પર મૂળભૂત અસર પડી હતી. આઝાદી પછી સરકાર દ્વારા ભિન્ન ભિન્ન સ્તરે વિવિધ પ્રકારની જે શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી તેનો લાભ પણ આ જાતિના યુવાનોએ ઠીક ઠીક પ્રમાણમાં લીધો હતો. છતાં તેમની સામાજિક અને વ્યાવસાયિક અવસ્થામાં કોઈ મૂળભૂત ફેરફાર થતો હોય એવું લાંબા સમય સુધી તેમને ર્દષ્ટિગોચર થયું નહિ. તેના વિરોધ રૂપે આ યુવાનોએ સાહિત્યનાં વિવિધ સ્વરૂપો (જેવાં કે કવિતા, નિબંધ, વાર્તા, નવલકથા, નાટક વગેરે) દ્વારા પોતાની વિટંબણાઓને વાચા આપી. તેમાંથી જ દલિત સાહિત્યનું સર્જન થયું છે. ઉપરાંત, દલિત યુવાનોએ મુંબઈ શહેરમાં તેમના વિસ્તારોની ફૂટપાથો, શેરીઓ તથા ઝૂંપડપટ્ટીઓમાં સભા-સરઘસો દ્વારા પોતાની હાલાકી તરફ પ્રજાનું ધ્યાન દોરવાના પ્રયાસો શરૂ કર્યા. કેટલીક જગ્યાએ દલિતો અને સવર્ણો વચ્ચે હિંસક સંઘર્ષની ઘટનાઓ પણ બની જેના પ્રતિકાર રૂપે જ દલિત પથરની ચળવળની વિધિસરની શરૂઆત થઈ છે. મહારાષ્ટ્રમાં આ ચળવળને નોંધપાત્ર ગણાય તેવી સફળતા પણ મળી; પરંતુ ભારતનાં અન્ય રાજ્યોમાં તે હજુ બાલ્યાવસ્થામાં જ છે એમ કહેવાય.

ગુજરાતમાં આ ચળવળને વાચા આપતું એક મુખપત્ર ‘પૅંથર’ નામથી પ્રકાશિત થાય છે. આ ચળવળમાં બાર હજાર ઉપરાંત દલિતો જોડાયા છે, જેમાંથી મોટા ભાગના સરકારી કર્મચારીઓ છે. તેમના ગુજરાત ખાતેના સંગઠનમાં જોડાવા માટે કોઈ લવાજમ નથી, પરંતુ દાન કે ભેટ સ્વીકારવામાં આવે છે અને તેમાંથી સંગઠનની પ્રવૃત્તિઓના ખર્ચને પહોંચી વળાય છે. આ ચળવળ બધા જ દલિતોનાં હિતોનું રક્ષણ કરવા માટે શરૂ કરવામાં આવેલી હોવા છતાં તેના પર અનુસૂચિત જાતિના લોકોનું વર્ચસ વિશેષ માલૂમ પડ્યું છે. આ ચળવળ વર્ણસંઘર્ષમાં માને છે, છતાં ગુજરાતમાં તે અહિંસક પદ્ધતિને વરેલી છે એવો તેના નેતાઓનો દાવો છે. લોકશાહી વ્યવસ્થામાં તેમનો ર્દઢ વિશ્વાસ હોવા છતાં તે પંચાયતી રાજ્યવ્યવસ્થાનો વિરોધ કરે છે. પંચાયતી રાજ્યવ્યવસ્થાએ ગ્રામવિસ્તારોમાં અસ્પૃશ્યતા ફેલાવી છે એવી પૅંથરની દલીલ છે. બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવાથી દલિતોની મૂળ સમસ્યા – અસ્પૃશ્યતાનું નિવારણ થશે નહિ એવું ગુજરાતના દલિત પૅંથર્સનું મંતવ્ય છે અને તેથી જ ગુજરાતમાં ધર્મપરિવર્તનની ચળવળને પ્રતિસાદ મળ્યો નથી. આ ચળવળથી દલિત વર્ગના લોકોમાં આત્મવિશ્વાસ અને હિંમત આવ્યાં એવું તારણ નીકળ્યું છે.

ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા