દલીલ (argument) : પોતાની વાત સાબિત કરવા માણસ દ્વારા થતી રજૂઆત. તેની જુદી જુદી પદ્ધતિઓ, તેની પ્રમાણભૂતતા, તેની સત્યતા, તેમાં ઊભા થતા દોષ વગેરેનો તર્કશાસ્ત્ર(logic)માં અભ્યાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ, શબ્દ, અનુમાન જેવા જુદા જુદા માર્ગ છે. આવા જ્ઞાનના માર્ગને પ્રમાણ કહે છે. પ્રમાણશાસ્ત્રમાં આ પ્રમાણોની તપાસ થાય છે. પ્રાચીન ભારતમાં ન્યાયદર્શનમાં પ્રમાણોનો અભ્યાસ થયો છે. પશ્ચિમમાં તર્કશાસ્ત્રમાં અનુમાનપ્રમાણનો વિગતે અભ્યાસ થયો છે.

દલીલરૂપ રજૂઆત વિધાનોની હારમાળાથી વ્યક્ત થાય છે, જેમ કે,

        યુદ્ધથી કુળનો ક્ષય થાય;

        કુળના ક્ષયથી કુળધર્મ નાશ પામે;

        કુળધર્મનાશથી કુળની સ્ત્રીઓ ભ્રષ્ટ થાય;

        ભ્રષ્ટ સ્ત્રીઓ વર્ણસંકર પ્રજાને જન્મ આપે;

        વર્ણસંકર પ્રજાનું પિંડદાન પહોંચે નહિ;

        પિંડદાન વિના પિતૃઓ નરકને પામે;

        તેથી યુદ્ધને કારણે પિતૃઓ નરકને પામે.

ઉપરની દલીલમાં પહેલાં છ કથનોમાંથી છેલ્લું સાતમું કથન તારવ્યું છે. તર્કશાસ્ત્રની પરિભાષામાં કથનને વિધાન કહે છે. ઉપરની દલીલમાં પહેલાં છ વિધાન દલીલનો આધાર પૂરો પાડે છે. તેથી તે વિધાનોને આધારવિધાન (premise) કહેવામાં આવે છે. તારવવામાં આવેલું છેલ્લું, સાતમું વિધાન ફલિત વિધાન (conclusion) તરીકે ઓળખાય છે.

આ પ્રકારની લાક્ષણિક દલીલમાં બે આધારવિધાન અને તેમાંથી તારવેલું ત્રીજું વિધાન હોય છે. એવાં ત્રણ વિધાનના વિધાનસમૂહને સંવિધાન (syllogism) કહે છે. ઉદાહરણ તરીકે,

દલીલના મુખ્ય બે પ્રકાર : આધારવિધાન અને ફલિતવિધાનના સંબંધને ધ્યાનમાં લઈ દલીલના બે મુખ્ય પ્રકાર પાડ્યા છે :

(1) નિગમનાત્મક (deductive) દલીલ,

(2) વ્યાપ્તિરૂપ (inductive) દલીલ.

ઉપર રજૂ કરેલાં બે ઉદાહરણો નિગમનાત્મક દલીલનાં છે. વ્યાપ્તિરૂપ દલીલનાં ઉદાહરણ જોઈએ :

સોમવારે સૂર્ય પૂર્વ દિશામાં ઊગ્યો.

મંગળવારે સૂર્ય પૂર્વ દિશામાં ઊગ્યો.

બુધવારે સૂર્ય પૂર્વ દિશામાં ઊગ્યો.

ગુરુવારે સૂર્ય પૂર્વ દિશામાં ઊગ્યો.

શુક્રવારે સૂર્ય પૂર્વ દિશામાં ઊગ્યો.

શનિવારે સૂર્ય પૂર્વ દિશામાં ઊગ્યો.

રવિવારે સૂર્ય પૂર્વ દિશામાં ઊગ્યો.

પહેલી તારીખે સૂર્ય પૂર્વ દિશામાં ઊગ્યો.

પાંચમી તારીખે સૂર્ય પૂર્વ દિશામાં ઊગ્યો.

ત્રીસમી તારીખે સૂર્ય પૂર્વ દિશામાં ઊગ્યો.

તેથી સૂર્ય હંમેશ પૂર્વ દિશામાં ઊગશે.

બીજું ઉદાહરણ :

કૅન્સરના નેવું ટકા દર્દીઓ તમાકુનું સેવન કરતા જણાયા.

તમાકુનું સેવન કરતા ન હોય તેવા કૅન્સરના દર્દીની સંખ્યા અલ્પ છે.

તેથી તમાકુ અને કૅન્સર વચ્ચે કાર્યકારણ સંબંધ છે.

– ઉપરનાં ઉદાહરણોથી દેખાશે કે નિગમનાત્મક અને વ્યાપ્તિરૂપ દલીલ વચ્ચે પાયાના તફાવતો છે :

(1) નિગમનાત્મક દલીલમાં આધારવિધાનો સત્ય તો તેનું ફલિતવિધાન અવશ્યપણે (necessarily) સત્ય; પરંતુ વ્યાપ્તિરૂપ દલીલનું ફલિતવિધાન અવશ્યપણે સત્ય હોતું નથી. તે વધતી ઓછી સંભાવના (probability) જ દર્શાવે છે.

(2) નિગમનાત્મક દલીલમાં ફલિતવિધાન આધારવિધાનમાં ગર્ભિત રીતે સમાયેલું જ છે; પરંતુ વ્યાપ્તિરૂપ દલીલમાં ફલિતવિધાન આધારવિધાનો કરતાં કંઈક અધિક કે વિશેષ છે.

આ તફાવતને કારણે આ બંને પ્રકારની દલીલોના મૂલ્યાંકનના માપદંડ જુદા છે. નિગમનાત્મક દલીલ પ્રમાણભૂત (valid) છે કે કેમ તે ધોરણ અપનાવાય છે. આધારવિધાનમાં ફલિતવિધાન સમાયેલું હોય તો દલીલ પ્રમાણભૂત. પણ ફલિતવિધાન આધારવિધાનમાં ગર્ભિત ન હોય તો દલીલ અપ્રમાણભૂત. ફલિતવિધાન સત્ય છે કે અસત્ય તેની તપાસ નિગમનાત્મક દલીલમાં કરાતી નથી. ફલિતવિધાન યોગ્ય રીતે તારવેલું પ્રમાણભૂત વિધાન છે કે નહિ તે જ જોવાય છે.

નિગમનાત્મક દલીલમાં આધારવિધાનો સત્ય હોય અને દલીલ પ્રમાણભૂત હોય તો ફલિતવિધાન સત્ય જ હોવાનું. આવી પ્રમાણભૂત અને સત્ય દલીલ સમર્થ સત્ય છે. ત્યાં દલીલ સાબિતી છે, પણ દરેક દલીલ સાબિતીરૂપ નથી હોતી. ફક્ત સત્ય આધારવિધાનો અને પ્રમાણભૂત નિગમનાત્મક દલીલ જ સાબિતીરૂપ છે. આવી દલીલને ઍરિસ્ટૉટલે સત્યસ્થાપક (demonstrative) દલીલ તરીકે ઓળખાવી છે. ધારણાથી કલ્પેલું આધારવિધાન લેવામાં આવે અને તેમાંથી તારવેલું ફલિતવિધાન અસત્ય દેખાઈ આવે તો ધારેલું આધારવિધાન ખોટું છે તેમ સાબિત થાય. આવી દલીલ વાદપ્રતિવાદલક્ષી (dialectical) ગણાય છે.

વ્યાપ્તિલક્ષી દલીલનું મૂલ્યાંકન જુદા ધોરણથી દર્શાવાય છે. દલીલ સબળ (sound) છે કે નિર્બળ (weak) એવું ધોરણ અપનાવાય છે. આધારવિધાનોના સત્ય અને સામર્થ્યથી ફલિતવિધાન વધુ સંભવિત લાગે તો દલીલ સબળ કહેવાય, ઓછું સંભવિત લાગે તો દલીલ નિર્બળ ગણાય.

ઉપરની ચર્ચા પરથી કહી શકાય કે યથાયોગ્ય અથવા સારી (good) દલીલમાં નીચેનાં લક્ષણ હોવાં જોઈએ :

(1) દલીલ નિગમનાત્મક રીતે પ્રમાણભૂત અથવા વ્યાપ્તિલક્ષી ર્દષ્ટિએ સબળ હોવી જોઈએ;

(2) દલીલનાં આધારવિધાન સત્ય હોવાં જોઈએ;

(3) આધારવિધાન કયાં અને ફલિતવિધાન કયું તે સ્પષ્ટ જણાવું જોઈએ.

(4) દલીલની ભાષા ગૂંચવાડાભરી, અટપટી અને આવેશમય ઝુકાવ(emotional slant)વાળી ન હોવી જોઈએ.

(5) આધારવિધાનોની સત્યતા પક્ષકારોને થવી જોઈએ.

(6) દલીલ ચક્રીય (circular) ન હોવી જોઈએ કે જેમાં સાબિત કરવાનું છે તે જ સ્વીકારી લીધું હોય, જેમ કે, ‘આત્મા અમર છે, કારણ કે તે મરતો નથી’.

(7) દલીલ સંદિગ્ધ ન હોવી જોઈએ કે જેથી દલીલ દરમિયાન તેમાંના શબ્દોનો જુદો જુદો અર્થ નીકળે.

(8) દલીલ જે બાબત અંગે હોય તેની સાથે દલીલમાંનાં વિધાન પ્રસ્તુત હોવાં જોઈએ.

દોષયુક્ત (fallacious) દલીલો : દલીલમાં કાળજી ન રખાય તો વિવિધ પ્રકારના દોષ તેમાં પ્રવેશે છે. આવી દલીલ સામાન્યત: ખોટી અને ગેરરસ્તે દોરનારી હોય છે. જોકે વિશિષ્ટ અસાધારણ સંજોગમાં આવી દલીલનો દોષ ફલિતવિધાનને દૂષિત ન કરે. જાણીતા તર્કદોષ નીચે પ્રમાણેના છે :

(1)     લોકસમૂહને અપીલ :

મોટા ભાગના લોકો ઈશ્વરમાં માને છે.

તેથી ઈશ્વર સત્ય છે.

(2)     વિરોધીને અપીલ :

આપણા દુશ્મનો સેતાનમાં માને છે.

તેથી સેતાન અસત્ય છે.

(3)     ઉત્પત્તિનો સંદર્ભ :

તમે ભયને કારણે ઈશ્વરમાં માનો છો.

તેથી ઈશ્વર અસત્ય છે.

(4)     અજ્ઞાનનો આધાર :

કોઈ ઈશ્વરને સાબિત કરી શક્યું નથી

માટે ઈશ્વર નથી.

અથવા

કોઈએ ઈશ્વર નથી એવું સાબિત કર્યું નથી,

તેથી ઈશ્વર છે.

(5)     કાકતાલીય ન્યાય :

કાગડો બેઠો

અને ડાળ પડી.

તેથી કાગડાના બેસવાથી ડાળ પડી.

(6)     વિભાગીકરણ :

આ ટેબલ છે.

તેથી તેના પાયા ટેબલ છે.

તેની બેઠક ટેબલ છે.

તેની પીઠ ટેબલ છે.

(7)     સંયોગીકરણ :

બાંયો ખમીસ નથી.

કૉલર ખમીસ નથી.

આગળ-પાછળની ચાળ ખમીસ નથી.

તેથી બાંયો, કૉલર અને આગળ-પાછળની ચાળ ખમીસ નથી.

દલીલ તથા વિચારણા પ્રમાણભૂત, સબળ અને યથાયોગ્ય બને તે માટે કેટલાંક સૂચનો કરી શકાય :

(1) શ્વેત-શ્યામ વિચારણા ટાળો. એટલે કે અંતિમ છેડાના બે વિકલ્પોમાંથી જ એક સત્ય છે એવો આત્યંતિક આગ્રહ ન રખાય. સત્ય બેની વચ્ચે ભૂખરા અવકાશ(grey area)માં પણ હોઈ શકે.

(2) બીબાઢાળ માન્યતા ત્યજવી જોઈએ. અમુક એક વર્ગ કે જાતિના બધા લોકો એક જ પ્રકારનાં લક્ષણો ધરાવે છે એવી જડ માન્યતા ન રાખવી; જેમ કે, બધા ટૂંકી ગરદનવાળા લુચ્ચા છે એમ ન કહેવાય.

(3) લાગણીથી ન ઉશ્કેરાવાય. દલીલની તાર્કિકતા તપાસી સ્વીકાર-અસ્વીકારનો નિર્ણય કરવો ઘટે, લાગણી કે આવેશથી દોરવાઈ કશું માની લેવું ન જોઈએ.

(4) દલીલમાં ધમકી-બળજબરી-દબાણ ન આવે.

(5) વિધાનમાંના અર્થો અને ગર્ભિતાર્થો પ્રમાણભૂત રીતે તારવવા ઘટે.

મહેશ મ. દવે