દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ

March, 2016

દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢ : જૂનાગઢનું જાણીતું મ્યુઝિયમ. જૂનાગઢના નવાબ મહંમદખાન બીજાના સમયમાં એટલે કે ઓગણીસમી સદીમાં જૂનાગઢમાં એક ઘણી ભવ્ય ઇમારત બંધાઈ હતી. તેમાંના વચલા હૉલને 1947માં સૌરાષ્ટ્ર સરકારના સમયમાં ‘દરબાર હૉલ મ્યુઝિયમ’ તરીકે ફેરવી નાખવામાં આવ્યો. નવાબ મહંમદખાન બીજાએ આ હૉલને ચાંદીનું રાજસિંહાસન, કલાત્મક ખુરશી, કીમતી તથા રંગબેરંગી ઝુમ્મરો વગેરે દેશપરદેશની વસ્તુઓથી શણગારીને તેને ભવ્ય રાજદરબારની રીતે ગોઠવ્યો હતો. 1967 સુધી આ ખંડ મહેસૂલ વિભાગ હસ્તક રહ્યો અને ત્યારબાદ ગુજરાતના સંગ્રહાલય નિયામકની હકૂમત નીચે મુકાયો.

દરબાર હૉલ મ્યુઝિયમ, જૂનાગઢમાં સંગૃહીત કેટલાક કલાત્મક નમૂના

આ મ્યુઝિયમના સંગ્રહમાં ઘણી કીમતી અને અલભ્ય ચીજવસ્તુઓ તથા દબદબાભરી રાજાશાહીનો ખ્યાલ આપતા અવશેષરૂપ નમૂના સચવાયેલા છે. ચાંદીનું રાજસિંહાસન, ખુરશી, રાજશસ્ત્રો, શાહી ગાલીચા, કાચનાં રંગબેરંગી, ઝુમ્મરો, રંગચિત્રો, જુદા જુદા નવાબના ફોટા અને તૈલચિત્રો, ચાંદીથી કંડારાયેલી હાથીની અંબાડીઓ, પાલખીઓ, શાહી પોશાકો વગેરે છે. ઉપરની ચીજવસ્તુઓ પાંચ વિભાગમાં પ્રદર્શિત કરેલી છે. નમૂનાની સંખ્યા લગભગ 2,900ની છે. દર વર્ષે લગભગ 3,60,000 મુલાકાતીઓ તેનો લાભ લે છે. મ્યુઝિયમમાં પ્રદર્શિત વસ્તુઓ તથા નમૂના વિશે સમજ આપવા માટે કર્મચારીની પણ વ્યવસ્થા છે.

જ. મૂ. નાણાવટી