દક્ષિણામૂર્તિ (સંસ્થા) : ભારતમાં નવી રાષ્ટ્રીય કેળવણીના આદર્શોને મૂર્તિમંત કરતી ભાવનગરની શિક્ષણસંસ્થા. મહાત્મા ગાંધીની પ્રેરણા હેઠળ નઈ તાલીમની સંકલ્પના પણ હજુ સાકાર થઈ ન હતી, તે સમયે (1910) નાનાભાઈ ભટ્ટે શિક્ષણની નવી ર્દષ્ટિ અને સૂઝથી પ્રેરાઈને આ સંસ્થા શરૂ કરી.

આ સંસ્થાના આદ્યપ્રેરક મહાત્મા શ્રીમન્ નથુરામ શર્માના ઉપાસ્યદેવ દક્ષિણામૂર્તિ હોવાથી તેમના શિષ્યો હરગોવિંદદાસ પંડ્યા, ઓધવજીભાઈ અને નૃસિંહપ્રસાદ (નાનાભાઈ) ભટ્ટે પોતાના ઉપાસ્યદેવનું નામ સંસ્થા સાથે જોડી, સંસ્થાનું નામ ´શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન´ રાખ્યું.

તેની શરૂઆત ભાવનગરના રેલવે સ્ટેશન પાસે તખ્તસિંહજી ધર્મશાળામાં 1910ના ડિસેમ્બરની 28મી તારીખે થઈ. નાનાભાઈ ભટ્ટ શામળદાસ કૉલેજમાંથી અધ્યાપકપદનું રાજીનામું આપી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના ગૃહપતિ બન્યા. પોતાની જ એક સ્વતંત્ર શાળાની અનિવાર્યતા જણાતાં 1918ના જૂન માસમાં દક્ષિણામૂર્તિ વિનયમંદિર શરૂ થયું. વિનયમંદિરમાં સાત વર્ષનો અભ્યાસક્રમ પૂરો થતાં વિદ્યાર્થીને સંસ્થા તરફથી ´વિનીત´નું પ્રમાણપત્ર આપવામાં આવતું.

દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ સાથે જે નવા સાથીઓ જોડાયા તેમાં ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી મુખ્ય હતા. ગિજુભાઈએ બાલશિક્ષણમાં મૉન્ટેસોરી પદ્ધતિનો વિનિયોગ કર્યો અને બાલસાહિત્યનું સર્જન કર્યું. હરભાઈએ ડૅલ્ટન પદ્ધતિ દાખલ કરી. નાનાભાઈએ મહાભારત અને રામાયણનાં પાત્રોનું સરળ ભાષામાં લેખન કર્યું. તે ઉપરાંત તારાબહેન મોડક, ગિરીશભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ, ગોપાલરાવ વિદ્વાંસ, નટવરલાલ બૂચ અને મનુભાઈ પંચોળી જેવા પ્રતિભાવંત શિક્ષકો દક્ષિણામૂર્તિને મળ્યા. દક્ષિણામૂર્તિ માત્ર છાત્રાલય ન રહેતાં શિક્ષણની સંસ્થા બની. ગાંધીજી જ્યારે ભાવનગર આવ્યા ત્યારે સર પ્રભાશંકર પટ્ટણીએ તેમને દક્ષિણામૂર્તિ સંસ્થા બતાવેલી (1915).

દક્ષિણામૂર્તિ સંસ્થાની કેળવણીવિષયક પ્રવૃત્તિઓના મુખ્ય સાત વિભાગ હતા : (1) વિદ્યાર્થીગૃહ, (2) વિનયમંદિર, (3) બાલમંદિર, (4) બાલઅધ્યાપનમંદિર, (5) પ્રકાશનમંદિર, (6) અક્ષરજ્ઞાનયોજના, અને (7) ગ્રામશાળાઓ. આ બધી જ પ્રવૃત્તિઓના નિયામક નાનાભાઈ ભટ્ટ હતા.

સંસ્થાએ કેળવણીવિષયક કેટલાક સિદ્ધાંતો નક્કી કરી તેનું પાલન કર્યું હતું; જેમાં, (1) સ્વાતંત્ર્ય, સ્વયંસ્ફૂર્તિ અને પરિણામે વિદ્યાર્થીની જવાબદારી; (2) શિક્ષા અને ઇનામ (ભય અને લાલચ)નો સદંતર બહિષ્કાર; (3) પરીક્ષાના ત્રાસમાંથી મુક્તિ; (4) વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને શિક્ષણનું આયોજન; (5) માતૃભાષા દ્વારા જ શિક્ષણ આપવું; (6) કેળવણીમાં ઉદ્યોગને સ્થાન આપવું; (7) કલાના શિક્ષણનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો; (8) રમતો, પ્રવાસો, ચર્ચાસંઘો, નાટકો અને ઇતર વાચનને અભ્યાસના અન્ય વિષયો જેટલું મહત્વ; (9) હિંદીનું શિક્ષણ ફરજિયાત રાખવું; (10) સંસ્થાને સરકારી સંસ્થાઓથી સ્વતંત્ર રાખવી વગેરે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી ભણાવવાની ફી ન લેવી, સહશિક્ષણ રાખવું, તાલીમી શિક્ષકો દ્વારા જ શિક્ષણ આપવું, વિદ્યાર્થીઓ સાથે નિકટનો પરિચય કેળવવો, સંસ્થાએ પોતે રચેલાં પાઠ્યપુસ્તકો વાપરવાનો આગ્રહ રાખવો, ગ્રામજીવન અને લોકજીવનના પુનરુદ્ધારના વાતાવરણનો પ્રબંધ કરવો અને માનસશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના સિદ્ધાંતો ઉપર શિક્ષણની યોજના કરવી વગેરે સિદ્ધાંતોનું વ્યવહારમાં પાલન કર્યું હતું. દક્ષિણામૂર્તિએ અનેકવિધ પ્રયોગો કરીને સમગ્ર ભારતમાં આદરભર્યું સ્થાન મેળવ્યું હતું. નોંધપાત્ર બાબત એ હતી કે દક્ષિણામૂર્તિ સંસ્થા દરેક જ્ઞાતિ માટે ખુલ્લી હતી. આવાં અનેક ક્રાંતિકારી પગલાં દ્વારા દક્ષિણામૂર્તિની સિદ્ધિ કીર્તિને શિખરે પહોંચી હતી.

1936–37માં દક્ષિણામૂર્તિમાં આજીવન સભ્યપદની 20 વર્ષની મુદત પૂરી થતી હતી. તીવ્ર મતભેદોને કારણે ત્રિપુટી જુદી પડી. ગિજુભાઈએ રાજકોટમાં બાલઅધ્યાપનમંદિર શરૂ કર્યું (1937). નાનાભાઈએ ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં શરૂ કરી (1938) અને હરભાઈએ ભાવનગરમાં ઘરશાળા સંસ્થા શરૂ કરી (1939). મૂળ દક્ષિણામૂર્તિ સંસ્થા 28–2–1939થી (બાલમંદિર સિવાય) બંધ પડી તે છેક 26 જાન્યુઆરી, 1950 સુધી. ત્યારપછી બાલ અધ્યાપનમંદિર અને વિનયમંદિરનો પ્રાથમિક વિભાગ ક્રમે ક્રમે શરૂ થયો. વિનયમંદિરનો હાઈસ્કૂલ વિભાગ 1973માં શરૂ થયો. આજે બાલમંદિર, બાલઅધ્યાપનમંદિર, કુમાર મંદિર (1થી 7 ધોરણ) અને વિનયમંદિર (8થી 12 ધોરણ) ચાર વિભાગો સરકારી ધોરણે ચાલે છે. વિમુબેન બધેકા (ગિજુભાઈનાં પુત્રવધૂ) તેનું સંચાલન કરે છે.

જયંતીલાલ ધારશીભાઈ ભાલ