દક્ષિણા : હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યોમાં આપવામાં આવતું દ્રવ્ય. ´દક્ષિણા´ શબ્દ છેક વેદમાં વપરાયેલો છે. વેદાંગ નિરુક્તના લેખક યાસ્કે ઋગ્વેદ 2/6/6માં પ્રયોજાયેલા દક્ષિણા શબ્દની વ્યુત્પત્તિ સારી રીતે વધારવાના અર્થમાં રહેલા દક્ષ્ ધાતુમાંથી આપી છે. (1) યજ્ઞમાં જે કંઈ ન્યૂનતા હોય તેને દૂર કરી તેને (ફળ તરફ) વધારે તેનું નામ દક્ષિણા. (2) યજ્ઞમાં અગ્નિની આસપાસ (જમણી તરફ) ગોળ ફરીને જાય એટલે પ્રદક્ષિણા ફરે તેનું નામ દક્ષિણા. (3) જે યજ્ઞમાં યજમાન પાસેથી દક્ષિણ દિશામાં રહેલા આગ્નીધ્રીય એટલે બ્રહ્મા પાસે જાય તેનું નામ દક્ષિણા. આવી ત્રણ વ્યુત્પત્તિઓ નિરુક્તમાં યાસ્કાચાર્યે આપી છે.  ધર્મશાસ્ત્ર કહે છે તે મુજબ યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યોનું ફળ દક્ષિણા આપવાથી પ્રાપ્ત થાય છે. પ્રાચીન ભારતમાં ગાયોને ધન ગણતા હોવાથી ગાય જેવું પ્રાણી આપવામાં આવે તેને પણ દક્ષિણા જ કહેવાય છે.

ધર્મશાસ્ત્રમાં દક્ષિણાદાનનો મહિમા ખૂબ મોટો છે. દક્ષિણા આપવાથી જ પિતૃઓ તર્પણ કે શ્રાદ્ધ સ્વીકારે છે. યજ્ઞ કરતાં વધેલી વસ્તુઓ રુદ્રની ગણાય છે, તે વસ્તુઓ બ્રહ્મા, અધ્વર્યુ અને ઋત્વિજો વગેરેને આપવામાં આવે તે પણ દક્ષિણા જ કહેવાય છે. યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યોમાં જો દક્ષિણા ન આપવામાં આવે તો દક્ષિણા ન આપનારને કુંભી નામના નરકમાં પીડા વહોરવી પડે છે એવું ધર્મશાસ્ત્રનું વિધાન છે. મનુસ્મૃતિમાં કહ્યા મુજબ વેદના પારંગત બ્રાહ્મણને શ્રાદ્ધ જમાડી દક્ષિણા આપવામાં આવે તેનું શુભ ફળ આ લોક અને પરલોક બંનેમાં મળે છે. પરંતુ મિત્રતા કરવા માટે શ્રાદ્ધ જમાડીને જે દક્ષિણા આપવામાં આવે તેને પૈશાચી કે સંભોજની નામની દક્ષિણા કહેવામાં આવે છે. ધર્મશાસ્ત્ર કહે છે તેમ, આ પૈશાચી કે સંભોજની દક્ષિણાનું કશું જ ફળ મળતું નથી. તે દક્ષિણાનો અત્યંત અધમ પ્રકાર છે.

યજ્ઞ કરાવનાર ઋત્વિજની જેમ અધ્યયન કરાવનાર ગુરુને જે દક્ષિણા આપવામાં આવે તે ગુરુદક્ષિણા કહેવાય છે. વિદ્યા ભણી રહ્યા પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતી વખતે વિદ્યાર્થીને સ્નાન કરાવવામાં આવે છે. આવું સ્નાન કરેલો સ્નાતક–વિદ્યાર્થી– તે પ્રસંગે ગુરુને દક્ષિણા આપે છે. આ ગુરુદક્ષિણા શ્રેષ્ઠ દક્ષિણા છે. કૌત્સ નામનો શિષ્ય પોતાના વરતંતુ નામના ગુરુને દક્ષિણા આપી શકે એ માટે રઘુરાજાએ ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ કૌત્સને ગુરુદક્ષિણા માટે અઢળક સોનું અપાવ્યાનો દાખલો જાણીતો છે. ગુરુ દ્રોણે એકલવ્યને પ્રત્યક્ષ કશું શિક્ષણ આપ્યા વિના એકલવ્ય પાસેથી તેના જમણા હાથનો અંગૂઠો ગુરુદક્ષિણામાં પ્રાપ્ત કરવાની વાત મહાભારતમાં જાણીતી છે. ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ખેતર, સોનું, ગાય, ઘોડો, છત્રી, જોડા, આસન, અનાજ, વસ્ત્ર, વનસ્પતિ અને કશું જ ન હોય તો ગુરુકુળમાં વૃક્ષો પર રહેલાં ફળ કે ફૂલ પણ ગુરુદક્ષિણા તરીકે આપવામાં કશો વાંધો નથી. આ ગુરુદક્ષિણા આપ્યા પછી પણ ગુરુનું ઋણ તો હંમેશાં રહે છે જ. આખી જિંદગી ગુરુના અનૃણી થઈ શકાય નહીં, ભલે તે ગુરુએ એકાદ શ્લોક જ ભણાવ્યો હોય. આ રીતે ગુરુદક્ષિણા ખૂબ જ મહિમા ધરાવે છે.

સંક્ષેપમાં, દક્ષિણાના ઘણા પ્રકારો છે. કોઈ પણ જાતની દક્ષિણા યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને બદલામાં કશું મેળવવાની ઇચ્છા વગર આપવામાં આવે તો પુણ્યકારી છે, નહીં તો તે પાપકારી છે. દક્ષિણા જ ધર્મકાર્યનું શુભ ફળ આપનારી છે એમ ધર્મશાસ્ત્ર કહે છે. ધાર્મિક કાર્યને અંતે રાજા દક્ષિણા આપે તે આવશ્યક છે, પરંતુ ગુરુને આપવાની દક્ષિણા જો વિદ્યાર્થીને બદલે રાજા આપે તો તે રાજા માટે પુણ્યનો ખજાનો છે. ધર્મશાસ્ત્રમાં તેને બ્રાહ્મનિધિ કહ્યો છે અને તે કદાપિ ખૂટતો નથી એ નોંધવા જેવું તેનું લક્ષણ છે.

દક્ષિણા (પ્રાજાપત્યા) : જુદા જુદા પ્રકારની દક્ષિણાઓમાં દક્ષિણાનો એક પ્રકાર પ્રાજાપત્યા દક્ષિણાનો છે. પ્રજાપતિ એટલે બ્રહ્માને આ દક્ષિણા આપવામાં આવતી હોવાથી તેને પ્રાજાપત્યા દક્ષિણા કહી છે. આવી દક્ષિણાનો ઉલ્લેખ યજુર્વેદમાં જોવા મળે છે. યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞની અંદર પ્રજાપતિ દેવની ઇષ્ટિ કરવામાં આવે છે કે જેને પ્રાજાપત્યા ઇષ્ટિ કહે છે.

જે રીતે બ્રહ્મચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે ત્યારે સ્નાતકવિદ્યાર્થી – ગુરુદક્ષિણા આપે છે એ રીતે ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમમાંથી સંન્યસ્તાશ્રમમાં પ્રવેશે ત્યારે અર્થાત્, પ્રવ્રજ્યા સ્વીકારે તે સમયે મનુષ્ય પોતાની તમામ વસ્તુઓની એટલે સર્વસ્વની દક્ષિણા આપે છે. આવી દક્ષિણા પ્રાજાપત્યા ઇષ્ટિ કરીને અંતે આપવામાં આવે છે માટે તેને પ્રાજાપત્યા દક્ષિણા કહે છે. સંસારમાં પોતાની માલિકીની જે કંઈ વસ્તુઓ હોય તે બધી પ્રાજાપત્યા દક્ષિણામાં આપી દેવામાં આવે છે. સર્વસ્વના ત્યાગવાળી પ્રાજાપત્યા દક્ષિણા સર્વશ્રેષ્ઠ દક્ષિણા ગણાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી