દંતિદુર્ગ

March, 2016

દંતિદુર્ગ (ઈ. સ. 753) : રાષ્ટ્રકૂટ રાજવંશનો અને મહારાજ્યનો સ્થાપક. શરૂઆતમાં એ વાતાપિના ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય બીજાની સેવામાં હતો. એ કાલ દરમિયાન એણે કલિંગ, કોસલ અને કાંચી પર વિજય મેળવવામાં ભારે દક્ષતા દાખવી હોઈ ચાલુક્યનરેશ વિક્રમાદિત્યે એની કદર રૂપે એને ‘પૃથ્વીવલ્લભ’ અને ‘ખડ્ગાવલોક’ જેવાં બિરુદ આપ્યાં હતાં. વિક્રમાદિત્યનું અવસાન થતાં એના ઉત્તરાધિકારી કીર્તિવર્મા બીજાને પરાજિત કરી ઈ. સ. 753ના અરસામાં એણે રાષ્ટ્રકૂટ રાજવંશની સ્થાપના કરી. હવે એણે ચાલુક્ય મહારાજ્યને સ્થાને રાષ્ટ્રકૂટ મહારાજ્ય જમાવવા માંડ્યું. દંતિદુર્ગે ઉત્તરમાં મહી અને રેવાતટે વિજયકૂચ કરી માલવા અને લાટ દેશ પર વિજય મેળવ્યો. એણે લાટમાંની ગુર્જર સત્તાનો અંત આણ્યો અને ત્યાં એના પિતરાઈ ગોવિંદરાજને નીમ્યો. એણે અવંતિના ગુર્જરોનો પરાભવ કર્યો અને ગુર્જર રાજાને પોતાનો પ્રતીહાર કરી ઉજ્જૈનમાં ‘હિરણ્યગર્ભ’ મહાદાન સમારંભ કર્યો. દંતિદુર્ગે મહારાજાધિરાજ, પરમેશ્વર અને પરમ ભટ્ટારકનાં મહાબિરુદ ધારણ કરેલાં. તેના પછી તેનો ઉત્તરાધિકાર એના કાકા કૃષ્ણ પહેલાને પ્રાપ્ત થયેલો (આ. ઈ. સ. 760).

પ્રવીણચંદ્ર પરીખ