થુલિયમ (Thulium) : આવર્ત્તકોષ્ટક(periodic table)ના ત્રીજા (અગાઉ III A) સમૂહમાં આવેલ લેન્થેનાઇડ(lenthanide)શ્રેણી અથવા લેન્થેનૉઇડ્ઝ(lenthanoids)માંના વિરલ મૃદા (rare earth) તત્વો પૈકીનું એક ધાત્વીય તત્વ. સંજ્ઞા Tm. 1879માં પર ટી. ક્લીવ (Per T, Cleve) નામના વૈજ્ઞાનિકે આ તત્વ શોધેલું. લૅટિન શબ્દ ‘Thule’ (most northerly land) પરથી આ તત્વને ‘થુલિયમ’નામ આપવામાં આવ્યું છે. લેન્થેનૉઇડ તત્ત્વોના રાસાયણિક ગુણધર્મોમાં ઘણું સામ્ય હોવાથી તેમને એકબીજાથી અલગ પાડવા માટેની વિધિઓ વારંવાર કરવી પડે છે; દા. ત., શુદ્ધ થુલિયમ બ્રોમેટને અલગ પાડવા અમેરિકન વૈજ્ઞાનિક સી.જેઇમ્સને લગભગ 15,000 વાર સ્ફટિકીકરણ કરવું પડ્યું હતું. કુદરતમાં તે એપેટાઇટ (apatite) અને ઝેનોટાઇમ (xanotime) જેવાં ખનિજોમાં મળી આવે છે.

થુલિયમ ફ્લોરાઇડનું કૅલ્શિયમ વડે અપચયન (reduction) કરીને અથવા લેન્થેનમ ધાતુ અને થુલિયમ ઑક્સાઇડના મિશ્રણનું શૂન્યાવકાશી (vacuum) નિસ્યંદન કરીને થુલિયમ ધાતુ મેળવી શકાય છે.

થુલિયમ ધાત્વિક ચળકાટ ધરાવતું તત્વ છે. કુદરતમાંથી મેળવાતા તત્વમાં તેનો સમસ્થાનિક Tm-169 લગભગ 100 % જેટલો હોય છે, જ્યારે 17 જેટલાં કૃત્રિમ સમસ્થાનિકો મેળવી શકાયાં છે. તેના કેટલાક ભૌતિક ગુણધર્મો આ પ્રમાણે છે :

પરમાણુક્રમાંક 69; બાહ્ય-ઇલેક્ટ્રૉન-સંરચના 4f136s2; સાપેક્ષ પરમાણુદળ 168.934; ગ.બિં. 1547° સે; ઉ.બિં. 1947° સે.; ઘનતા (25° સે.) 9.321 ગ્રા/ઘ.સેમી.; E°(M3+/M) – 2.32V; વિદ્યુત-અવરોધકતા (25° સે.) 79 μ ઓહમ-સેમી. તેના ગલનબિંદુએ તે ઊંચું બાષ્પદબાણ ધરાવે છે. નીચા તાપમાને થુલિયમ પ્રતિફેરોમૅગ્નેટિક બની જાય છે.

થુલિયમ પાણી સાથે ધીમેથી પ્રક્રિયા કરે છે. મંદ ઍસિડોમાં તે દ્રાવ્ય છે. સામાન્ય રીતે તેના ક્ષારો આછા (pale) લીલા રંગના જ્યારે દ્રાવણો સહેજ લીલી ઝાંયવાળાં હોય છે. તેના હેલાઇડ-સંયોજનો (halides) પૈકી ફ્લોરાઇડ (TmF3, ગ.બિં. 1158° સે.) સફેદ, ક્લોરાઇડ (TmCl3, ગ.બિં. 824° સે.) પીળો, બ્રોમાઇડ (TmBr3, ગ.બિં. 954° સે.) સફેદ  અને આયોડાઇડ (TmI3, ગ.બિં. 1021° સે.) પીળો રંગ ધરાવે છે.

ધાતુ તરીકે  થુલિયમના કોઈ ઉપયોગ જાણીતા નથી. પણ નાભિકીય ભઠ્ઠી(nuclear reactor)માં જ્યારે Tm-169ને કિરણિત કરવામાં આવે છે ત્યારે Tm-170 ઉત્પન્ન થાય છે, જે કિરણોત્સર્ગી છે તથા તેનું અર્ધઆયુ 129 દિવસ છે. આ સમસ્થાનિક 84 KeV નાં પ્રબળ ક્ષ-કિરણો છોડી શકતો હોવાથી તેનો વૈદ્યકીય (medical) ઉપયોગ નાના સુવાહ્ય (portable) એકમો બનાવવા માટે થાય છે. આ માટે કોઈ વિદ્યુતીય સાધનોની જરૂર પડતી નથી. આ એકમને ફક્ત થોડા થોડા મહિને પુન:સક્રિયિત (reactivated) થુલિયમ બટન વડે પુનર્ભારિત કરી શકાય છે.

જગદીશ જ. ત્રિવેદી