થાયોયૂરિયા (Thiourea or Thiocarbamide) : યૂરિયાનું સલ્ફર ધરાવતું તુલ્યરૂપ સંયોજન. તે રંગવિહીન ઘન પદાર્થ છે. તેનું સૂત્ર H2NCSNH2, ગ. બિંદુ 180°–182° સે.. પાણીમાં સાધારણ દ્રાવ્ય તથા ઈથરમાં અદ્રાવ્ય છે. આલ્કોહૉલમાં તે દ્રાવ્ય છે. સ્વાદે કડવું હોય છે. શૂન્યાવકાશમાં 150°–160° સે. તાપમાને ઊર્ધ્વપાતનીય છે. થાયોયૂરિયા બનાવવાની ત્રણ સામાન્ય રીતો છે : (i) એમોનિયમ થાયોસાયનેટને 180°સે. તાપમાને ગરમ કરીને, (ii) કૅલ્શિયમ સાયનેમાઇડને 180° સે. તાપમાને ગરમ કરી તેના ઉપર હાઇડ્રોજન સલ્ફાઇડ પસાર કરીને તથા (iii) ડાયસાયનડાઇએમાઇડ તથા એમોનિયમ સલ્ફાઇડના મિશ્રણની 60°થી 70° સે. તાપમાને પ્રક્રિયા કરીને :

યૂરિયાની માફક જ થાયોયૂરિયા હાઇડ્રોકાર્બનો (ઉપશાખાવાળા, એલિસાઇક્લિક તથા 14થી વધુ કાર્બનયુક્ત સીધી શૃંખલાવાળા) સાથે યોગશીલ (additive) સંયોજનો બનાવે છે. રાસાયણિક પરિભાષામાં થાયોયૂરિયા બે ચલાવયવી સ્વરૂપમાં હોય છે :

ઇથાઇલ બ્રોમાઇડ જેવા આલ્કીલ હેલાઇડ સાથે ઇથાઇલ થાયોયુરોનિયમ લવણ આપે છે.

આવાં લવણો મરકેપ્ટાન તથા આલ્કીલ સલ્ફોનિલ ક્લોરાઇડ સંયોજનો બનાવવામાં વપરાય છે. આવાં સંયોજનોમાંનું બેન્ઝાઇલ થાયોયુરોનિયમ ક્લોરાઇડ કાર્બનિક ઍસિડો પારખવા માટે પ્રક્રિયક તરીકે વપરાય છે.

થાયોયૂરિયા વિસ્થાપિત મેલોનિક એસ્ટર સાથે થાયોબાર્બિટ્યૂરિક ઍસિડ વ્યુત્પન્ન આપે છે. આવું એક સંયોજન 1મિથાઇલબ્યૂટાઇલ ઇથાઇલ થાયોબાર્બિટ્યૂરેટ તેના સોડિયમ લવણ સોડિયમ પૅન્ટોથલ સ્વરૂપે  નિશ્ચેતક તરીકે વપરાશમાં છે.

ફોટોગ્રાફી તથા ફોટો કૉપીના કાગળો બનાવવા માટે, કાર્બનિક સંશ્લેષણમાં (રંગકો, ઔષધો માટે), રબર પ્રવેગક તરીકે, ઍમિનોરેઝિન બનાવવા તથા ફૂગ અટકાવવા તે ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને રુવાંટીવાળાં કપડાંને જંતુઓથી બચાવવા માટે પણ તે વપરાય છે. ચામડી ઉપર તે ચળ લાવે છે. તે કૅન્સરજનક હોવાથી ખાદ્ય પદાર્થોમાં નાખી શકાય નહિ.

જગદીશ જ. ત્રિવેદી