થાયમૉલ (Thymol) : તીવ્ર વાસવાળો રંગહીન, સ્ફટિકમય પદાર્થ. ગુજરાતીમાં તે અજમાના અર્ક (સત્ત્વ) તરીકે જાણીતો છે. તે થાઇમ કપૂર (Thyme camphor) તરીકે પણ ઓળખાય છે. ફુદીના(mint)ના પ્રકારની લેમિયેસી (Lamiaceae) અથવા લેબિયેટી (Labiatae) કુળની તૂરી તૃણૌષધિને થાઇમ (Thyme) અથવા થાયમસ વલ્ગારિસ (Thymus vulgaris) કહે છે. તેમાંથી તે મળી આવે છે. થાઇમમાં લગભગ 1 % જેટલું સુગંધિત તેલ (essential oil) હોય છે, જે થાઇમ કૅમ્ફર અથવા થાયમૉલ તરીકે ઓળખાય છે. થાયમૉલનું અણુસૂત્ર C10H14O છે. તેનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે :

થાયમૉલનું બંધારણીય સૂત્ર

તેને થાયમિક ઍસિડ અથના આઇસોપ્રોપાઇલ મેટા-ક્રેસૉલ પણ કહી શકાય. પાણી તથા ગ્લિસરીનમાં તે સાધારણ દ્રાવ્ય જ્યારે આલ્કોહૉલ, ક્લૉરોફૉર્મ, ગ્લેશિયલ એસેટિક ઍસિડ તથા ઈથરમાં દ્રાવ્ય હોય છે. તેનું ગ.બિ. 48° સે. થી 51° સે., ઉ.બિ. 233° સે. તથા ઘનતા 0.979 છે.

થાયમૉલને થાઇમ તેલ અથવા અન્ય તેલોમાંથી મેળવવામાં આવે છે. મેટા-ક્રેસોલ અને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડમાંથી -10° સે. તાપમાને ફ્રિડલ-ક્રાફ્ટ્સ પ્રક્રિયા દ્વારા અથવા મેટા-ક્રેસોલ અને આઇસોપ્રોપાઇલ આલ્કોહૉલને સલ્ફ્યુરિક ઍસિડની હાજરીમાં ગરમ કરીને તેનું સંશ્લેષણ કરી શકાય છે.

તેના જંતુરોધક અને નિશ્ચેતક ગુણધર્મોને કારણે થાયમૉલ ફૂગનાશક, પરિરક્ષક, સુગંધી દ્રવ્ય (perfumery), પ્રતિઉપચાયક (antioxident), તથા સંશ્લેષિત મેન્થૉલ (menthol) બનાવવા વપરાય છે. કોગળા કરવા તથા મોં સાફ કરવાનાં દ્રવ્યોમાં પણ તે વપરાય છે.

જગદીશ જ. ત્રિવેદી