થાયમસ (વક્ષસ્થ ગ્રંથિ) : છાતીના ઉપલા ભાગમાં આવેલો પ્રતિરક્ષાલક્ષી (immunological) અવયવ. ચેપ અને રોગો સામે શરીરનું રક્ષણ કરતું તંત્ર પ્રતિરક્ષાતંત્ર (immune system) નામે ઓળખાય છે. તેમાં લોહીના શ્વેતકોષોના એક પ્રકારના લસિકાકોષો (lymphocytes) મહત્વનો ભાગ ભજવે છે. થાયમસગ્રંથિ લસિકા-તંત્ર(lymphatic system)નો બે ખંડો(lobes)વાળો એક અવયવ છે.

આકૃતિ 1 : નાના બાળકની છાતીમાં વક્ષસ્થ ગ્રંથિ : (1) ગલગ્રંથિ (thyroid gland), (2) ગળા અને માથાની નસો, (3) વક્ષસ્થ ગ્રંથિ, (4) હૃદય, (5) ડાબું ફેફસું, (6) જમણું ફેફસું, (7) ઉરોદરપટલ.

છાતીમાં બે ફેફસાંની વચ્ચે આવેલા ભાગને મધ્યવક્ષ (mediastinum) કહે છે. તેના ઉપલા ભાગમાં વક્ષાસ્થિ-(sternum)ની બરાબર પાછળ વક્ષસ્થ ગ્રંથિ આવેલી છે. તેના બંને ખંડોને એક સંધાનપેશીના આવરણથી એકબીજા જોડે જોડી રખાય છે. બંને ખંડને અલગ અલગ પોતાનું તંતુમય પેશીનું સંપુટ (capsule) બનાવતું આવરણ હોય છે. સંપુટમાંથી કેટલાક રેસાઓ (trabeculae) થાયમસના ખંડમાં જાય છે અને તેને નાની નાની ખંડિકાઓ(lobules)માં વિભાજિત કરે છે. દરેક ખંડિકામાં એક ગાઢા રંગે અભિરંજિત (stained) થતું બહિ:સ્તર (cortex) અને આછા રંગે અભિરંજિત થતું મજ્જાસ્તર (medula) હોય છે. બહિ:સ્તરમાં અડોઅડ ગોઠવાયેલા નાના, મધ્યમ કદના કે મોટા લસિકાકોષો હોય છે અને તેમને જાળીમય પેશી(reticular tissue)ના તંતુઓ તેમના સ્થાને ગોઠવી રાખે છે. આવી જ જાળીમય પેશી અન્ય લસિકાતંત્રીય અવયવોમાં પણ હોય છે. તેમાં અધિચ્છદીય (epithelial) કોષો હોય છે, તેથી તેને અધિચ્છદીય જાળી-પેશી (epithelio–reticular tissue) કહે છે. મજ્જાસ્તરમાં અધિચ્છદીય કોષો અને છૂટાછવાયા લસિકાકોષ હોય છે. તેની જાળીમય પેશીમાં તંતુઓ કરતાં કોષો વધુ હોય છે. આ ઉપરાંત મજ્જાસ્તરમાં અધિચ્છદીય કોષોનાં ગોળ ગોળ પડ હોય છે. તેને હેસલની વક્ષસ્થ ગ્રંથિકણિકા (thymic corpuscle) કહે છે. તેના કાર્ય વિશે હજુ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.

ગર્ભની 3જી અને 4થી ગર્ભ-ચૂઈલક્ષી (branchial) ખાંચમાંથી વિકસીને વક્ષસ્થ ગ્રંથિ ગર્ભમાં નીચેની બાજુ ખસે છે. 30 % વ્યક્તિઓમાં તે ક્યારેક છાતી કે ગળામાં અન્યત્ર પણ જોવા મળે છે. તે ધીમે ધીમે યૌવનારંભ (puberty) સુધી મોટી થઈને 40 ગ્રામ જેટલી થાય છે. ત્યારબાદ તેમાંના મોટાભાગના કોષોને સ્થાને ચરબીના કોષો થઈ જાય છે અને વ્યક્તિ પુખ્ત થાય ત્યાં સુધીમાં તે ક્ષીણ થઈ જાય છે. તે ગ્લુકોકોર્ટિકોઇડ્સની સારવાર બાદ તથા ગંભીર માંદગીમાં પણ નાની થઈ જાય છે. થાયમસ ગર્ભના 10 થી 12મા અઠવાડિયે કાર્યરત થાય છે અને તે સમયે તેમાં T-પ્રકારના પ્રતિરક્ષાક્ષમ (immunocompetent) લસિકાકોષો જોવા મળે છે. જન્મ પહેલાં યકૃત (liver) અને અસ્થિમજ્જા(bone marrow)માંથી, અને જન્મ પછી ફક્ત અસ્થિમજ્જામાંથી, અવિભેદિત આદિકોષો (undifferentiated stem cells) થાયમસમાં આવે છે અને તેમાંથી પુખ્ત લસિકાકોષો બને છે. થાયમસમાં પાકટતા (maturation) પામતા લસિકાકોષોને T-લસિકાકોષો કહે છે, જ્યારે અસ્થિમજ્જામાં પાકટતા પામતા લસિકાકોષોને B-લસિકાકોષો કહે છે.

આકૃતિ 2 : B અને T લસિકાકોષોનું ઉત્પાદન, વિકસન
(development), વિભેદન (differentiation) તથા સંગ્રહ.

T-કોષો કોષીય(cellular) પ્રકારની પ્રતિરક્ષા કરે છે. જ્યારે B-કોષોમાંથી પ્લાઝ્માકોષો બને છે, જે પ્રતિદ્રવ્યો (antibodies) બનાવે છે. તેને રાસાયણિક (humoral) પ્રતિરક્ષા કહે છે. થાયમસના બહિ:સ્તરમાં લસિકાકોષોની સંખ્યાવૃદ્ધિ તથા વિકાસ (development) થાય છે. T-કોષો બહારના પ્રતિજન(antigen)-વાળા જીવાણુને મારે છે. અથવા બીજા T કે B કોષોના કાર્યને ઉત્તેજન કરે છે, તેમને સહાય કરે છે કે તેમના કાર્યને ઘટાડે પણ છે. આમ, T-કોષો પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ નક્કી કરવામાં મહત્વનું કાર્ય કરે છે.

તે વક્ષગ્રંથિન (thymosin), વક્ષગ્રંથીય અંત:સ્રાવી ઘટક (thymic humoral factor), વક્ષગ્રંથીય ઘટક (thymic factor) અને વક્ષગ્રંથિ-ઉત્તેજક (thymopoietin) નામના અંત:સ્રાવો ઉત્પન્ન કરે છે, જે B-કોષોનું પ્લાઝ્મા કોષોમાં રૂપાંતરણ અને વિકસન કરે છે.

થાયમસગ્રંથિના વિકારો : તેના મુખ્ય વિકારોમાં વક્ષસ્થ ગ્રંથિનું અલ્પવિકસન (hypoplasia), અતિવિકસન (hyperplasia) તથા ગાંઠ (tumour) છે. વળી તે મહત્તમ સ્નાયુદુર્બળતા(myasthenia gravis)ના વિકારમાં મહત્વનો ભાગ ભજવે છે. વક્ષગ્રંથિના કોષોનો વિકાસ ઓછો થાય તો તેને અલ્પવિકસન અને જો તે વધુ થાય તો તેને અતિવિકસન કહે છે.

વક્ષસ્થ ગ્રંથિનું અલ્પવિકસન જન્મજાત કે પાછળથી ઉદભવેલું હોય છે. નવજાત શિશુઓમાં જો તે વિકસેલી ન હોય તો B અને T કોષોની ઊણપ સર્જાય છે. તેથી બંને પ્રકારમાં સંયુક્ત પ્રતિરક્ષા-ઊણપજન્ય રોગ (combined immuno–deficiency disease) થાય છે. તેને કારણે વિવિધ પ્રકારનાં સંલક્ષણો ઉદભવે છે. તેની સારવારમાં વક્ષસ્થ ગ્રંથિનું કે અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ (thymic or bone marrow transplant) કરાય છે અથવા વક્ષસ્થ ગ્રંથિના અંત:સ્રાવોનાં ઇન્જેક્શન અપાય છે. કુપોષણ, સગર્ભાવસ્થા, એક્સ-રે કિરણોનો સંસર્ગ, ગ્લુકોકોર્ટિકોઇડ કે કૅન્સરવિરોધી દવાઓ વડે થતી સારવારથી પણ વક્ષસ્થ ગ્રંથિનું અલ્પવિકસન થાય છે. એઇડ્ઝના દર્દીમાં વક્ષસ્થ ગ્રંથિનું દુર્વિકસન (dysplasia) થાય છે. તેમાં વક્ષસ્થ ગ્રંથિનો વિષમ પ્રકારનો વિકાસ થાય છે.

આકૃતિ 3 : બાળપણ અને પુખ્તવયે થાયમસગ્રંથિ (વક્ષસ્થ ગ્રંથિ) : કદ, સ્થાન તથા સૂક્ષ્મરચના : (અ) બાળપણમાં (આશરે 25 ગ્રામ, મોટી ગ્રંથિ), (આ) પુખ્તવયે (આશરે 15 ગ્રામ, નાની ગ્રંથિ). નોંધ : (1) થાયમસ, (2) વક્ષાસ્થિ (Sternum), (3) હાંસડીનું હાડકું, (4) પુષ્કળ લસિકાકોષો, (5) હેસલની કણિકાઓ, (6) લસિકાકોષોના નાના સમૂહો, (7) વ્યાપક પ્રમાણમાં મેદકોષો.

વક્ષસ્થ ગ્રંથિના અતિવિકસનનું નિદાન મુશ્કેલ છે; કેમ કે, સામાન્ય ગ્રંથિનું કદ ઘણું જુદું જુદું હોઈ શકે છે. વક્ષસ્થ ગ્રંથિ મોટી થઈને શ્વાસોચ્છવાસ રૂંધે છે એવું અગાઉ મનાતું હતું. એ વિકારને અતિવક્ષલસિકા-સંકટ (status thymolymphaticus) કહેવાતો હતો. તે માટે શસ્ત્રક્રિયા કે વિકિરણની સારવાર અપાતી હતી. વિકિરણ-ચિકિત્સાને કારણે ક્યારેક ગલગ્રંથિ કે અન્ય અવયવમાં ગાંઠો પણ થતી હતી. હાલ આવો વિકાર હોવાની વાત પડતી મુકાઈ છે. અતિગલગ્રંથિવિષતા (thyrotoxicosis), એડિસનનો રોગ, વિષમ અતિકાયતા (acromegaly) વગેરે વિવિધ રોગોમાં વક્ષસ્થ ગ્રંથિનો વધુ પડતો વિકાસ થાય છે.

વક્ષસ્થગ્રંથિ-અર્બુદ (thymoma)માં તેના અધિચ્છદીય કોષોની ગાંઠ થાય છે. તેને લસિકાર્બુદ (lymphoma), જનકકોષી અર્બુદ (germ cell tumour) કે કાર્સિનોઇડની ગાંઠથી અલગ પડાય છે. તેની સાથે ઘણી વખત મહત્તમ સ્નાયુદુર્બળતા, રક્તકોષોનું અવિકસન(red cell aplasia)થી થતી પાંડુતા (anaemia), લોહીના કોષો તૂટી જવાથી થતી રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia), શ્વેતકોષોની સંખ્યામાં ઘટાડો, વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus), બહુસ્નાયુરુગ્ણતા (polymyopathy), વ્યાપક ફોલ્લારોગ (pemphigus vulgaris), દીર્ઘકાલી શ્વેતફૂગરોગ (chronic candidiasis) વગેરે વિવિધ રોગો થાય છે. નિદાન માટે સી.એ.ટી. સ્કેન ઉપયોગી છે. ઉપચાર રૂપે શસ્ત્રક્રિયા અને વિકિરણની સારવાર અપાય છે. વક્ષસ્થ ગ્રંથિમાં અન્ય પ્રકારની ગાંઠો પણ થાય છે.

આકૃતિ 4 : થાયમસની ગાંઠ અને આસપાસના અવયવો સાથેનો તેનો સ્થાનલક્ષી સંબંધ : (1) થાયમસની ગાંઠ, (2) હૃદય, (3) શ્વાસનળી, જેને ગાંઠ દબાવે તેથી શ્વાસ ચઢે અને ખાંસી આવે, (4) અન્નનળી, જેને ગાંઠ દબાવે તેથી ખોરાક ગળવામાં તકલીફ થાય, (5) હૃદય સાથે જોડાયેલી મોટી નસો જેને ગાંઠ દબાવે તેથી મોઢા પર સોજો આવે, (6) વક્ષાસ્થિ, (7) કરોડના મણકા.

મહત્તમ સ્નાયુદુર્બળતાના રોગના 10 % દર્દીઓમાં વક્ષસ્થ ગ્રંથિની ગાંઠ હોય છે અને 65 % દર્દીઓમાં તેનું અતિવિકસન થયેલું હોય છે. 25 % દર્દીઓમાં વક્ષસ્થ ગ્રંથિ સામાન્ય હોય છે. થાયમસ ગ્રંથિને શસ્ત્રક્રિયા કરીને કાઢી નાંખવાથી રોગની ઉગ્રતા ઘટે છે. તેનું કાર્ય સ્પષ્ટ નથી. નાનાં બાળકોમાં થાયમસ ગ્રંથિ દૂર કરવાથી રોગપ્રતિકારક પ્રતિરક્ષાની ક્ષમતા ઘટે છે. પરંતુ પુખ્તવયે ખાસ મોટો વિકાર ઉદભવતો નથી.

શિલીન નં. શુકલ