ત્વકાભ કોષ્ઠ (dermoid cyst) : શરીરમાં વિવિધ સ્થળે લાદીસમ અધિચ્છદ(squamous epithelium)ની દીવાલવાળી પોલી પુટિકાઓ એટલે કે પોટલીઓ થાય તેવી રસોળી (sebaceous cyst) અધિત્વકાભ (epidermoid) કોષ્ઠ તે. ત્વકાભના મુખ્યત્વે 3 પ્રકાર છે : (1) ગર્ભપેશીયુક્ત (teratomatous), (2) અપપ્રપાત-(sequestration)જન્ય અને (3) અંત:નિરોપ (implantation)જન્ય. પ્રથમ બે પ્રકારો જન્મજાત (congenital) ત્વકાભના છે જ્યારે અંત:નિરોપજન્ય ત્વકાભ પાછળથી ઉદભવે છે.

અંડપિંડ, શુક્રપિંડ, પેટના પોલાણમાં આવેલી પરિતનકલા(peritoneum)નો પાછલો ભાગ, કેડના ત્રિકાસ્થી નામના હાડકાની આગળનો અને ગુદાની પાછળનો ભાગ, છાતીના મધ્યભાગ મધ્યવક્ષ(mediastinum)નો ઉપરનો ભાગ વગેરે સ્થળોએ ગર્ભના વિકાસ વખતે રહી જતા અધિચ્છદીય કોષો ગર્ભપેશીયુક્ત ત્વકાભ કરે છે. તેમાં ક્યારેક કૅન્સર થાય છે.

ગર્ભની વૃદ્ધિ અને વિકાસના સમયે પેશીની વિવિધ ગડીઓ એકબીજાને મળીને નાક, આંખનાં પોપચાં અને કાન જેવી સંરચનાઓ બનાવે છે. બે ગડીઓ એકબીજીને મળીને જ્યાં આવી સંરચનાઓ કરે છે તે મિલનસ્થાને કેટલા અધિચ્છદના કોષો અંદરની પેશીમાં રહી જાય છે, જે પાછળથી અંત:નિરોપજન્ય અથવા સંધિસ્થળી ત્વકાભ બનાવે છે; દા. ત., આંખનો ખૂણો, નાકનું મૂળ, કાનનો પાછળનો ભાગ, જીભનો વચલો ભાગ, મોંઢાનું તળિયું, ગળાનો આગળનો ભાગ.

આંગળીની ટોચ પર કે અન્ય સ્થળે સોય જેવા તીક્ષ્ણ સાધનથી વીંધાવાની ઈજા થાય ત્યારે ક્યારેક ચામડી પરના અધિચ્છદના કોષો અંદરની પેશીમાં ઊતરે છે અને તે સંપ્રાપ્ત (acquired) અથવા અંત: નિરોપીય ત્વકાભ બનાવે છે. સારવાર રૂપે ત્વકાભને શસ્ત્રક્રિયા વડે કાઢી નાંખવામાં આવે છે.

શિલીન નં. શુક્લ

સોમાલાલ ત્રિવેદી