ત્રિગુણી રસી

March, 2016

ત્રિગુણી રસી (tripple vaccine) : નવજાત શિશુ તેમજ નાનાં બાળકોને રોગપ્રતિકાર માટે અપાતી ડી.પી.ટી. (DPT – diphtheria, pertussis અને tetanus મિશ્રિત) રસી. તેમાં ત્રણ રોગો, ડિફ્થેરિયા, ઊંટાટિયું (whooping cough) અને ધનુર (tetanus) સામે રોગ પ્રતિકારકશક્તિ – પ્રતિરક્ષા (immunity) મળે તેવી ત્રણ રસીઓનું મિશ્રણ હોય છે. તેનું અંત:ક્ષેપણ (injection) એક માસથી એક વર્ષ સુધીનાં બાળકને આપવામાં આવે છે. 7 વર્ષ કે તેથી ઉપરના બાળકને આ રસી આપવામાં આવતી નથી.

સામાન્ય રીતે 0.5 મિલી.ના ત્રણ ભાગમાં પ્રથમ ભાગ બીજા માસે, બીજો ભાગ ત્રીજા માસે અને ત્રીજો ભાગ ચોથા માસે આપવામાં આવે છે. બાળકોમાં તે સક્રિય પ્રતિકારશક્તિ ઉત્પન્ન કરે છે. આ પ્રતિકારશક્તિ પાંચ વર્ષ સુધી ટકી રહે છે. તેથી બાળક પાંચ વર્ષનું થાય ત્યારે ડિફ્થેરિયા અને ધનુરની સામે અનુવર્ધક (booster) માત્રામાં આપવામાં આવે છે.

ત્રિગુણી રસીમાં (1) ડિફ્થેરિયાનો વિષાભ (toxoid), (2) ધનુર્વાનો વિષાભ (tetanus toxoid) અને ઊંટાટિયા માટે જવાબદાર પટર્યુસિસ જીવાણુમાંથી બનાવેલી રસી હોય છે. આ ત્રણ ઘટકો ઉપરાંત આ રસીમાં ઍલ્યુમિનિયમ, પોટૅશિયમ સલ્ફેટ સહઔષધ (adjuvant) તરીકે અને થાયમેરોસાલ (thimerosal) નામનું એક પારાનું એક દ્રવ્ય પરિરક્ષક (preservative) તરીકે ભેળવવામાં આવે છે.

સખત તાવ, લાંબા સમય સુધી બાળકનું રડવું, મગજની નબળાઈ, અંત:ક્ષેપણ કરેલી જગ્યાએ સોજો તથા દુખાવો જેવાં આડચિહનો કે ઍલર્જિક (વિષમોર્જાલક્ષી) અસર દેખાય તો બાળકને રસી આપવાનું બંધ કરી ડૉક્ટરની સલાહ લેવી પડે છે. યોગ્ય તકેદારીના અભાવે બાળકનું મૃત્યુ પણ નીપજી શકે છે.

રસીને 2°થી 8° સે. તાપમાને રેફ્રિજરેટરમાં સાચવવાની હોય છે. તેને ફ્રીજના – બરફના ખાનામાં મુકાતી નથી.

પ્રમોદ રતિલાલ શાહ