ત્રિચુર (ત્રિશુર) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. જિલ્લાનો કુલ વિસ્તાર 3032 ચોકિમી. તથા તેની કુલ વસ્તી 3,15,596 (2011) છે. જિલ્લા મથક 10° 03´ ઉત્તર અક્ષાંશ અને 76° 13´ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેની ઈશાને પાલઘાટ તથા કોઇમ્બતુર અને દક્ષિણમાં એર્નાકુલમ નગરો આવેલાં છે. એર્નાકુલમથી ત્રિચુર 60 કિમી. ઉત્તરે છે. આ નગર મલબાર કિનારાની નજીક પૂર્વ દિશામાં વસેલું છે.

ત્રિચુરનો પુરમ્ ઉત્સવ — એક ર્દશ્ય

કાપડ, ઇમારતી લાકડું તથા ઈંટો અને નળિયાંના વેપાર માટે આ નગર જાણીતું છે. ઉપરાંત, ત્યાં ઍલ્યુમિનિયમની ચીજવસ્તુઓ અને સિમેન્ટનાં કારખાનાં છે.

ત્રિચુર કેરળમાંનું વિખ્યાત તીર્થસ્થાન છે. નગરની સ્થાપના પરશુરામે કરી હતી અને તેમનાં અંતિમ દર્શન પણ ત્યાં જ થયાં હતાં એવી આખ્યાયિકા છે. નગરના મધ્યમાં આવેલ એક ટેકરી પર પ્રખ્યાત શિવમંદિર છે. પથ્થરના બનેલા કોટથી તે ઘેરાયેલું છે. કોટમાં અલગ અલગ દિશામાં ચાર ગોપુર છે. આ મંદિર કેરળના શિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે. મુખ્ય મંદિરની આસપાસ નાનાંમોટાં અનેક મંદિરો છે, જેના બાંધકામમાં લાકડાનો પુષ્કળ ઉપયોગ થયેલો છે. લાકડા પરનું નકશીકામ કોતરણીકલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. ત્યાં સોળમી અને સત્તરમી સદીનાં ભીંતચિત્રો જોવાલાયક છે. આદિ શંકરાચાર્યનાં માતા-પિતાએ આ જ મંદિરમાં પુત્ર માટેની કામના કરી હતી. 1760માં સામુરી આક્રમણ પછી નગરનું રક્ષણ કરવા માટે 1774માં તેની કિલ્લેબંધી કરવામાં આવી હતી. 1776માં હૈદરઅલીએ તથા 1789માં ટીપુ સુલતાને આ નગર પર આક્રમણ કર્યું હતું. સોળમી સદીના કોચીનના રાજાઓ આ નગરમાં રહેતા હતા. સીરિયન ક્રિશ્ચિયનોનું તે મહત્વનું કેન્દ્ર ગણાય છે. નગરમાં તેમનું જાણીતું દેવળ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે