તોપ : લશ્કરની પરિભાષામાં ગોળા ફેંકવાની નળીના અંદરના ભાગમાં 30 મિમી. અથવા તેનાથી વધુ વ્યાસ ધરાવતું શસ્ત્ર. તોપ તરીકે ઓળખાતાં તમામ યુદ્ધ આયુધોનાં વિકાસ, સંચાલન તથા જાળવણીના કૌશલને તોપવિદ્યા (gunnery) કહેવામાં આવે છે. આધુનિક તોપોમાં પ્રવેગક તરીકે સ્ફોટક દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવે છે; પરંતુ અગાઉના પ્રક્ષેપકોમાં વળ, તાણ અને પ્રતિભાર(counter weight)નો ઉપયોગ થતો હતો. કેટલાંક નાનાં આધુનિક અસ્ત્રોને પણ ‘ગન’ શબ્દ લગાડવામાં આવે છે. દા.ત., મશીનગન, શૉટગન વગેરે.

તોપ

કેટલાક ઇતિહાસકારો જર્મન પાદરી બર્થોલ્ડ શ્વાર્ત્સને પહેલી તોપ બનાવવાના યશભાગી માને છે. યુદ્ધના મેદાન પર તોપનો સર્વપ્રથમ ઉપયોગ 1324માં મેટ્સની ઘેરાબંધી દરમિયાન અને 1324માં ઇટલીમાં સિવિડેલ ખાતે થયો હોવાનું મનાય છે.

અગાઉની તોપોમાં કાંટાળા ભાલાસ્વરૂપનાં પ્રક્ષેપાસ્ત્રો હતાં. પાછળથી તેમાં અણીદાર પથ્થરો અને ધાતુના ગોળાનો ઉપયોગ થવા લાગ્યો. જૂની તોપો મહદ્અંશે ઢાળેલા કાંસાની અથવા પિત્તળની બનાવવામાં આવતી. ત્યારપછી ઘડતરના લોખંડની તોપો આવી. પરંતુ ઢાળેલા લોખંડનો ઉપયોગ તો છેક પંદરમી સદીમાં શરૂ થયો. એડિનબરોના કિલ્લામાંની વિખ્યાત તોપ ‘મોન્ઝ મેગ’નું વજન પાંચ ટન જેટલું હતું અને તે 48.75 સેમી.નો  લોખંડનો ગોળો 1.6 કિમી. સુધી ફેંકવાની ક્ષમતા ધરાવતી હતી એમ કહેવાય છે. મૉસ્કો ખાતેની ‘ઝાર કૅનન’ નામની તોપનું નાળચું 90.00 સેમી હતું અને તેનું વજન 40 ટન હતું. આ બધાં સરળ નાળચાંઅસ્ત્રો હતાં અને મોટા કિલ્લાના યુદ્ધસરંજામના ભાગ રૂપે અથવા પૂર્વ આયોજિત ઘેરાની કાર્યવાહી સિવાય તેનું બહુ મહત્વ રહ્યું ન હતું.

પૈડાં વગરની બળદગાડી પર તોપ ગોઠવીને લઈ જવાના શરૂઆતના પ્રયાસો સંતોષકારક નહોતા નીવડ્યા. પંદરમી સદીમાં ખાસ તાલીમ આપેલા ઘોડા દ્વારા ખેંચાતાં પૈડાંવાળાં વાહનો પર તોપો ગોઠવાતી. લગભગ તે જ અરસામાં પૈડાંગાડી પર ગોઠવેલી તોપનું સમતોલન સાચવવા માટે લાકડાની ઝૂલાઘોડી જેવી પ્રયુક્તિ અજમાવવામાં આવી; આથી તોપમારાની દિશા ગોઠવવા નાળચાના મોઢાને ઉપર નીચે ગોઠવી શકાતું તેમજ તોપગોળો છૂટ્યા પછીના આંચકાની અસર અંશત: પૈડાં ગાડી ઝીલી શકતી. આમ સમતળ પ્રદેશોના પ્રમાણમાં સપાટ રસ્તા પર તોપદળ, કૂચ કરતા પાયદળની સાથે જ રહી શકતું. ઘેરાની લડાઈ તથા પર્વતાળ વિસ્તારોમાં યુદ્ધની કામગીરીમાં ખાસ્સી ઊંચાઈએ ગોળા ફેંકી શકનારા શસ્ત્રની જરૂર પડતી અને કિલ્લાની અંદર અથવા નાની ટેકરી પર ગોળા ફેંકી શકનાર નાની તોપ (light gun) અથવા મોટા ગોળા છોડનારી વાહન પર ગોઠવેલી તોપ (mounted gun) વડે કામ ચાલતું.

સોળમી સદીની શરૂઆતમાં નૌકાયુદ્ધમાં પણ તોપોના ઉપયોગનું મહત્વ સમજાયું. ઇંગ્લૅન્ડે હળવી પણ દૂર સુધી મારો કરી શકે તેવી તોપોનો ઉપયોગ કર્યો. જ્યારે સ્પેને હળવી અને ભારે પણ નજીકમાં મારો કરી શકે તેવી એમ બંને પ્રકારની તોપોનો સહારો લીધો. પરિણામે સ્પેન સામેના યુદ્ધમાં ઇંગ્લૅન્ડની જીત થઈ.

1742માં બેન્જામિન રૉબિન્સે લખેલ ‘ન્યૂ પ્રિન્સિપલ્સ ઑવ્ ગનરી’ પ્રકાશિત થતાં તોપવિદ્યાના ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ દાખલ થયો. તેમની ‘બૅલિસ્ટિક્સ પેન્ડયુલમ’ની શોધના પરિણામે, તોપમાંથી છોડેલા ગોળાની ગતિ તેના પથ દરમિયાન કોઈ પણ તબક્કે સચોટ રીતે નિર્ધારિત કરવાનું શક્ય બન્યુ.

યુરોપના મોટાભાગના દેશોના લશ્કરમાં તોપખાનાના ત્રણ વિભાગ રાખવામાં આવે છે : (1) અશ્વદળ સાથે જોડાયેલું તોપખાનું; (2) પાયદળ સાથે જોડાયેલું તોપખાનું અને (3) દરિયાકાંઠાના સંરક્ષણ તથા હેરફેર વગરની અન્ય રક્ષણાત્મક કામગીરી માટેનું તોપખાનું.

ઓગણીસમી સદીમાં યુરોપ, આફ્રિકા તથા એશિયામાં ખેલાયેલાં યુદ્ધોને પરિણામે વધુ સારી તોપો બનાવવા માટે પ્રોત્સાહક વાતાવરણ સર્જાયું. તોપોમાં આંકા પાડેલાં નાળચાં દાખલ કરાયાં. તેને લીધે ગોળાને ભ્રમણ ગતિ સાંપડી, જેથી ચોકસાઈથી મારો કરવાનું શક્ય બન્યું, પવનને લીધે ગોળાની ગતિ બદલાવાનું પ્રમાણ ઘટ્યું તથા અગાઉના મોટાભાગના ગોળાકાર ગોળાને બદલે ભારે તથા જુદા જુદા આકારના ગોળા વપરાતા થયા.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન તોપોના માપમાં ખાસ્સો વધારો થયો. તથા તેમાં ઘણા તક્નીકી સુધારા કરવામાં આવ્યા. યુદ્ધમાં વિમાનોનો ઉપયોગ વધતો જવાથી વિમાનવિરોધી તોપોનો ઉપયોગ શરૂ થયો. તેના વડે વિમાનો પર ધાતુના વેધક ટુકડા(sharpnels)નો પ્રહાર કરી શકાતો. દસ હજાર મીટર કરતાં પણ વધુ અંતરે ગોળા ફેંકી શકે તેવી અને 33.75 સેમી.ના વ્યાસવાળા નાળચા ધરાવતી તોપો નૌકાદળમાં હતી.

તોપોની બનાવટમાં સુધારાવધારા થતા રહેવાની સાથોસાથ દારૂગોળાની બનાવટમાં પણ સુધારણા થઈ અને તોપગોળાના આકારોમાં ઘણું વૈવિધ્ય આવ્યું. યુદ્ધ દરમિયાન તેના ઉપયોગની વ્યૂહરચનામાં પણ ફેરફાર થયા. ખાઈ-યુદ્ધો દરમિયાન ઉચ્ચ કોણે મારો કરવાની ક્ષમતાવાળી તોપોનું મહત્વ વધ્યું અને તેને લીધે નાની તોપો ફરી યુદ્ધના મેદાનમાં ઉતારવાની શરૂઆત થઈ.

બીજા વિશ્વયુદ્ધ (1939–45)ની શરૂઆત સાથે જ અશ્વદળના સ્થાને પૈડાંવાળાં મોટરવાહનો આવ્યાં; એ વાહનો કાં તો પૈડાંવાળાં હતાં અથવા કાપાવાળા ધાતુના પટા ધરાવતાં હતાં. આને પરિણામે તથા રણગાડી જેવાં પણ હળવા બખ્તરવાળાં વાહનો પર તોપોને ગોઠવેલી હોવાથી તોપોની ગતિશીલતામાં નોંધપાત્ર વધારો થયો હતો. પોતાના દેશનાં શહેરો, નગરો, ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો, યુદ્ધજહાજો તથા યુદ્ધ- મેદાન પરના લશ્કરને રક્ષણ આપવા સ્થાયી તેમજ હરતીફરતી વિમાનવિરોધી તોપો બનાવવામાં ઘણી પ્રગતિ હાંસલ થઈ. આ બધામાં કામ આવતાં શસ્ત્રોનાં કદ, ગતિશીલતા, વેગ, પ્રહારક્ષેત્ર અને ક્ષમતામાં વધારો થયો. રડારની શોધ થયા પછી, કોઈ પણ ગતિમય પદાર્થનું સ્થાન માનવઇન્દ્રિય શોધી કાઢી શકે તેના કરતાં વધુ ઝડપથી શોધી કાઢવાનું તથા તેની ગતિનો પીછો કરવાનું શક્ય બન્યું.

વળી વિમાનની બાબતમાં તે મિત્રરાષ્ટ્રનું છે કે દુશ્મનનું તે ઓળખવાનું પણ શક્ય બન્યું. પરિણામે વિમાનવિરોધી તોપના તોપચીઓ માટે નિશ્ચિત પ્રહારની સુગમતા વધી.

105 મિમી. વ્યાસ ધરાવતી તોપો નાની તેમજ 105થી 155 મિમી. સુધીનો વ્યાસ ધરાવતી તોપો મધ્યમ તરીકે ઓળખાય છે. પાયદળની હરોળની ટુકડીઓની સાથે રહીને, કૂચ દરમિયાનની યુદ્ધની કામગીરીમાં સાથ ન આપી શકાય તેટલા વજનની તોપો ભારે ગણાય છે. ભારે તોપો ઘેરાની કામગીરીમાં કિલ્લાઓના બુરજ પરના સ્થાયી તોપદળ માટે તથા દરિયાકાંઠાનાં સંરક્ષણમથકો માટે ઉપયોગી નીવડે છે. 1945 પછી ‘ગન’ શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે અને તેમાં દૂર સુધી પ્રહાર કરી શકતા યુદ્ધ ઉપયોગી રૉકેટનો પણ સમાવેશ થાય છે.

હસમુખ માણેકલાલ પટેલ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે