તોમર રાજ્ય : તોમર નામની રાજપૂત જાતિનું રાજ્ય. ભારતની છત્રીસ રાજપૂત જાતિઓમાંની એક તે તોમર. તોમરો હરિયાણા પ્રદેશ ઉપર રાજ્ય કરતા હતા.  તેમની રાજધાની ઢિલ્લિકા (દિલ્હી) હતી. અનુશ્રુતિ પ્રમાણે તુઅરો કે તોમરોએ દિલ્હીની સ્થાપના ઈ. સ. 736માં કરી હતી. તેમનો સૌપ્રથમ ઉલ્લેખ પેહોવા (પ્રાચીન પૃથૂદક) પંજાબના કર્નાલ જિલ્લામાં પ્રતિહાર મહેન્દ્રપાલ પહેલાના અભિલેખમાં આવે છે.  તેમાં જણાવ્યા પ્રમાણે તોમર રાજ્ય વંશમાં જાઉલ નામે રાજા થયો જેણે એક રાજાને રાજ્યકાર્યમાં મદદ કરીને સમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી. એક અજ્ઞાત રાજાની સેવામાં જીવનની શરૂઆતનાં વર્ષો પસાર કર્યાં, પછી તે રાજા થયો હતો. જાઉલના વંશમાં નવમી સદીના મધ્યમાં વજ્રાટનો જન્મ થયો.. આ અરસામાં દિલ્હીના તોમરો પ્રતિહાર ભોજના આધિપત્ય નીચે હતા; કારણ કે તેનું રાજ્ય પંજાબના સિરસા અને કરનાલ જિલ્લાઓ સુધી વિસ્તર્યું હતું. વજ્રાટનો પુત્ર અને વારસ જજ્જુક હતો અને તેના પછી તેનો પુત્ર ગોગ્ગ સત્તા ઉપર આવ્યો. ગોગ્ગ એ પ્રતિહાર મહેન્દ્રપાલ પહેલાનો સામંત હતો. તેણે ‘ભૂનાથ’નું બિરુદ ધારણ કરેલું. ગોગ્ગ અને તેના બે સાવકા ભાઈઓ પૂર્ણરાજ અને દેવરાજ, મહેન્દ્રપાલ પહેલાના રાજ્યઅમલ દરમિયાન સરસ્વતી નદીના કિનારે પૃથૂદકમાં વિષ્ણુનાં ત્રણ મંદિરો બાંધ્યાં હતાં. કિલહોર્નના મત પ્રમાણે આ ત્રણેય તોમર રાજવીઓ દિલ્હી સાથે કદાચ સંકળાયેલા હતા અને પેહોવા (પૃથૂદક) સાથે તેમને કોઈ રાજકીય સંબંધ નહિ હોય  અને આ તીર્થસ્થળ હોવાથી બીજાઓની માફક તેમણે પણ ધાર્મિક મંદિરો બાંધ્યાં હશે. ફિરિસ્તા પ્રમાણે થાણેશ્વર કે જે પેહોવાથી 32 કિમી. પૂર્વમાં આવેલું હતું તે અગિયારમી સદીના પૂર્વાર્ધમાં દિલ્હીના રાજ્યની સીમામાં હતું. દસમી સદીમાં તોમરો શાકંભરીના ચાહમાનો સાથે સંઘર્ષમાં આવી પડ્યા. એક તોમર વડો રુદ્રેન (રુદ્ર ?) જે કદાચ ગોગ્ગનો વંશજ હશે, તે ગૂવક-બીજાના પુત્ર ચાહમાન ચંદન સાથેના યુદ્ધમાં માર્યો ગયો. ચંદનનો પૌત્ર સિંહરાજ (ઈ. સ. 975ની આસપાસ) થઈ ગયો, તેણે તોમર નાયક સલવન ઉપર વિજય પ્રાપ્ત કર્યો. તોમરોએ હરિયાણા ઉપર બારમી સદીના મધ્ય સુધી રાજ્ય કર્યું અને છેવટે ચાહમાન વિગ્રહરાજ–ત્રીજા વિસલદેવે તેમની સત્તાનો નાશ કર્યો.

યતીન્દ્ર દીક્ષિત