તેહરી ગઢવાલ : ઉત્તરાખંડ રાજ્યના 19 જિલ્લા પૈકીનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે.

આ પ્રદેશ આઝાદી પહેલાં એક દેશી રજવાડું હતો જેને 1947–48માં સંયુક્ત પ્રાન્ત(હાલના ઉત્તરપ્રદેશ રાજ્ય)માં ભેળવી દેવામાં આવ્યું હતું. જિલ્લાનું ક્ષેત્રફળ લગભગ 3796 ચોકિમી. જેટલું  છે. તેનું વહીવટી મથક નરેન્દ્રનગર છે, જે ભાગીરથી નદીના કિનારે સમુદ્રસપાટીથી આશરે 1500 મીટરની ઊંચાઈએ આવેલું છે. જિલ્લાની ઉત્તરમાં આ જ રાજ્યના ઉત્તરકાશી, પશ્ચિમમાં દહેરાદૂન, દક્ષિણમાં ગઢવાલ અને પૂર્વમાં ચમોલી જિલ્લાઓ આવેલા છે. જિલ્લાની વસ્તી 6,16,409 (2011) છે.

ભાગીરથી  અને અલકનંદા નદીઓ આ જિલ્લામાંથી વહે છે. અહીં સર્વત્ર નદીખીણો, કોતરો, ટેકરીઓ, પગથિયાં વગેરે જેવાં રમણીય ભૂમિર્દશ્યો પર છવાયેલી હરિયાળી ર્દષ્ટિગોચર થાય છે.

આ પ્રદેશના આશરે 68 % ભૂમિવિસ્તારમાં જંગલો, ઘાસ અને ઝાડીઝાંખરાં છવાયેલાં છે, જેમાં ચિર-પાઇન અને બીચ વૃક્ષોનું પ્રમાણ પુષ્કળ છે. જંગલવિસ્તારમાંથી મુખ્યત્વે લાકડું અને રેઝિન જેવી જંગલ-પેદાશો મળી આવે છે. રેઝિનમાંથી ટર્પેન્ટાઇન કાઢવામાં આવે છે. પહાડી ભાગોમાં થતા ઘાસ પર ગાય, ભેંસ અને ઘેટાંનો ઉછેર કરવામાં આવે છે, જેમાંથી મુખ્યત્વે ડેરીપેદાશો તથા ઊનનું ઉત્પાદન કરવામાં આવે છે. જિલ્લાનાં નદીકિનારાનાં પગથિયાંવાળાં મેદાનોના વિસ્તારોમાં ખેતી થાય છે. ડાંગર, જવ, ઘઉં, તેલીબિયાં, ફળફળાદિ અને શાકભાજી અહીંના મુખ્ય પાકો છે.

ભાગીરથી અને અલકનંદાનો સમગ્ર તટપ્રદેશ આર્થિક અને સાંસ્કૃતિક ર્દષ્ટિએ વિકસિત છે. અહીં તેહરી, પૌડી, હૃષીકેશ, લેન્સડાઉન, દેવપ્રયાગ, નરેન્દ્રનગર વગેરે નાનાં શહેરો આવેલાં છે. તે મોટરવાળા સડકમાર્ગોથી સંકળાયેલાં છે. અહીં કૈલાસ અને માનસરોવર જતો પ્રાચીન અને પવિત્ર માર્ગ નદીખીણોમાં થઈને પસાર થાય છે. ‘ભાગીરથી જળવિદ્યુત પરિયોજના’માં દેવપ્રયાગથી ઉપરના ભાગે આવેલા કોતર પર તેહરી બંધનું નિર્માણ કરાયું છે.

આશરે 30° 21’ ઉ. અ. તથા 98° 29’ પૂ. રે. પર સ્થિત તેહરી ગઢવાલ શહેર સામાન્ય રીતે ‘તેહરી’ તરીકે ઓળખાય છે અને તેના પરથી આ જિલ્લાનું નામ તેહરી ગઢવાલ પડેલું છે. તે ભાગીરથી નદીના કિનારે, દહેરાદૂનથી 43 કિમી. પૂર્વમાં આવેલું છે. ખેતપેદાશોનું તે વ્યાપારી કેન્દ્ર છે. ભાગીરથી ખીણના ઋષિકેશથી નરેન્દ્રનગરને જોડતા સડકમાર્ગ વચ્ચે તે આવેલું છે. ચમ્બા અને મસૂરી સડકમાર્ગથી તેની  સાથે સંકળાયેલાં છે. આગળ જતાં ગંગોત્રી અને ગૌમુખ સુધી તે માર્ગ લંબાયેલો છે.

બીજલ પરમાર