‘તુઝૂકે બાબુરી’

January, 2014

‘તુઝૂકે બાબુરી’ : મુઘલ શાસક બાબરે (1483–1530) રચેલું સાહિત્ય. 1526માં પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીને હરાવીને બાબરે મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. પિતા ઉમર શેખ મીરજા તૈમૂર બેગના ચોથા વંશજ અને માતા કુતલૂકનિગાર ખાનમ ચંગીઝખાનનાં તેરમાં વંશજ હતાં. પિતાના આકસ્મિક મૃત્યુ પછી બાબરે 12 વર્ષની નાની વયે ફરઘાનાની ગાદી સંભાળી.

સફળ વિજેતા અને અનુભવી સેનાપતિ હોવા ઉપરાંત તેઓ ઉચ્ચ કોટિના કવિ અને લેખક તેમજ કલા અને સાહિત્યના ચાહક અને આશ્રયદાતા હતા. બાળપણમાં અનેક મુશ્કેલીઓ, સંઘર્ષો તથા રખડપટ્ટીમાં કુદરતના ખોળે વિતાવેલા જીવનને કારણે તેઓ કુદરતી સૌંદર્યના પૂજક અને ચાહક બન્યા હતા.

હિંદમાં બાબરનું શાસન પાંચેક વર્ષ હતું. તે સમય ઘણુંખરું રાજ્યવહીવટ અને વ્યવસ્થામાં સમાપ્ત થઈ ગયો. તેમ છતાં તેમના દરબારમાં ગ્યાસુદ્દીન મુહમ્મદ ખ્વાન્દમીર, શેખ ઝૈન અલદીન,  મૌલાના શહાબુદ્દીન, શેખ મઆઝી, મીર ઇબ્રાહીમ, આતિશ કંદહારી (કવિ), શેખ મુહમ્મદ ગોસ ગ્વાલિયારી (સૂફી સંત) અને શેખ જૈનુદીન દફાઈ (મુનશી) જેવા વિદ્વાનોને આશ્રય મળ્યો હતો.

બાબરની માતૃભાષા તુર્કીમાં તે ગદ્ય અને પદ્યના સિદ્ધહસ્તલેખક હતા. ‘તુઝૂકે બાબુરી’ તેનો પુરાવો છે. તુર્કી ઉપરાંત ફારસીમાં પણ તેઓ કાવ્યો રચતા. હાફિજ, સઆદી અને જામીના અનુકરણમાં તેમણે કેટલીક ગઝલો રચી છે. બાબરના જીવન અને શાસનનો ઇતિહાસ જાણવાનું પ્રમાણભૂત સાધન તે તુર્કીમાં લખાયેલી બાબરની પોતાની કૃતિ ‘તુઝૂકે બાબુરી’, ‘વાકિયાતે બાબુરી’ કે ‘બાબરનામા’. તેનો પ્રથમ ફારસી અનુવાદ ઝૈનખાને કર્યો હતો. 1590માં અકબરના આદેશથી અબ્દુર્રહીમ ખાનખાનાએ પણ ફારસી અનુવાદ કર્યો હતો. ‘તુઝૂકે બાબુરી’માં બાબરે સમકાલીન ઘટના અને હકીકતોનું નિખાલસ નિરૂપણ તથા રાજકીય, સામાજિક, આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો છે. ઇતિહાસની જેમ સાહિત્યની ર્દષ્ટિએ પણ ‘તુઝૂકે બાબુરી’નું મહત્વ વિશેષ છે. બાબરની સાહિત્યિક નિપુણતાનું તેમાં દર્શન થાય છે. તેમની શૈલી સરળ અને સ્પષ્ટ તથા વર્ણનો યથાર્થ, ટૂંકાં અને સંપૂર્ણ છે.

‘વસિયતનામા-એ-મખફી’ (છૂપું વસિયતનામું) શાહજાદા હુમાયૂંને ઉદ્દેશીને ફારસીમાં લખાયેલ કૃતિ છે. તેમાં કેટલાક વહીવટી સિદ્ધાંતો પ્રસ્થાપિત કરેલા છે.

ઈસ્માઈલ કરેડિયા