તાપી (નદી) : પશ્ચિમ ભારત અને ગુજરાતની એક મોટી નદી. પુરાણકથા મુજબ ‘તાપી’ શબ્દ સૂર્યપુત્રી ‘તપતી’ પરથી ઊતરી આવ્યો છે.

મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિમી તથા સ્રાવ વિસ્તાર 75,000 ચોકિમી. છે. અતિવૃષ્ટિના સમયમાં દર કલાકે તે 9,12,00,000 ક્યૂબિક મીટર અને સૂકી ઋતુ દરમિયાન 19,000 ક્યૂબિક મીટર પાણી સમુદ્રમાં ઠાલવે છે.

ઉદગમથી સમુદ્ર સુધી તેના પ્રવાહમાર્ગને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ઉદગમથી મહારાષ્ટ્રના ખાનદેશમાં પ્રવેશે છે ત્યાં સુધીના 250 કિમીનો વિસ્તાર. (2) ખાનદેશમાં 280 કિમી. વિસ્તાર સુધીનો વિસ્તાર. (3) ખડકાળ પ્રદેશમાં થઈ તે ગુજરાતના નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશે છે તે 80 કિમી.નો વિસ્તાર તથા (4) સૂરતના ફળદ્રૂપ મેદાનમાં થઈ 144 કિમી.ના પ્રવાસ બાદ સમુદ્રને મળે છે તે વિસ્તાર.

સૂરતમાં તાપી નદી

ખાનદેશના વિસ્તારમાં નદીના મેદાનની રચના, સમુદ્રસપાટીથી 210થી 225 મી.ની ઊંચાઈ પર થઈ છે. પૂર્ણા, વાઘુર, ગીરના, બોરી, પુનઝરા અને શિવા નામની ઉપનદીઓ અહીં તાપીને મળે છે. ખાનદેશમાં તાપીનો અંતિમ 32 કિમી.નો પ્રવાહ સહ્યાદ્રિ-સાતપુડાની ટેકરીઓમાંથી પસાર થાય છે. અને પથરાળ વિસ્તારમાંથી માર્ગ કાઢી જળપ્રપાતની રચના કરતો તે આગળ વધે છે.

ગુજરાતમાં તે જ્યાં પ્રવેશે છે તે સ્થળ ‘હરણફાળ’ તરીકે ઓળખાય છે. કાકરાપાર સુધી પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં વહી તે સમુદ્રને મળતાં પહેલાં દક્ષિણ ગુજરાતના મેદાનમાં પહોળા ‘સર્પાકાર’ વહનમાર્ગો બનાવે છે. તાપીના મુખથી ઉપરવાસમાં 45 કિમી. સુધી દરિયાઈ ભરતીની અસરને લીધે તેના વહનમાર્ગમાં માટીના દળદાર સ્તરોનો નિક્ષેપ થયેલો જોવા મળે છે. લાવાયિક ખડકોને ઘસીને તે ખડક કણોને પોતાની સાથે ઘસડી લાવી, ગુજરાતના મેદાનમાં નિક્ષેપ કરી કાળી કાંપની જમીનની રચના કરે છે.

તેના માર્ગમાં વાધેચા જળપ્રપાત પાસે કાંપના નિક્ષેપથી નાના-નાના બેટની રચના થાય છે. જે ઝાડી-ઝાંખરાંથી છવાયેલા છે. અવારનવાર પૂરનાં પાણી તેના પર ફરી વળે છે. આવો એક મોટો બેટ સૂરતથી લગભગ 8 કિમી. દૂર આવેલ છે.

તાપીનો થાળાવિસ્તાર 1395 ચોકિમી. અને સ્રાવક્ષેત્ર 60,415 ચોકિમી. છે.

ભૂતકાળમાં તાપીના મુખમાં વહાણો પ્રવેશી શકતાં હોવાથી સૂરત ઐતિહાસિક રીતે એક પ્રખ્યાત બંદર બન્યું હતું.

ચોમાસા દરમિયાન તાપીમાં આવતા પૂર પર નિયંત્રણ લાવવા અને સિંચાઈનાં સાધનો ઊભાં કરવાના હેતુથી કાકરાપાર અને ઉકાઈ બંધ બાંધવામાં આવ્યા છે. ઉકાઈ બંધ પાસે જળવિદ્યુતનું ઉત્પાદન પણ થાય છે. કાકરાપાર પર ઍટમિક ઍનર્જી સ્ટેશન પણ સ્થાપવામાં આવેલ છે.

તાપીનું ધાર્મિક મહત્વ પણ છે. સૂરતથી 24 કિમી. દૂર પૂર્વમાં તાપીને કિનારે ‘બોધન’ નામનું ધાર્મિક સ્થળ છે, જ્યાં દર બાર વર્ષે મેળો ભરાય છે.

નિયતિ મિસ્ત્રી