તાપી (જિલ્લો) : ગુજરાતના 33 જિલ્લા પૈકીનો એક જિલ્લો. સૂરત જિલ્લાનું વિભાજન કરીને 2007ના સપ્ટેમ્બર માસની 27 તારીખે આ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. આ જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે અને તેને પાંચ તાલુકા (વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને વાલોદ)માં વિભાજિત કરવામાં આવ્યો છે, જે પૈકી વ્યારા અને સોનગઢ તાલુકા ગીચ જંગલો(વાંસ)વાળા છે, જ્યાંથી વાંસનું મહત્તમ ઉત્પાદન મેળવાય છે. આ જિલ્લાનાં મુખ્ય પ્રવાસી મથકો આ પ્રમાણે છે : સોનગઢનો કિલ્લો, ગૌમુખ, દોસવાડાબંધ, હિન્દુસ્તાન બ્રિજ, તાપી નદી અને ઉકાઈ ડૅમ.

ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 21o 12’ પૂ. ઉ. અ. અને 73o 04’ પૂ. રે. ની આજુબાજુ વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 2951.10 ચો.કિમી. જેટલો છે. આ જિલ્લાની વસ્તી 8,06,489 (2011) છે. આ જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 69 % છે. આ જિલ્લાની ઉત્તરે નર્મદા જિલ્લો, પૂર્વે મહારાષ્ટ્ર રાજ્ય, દક્ષિણે ડાંગ જિલ્લો અને પશ્ચિમે સૂરત જિલ્લો સીમા બનાવે છે. સોનગઢ ખાતે વાંસમાંથી કાગળ બનાવવા માટેની મિલ આવેલી છે. અહીં જંગલ પર આધારિત કુટિરઉદ્યોગો વધુ વિકસ્યા છે.

નીતિન કોઠારી