તાતા, જમશેદજી નસરવાનજી

January, 2014

તાતા, જમશેદજી નસરવાનજી (જ. 3 માર્ચ 1839, નવસારી; અ. 19 મે 1904, નાઉહાઇમ, જર્મની) : અર્વાચીન ઔદ્યોગિક ભારતના પ્રણેતા (pioneer) અને ભારતની સૌથી વધુ દૂરંદેશીભરી વ્યાપારી પેઢીના સ્થાપક. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધા પછી 14 વર્ષની વયે તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા અને 17 વર્ષની વયે એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ શરૂ કર્યો. સંસ્થામાં તેમના સમકાલીનો તરીકે દિનશા વાચ્છા અને રામકૃષ્ણ ભાંડારકર હતા. બે વર્ષ કૉલેજમાં ગાળ્યા પછી તેમને પિતાના ચીન સાથેના વેપારને કારણે અભ્યાસ ટૂંકાવવો પડ્યો. જોકે તે દરમિયાન તેમણે એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે સ્નાતક-કક્ષાની ‘ગ્રીન સ્કોલર’ પરીક્ષા પાસ કરી હતી. વિદ્યાર્થીકાળ દરમિયાન જ તેમનું લગ્ન હીરાબાઈ સાથે થયું હતું. મોટા પુત્ર દોરાબજીનો જન્મ 1859માં અને નાના પુત્ર રતનજીનો જન્મ 1871માં થયો હતો.

જમશેદજી નસરવાનજી તાતા

સવારે સમુદ્રતટે ફરવા જવું, મિત્રોને મળવું અને સાંજે કાર્યાલયથી શરૂઆતમાં ઘોડાગાડીમાં અને પાછળથી મોટરમાં ફરવા જવું, પત્તાં રમવાં એ એમની મોકળાશના સમય દરમિયાનની પ્રિય પ્રવૃત્તિઓ હતી. પ્રસિદ્ધિથી દૂર રહી જાહેર સમારંભો અને ભાષણોમાં જવાનું ટાળતા. અંગ્રેજ સરકારે જાહેર કરેલ બૅરોનેટના ઇલકાબનો પણ તેમણે અસ્વીકાર કર્યો હતો. જોકે વિકસિત રાષ્ટ્રોના ઔદ્યોગિક પ્રદર્શનોની મુલાકાતો દ્વારા તેઓ તત્કાલીન વ્યાપારી ગતિવિધિથી વાકેફ રહેવાનું અચૂક પસંદ કરતા. 1885માં ભારતીય (રાષ્ટ્રીય) કૉંગ્રેસની સ્થાપના બાદ તેઓ કૉંગ્રેસના આગળ પડતા કાર્યકર્તા રહ્યા હતા.

તેમણે ભારતના રૂ, ઊર્જા અને પોલાદના ઉદ્યોગોનો વિકાસ કરવામાં અગત્યનો ફાળો આપ્યો છે. 1858માં તેઓ પિતાના નિકાસ- વ્યાપારમાં જોડાયા અને જાપાન, ચીન, યુરોપ અને અમેરિકામાં કંપનીની શાખાઓ સ્થાપવામાં મદદ કરી. 1868માં 29 વર્ષની વયે માત્ર 21 હજાર રૂપિયાની મૂડીથી મુંબઈમાં ખાનગી પેઢીની શરૂઆત કર્યા બાદ પ્રયોગશીલતા અને સાહસિક વૃત્તિને કારણે તાતા સામ્રાજ્યનો વિસ્તાર કરતા રહ્યા. 1872માં તેમણે સુતરાઉ કાપડ બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને 1877માં નાગપુરમાં એમ્પ્રેસ મિલ સ્થાપી જે પાછળથી સેન્ટ્રલ ઇન્ડિયા સ્પિનિંગ એન્ડ મૅન્યુફૅક્ચરિંગ કું. તરીકે ઓળખાઈ હતી. 1886માં તેમણે કુર્લા (મુંબઈ)ની ધરમશી મિલ ખરીદી લીધી અને તેને સ્વદેશી મિલ તરીકે ચાલુ કરી. એ જ વર્ષે અમદાવાદની ઍડવાન્સ મિલને સુર્દઢ પાયા ઉપર મૂકી.

તેમણે ભારતમાં કાચા રેશમનું ઉત્પાદન શરૂ કર્યું અને મુંબઈ વિસ્તાર માટે લોનાવલા ખાતે જળવિદ્યુત યોજના શરૂ કરી. જે તેમના અવસાન બાદ તાતા પાવર કંપનીમાં પરિણમી.

1887માં તેમણે તાતા ઍન્ડ સન્સની સ્થાપના કરી. 1901માં બિહારમાં સાકચી (હાલનું જમશેદપુર, તાતાનગર) ખાતે ભારતનું સૌપ્રથમ મોટા પાયા પરનું લોખંડનું કારખાનું શરૂ કરવાની યોજના કરી અને 1907માં તાતા આયર્ન ઍન્ડ સ્ટીલ કું.ની સ્થાપના કરી. 1911માં 2 ડિસેમ્બરના રોજ કંપનીએ ઉત્પાદન શરૂ કર્યું. તેમના પુત્રો દોરાબજી જમશેદજી (1859–1932) અને રતનજી તાતા(1871–1932)ના માર્ગદર્શન હેઠળ કંપની વિશ્વના એક વિરાટ પોલાદના કારખાના તરીકે ઊપસી આવી.

ભારતીય વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ઇજનેરી વિદ્યાનું શિક્ષણ મળે અને ભારત વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી ક્ષેત્રે સ્વાયત્ત બને તે હેતુથી બ્રિટિશરો સાથે માત્ર વિચારણા જ ન કરતાં 1898માં યુનિવર્સિટી-કક્ષાની વૈજ્ઞાનિક સંસ્થા સ્થાપવા માટે બૅંગાલુરુ ખાતેની પોતાની જમીન અર્પણ કરી. ત્યાં પાછળથી તેમના પુત્રો દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સની સ્થાપના કરવામાં આવી.

વિદેશમાં પ્રવર્તતી રંગભેદની નીતિના પ્રત્યાઘાત રૂપે તેમણે 1903માં મુંબઈમાં અતિ વૈભવશાળી અને અત્યાધુનિક એવી તાજમહાલ હોટલની સ્થાપના કરી.

1886માં દેશમાં સૌપ્રથમ વાર કામદાર પેન્શન ફંડ યોજના અને 1895માં અકસ્માત વળતર યોજનાની શરૂઆત તેમના માનવતાવાદી ર્દષ્ટિકોણની સાબિતી આપે છે.

તાતા જૂથ આજે કાપડ, પોલાદ અને વિદ્યુત-ઊર્જા ઉપરાંત રસાયણો અને કૃષિક્ષેત્રે ઉપયોગી ઉપકરણો, ટ્રકો અને સિમેન્ટ સહિતના વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યમાં અગ્રેસર છે.

કિન્નરી વછરાજાની