તટપ્રદેશ : નદી, સરોવર કે સમુદ્ર–મહાસાગરના કિનારાઓની સમાંતર રહેલી ઓછી-વત્તી પહોળાઈવાળી ભૂમિપટ્ટી; જેમ કે, નદીતટ, સરોવરતટ, સમુદ્રતટ વગેરે. નદીઓ તેમની યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની કક્ષાઓમાં તટપ્રદેશો પર થતી નિક્ષેપ-જમાવટ (levees) સીડીદાર પ્રદેશો અને પૂરનાં મેદાનો જેવાં ભૂમિસ્વરૂપોની રચના કરે છે. સરોવરો સામાન્ય રીતે તો શાંત, સ્થાયી જળસંચયસ્થાનો હોવાથી તેમના કિનારા ખાસ ધ્યાન ખેંચતા નથી; તેમ છતાં, દુનિયાનાં કેટલાંક વિશાળ સરોવરોને તટપ્રદેશો હોઈ શકે છે. દરિયાકિનારાના તટપ્રદેશોમાં વિવિધ લાક્ષણિકતાઓ જોવા મળે છે. તે સમાંગ કે વિષમાંગ હોય છે. મોજાં અને પ્રવાહોની અસર હેઠળ ભિન્ન ભિન્ન ઘસારાજન્ય અને તેના પરિણામરૂપ નિક્ષેપજન્ય તટપ્રદેશીય લક્ષણો રચાતાં હોય છે. ઘસારાજન્ય ક્રિયાઓથી તેમજ નિક્ષેપજમાવટથી અહીં કયાલ, ખાડીસરોવરો, ખાડીઓ, આડશો, અવરોધોની રચના તૈયાર થતી હોય છે. તટપ્રદેશોનો વિકાસ મુખ્યત્વે ઘસારા અને જમાવટદર પર આધાર રાખે છે. તેમના તટપ્રદેશ સીધાં કે વાંકા-ચૂકા અથવા ઊંચાનીચા હોય તેનો આધાર  નીચેનાં પરિબળો પર છે :

ભૂસ્તરીય પરિબળો, દરિયાઈ અતિક્રમણ કે અપસરણ, આબોહવા, જૈવિક પરિબળો, ખડકપ્રકાર વગેરે. તટપ્રદેશનું સ્થળર્દશ્ય એક કે વધુ પરિબળોની અસરથી તૈયાર થતું હોય છે. દરિયાઈ અતિક્રમણ કે ભૂમિઅધોગમનથી તટપ્રદેશો પર પાણી ફરી વળે છે, જ્યારે દરિયાઈ અપસરણ કે ભૂમિઊર્ધ્વગમનથી તટપ્રદેશો વધુ ખુલ્લા બને છે. આજની કિનારારેખા અને તટપ્રદેશોને ક્રિયાશીલ ગણાવેલા છે, કારણ કે પ્લાયસ્ટોસીન હિમયુગોના પૂરા થવા સાથે થતા ગયેલા હિમગલનથી જળરાશિમાં વૃદ્ધિ થયેલી છે – જળસપાટી ઊંચી આવેલી છે. દુનિયાભરના સમુદ્રતટપ્રદેશો મૃદુ, છૂટા, ગ્રૅવલ કે સૂક્ષ્મ રેતીકણોથી બનેલા છે. તેમના ઢોળાવ દરિયાતરફી આછા ઢળતા હોય છે. પવનની અને મોજાંની અસરથી તરંગચિહનો રચાતાં–બદલાતાં રહે છે. રેતીની ઊપસેલી ટેકરીઓ (raised beaches) તટપ્રદેશોનું વિશિષ્ટ લક્ષણ ગણાય છે. ક્યાંક તે એકલી છૂટીછવાઈ, તો ક્યાંક શ્રેણીબદ્ધ હારમાં ગોઠવાયેલી મળે છે.

ગિરીશભાઈ પંડ્યા