તજ : વનસ્પતિના દ્વિદળી વર્ગના લોરેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Cinnamomum verum Presl syn. C. zeylanicum Blume (સં. त्वकपत्र, હિં. મ. બં. ક. દાલચીની; તા. કન્નાલ-વંગપત્તઈ, કરુવાપત્તે) છે.

તેનું વિતરણ એશિયા, ઑસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના ઉષ્ણથી સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેનું વાવેતર મુખ્યત્વે શ્રીલંકા, દક્ષિણ ભારત, બ્રાઝિલ, માડાગાસ્કર, જમૈકા સૈચેલસમાં થાય છે.

વૃક્ષની ઊંચાઈ 6થી 9મી. હોય છે. શ્રીલંકામાં તેની ઊંચાઈ ઘણીવાર 20મી. સુધી જોવા મળે છે. દક્ષિણ ભારતના પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ શ્રીલંકામાં 30થી 250મી.ની ઊંચી ભૂમિ પર પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. દક્ષિણ ભારતમાં 2000 મી.સુધીની ઊંચાઈ ધરાવતા પ્રદેશમાં પણ ઊગે છે.

વૃક્ષનો ઉછેર બીજમાંથી નર્સરીઓમાં રોપા તૈયાર કરી અથવા કટકાના રોપણ કે કલમ દ્વારા થાય છે. 3થી 4 માસ અથવા એક વર્ષ જૂના રોપાઓ 2 × 2 મી.ના અંતરે ઑક્ટોબર-નવેમ્બર માસમાં વાવવામાં આવે છે.

તજ : (1) ડાળખી, (2) ફૂલનો ઊભો છેદ, (3) કેસરદલ, (4) ફળ.

વાવેતર બાદ બીજા કે ત્રીજા વર્ષે થડને કાપી નાખવામાં આવે છે, જેથી તેમાંથી પીલાં ફૂટે છે. આ પીલાં પૈકી 5થી 6 પીલાંને બે વર્ષ ઊગવા દેવામાં આવે છે. પીલાંની ઊંચાઈ 2થી 4મી. અને જાડાઈ 1.0 થી 5.0 સેમી.ની થાય અને છાલ તપખીરિયા રંગની થાય ત્યારે તે કાપણી યોગ્ય ગણાય છે. કાપણી મુખ્યત્વે વર્ષાઋતુમાં કરવામાં આવે છે જેથી તેની છાલ સહેલાઈથી કાઢી શકાય છે. આ રીતે કાપેલા થડની બાજુની નાની ડાળીઓ અને ટોચનો ભાગ દૂર કરવામાં આવે છે અને પછી 30 સેમી.ના અંતરે ગાંઠના ભાગ ઉપર છાલની ઊંડાઈ સુધી આડા કાપ મૂકવામાં આવે છે. પછી બે આડા કાપને જોડતો ઊભો કાપ મૂકવામાં આવે છે. આવા કાપ મૂકેલી ડાળીને સખત લાકડાના ટુકડા વડે ઘસીને છાલને પટ્ટી રૂપે છૂટી પાડી બંડલ બાંધી 24 કલાક મૂકી રાખવામાં આવે છે. છાલની અંદરનો લીલો ભાગ વાંકા ચપ્પા વડે ખોતરીને દૂર કરવામાં આવે છે. છાલની મોટી ભૂંગળીમાં નાની ભૂંગળી ગોઠવવામાં આવે છે અને હાથ વડે ગોળ ગોળ ફેરવવામાં આવે છે. છાલની આ ભૂંગળીઓને સાદડી પર છાંયડામાં 3થી 4 દિવસ સૂકવવામાં આવે છે. સુકવણી દરમિયાન અવારનવાર હાથથી થોડું દબાણ આપી ગોળ ગોળ ફેરવવામાં આવે છે. જ્યારે છાલ સુકાઈ જાય ત્યારે તેનું વર્ગીકરણ કરી અલગ અલગ બંડલોમાં બાંધી દેવામાં આવે છે. તજની ગુણવત્તા પ્રમાણે 3થી 4 વર્ગો પાડવામાં આવે છે.

સૈચેલસ તજ વધારે ગુણવત્તાવાળી હોવા છતાં યુરોપના બજારમાં શ્રીલંકા તજનો વપરાશ વધારે થાય છે. શ્રીલંકા દુનિયાભરને તજ પૂરી પાડે છે.

તજમાં બાષ્પશીલ તેલ 0.5 %થી 1.4 % ફ્લોબેટેનીન્સ, શ્લેષ્મ 1.6 %થી 2.9 % સ્ટાર્ચ અને કૅલ્શિયમ ઑક્ઝેલેટ હોય છે.

બાષ્પશીલ તેલમાં 60 %થી 75 % સિનેમિક આલ્ડીહાઇડ 4 %થી 10 % ફીનોલ (યુજેનોલ) હાઇડ્રોકાર્બન્સ ફિલાન્ડ્રીન, પીનીન અને કેર્યોફાઇલિન્સ તથા બીજા ટર્પિન્સ હોય છે. તેમાં ડાયટર્પિન્સ જેવાં કે સીનઝીલેનિન અને સીનઝીલેનૉલ હોય છે; જે રેશમના કીડાની ઇયળનો નાશ કરે છે. તેમાં ભેજ, પ્રોટીન્સ, ચરબી, રેસાઓ, કાર્બોહાઇડ્રેટ્સ, ભસ્મ, કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને લોહ પણ હોય છે.

શ્રીલંકા તજના પર્ણમાં બાષ્પશીલ તેલમાં 80 % યુજેનોલ છે.

તે સરસ મીઠી સુગંધ ધરાવે છે, તેથી તેજાના તરીકે ઉપયોગમાં લેવાય છે. જલદ શરાબ, મસાલાયુક્ત દારૂ, સૂપ અને સોસ વગેરેને સુગંધિત કરવા માટે તેમજ કેક, ટૉમેટો-કેચપ અને સફેદ સોસમાં તે વપરાય છે.

ઔષધ તરીકે તે સુગંધીદાર, વાતાનુલોમક, સ્તમ્ભક (astringent), વાસ-સ્વાદસુધારક, ક્ષુધાવર્ધક અને કફોત્સારક છે. તજનો ભૂકો વસા-અપઘટની(lipolytic)નો ગુણ ધરાવે છે. તે મરડામાં પણ ઉપયોગી છે. તે આમવાત ને દાંતના દુખાવામાં પણ વપરાય છે. તેનો ક્વાથ જઠર, ગર્ભાશય અને મળાશયના કૅન્સરમાં અસરકારક છે.  તજનો પાઉડર ચૉકલેટ, કુલફી, ચૂઇંગ ગમ, એસેન્સ, દંતમંજનના પાઉડર અને અત્તરની બનાવટમાં વપરાય છે. તજનું તેલ છાલ અને પાનમાંથી નિસ્યંદનથી મેળવવામાં આવે છે. તેનો પણ ઉપર્યુક્ત બનાવટમાં ઉપયોગ થાય છે.

તજની અન્ય જાતો નીચે પ્રમાણે છે : (1) C. obtusifolium Nees.

ઉત્તર બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને આંદામાન-નિકોબારમાં થાય છે.

(2) C. camphora (Linn.) Presl. તે કપૂર તરીકે જાણીતી છે. તેનું વતન જાપાન અને ચીન છે. ભારતમાં તેનું વાવેતર કપૂર  મેળવવા માટે થાય છે. તેમાં સેફ્રોલ, લીનાલુલ, સેસ્કવીટર્પિન્સ, કપૂર કેરીયોફાયલીન, સીનીઓલ હોય છે.

ભારતમાં કપૂરની નિકાસ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને સ્વિટ્ઝર્લૅન્ડમાં થાય છે.

(3) C. glaucescens. તે પશ્ચિમ હિમાલયમાં સિક્કિમમાં 1330 મી.ની ઊંચાઈ સુધી તથા પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, મણિપુર અને મિઝોરમમાં થાય છે. દહેરાદૂનમાં તેનું વાવેતર થાય છે.

(4) C. malabatrum : તે પશ્ચિમઘાટ, દક્ષિણ ભારત, આસામ, અને ત્રિપુરામાં થાય છે.

(5) C. porrectum : અથવા સી. ગ્લેન્ડ્યુલીફેરમ. સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા અને અલમોડા ટેકરીઓ પર થાય છે.

(6) C. tamala (F. Hamilt) Nees & Eberm. : તમાલપત્ર હિમાલયની ખાસી, જઇન્શિયા ટેકરીઓ, મેઘાલય, સિક્કિમ, અસમ, મિઝોરમ અને ત્રિપુરામાં થાય છે.

(7) C. aromaticum Nees syn. C. Cassia Blume : મિઝોરમના અમુક જ ભાગોમાં વન્ય રીતે ઊગે છે. તમિળનાડુમાં તેનું સંવર્ધન કરવામાં આવે છે.

બકુલા શાહ

ભરતસિંહ ગંભીરસિંહ વશી