તટસ્થતા : યુદ્ધમાં ન જોડાયેલ દેશ કે સરકારનો વૈધિક દરજ્જો. જે રાષ્ટ્ર યુદ્ધ કરનાર રાષ્ટ્રો જોડે યુદ્ધ કરતું ન હોય, અને તેમની વચ્ચેની શત્રુતામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ લેતું ન હોય તે રાષ્ટ્ર તટસ્થ કહેવાય, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાની ર્દષ્ટિએ આ તટસ્થતા વૈધિક દરજ્જો છે અને આંતરરાષ્ટ્રીય કાયદામાં તેની જોડે કેટલાક હકો, ફરજો અને વિશેષાધિકારો સંકળાયેલાં હોય છે. યુદ્ધ કરનાર રાષ્ટ્રોએ તથા તટસ્થ રાષ્ટ્રોએ આંતરરાષ્ટ્રીય કાયદાના આ અંગેના નિયમો પાળવા જરૂરી બને છે.

વ્યવહાર, રૂઢિ તથા સંધિઓ દ્વારા તટસ્થતાના નિયમોનું સંહિતીકરણ કરવામાં આવ્યું છે.

તટસ્થતાનું સમર્થન નીચેનાં કારણોસર કરવામાં આવે છે :

1. તે યુદ્ધને સ્થાનસીમિત બનાવવામાં મદદરૂપ બને છે. 2. તે યુદ્ધ જેવા ગંભીર સંઘર્ષને પ્રોત્સાહિત કરતી નથી. 3. તે રાષ્ટ્રોને યુદ્ધથી મુક્ત રહેવામાં મદદરૂપ બને છે. 4. તે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સુધારો લાવવામાં મદદરૂપ બને છે. 5. તે વિશ્વશાંતિનો પક્ષ મજબૂત કરે છે.

તટસ્થતા જાળવવાની રાષ્ટ્રોની ઇચ્છા અને પ્રયાસો છતાં, કેટલીક વાર યુદ્ધ કરનાર રાષ્ટ્રો તેમના પર હુમલા કરીને તેમને યુદ્ધમાં સંડોવે છે.

બળવાન તટસ્થ રાષ્ટ્રોની મદદ તેમના શત્રુઓને મળતી અટકે  તે યુદ્ધ કરનાર રાષ્ટ્રોના હિતમાં હોય છે તેમજ યુદ્ધમાં સંડોવાયા વિના યુદ્ધ કરનાર રાષ્ટ્રો  સાથે નિરપેક્ષ આર્થિક તથા વ્યાપારી સંબંધો જાળવી રાખવા તે તટસ્થ રાષ્ટ્રોના હિતમાં હોય છે. આવી પરિસ્થિતિ હોય તો તટસ્થતા જાળવવામાં પ્રોત્સાહન મળે છે.

પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તટસ્થતા અંગેના અગાઉના નિયમો નિષ્ફળ સાબિત થયા. રાષ્ટ્રોનું નિષ્પક્ષપાતી વલણ જાળવવાને  બદલે વાસ્તવિક રીતે તેમને યુદ્ધમાં ધકેલ્યાં. તટસ્થ રાષ્ટ્રોને ચેતવણી આપ્યા વિના જ તેમના પર હુમલા કરવામાં આવ્યા.

રાષ્ટ્રસંઘના સભ્યોને તટસ્થતાનો અબાધિત અધિકાર નથી. રાષ્ટ્રસંઘના ઘોષણાપત્રની કલમ 41 અનુસાર, જો સલામતી સમિતિ નિર્ણય કરે તો તે પ્રમાણે યુદ્ધ કરનાર રાષ્ટ્રો સામે પગલાં લેવાની બધા સભ્ય રાષ્ટ્રોની ફરજ બની રહે છે. કલમ 2ના ફકરા 5 પ્રમાણે ઘોષણાપત્ર મુજબ રાષ્ટ્રસંઘને કોઈ પણ કાર્યમાં સઘળી મદદ કરવાનું અને જે રાજ્યની સામે રાષ્ટ્રસંઘે પ્રતિબંધક કે પ્રત્યક્ષ પગલાં લીધાં હોય તેને કોઈ પણ પ્રકારે સહાય ન કરવાનું સભ્ય રાષ્ટ્રો માટે બંધનકર્તા હોય છે.

તેમ છતાં, તટસ્થતા સાવ નાબૂદ નથી કરવામાં આવી. સલામતી સમિતિએ નક્કી કરેલાં પગલાં લેવા માટે સભ્ય રાષ્ટ્રોને પણ જણાવવામાં  આવ્યું હોય અથવા તેમને તેમાંથી મુક્તિ પણ આપવામાં આવી હોય આવે પ્રસંગે, યુદ્ધ કરનાર રાષ્ટ્ર સામે પગલાં લેવામાં આવ્યાં હોય તેને મદદ ન કરવાની સભ્ય રાષ્ટ્રોની ફરજ બને છે.

તટસ્થતા સ્વીકારેલ કોઈ પણ રાષ્ટ્ર યુદ્ધ કરનાર કોઈ પણ રાષ્ટ્રને સીધી અથવા આડકતરી રીતે મદદ કરી શકે નહિ. તે જ પ્રમાણે યુદ્ધ કરનાર રાષ્ટ્રે તટસ્થ પ્રદેશમાં યુદ્ધને લગતી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. યુદ્ધમાં સંડોવાયેલા રાષ્ટ્રના સૈનિકો તટસ્થ રાષ્ટ્રના પ્રદેશમાં દાખલ થાય તો તેમને નિ:શસ્ત્ર બનાવી યુદ્ધ પૂરું થાય ત્યાં સુધી બાનમાં રાખવાનો અધિકાર હોય છે.

તટસ્થ અથવા યુદ્ધ કરનાર રાષ્ટ્ર જો આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળની તેની ફરજોનો ભંગ કરે, તો તેને લીધે બીજાં રાષ્ટ્રને થતા નુકસાન માટે તે જવાબદાર ગણાય છે.

ઑસ્ટ્રિયા, સ્વીડન, ફિનલૅન્ડ, આયર્લૅન્ડ તથા સ્વિટ્ઝર્લૅન્ડ તટસ્થ રાષ્ટ્રનો દરજ્જો ધરાવે છે.

હ. છ. ધોળકિયા