ઢુંઢિરાજ (ઈ. સ. 1500ની આસપાસ) : મધ્યકાળનો મહાન ભારતીય જ્યોતિષાચાર્ય. પિતા નૃસિંહ; ગુરુ જ્ઞાનરાજ. મૂળ વતન : દેવગિરિ (દોલતાબાદ), ગોદાવરીની ઉત્તરે ગામ પાર્થપુર (પાથરી).

મૌલિક ગ્રંથસર્જન : ‘જાતકાભરણ’, ‘ગ્રહલાઘવોદાહરણ’, ‘ગ્રહફ્લોપપત્તિ’; ‘પંચાંગફલ’; ‘કુંડકલ્પલતા’; ‘સુધારસ’ ગ્રંથ ઉપરની ટીકા ‘સુધારસકરણચષક’.

મધ્યકાલીન ભારતીય જ્યોતિષ પરંપરામાં ઢુંઢિરાજનું સ્થાન ધ્રુવતારક સમાન છે. તેમના પુરોગામી જ્યોતિષાચાર્યોમાં ગણેશ દૈવજ્ઞ અને અનંતને ગણાવી શકાય તેમજ સમકાલીનોમાં અને અનુગામીઓ ગણેશ, જ્ઞાનરાજ તથા ‘ચમત્કારચિંતામણિ’ના કર્તા ચિંતામણિને ગણાવી શકાય. તેમના પુત્ર ગણેશે લખેલ ‘તાજિક-ભૂષણ’ નામના ગ્રંથમાં તેમની વંશાવળી આપેલી છે. ઢુંઢિરાજ પોતાના ‘જાતકાભરણ’ ગ્રંથમાં જ્ઞાનરાજનો ‘‘ज्ञानराजं गुरुपाद–पंकजं ।’’ એમ ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે. વંશાવળીમાં જણાવેલ જ્ઞાનરાજ જે એમના ભત્રીજા થાય તે જ આ જ્ઞાનરાજ કે અન્ય કોઈ, તે અંગે સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ય નથી.

તેમણે લખેલ ગ્રંથ ‘ગ્રહલાઘવોદાહરણ’માં ગ્રહો વિશે તથા તેઓના પરિભ્રમણ વિશેની સૂક્ષ્મ અને અટપટી માહિતી આપી છે. ‘ગ્રહફલોપપત્તિ’માં ગ્રહફળ વિશેની એમની ઊંડી અને સૂક્ષ્મ પ્રતિભાનાં દર્શન થાય છે. ‘પચાંગફલ’માં પંચાંગ વિશેની સૂક્ષ્મ ગણતરી અને જ્યોતિષશાસ્ત્રનાં પાંચ અંગો વિશે વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે. ‘કુંડકલ્પલતા’એ કર્મકાંડ સાથે સંલગ્ન જ્યોતિષશાસ્ત્રનો એમનો દુર્બોધ ગ્રંથ છે. આમ આ ગ્રંથો વિશેષપણે શાસ્ત્રીય અને પારિભાષિક હોવાથી આજે પણ તે પૂર્ણપણે સમજી શકાય તેવા નથી. ‘જાતકાભરણ’ ગ્રંથ સુગમ, સરલ અને સુરુચિપૂર્ણ હોઈ ખૂબ જ પ્રતિષ્ઠા પામ્યો છે.

આ ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્ર અને ફલાદેશનાં બધાં અંગોની ચર્ચા કરી, શ્રદ્ધેય તારણો એમણે આપ્યાં છે. જ્યોતિષશાસ્ત્રનાં પાંચ અંગો : (1) જાતક, (2) સંહિતા, (3) પ્રશ્ન,  (4) તાજિક અને (5) મુહૂર્તની સૂક્ષ્મ ચર્ચા અને વિચારણા કરી; વિવિધ પ્રકારનાં અંગો દ્વારા પ્રાપ્ત થતાં ફળોની વિશદ અને નિશ્ચયાત્મક વિચારણા કરીને તારણો આપેલ  છે. તેઓ સમગ્ર રીતે તિથિ, માસ, ઋતુ, સંવત્સર, યોગ, કરણ, નવાંશ વગેરેને આધારે પ્રત્યેકની ફલપ્રાપ્તિ અને તેના સમયની વિસ્તૃત ચર્ચા કરી સિદ્ધાંતો સ્થાપે છે. આ ઉપરાંત દ્વાદશભાવ, ગ્રહર્દષ્ટિ, નવગ્રહવિચાર, રાશિ તેમજ વિવિધ યોગો જેવા કે રાજયોગ, પંચમહાપુરુષ, સર્વગ્રહરિષ્ટ ભંગ, અરિષ્ટાધ્યાય, નાસભયોગ, દશા, આંતરદશા વગેરે અંગે પણ પોતાના સિદ્ધાંતો સ્થાપિત કરે છે. પરિણામે ‘જાતકાભરણ’ એ જ્યોતિષશાસ્ત્રનાં સૂક્ષ્મ અને શ્રદ્ધેય તેમજ નિશ્ચયાત્મક તારણો દર્શાવતો શાસ્ત્રીય ગ્રંથ બની રહે છે.

બટુક દલીચા