ડાયરી : રોજ-બ-રોજના અનુભવો–બનાવો આલેખતું સાહિત્ય-સ્વરૂપ. ‘રોજનીશી’, ‘વાસરિકા’, ‘વાસરી’ કે ‘દૈનંદિની’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દૈનિક જીવનમાં થતી નોંધપાત્ર ઘટનાનું આલેખન હોવાથી બળવંતરાય ઠાકોરે તેને માટે ‘દિન્કી’ શબ્દ પ્રયોજ્યો હતો.

મૂળ લૅટિન રૂપ ‘ડાયસ’ ઉપરથી ‘ડિયારિયમ’ અને તે પરથી અંગ્રેજી ભાષામાં ‘ડાયરી’ શબ્દ આવ્યો. ગ્રીક લોકોનું ‘ઇફેમરિસ’ નામનું પંચાંગ એ ‘ડિયારિયમ’નું મૂળ રૂપ છે. ત્યાં નવજાગૃતિ યુગ (renaissance) પછી ડાયરીનું સાહિત્યિક મૂલ્ય વધ્યું. તે અગાઉ તો ‘ઇફેમરિસ’માં માત્ર લશ્કરી હિલચાલોની, અવકાશમાં ભ્રમણ કરતા ગ્રહોની અને નાણાકીય હિસાબોની નોંધ થતી.

આ સ્વરૂપના નવસંસ્કરણ પછી તેમાંથી ઇતિહાસકારોને ઐતિહાસિક દસ્તાવેજોમાં નોંધ લેવાઈ ન હોય તેવી  હકીકતો પ્રાપ્ત થઈ. લેખકના સમયનું સામાજિક ચિત્ર તથા એ સમયના રોજ-બ-રોજના વ્યક્તિગત જીવનવ્યવહાર પણ જાણવા મળ્યાં. ડાયરી લેખકના જીવનને સમજવામાં અમૂલ્ય સહાયરૂપ બને છે. તત્કાલીન સમાજસ્થિતિ અને પ્રજાના પ્રાણપશ્નો વિશે પણ એ પ્રકાશ પાડે છે.

ડાયરી બે પ્રકારે લખાતી જોવા મળે છે : (1) ઘટનાપ્રધાન : જેમાં મુખ્યત્વે સમાજશાસ્ત્રીય, રાજકીય તથા આર્થિક ઘટનાઓ સમાયેલી હોય છે. (2) સાહિત્યપ્રધાન : જેમાં ભાવના, કલ્પનાવિલાસ અને ચિંતન-મનન વગેરેનું  આલેખન કરેલું  હોય છે. ડાયરીનું લખાણ ક્યારેક ટાંચણ સ્વરૂપનું, તો ક્યારેક વિસ્તૃત અહેવાલ જેવું બને છે. ડાયરી નિયમિત લખાય એ આદર્શરૂપ ગણાય, પરંતુ તેમ કરવાનું સર્વને સર્વથા અનુકૂળ રહેતું નથી. તેથી ક્યારેક બે-ચાર અઠવાડિયાં બાદ પણ લખાય છે.

તત્કાલીનતા એ ડાયરીનું વિશિષ્ટ લક્ષણ છે. તેમાં બનાવોની તત્ક્ષણ કરેલી નોંધ હોય છે. તેમાં  લેખકની તત્કાલ પ્રવર્તતી સંવેદનશીલતા નિર્ભેળ સ્વરૂપે પ્રગટ થાય છે. ડાયરીના લેખકે  વિવેક અને ઔચિત્ય જાળવવાં આવશ્યક હોય છે. ડાયરીનાં પૃષ્ઠોમાં વેરાયેલી અનેક સ્થૂળ–સૂક્ષ્મ વિગતો અને ઘટનાઓમાંથી તેના વ્યક્તિત્વની છાપ ઊભી થાય છે. આત્મકથાની જેમ જ ડાયરીમાં પણ લેખકની ખુદવફાઈ જળવાવી જોઈએ.

ડાયરીનું સ્વરૂપ એવું છે કે તેનો લેખક વર્તમાનને જીવતો અને શબ્દબદ્ધ કરતો હોય છે. ડાયરીના સ્વરૂપમાં વિચાર  અને ઊર્મિનાં ભરતીઓટ જોવા મળે છે. એમાં ક્યારેક કોઈ ચિંતન હોય તો ક્યારેક આત્મનિરીક્ષણ હોય; ક્વચિત્ ક્ષુલ્લક વિગતોની નોંધ પણ હોય, તો ક્યારેક એની દૈનિક જીવનચર્યાની સૂક્ષ્મ વિગતોનું વિશ્લેષણ પણ હોય.  એમાં વ્યક્તિના ગમા, અણગમા કે અસલ મિજાજનો ખ્યાલ આવી જાય છે. સાહિત્યના કોઈ પણ સ્વરૂપની માફક ડાયરીની ગુણમર્યાદા પણ છેવટે તો એના લખનારની  સજ્જતા  ઉપર અવલંબે છે. નિખાલસ નિરૂપણ કે નોંધની સુરુચિપૂર્ણ લખાવટ વડે જ ડાયરી યાદગાર બને છે. ડાયરીનો લેખક ઘડાતા જતા, વિકસ્યે જતા, ભૂલ કરતાં કરતાં તેને સુધારતા જાગ્રત માણસની રેખાઓ છૂટીછૂટી આંકતો હોય છે. એ છૂટી રેખાઓ અલગ રહીને પણ સમગ્ર વ્યક્તિત્વનું શબ્દચિત્ર દોરી રહે છે. ડાયરી ત્રુટક નોંધ રૂપે લખાયેલી હોય તોપણ એની શૈલી સર્જકના વ્યક્તિત્વની દ્યોતક બની રહે છે. એમાં આલેખાયેલા પ્રસંગોમાં લેખકનું ભાવવિશ્વ અને નિરૂપણકલા – બંને જોવા મળે છે.

સત્તરમી સદીમાં ઇંગ્લૅન્ડ અને અન્ય પાશ્ચાત્ય દેશોમાં ડાયરીએ એક વિશેષ સાહિત્યસ્વરૂપ તરીકે પગરણ માંડ્યાં. એ સમયના ડાયરીલેખકોમાં વિલિયમ ડગડેઇલ (1605–86), વુલસ્ટ્રોડ વ્હાઇટલૉક (1605–75) અને જ્યૉર્જ ફૉક્સ (1624–61) ઉલ્લેખનીય છે. નાર્સિસસ લુટ્રેલની તત્કાલીન રાજકીય ડાયરી ‘બ્રીફ હિસ્ટૉરિકલ રિલેશન ઑવ્ સ્ટેટ અફેર્સ’, તળપદી ભાષાના પ્રયોગવાળી રૉજર નૉર્થની ‘ધ લાઇવ્ઝ ઑવ્ રૉજર નૉર્થ’, ઐતિહાસિક મહત્વ ધરાવતી ‘ડાયરી ઑવ્ જ્હૉન એવલિન’, ઍન્થની હેમિલ્ટને ફ્રેન્ચ ભાષામાં લખેલ ‘ધ મેમ્વાર્સ દ લાવી દુ કાત દ ગ્રામા’, હેન્રી સિડનીની ‘ડાયરી’, સાહિત્યિક મૂલ્ય ધરાવતી ‘ધ ડાયરી ઑવ્ ધ કાઉન્ટેસ ઑવ્ વૉર્વિક’ અને ‘મેમ્વાર્સ ઑવ્ લેડી ફેન્શો’ તથા ‘લેટર્સ ઑવ્ રાશેલ : લેડી રસેલ’ અને ‘મેમોઇર્સ ઑવ્ ક્વીન મેરી II’ વગેરે ડાયરીસ્વરૂપની પાશ્ચાત્ય કૃતિઓ નોંધપાત્ર ગણી શકાય.

નવલકથાકાર ફેની બર્નીની ‘ડાયરી’ અને જેમ્સ બોઝવેલની કૃતિ ‘જર્નલ ઑવ્ અ ટૂર ટુ ધ હેબ્રિડ્ઝ’ ડાયરી પ્રકારનાં સુપ્રસિદ્ધ લખાણો છે. ઓગણીસમી સદીની વિશિષ્ટ ડાયરીમાં સર વૉલ્ટર સ્કૉટની ‘જર્નલ’ અને ડૉરોથી વર્ડ્ઝવર્થની ‘જર્નલ્સ’ ગણી શકાય. તેવી જ રીતે હેન્રી ક્રૅબની રૉબિન્સનની ડાયરીમાં લેખકે ગેટે, શિલર, વર્ડ્ઝવર્થ જેવા સર્જકો સાથેના પોતાના અનુભવો નોંધ્યા છે. રશિયન કલાકાર મારિયા બશક્ટર્સેવની ‘ડાયરી’ મરણોત્તર પ્રસિદ્ધ થતાં તેણે રશિયામાં ચકચાર જગાવી હતી. વીસમી સદીની ફ્રાન્ઝ કાફકાએ લખેલ ‘ડાયરી’ સુપ્રસિદ્ધ છે.

સૅમ્યુઅલ પીપ્સે (1633–1703) આત્મચરિત્રના રૂપમાં આશરે નવ વર્ષ સુધી જે લખાણ કર્યું તે ડાયરી-સ્વરૂપનું હતું. તે અંગ્રેજી ડાયરી સાહિત્યમાં ઉત્તમ ગણાય છે. સૅમ્યુઅલ પીપ્સ પછી જોનાથન  સ્વિફ્ટની ‘જર્નલ ટુ સ્ટેલા’ (1710–13) ઉલ્લેખનીય છે. સ્વિફ્ટની  આ ડાયરીમાં કલ્પના, મહત્વાકાંક્ષા અને સ્નેહનું અદભુત સંમિશ્રણ જોવા મળે છે. આંદ્રે જીદની ‘જર્નલ ઑવ્ કૅથરિન મૅન્સફિલ્ડ’ (1927) અને ‘જર્નલ્સ’ (1889–1949) ઉલ્લેખનીય છે. ઍન ફ્રાન્કની ‘ડાયરી ઑવ્ અ યંગ ગર્લ’માં નાઝીઓએ યહૂદીઓ ઉપર જે ત્રાસ ગુજાર્યો તેની હકીકત રજૂ થઈ છે. ઇઝરાયલના લશ્કરી નેતા તથા તે દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મોશે દયાનની યુદ્ધનું આલેખન કરતી ‘ડાયરી ઑવ્ ધ સિનાઈ કૅમ્પેસ’ (1966) ઉલ્લેખનીય છે.

મધ્યયુગમાં પણ ફ્રાંસના લેખકો દ્વારા અનેક ઉત્તમ ડાયરીઓ મળે છે. ચાર્લ્સ છઠ્ઠાના અને ચાર્લ્સ સાતમાના રાજ્યકાળમાં એક અજ્ઞાત પાદરી દ્વારા 1406થી 1431ના સમય દરમિયાન જે ડાયરી લખાઈ તે વિશેષ મહત્વપૂર્ણ છે. ફ્રાન્સના ડાયરીલેખકોમાં  સેંટ સાઇસ, એડમંડ બાર્બ્યેર, ચાર્લ્સ કોલ, પેતિ ડિબૈચામાંટનાં નામો ઉલ્લેખનીય છે.

ભારતમાં મધ્યકાળ અને વિશેષત: મોગલકાળના સમયથી ડાયરી  લખવાની શરૂઆત થઈ. પાશ્ચાત્ય દેશોના સાહિત્યકારોએ જે પ્રકારની ડાયરી લખી તેના પ્રકાશન પછી રાજનીતિ, સામાજિક અને સાહિત્યિક ક્ષેત્રોના કાર્યકરોને ડાયરી લખવાની પ્રેરણા મળી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ પછી ડાયરીના સ્વરૂપનો ઠીક ઠીક વિકાસ થયો છે.

ગુજરાતીમાં લખાયેલ સુપ્રસિદ્ધ ડાયરીઓમાં ઐતિહાસિક ર્દષ્ટિએ સૌપ્રથમ એક પારસી ‘ઘરહસથની અમેરિકાની મુસાફરી’ (1864) ગણાવી શકાય. તેમાં 1862ની 1લી જુલાઈથી 10 સપ્ટેમ્બર, સુધીની લેખકની યાત્રાનો અહેવાલ છે. લેખકની રોજ-બ-રોજની નોંધ ઉપરથી ડાયરી-સ્વરૂપે પુસ્તક લખાયેલું છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રારંભે સુધારક પ્રવૃત્તિની પહેલ કરનાર દુર્ગારામ મહેતાજી માનવધર્મસભાના કામકાજનો અહેવાલ પોતાની રોજનીશીમાં  લખતા. તેમની નિશાળને આગ લાગતાં તેમની રોજનીશીનો અર્ધો ભાગ બળી ગયેલો. પણ બાકીનો અર્ધો ભાગ તેમની પાસે રહેલો તેના ઉપરથી મહીપતરામ નીલકંઠે ‘દુર્ગારામચરિત્ર’ (1879) પ્રસિદ્ધ કર્યું. ‘દુર્ગારામ-ચરિત્ર’માંથી તેમનું નીડર, સહૃદય, સરળ અને પ્રામાણિક નિખાલસ સત્યકથન અને આત્મમંથન જોવા મળે છે. આત્મકથા લખવા માટેની કાચી સામગ્રી લેખકની રોજનીશીમાંથી જ પ્રાપ્ત થતી હોય છે. નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ ઘણુંખરું ટાંચણ રૂપે લખાયેલી હતી. તેમાં વ્યવસ્થિતતા, સળંગસૂત્રતા, પ્રવાહી શૈલી અને સ્વીકાર–ત્યાગના વિવેકનો લગભગ અભાવ છે. ભોળાનાથ સારાભાઈ (1823–1886)એ પણ દુર્ગારામની માફક રોજનીશી રાખી હતી. આ રોજનીશીમાં ‘નાનામાં નાના કાર્યની નોંધ ઉપરાંત નીતિના, ઉદ્યોગના તથા લોકોન્નતિના વિષયોની ટૂંકી પણ રસિક અને ઉપદેશપ્રદ ચર્ચા સાથે કરેલી જોવામાં આવે છે.

પંડિતયુગના સમર્થ સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીએ તેમના જીવન વિશેની નોંધ રાખેલી તે ‘સ્ક્રૅપબુક’ (1888–1906)માં તેમણે આત્મચિન્તન અને જીવનના અનુભવો વિશેનું ગંભીર નિરૂપણ કરેલું છે. ત્રણ ભાગમાં અંગ્રેજીમાં લખેલી આ સ્ક્રૅપબુક લેખકના અંતરંગ મિત્રની ગરજ સારે છે. મણિલાલની આત્મકથાના ઉત્તરભાગ રૂપે લખાયેલી નોંધો રોજનીશીરૂપ હતી. તેમના અંગત જીવનની અનેક વાસ્તવિક હકીકતો તેમની રોજનીશીમાંથી મળે છે.  નરસિંહરાવની ‘રોજનીશી’ અનિયમિત રીતે લખાયેલી જોવા મળે છે. નરસિંહરાવની રોજનીશીમાંથી તેમના વ્યક્તિત્વ અને  સમકાલીન સાહિત્યને સમજવા માટેની ઉપયોગી અને રસપ્રદ માહિતી મળી રહે છે. મણિલાલની રોજનીશી તથા ગોવર્ધનરામની ‘સ્ક્રૅપબુક’ ગુજરાતના સંસ્કારજીવનમાં અમૂલ્ય દસ્તાવેજરૂપ ગણી શકાય.

‘દિલ્હી ડાયરી’(1948)માં  જિંદગીનાં છેલ્લાં સાડાચાર વર્ષ દરમિયાન ગાંધીજીએ હિંદુસ્તાનીમાં આપેલાં 139 પ્રાર્થનાપ્રવચનોનો ગુજરાતી છાયાનુવાદ છે.

મહાદેવભાઈનું ગુજરાતી સાહિત્યને શ્રેષ્ઠ અર્પણ તેમની ડાયરીઓ છે. એકથી ત્રેવીસ ભાગમાં તે પ્રસિદ્ધ થઈ છે. 1948માં પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો અને વીસમો ભાગ 1991માં પ્રસિદ્ધ થયેલો. આ ડાયરીઓમાં 13મી નવેમ્બર, 1917થી 5મી ફેબ્રુઆરી, 1935 સુધીની હકીકતનો સમાવેશ થાય છે. પહેલા છ ભાગનું સંપાદન નરહરિ પરીખે, સાતથી અઢાર ભાગનું સંપાદન ચંદુલાલ દલાલે અને છેલ્લા બે ભાગનું સંપાદન મહેન્દ્રભાઈ દેસાઈએ કરેલું  છે. ડાયરીઓના કેન્દ્રમાં ગાંધીજી છે. ગાંધીજીનું સૌમ્ય વ્યક્તિત્વ આ ડાયરીઓમાં ઝિલાયેલું છે. તેમાં પં. મોતીલાલ, જવાહરલાલ, ટિળક, રાજગોપાલાચારી, વલ્લભભાઈ, કૃપાલાની, મહંમદઅલી ઝીણા, શૌકતઅલી વગેરે નેતાઓનાં, રવીન્દ્રનાથ, એની બેસન્ટ, રોમાં રોલાં જેવા મહાનુભાવોના, કસ્તૂરબા, મીરાંબહેન, મગનલાલ ગાંધી, કાકા કાલેલકર જેવાં અંતેવાસીઓનાં જીવંત વ્યક્તિચિત્રો જોવા મળે છે. તેમાં સમકાલીન રાજકીય પરિસ્થિતિનું પણ આલેખન થયેલું જોવા મળે છે.  આ ડાયરીઓમાં પ્રગટ થતી લેખકની નમ્રતા, પ્રેમાળતા, ગાંધીજી પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને ઉપાસ્યને ચરણે જાત ઘસી નાખીને જીવનસાર્થક્ય સાધવાની ઉચ્ચ ભાવના વાચકના ચિત્ત પર ગાંધીજીની મહાનુભાવિકતાની સાથે સાથે મહાદેવભાઈના નિર્મળ ચારિત્ર્યની પણ છાપ પાડે છે. બીજી ડાયરીઓ લખનારની આત્મકથા માટેની સામગ્રી બને છે, ત્યારે મહાદેવભાઈની ડાયરીઓ મહાન ચરિત્રનાયકના જીવનની સામગ્રી પૂરી પાડે છે. મહાદેવભાઈના વિશાળ વાચનનું મર્મગ્રાહી દર્શન તેમની ડાયરીઓમાં જોવા મળે છે.

મનુબહેન ગાંધીની ‘બિહારની કોમી આગમાં’ (1956) ગાંધીજીને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી ડાયરી છે. ગાંધીયુગના એક આધારભૂત ઐતિહાસિક દસ્તાવેજ તરીકે એનું મૂલ્ય ઘણું છે  આ ડાયરીમાં ગાંધીજીનો રોજિંદો કાર્યક્રમ, પ્રાર્થના-પ્રવચનો, પત્રો, ખાનગી મંત્રણા, જાહેર કાર્યકર્તા વિશેના અભિપ્રાયો, વિવિધ પશ્નો પરત્વે માર્ગદર્શન અને તેમના જીવનનો  વિષાદ, વિનોદ અને હૃદયના  ઉદગારો જોવા મળે છે. ચંદુલાલ દલાલ સંપાદિત ‘ગાંધીજીની દિનવારી’(1970)માં ગાંધીજીની રોજ-બ-રોજની પ્રવૃત્તિ, તેઓ જે સ્થળોએ ફર્યા તે સ્થળોની માહિતી છે. જેલજીવનને આલેખતી ડાયરીઓ પણ ગુજરાતી સાહિત્ય અને અન્ય સાહિત્યમાં મળે છે. સુમંત મહેતાની ‘જેલડાયરી’ 1978ના વર્ષ દરમિયાન ‘વિશ્વમાનવ’ના અંકોમાં  ક્રમશ: પ્રસિદ્ધ થઈ હતી. લેખકે પોતાની આ ડાયરીમાં કોઈ પણ પૂર્વગ્રહ સેવ્યા વગર જેલજીવનના સ્વાનુભવોનું યથાતથ આલેખન કર્યું છે.

ગાંધીયુગના કવિ ઉમાશંકર જોશીએ ‘‘31માં ડોકિયું’’ (1977) આલેખીને 1931નાં રાષ્ટ્રીય જાગૃતિ અને પુરુષાર્થના જુવાળના વ્યાપક પરિવેશ સાથે પાત્રો, પ્રસંગો અને ગૂજરાત વિદ્યાપીઠમાં ચાલતા પ્રયોગો આલેખાયાં છે. તેમણે ચીનનો પ્રવાસ કરેલો તે દરમિયાન ડાયરીના સ્વરૂપમાં  કરેલી નોંધોના આધારે  ‘ચીનમાં ચોપન દિવસ’ (1995) – એ પ્રવાસગ્રંથ પ્રસિદ્ધ થયેલ છે.

કેટલાંક પ્રવાસને લગતાં પુસ્તકોમાં ડાયરીની વિગતોનું આલેખન કરેલું હોય છે. તેમાં ભોળાભાઈ પટેલનું ‘પૂર્વોત્તર’ (1981) અનોખી  ભાત પાડે છે. તેમાં ‘સાત ભણિ’ એટલે કે પૂર્વ-ઉત્તરના સાત પ્રદેશોની સાથે સાથે લેખકે એલિયટ, કાલિદાસ, અરવિંદ, રવીન્દ્રનાથ, પ્રિયકાન્ત જેવા મહાનુભાવોનું સ્મરણ કર્યું છે.

બંગાળીમાં પણ ડાયરીસાહિત્યની શરૂઆત રવીન્દ્રનાથની યાત્રાકથાથી થયેલી ગણાય છે. તેઓ વિદેશયાત્રા કરતા ત્યારે અચૂક ડાયરી લખતા. આથી યુરોપયાત્રા, જાપાન અને ચીનની યાત્રા વખતની ડાયરી ‘વિદેશ ડાયરી’ અને ‘ચીન આર જાપાને’માં એમનો પ્રકૃતિપ્રેમ, માનવતા માટેનો પ્રેમ, એમનો દેશપ્રેમ તથા અન્ય દેશો જોડે પોતાના દેશની તુલના, એમની વિચારસૃષ્ટિ–એ બધાંનો પરિચય મળે છે. ક્રાન્તિકારી કલ્યાણી ભટ્ટાચાર્યે ‘દિને-દિને’માં  સાત વર્ષ જેલમાં રહ્યાં તેનું આલેખન રોજનીશી રૂપે આલેખ્યું છે.

હિન્દી સાહિત્યમાં પણ પ્રવાસની ડાયરીઓ મળે છે. રાહુલ સાંકૃત્યાયન ચિરપ્રવાસી હતા. તેમણે પ્રવાસ દરમિયાન રાખેલી ડાયરી ‘યાત્રા કે પન્ને’ તેમની બહુમુખી પ્રતિભાનાં દર્શન કરાવે છે. રાધાચરણ ગોસ્વામી પોતાની રોજની પ્રક્રિયા વિશે નોંધ કરતા. એમનાં વચનોની નોંધ 1872થી 1876 દરમિયાન લખાયેલી ડાયરીઓનાં પાનાંમાં જોવા મળે છે. નરદેવ શાસ્ત્રીની ‘વેદતીર્થ કી જેલ ડાયરી’ (1930) તેમાં વ્યક્ત થયેલી લાગણીનાં મૂલ્ય અને લેખકના વ્યક્તિત્વના અભિગમને દર્શાવે છે. ધીરેન્દ્ર વર્માની ‘મેરી કૉલેજ ડાયરી’ ઉલ્લેખનીય છે.

મરાઠી સાહિત્યમાં ના. ગ. ગોરેની ‘કારાગૃહાચ્યા ભિતી’ (1946) ભારતમાં કારાગૃહનું આલેખન કરતી નોંધપાત્ર ડાયરી છે. ગણેશ વા. માવળંકરની ‘કાહી પાઉલે’ (1948), વા. શિ. આપટેની ‘રૂખરૂખ’ (1948) વગેરે ઉલ્લેખનીય છે. તમિળ સાહિત્યમાં ‘આનંદરંગા પિલ્લાઈની ડાયરીના ગ્રંથો’ (1948–63) ઉલ્લેખનીય છે.

નલિની દેસાઈ