ડભોઈ : વડોદરા જિલ્લામાં આવેલ તાલુકો અને તાલુકા મથક. ભૌગોલિક સ્થાન : 22o 11´ ઉ. અ. અને 73o 26´ પૂ. રે.. તાલુકાનું ક્ષેત્રફળ 6,32.6 ચોકિમી. છે. 1991માં તેની વસ્તી તાલુકાની વસ્તી 1,83,009 હતી. આ તાલુકામાં એક શહેર ડભોઈ તથા 118 ગામો આવેલાં છે. ડભોઈ શહેરની વસ્તી આશરે 54,930 છે. ડભોઈના ‘દર્ભાવતી’ અને ‘દર્ભવતી’ તરીકે પ્રાચીન ઉલ્લેખો મળે છે.

તાલુકાની જમીન સમતલ અને ફળદ્રૂપ છે. નર્મદા, ઢાઢર, ઓરસંગ અને હિરણ આ તાલુકામાંથી વહે છે.

તાલુકામાં મુખ્યત્વે ડાંગર, જુવાર, ઘઉં અને બાજરીનું તથા કઠોળમાં તુવેરનું વાવેતર થાય છે. 35 % જમીનને કૂવાઓ દ્વારા સિંચાઈનો લાભ મળે છે.

ઉદ્યોગોમાં મુખ્યત્વે લાકડાં વહેરવાની મિલો, જિનો અને સાબુનાં અને લોખંડનું ફર્નિચર બનાવવાનાં કારખાનાં તથા તેલની મિલો છે. એક રસાયણનું કારખાનું તથા તાંબાપિત્તળનાં વાસણોનાં કારખાનાં પણ છે. હાથસાળનું કાપડ, ઘોડિયાં વગેરે લાકડાની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ છે. ડભોઈ તાલુકાનું ખરીદ-વેચાણ માટેનું કેન્દ્ર છે.

ડભોઈ એ ડભોઈ–જંબુસર, ચાંદોદ–માલસર અને ડભોઈ–ટીંબા નૅરોગેજ રેલવેનું જંકશન છે. જિલ્લા માર્ગો દ્વારા તે વડોદરા, કરજણ, મિયાંગામ, સંખેડા, જબુગામ, છોટાઉદેપુર, છુછાપુરા વગેરે શહેરો સાથે સંકળાયેલ છે.

તાલુકામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કૉલેજો છે. ગ્રંથાલયો અને ગ્રંથાલય – વાચનાલય સગવડ પણ છે.

ડભોઈ તેના પથ્થરના દુર્ગને લીધે વિખ્યાત છે. નર્મદા નદીની ઉત્તરે આવેલો આ દુર્ગ વામાવર્ત સ્વસ્તિકના કોઠાવાળાં પ્રવેશદ્વારો ધરાવે છે. આ પ્રવેશદ્વારો પૂર્વમાં હીરા ભાગોળ, દક્ષિણે નાંદોરી ભાગોળ, પશ્ચિમે વડોદરી ભાગોળ અને ઉત્તરે મહુડી ભાગોળ પાસે આવેલાં હોવાથી તે ભાગોળનાં નામ પરથી ઓળખાય છે.

ડભોઈના નાંદોદી, વડોદરી અને મહુડીના દરવાજાના બહારના વામાવર્ત કોઠાઓ મોટેભાગે ખંડિત અવસ્થામાં છે. પરંતુ તેનાં ઇલ્લિકા તોરણોવાળા દરવાજા પરનાં મોટેભાગે ખંડિત પરંતુ ઓળખી શકાય એવી હાલતમાં રહેલાં શિલ્પો પૈકી મહુડી ભાગોળ પરનાં નાથ સંપ્રદાયનાં શિલ્પો ઘણાં મહત્વનાં છે.

આ દુર્ગના દરવાજાથી અંદર આવતા રસ્તાઓ લગભગ મધ્યમાં મળે છે. અહીંથી દુર્ગના ઈશાન ભાગના તળાવ સાથે તેમનો સંબંધ છે. ડભોઈના દુર્ગમાં પાણી માટેની આ વ્યવસ્થા લાંબા સમયના ઘેરા માટે ઉપયોગી છે.

આ દુર્ગ ગુજરાત, મહારાષ્ટ્ર અને માળવાના અનુક્રમે ચૌલુક્ય–વાઘેલા, યાદવો અને પરમારોના સંઘર્ષના આશરે બારમી સદીના અંત પછી તેરમી સદીમાં તૈયાર થયો હતો, ત્યારબાદ તેનો ઉપયોગ અને સમારકામ વારંવાર થયું હોવા છતાં તેની મૂળ રચનાના ઘણા અંશો સચવાયેલા છે. ગુજરાતના વીશલદેવ વાઘેલાએ તેની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું કાલિકા માતાના મંદિર પાસેના શિલાલેખ પરથી જાણવા મળે છે.

ડભોઈની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઈ રહેતું હોવાથી આ નૈસર્ગિક પરિસ્થિતિનો લાભ દુર્ગનું સ્થાન નક્કી કરવામાં મળ્યો હતો. આ દુર્ગની હીરા ભાગોળ તેના કાલિકા માતાના મંદિર તથા હાલ નષ્ટપ્રાય થયેલા વૈદ્યનાથના મંદિરને લીધે વિશેષતા ધારણ કરે છે. કાલિકા માતાના મંદિરના મહાપીઠ અને મંડોવરના ભાગો સચવાયેલા છે. તેના પર વિવિધ આખ્યાયિકાઓ, દેવ અને દેવીઓનાં શિલ્પો ઉપરાંત સામાન્ય જીવનનાં ર્દશ્યો પણ કોતરેલાં છે. વૈદ્યનાથના મંદિરની મહાપીઠના ભાગો સચવાયેલા છે.

મંદિરોનું તથા કિલ્લા અને દરવાજાઓનું સમારકામ હીરાધર શિલ્પી દ્વારા થયું એમ મનાય છે. મૂળ કિલ્લો વગેરે બાંધનાર દેવા શિલ્પી હતો તેમ જણાય છે. ઋષભદેવ જયતિલકપ્રાસાદ અને ત્રણ જૈન મંદિરો, નાગેશ્વર તળાવ વચ્ચેનું નાનું શિવમંદિર, બીબીની બગી, મિનારાવાળી દરગાહ તથા અન્ય દરગાહો, પાછળથી બંધાયેલાં વાઘનાથ, મંગળેશ્વર, આશાપુરી તથા ગઢ ભવાનીનાં મંદિરો વગેરે જોવાલાયક છે. વડોદરા, ચાંપાનેરી વગેરે ચાર દરવાજાઓનું શિલ્પ બેનમૂન છે.

હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર ઉપરની વૃત્તિનો થોડો ભાગ અહીં લખ્યો હતો. સત્તરમી સદીમાં રત્નો કવિ તથા ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન અહીં ‘ગરબી’ પ્રકારનાં કાવ્યોના રચયિતા કવિ દયારામ થઈ ગયા છે. સોલંકીકાળ દરમિયાન આ સમૃદ્ધ શહેરનાં દેવમંદિરોનો અલ્લાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલૂઘખાને નાશ કર્યો હતો.

ર. ના. મહેતા

શિવપ્રસાદ રાજગોર