ડબાય, પીટર જોસેફ વિલિયમ

January, 2014

ડબાય, પીટર જોસેફ વિલિયમ (ડચ નામ : પેત્રોસ જૉસેફ્સ વિલહેલમસ ડે બીયે) (જ. 24 માર્ચ 1884, મૅસેટ્રીચ્ટ, નેધરલૅન્ડ્ઝ; અ. 2 નવેમ્બર 1966, ઇથાકા, ન્યૂયૉર્ક) : ભૌતિકરસાયણશાસ્ત્રી (physical-chemist), જેમને ‘ડાયપોલ મોમેન્ટ’, X–કિરણો તથા વાયુમાં પ્રકાશના પ્રકીર્ણન(scattering)ના સંશોધન માટે 1936માં રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. માસ્ટ્રીખ્ટ (હોલૅન્ડ)ની સ્થાનિક પ્રાથમિક અને  માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યા પછી, ડબાય ‘આચેન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી’માં જોડાયા. ત્યાંથી 1905માં તેમણે ઇલેક્ટ્રિકલ ટૅક્નૉલૉજીની ડિગ્રી મેળવી.

આ ઇન્સ્ટિટ્યૂટમાં બે વર્ષ ટૅકનિકલ મિકૅનિક્સમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. 1906માં મ્યૂનિક યુનિવર્સિટીમાં આવી જ નિમણૂક સ્વીકારી અને ત્યાંથી 1908માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને, 1910માં વ્યાખ્યાતા તરીકેની લાયકાત પ્રાપ્ત કરી. 1911–12 દરમિયાન તેઓ ઝૂરિક યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. 1912માં નેધરલૅન્ડ્ઝની યુટ્રેક્ટ યુનિવર્સિટીમાં અને 1919માં ગ્યુટિન્જન યુનિવર્સિટીમાં આવેલા ફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટના વિભાગનો કાર્યભાર સંભાળી લઈ, આખી ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર બન્યા અને 1920 સુધી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનો આપ્યાં. 1920માં તેમની નિમણૂક ઝૂરિકની આઇડેગેનોસિકલ યુનિવર્સિટીના  ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક અને આચાર્ય તરીકે થઈ. 1927માં લાઇપઝિગમાં પણ આવા સ્થાન ઉપર જ કાર્ય કર્યું. 1934થી 1939 દરમિયાન ડાહલેમ(બર્લિન)ની મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર ફિઝિક્સના ડિરેક્ટર અને બર્લિન યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના  પ્રાધ્યાપક તરીકે રહ્યા હતા.

નેધરલૅન્ડ્ઝ ઉપરના જર્મન આક્રમણના બે માસ પહેલાં ડબાય, ન્યૂયૉર્કની ઇથાકાની કોર્નેલ યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપવા ગયેલા. પછી નિવૃત્ત થયા ત્યાં સુધી ત્યાં જ, રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે રહ્યા. આ જ યુનિવર્સિટીમાં 1946માં તેમની નિમણૂક રસાયણશાસ્ત્રના એમેરિટસ પ્રોફેસર તરીકે થઈ અને તેમણે અમેરિકન નાગરિકત્વ સ્વીકાર્યું.

ડબાયનું લગ્ન મૅથિલ્ડ આલ્બેરોર સાથે થયું હતું અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતાં.

ડબાયના અગત્યના પ્રથમ સંશોધન ‘ડાયપોલ મોમેન્ટ’ના અભ્યાસની મદદથી, પરમાણુમાં અણુઓની ગોઠવણ તથા બે અણુઓ વચ્ચે આવેલા અંતર વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવા અંગેનું હતું. 1916માં તેમણે જણાવ્યું કે સ્ફટિકની રચનાના અભ્યાસમાં ઘન સ્ફટિકને બદલે તેનો ભૂકો પણ સફળતાપૂર્વક વાપરી શકાય છે. આને લઈને સંશોધનના પ્રયોગો માટેના સારા સ્ફટિક મેળવવાની પ્રાયોગિક મુશ્કેલીનું નિવારણ થયું.

1943માં વૈજ્ઞાનિક ઍરિક હ્યુકેલની સાથે મીઠાના દ્રાવણમાં રહેલા ધન તથા ઋણ વિદ્યુતભારિત કણ (ions) માટે સ્વાન્તે આરેનિયસના સિદ્ધાંતનું વિસ્તરણ કરીને સાબિત કર્યું કે, દ્રાવણમાં અંશત: નહિ પણ સંપૂર્ણ આયનીકરણ થતું હોય છે.

સંશોધન માટેની X–કિરણ સ્ફટિક વૈજ્ઞાનિક (crystallographic) પદ્ધતિઓના વિકાસ દરમિયાન તેમને જણાયું કે વાયુના બધા જ અણુઓનું બંધારણ એકસરખું હોવાને કારણે, X–કિરણો વાયુમાં દાખલ થાય ત્યારે નોંધપાત્ર વ્યતીકરણ (interference) અસરો ઉત્પન્ન કરવા માટે, પ્રમાણમાં સાદી ગોઠવણ પણ પૂરતી છે. વળી વિવર્તનકોણ (angle of diffraction) સાથે વિવર્તિત કિરણોની પ્રબળતામાં પણ નિયમિત ફેરફાર થતો હોય છે.

એરચ મા. બલસારા