ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય

January, 2014

ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય (જ. 23 ઑક્ટોબર 1869, ભરૂચ; અ. 2 જાન્યુઆરી 1952, મુંબઈ) : યુગપ્રભાવક ગુજરાતી કવિ અને પ્રથમ પંક્તિના વિદ્વાન. દાદા પોતાની અટક ‘સેહૅની’ લખતા તેને બળવંતરાયે ઉપનામ તરીકે પસંદ કરેલી. શરૂઆતમાં તખલ્લુસ ‘વલ્કલ’ પણ રાખેલું. જ્ઞાતિ વીશા બ્રહ્મક્ષત્રિય. પત્ની ચંદ્રમણિબહેન. પ્રાથમિક શિક્ષણ વતન ભરૂચમાં અને પછી પિતાની નોકરીને કારણે રાજકોટમાં લીધેલું. 1883માં કાઠિયાવાડ હાઈસ્કૂલ, રાજકોટમાંથી મૅટ્રિક. પછીથી શામળદાસ કૉલેજ, ઍલ્ફિન્સ્ટન કૉલેજ અને પુણેની ડેક્કન કૉલેજમાંથી 1889માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. થયા. એ કૉલેજમાં જ ફેલો નિમાયા. અંગ્રેજીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવેલા એટલે એલિસ સ્કૉલરશિપ પણ મળી હતી. શામળદાસ કૉલેજમાં હતા ત્યારે ઇતિહાસમાં ‘ધ યુસિસ ઑવ્ હિસ્ટરી’ નિબંધ માટે ‘ગૌરીશંકર ઉદયરામ ઓઝા પારિતોષિક’ મળેલું. દરમિયાન ઇનામી નિબંધ ‘માધવરાવ પેશ્ર્વા’ અંગ્રેજીમાં લખીને ‘માણેકજી લીમજી સુવર્ણચંદ્રક’ મેળવેલો. 1893માં એમ.એ. થયા સિવાય ડેક્કન કૉલેજ છોડી. 1895ના બીજા સત્રમાં દયારામ જેઠમલ સિંધ કૉલેજ, કરાંચીમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રોફેસરની કામચલાઉ જગા પર નિમાયા. 1890થી ‘ઇન્ડિયન સ્પૅક્ટેટર’(મુંબઈ)ના કામચલાઉ સહાયક તંત્રી અને 1894થી સ્થાયી સહાયક તંત્રી તરીકે ફરજ બજાવેલી. તે સાથે મુંબઈનાં ગુજરાતી દૈનિકોમાં સાંપ્રત પ્રવાહો પર લેખો લખતા. 1896માં વડોદરા કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય, તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના કામચલાઉ અધ્યાપક એક સત્ર માટે અને પછી 1896થી 1899 સુધી અજમેરની સરકારી કૉલેજમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનના અધ્યાપક રહ્યા. 1899થી ડેક્કન કૉલેજ, પુણેમાં જોડાયા. 1902માં સરકારી કૉલેજ, અજમેરમાં અધ્યાપક અને ઉપાચાર્ય તરીકે કામ કર્યું. શરૂઆતમાં પ્રોવિન્શિયલ સર્વિસમાં  નોકરી અને પછીથી હિંદીઓને ઇંડિયન ઍજ્યુકેશનલ સર્વિસમાં લેવાતાં 1904માં રાજકુમાર કૉલેજ, રાજકોટને ઉછીની સેવાઓ આપેલી. ત્યાં 1913 સુધી રહ્યા. તેમાં છેલ્લા આઠ માસ કાઠિયાવાડ એજન્સીના ઍજ્યુકેશન ઑફિસર બનેલા. 1914માં ફરી ડેક્કન કૉલેજ, પુણેમાં કાયમી અધ્યાપક. આ રીતે વિવિધ સ્થળોએ શિક્ષણકાર્ય કર્યા પછી 1924માં નિવૃત્ત થઈ 1927 સુધી પુણેમાં રહ્યા. 1928થી 1937 સુધી વડોદરામાં અને ત્યાર પછી અંત સુધી મુંબઈમાં રહેલા. ત્યાં થોડોક સમય વિલ્સન કૉલેજમાં ગુજરાતી ભાષાસાહિત્યના માનાર્હ અધ્યાપક તરીકે કામ કર્યું હતું.

બળવંતરાય સામાજિક સંસ્થાઓમાં પણ સક્રિય રસ લેતા. અજમેરમાં હતા ત્યારે ત્રણ વર્ષ મ્યુનિસિપાલિટીમાં સભાસદ નિમાયેલા. મુંબઈ/રાજકોટમાં દુષ્કાળનિવારણ કમિટીમાં કામ કરેલું. દસથી વધુ વર્ષ યુનિવર્સિટીમાં સરકાર-નિયુક્ત ફેલો હતા ત્યારે ઇતિહાસના અને ગુજરાતીના અભ્યાસમંડળમાં તેમજ તપાસસમિતિમાં સેવાઓ આપેલી. હિસ્ટોરિક્લ રેર્ક્ડ્ઝ કમિશનમાં સરકારે છ વર્ષ માટે તેમની નિમણૂક કરેલી.

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

ઠાકોરનો મુખ્ય રસ સાહિત્યનો. ત્રીજી સાહિત્ય પરિષદ રાજકોટમાં મળે તેમાં એમનો આગ્રહ હતો. 1926 સુધી તેઓ પરિષદના મંત્રી હતા. 1909ની પરિષદને સફળ બનાવવા તેમણે ગુજરાતભરમાં વિવિધ સ્થળોએ વ્યાખ્યાનો આપેલાં. 1920માં ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ બનેલા.

ગુજરાતી સાહિત્યમાં બળવંતરાયનું પ્રદાન ઐતિહાસિક અને સીમાચિહનરૂપ છે. સર્જન અને પર્યેષણા દ્વારા ગાંધીયુગના કવિઓ પર કાવ્યબાની અને અર્થપ્રધાન ચિંતનગર્ભ કવિતાની પરંપરા ઊભી કરવામાં તેમનો ફાળો મહત્વનો બન્યો છે.

કાવ્યસંગ્રહ ‘ભણકાર’, ધારા 1  (1917) અને ધારા 2 (1927) ઉપરાંત ‘મ્હારાં સૉનેટ’ (1935) અને પછી લખાયેલી બધી રચનાઓ ઉમેરીને ‘ભણકાર’ (1942) પ્રસિદ્ધ કર્યો. વિષયવસ્તુ પ્રમાણે તેમાં સાત ગુચ્છ બનાવ્યા છે. કાવ્યરચનાઓ આત્મલક્ષી અને પરલક્ષી બંને પ્રકારની છે. પ્રેમ, મૈત્રી, વાર્ધક્ય, મૃત્યુ વગેરે વિષયોમાં સ્વાનુભવનું  નિરૂપણ જોવા મળે છે. પરલક્ષી પ્રકારમાં સમાજ, ઇતિહાસ, પ્રકૃતિ, પરમેશ્વર વગેરે વિષયો છે.

બળવંતરાયનાં ઊર્મિકાવ્યો ચિંતનગર્ભ  છે.  1889માં શરૂ થયેલ  ‘પ્રેમનો દિવસ’ની સૉનેટમાળા 1913માં અઢાર મણકામાં પૂરી કર્યા પછી તેમાં એક મણકો ઉમેરાયો. કલ્પિત દંપતીના હૃદ્યજીવનની ક્ષણોના આલેખનમાં પ્રેમની સમુત્ક્રાંતિનું ચિત્ર છે. સ્વગતોક્તિઓ અને સંવાદોવાળી આ રચના નાટ્યોર્મિ કાવ્ય ગણાય તેવી છે. ‘પ્રેમની ઉષા’, ‘મોગરો’, ‘વધામણી’, ‘જૂનું પિયેરઘર’ જેવાં સૉનેટો અનવદ્ય કૃતિઓ છે. ‘વિરહ’માં મૃત્યુજન્ય વિરહવ્યથા ઉત્કટ રીતે નિરૂપિત છે. કવિ કાન્તની મૈત્રી વિશે 13 કાવ્યો છે. તેમાં વ્યક્તિત્વનું ગુણદોષ સહિત સમતોલ નિરૂપણ છે. ‘સુખદુ:ખ’માં વાર્ધક્યની વ્યથા અને ‘જર્જરિત દેહને’માં વૃદ્ધોની દશાનું ચિત્ર છે. ડેક્કન કૉલેજનું ભાવભર્યું અભિવાદન કરતું કાવ્ય છે ‘વડલાને છેલ્લી સલામ’. રાષ્ટ્રભાવના પ્રગટ કરતાં કાવ્યોમાં ‘યુગમુબારક’, ‘માજીનું સ્તોત્ર’, ‘ગાંડી ગુજરાત’ વગેરે છે. ‘ખેતી’ કાવ્યમાં કૃષિસંસ્કૃતિ સાથે યંત્રસંસ્કૃતિનું સ્વાગત થયેલું છે. ‘આરોહણ’, ‘રાજ્યાભિષેકની રાત’ અને ‘ચોપાટીને બાંકડે’માં ભારતીય સંસ્કૃતિનું ચિંતન અને દર્શન જોવા મળે છે. ‘હિટલરા બ્લિટ્ઝરા’ કાવ્યમાં બીજા વિશ્વયુદ્ધ અંગે કવિની દારુણ વેદના અને પુણ્યપ્રકોપ ઠલવાયાં છે. ‘વર્ષાની એક સુંદર સાંઝ’ અને ‘પરિષ્વજન’ જેવાં કાવ્યોમાં પ્રકૃતિ-સૌંદર્યનાં રમણીય ચિત્રો છે. ‘દુષ્કાળ’, ‘દામુ વકીલનો કિસ્સો’, ‘બુદ્ધ’, ‘ભમતારામ’ અને ‘નિરુત્તમા’ કથાકાવ્યો છે. કવિએ કરેલો મહાકાવ્યનો પ્રયોગ ‘એક તોડેલી ડાળ’ અપૂર્ણ છે. ‘બંદાની લવરી’ જેવા હાસ્યકાવ્ય ઉપરાંત મુક્તકો, બોધકાવ્યો, અર્પણકાવ્યો અને પ્રાસંગિક કાવ્યો પણ ઠાકોરે લખ્યાં છે.

એમની સર્વ કાવ્યરચનાઓને સમાવી લેતો સંગ્રહ ‘ભણકાર’ 1951માં પ્રસિદ્ધ થયેલો. વિચારપ્રધાન કવિતાને દ્વિજોત્તમ જાતિની ગણવાનો સિદ્ધાન્ત એમણે પ્રતિપાદિત કરેલો. ગુજરાતી કવિતામાં બળવંતરાયનું વિશિષ્ટ  અર્પણ એટલે અગેય પદ્યરચનાનો આગ્રહ, યતિસ્વાતંત્ર્ય અને અંત્યપ્રાસરહિતત્વની પ્રભાવક મૌલિક વિચારણા અને તેના પ્રત્યક્ષ નિદર્શનરૂપ કાવ્યકૃતિઓ. કવિ તરીકેની એમની વિશેષતા અમુક અંશે મર્યાદારૂપ બનતાં એમની કાવ્યશૈલી રુક્ષ, નારિકેલપાક સમી અને તેથી જ વિદ્વદભોગ્ય બની; તેમ છતાં પૃથ્વી જેવા અગેય છંદનો ઉત્તમ ઉપયોગ કરી વાણીના લયને સિદ્ધ કર્યો. અર્થાનુસારી છંદોલય વડે સળંગ પ્રવાહી પદ્યરચનાનો પ્રયોગ, કટાવ અને ગુલબંકી જેવા છંદોનો નવતર પ્રયોગ, પૃથ્વી છંદમાં એક શ્રુતિ ઉમેરીને ‘પૃથ્વીતિલક’ જેવા દીર્ઘછંદનું નિર્માણ વગેરે નવીન પ્રયોગોનો  ગાંધીયુગના કવિઓ પર વ્યાપક અને ઊંડો પ્રભાવ પડ્યો. આ ઉપરાંત સુશ્લિષ્ટ ગુજરાતી સૉનેટના આદ્યપ્રયોજક તરીકે બ. ક. ઠાકોરનો સ્વીકાર થયેલો છે. 1888ના મે માસમાં લખાયેલું ‘ભણકારા’ પ્રથમ કલાપૂર્ણ ગુજરાતી સૉનેટ ગણાયું છે. વિષયવસ્તુ, કલ્પના-ચારુતા, છંદોલય અને પદ્યશૈલીમાં વિશિષ્ટ એવાં અંગ્રેજી, ઇટાલિયન અને અનિયમિત જાતનાં અનેક સૉનેટો આપીને તેમણે તે કાવ્યપ્રકારને ગુજરાતીમાં પ્રચલિત કર્યો છે.

ઠાકોરનું ગદ્યસાહિત્ય વૈવિધ્યસભર અને વ્યાપક છે. ક્યારેક અન્વય કર્યા વિના અર્થબોધ ન થાય તેવી સઘન અને બલિષ્ઠ શૈલીના પ્રયોજક બળવંતરાયના ગદ્યમાં ભાષાની પ્રૌઢિ અને અર્થભારયુક્ત વાક્યાવલિઓ મળે છે. ગુજરાતી સાહિત્યના સમર્થ ગદ્યકારોમાં એમનું વિશિષ્ટ સ્થાન છે.

વિવેચનને લગતા ‘કવિતાશિક્ષણ’ (1924); ‘લિરિક’ (1928); ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ (1943); ‘વિવિધ વ્યાખ્યાનો’ ગુચ્છ 1 (1943), ગુચ્છ 2 (1948), ગુચ્છ 3 (1956); ‘‘ ‘ભણકાર’ : પદવિવરણ’’ (1951); ‘પ્રવેશકો’ ગુચ્છ 1 (1959), ગુચ્છ 2 (1961) વગેરે ગ્રંથોમાં ઠાકોરની સહૃદયતા, વિદગ્ધતા અને વિદ્વત્તાનો પરિચય થાય છે. મૌલિક વિચારણા અને પ્રમાણભૂતતા તેનાં આગળ  તરી આવતાં લક્ષણો છે. સાહિત્યતત્વ અને સાહિત્યકારો વિશે ઊંડા અધ્યયનપૂર્ણ મૂલ્યવાન લેખો ઉપરના ગ્રંથોમાં મળે છે.

ઠાકોરનાં નાટકોમાં મૌલિક વસ્તુ અને પ્રચુર સંવાદોવાળું ‘ઊગતી જુવાની’ (1923) અને મધ્યકાલીન નાટિકા ‘લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ’ (1928) મળ્યાં છે. વાર્તાસંગ્રહ ‘દર્શનિયું’(1924)માં અપ્રસ્તુત વિગતોથી ખચિત મૌલિક અને અનૂદિત વાર્તાઓ છે. ‘રમણી પ્રફુલ્લ’ નામની નવલકથાનું ફક્ત એક જ પ્રકરણ લખાયું છે.

અનુવાદોમાં ‘અભિજ્ઞાન શકુન્તલા નાટક’ (1906), ‘માલવિકાગ્નિમિત્ર’ (1933), ‘વિક્રમોર્વશી’ (1958) ઉપરાંત ‘ભગવદગીતા’ અને ‘મેઘદૂત’ – એ બેના અધૂરા અનુવાદો અને શંકરનના ‘સંસ્કૃત લિટરરી ક્રિટિસિઝમ’નો પૂરો તથા એબરક્રોમ્બીના ‘પ્રિન્સિપલ્સ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ’નો અધૂરો ‘સારગ્રાહી વિવરણાત્મક’ અનુવાદ પણ આપ્યા છે. મુક્ત પૃથ્વીમાં લખાયેલ ‘ગોપીહૃદય’ (1943) રેહાના તૈયબજી લિખિત અંગ્રેજી કાવ્ય ‘ધ હાર્ટ ઑવ્ અ ગોપી’નું ભાષાંતર છે.

એમણે રશિયન નાટ્યકાર વેલેટાઇન કેટેયેવના યુરોપ–અમેરિકામાં રંગભૂમિ પર સફળ નીવડેલ પ્રહસનના અંગ્રેજી રૂપાંતર ‘સ્કવેરિંગ ધ સર્કલ’ પરથી સામાજિક હાસ્યરસિક નાટક ‘સોવિયેટ નવજુવાની’ (1935) નામે અનુવાદ કર્યો છે. પર્લ બકની નાટ્યકૃતિનો અનુવાદ ‘દેશભક્તિનો વ્યોમ કળશ’ આપ્યો છે. રુમાનિયન લેખક મૉંસિયે સેણ્ડોર માર્ટિનેસ્કુની કૃતિનો ‘રાશેલનો ગૃહત્યાગ’ નામે અનુવાદ કર્યો છે. ‘પ્લૂટાર્કનાં જીવનચરિત્રો’ (1906) હરિલાલ માધવજી ભટ્ટના સહયોગમાં કરેલું ભાષાંતર છે.

ચરિત્રગ્રંથ ‘અંબાલાલભાઈ’ (1928) સમય અને પરિબળોનું ચિત્ર રજૂ કરે છે. ‘પંચોતેરમે’(1946)માં સન્માન પ્રસંગે આપેલાં વ્યાખ્યાનો ઉપરાંત  વડીલોની સ્થૂલ હકીકતો સાથે પોતાની જીવનયાત્રાની તવારીખ રજૂ કરે છે.

ઇતિહાસવિષયક અન્ય કૃતિઓમાં ‘ઇતિહાસદિગ્દર્શન’ (1928) અને ‘યુનાઇટેડ સ્ટેટ્સનો ઇતિહાસ’ (1928) છે. એમણે કરેલાં સંપાદનોમાં ‘કાન્તમાળા’ (1924), ‘ગુર્જર રાસાવલી’ (1956), ‘અંબડ વિદ્યાધર રાસ’ (1953) અને ‘વિક્રમચરિત રાસ’ (1957) છે, જેમાં છેલ્લાં બે મધ્યકાલીન સાહિત્યનાં છે. ઉપરાંત ગો. મા. ત્રિપાઠીએ લખેલ ‘સાક્ષરજીવન’ અને નવલરામ પંડ્યાકૃત ‘ઇંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘પ્રસ્થાન’ માસિકમાં લખેલાં વિવરણોની લેખમાળા ‘આપણી કવિતાસમૃદ્ધિ’ (1931), ‘ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે ત્રણ વ્યાખ્યાનો’ (1909) અને ‘પરિષદ પ્રવૃત્તિ – વિભાગ બીજો અને ત્રીજો’ (1928–1929) વગેરે આપીને તેમની અભ્યાસશીલ પ્રકૃતિનું દર્શન કરાવ્યું છે. ‘વિધવાવિવાહ’ (1886), ‘કુન્તી’ (1907), ‘સંક્રાન્તિ સમયમાં સ્ત્રીઓ’ (1928), ‘શરીરસ્વાસ્થ્ય’ (1936) અને ‘બ. ક. ઠાકોરની દિન્કી’ ભાગ 1 (1969) અને ભાગ 2 (1976) એમનાં અન્ય પ્રકાશનો છે. અંગ્રેજી ભાષામાં પણ તેમણે કેટલીક કૃતિઓ આપેલી છે; ‘એન ઍકાઉન્ટ ઑવ્ ધ ફર્સ્ટ માધવરાવ પેશ્વા’ (1895), ‘ટેક્સ્ટ ઑવ્ ધ શાકુન્તલ’ (1920), અને ‘ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેશન ટુ ધ ડૉન ઑવ્ રિસ્પૉન્સિબલ  ગવર્નમેન્ટ’ ભાગ 1 (1921) અને ભાગ 2 (1927). ઓરિયેન્ટલ કૉન્ફરન્સ, પુણેમાં તેમણે સંદિગ્ધ પાઠ વિશે અંગ્રેજીમાં વિસ્તૃત ચર્ચા પણ કરેલી.

ભાનુપ્રસાદ પંડ્યા