ઠાકોર, જયંતીલાલ પ્રાણલાલ

January, 2014

ઠાકોર, જયંતીલાલ પ્રાણલાલ (જ. 4 માર્ચ 1913, લાલપુર, જિ. જામનગર; અ. મે 2004, અમદાવાદ) : આઝાદીની લડતના સેનાની અને રચનાત્મક કાર્યકર. તેઓ દાંતના ડૉકટર અને કુદરતી ઉપચારના નિષ્ણાત હતા. જન્મ બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. સાત વર્ષની વયે પિતાનું અવસાન થયું. બાળપણ અમદાવાદમાં વિતાવ્યું.

જયંતીલાલ પ્રાણલાલ ઠાકોર

શાળાના અભ્યાસકાળ દરમિયાન છાપાંઓ વહેંચવાં જેવાં નાનાંમોટાં કામ કરીને કુટુંબનો નિર્વાહ ચલાવવામાં તેઓ મદદરૂપ થતા હતા. તેમના શિક્ષણ અને સંસ્કારનો પાયો મજબૂત  કરવામાં માતા વિજયાલક્ષ્મી ઉપરાંત બેગસાહેબ અને વ્યાયામશાળાના શિક્ષક રણછોડભાઈ પટેલનો  ફાળો મહત્વનો રહ્યો હતો. વ્યાયામશાળા દ્વારા તેઓ વ્યાયામ ઉપરાંત  સહકારી ભંડાર, પુસ્તકાલય, હસ્તલિખિત માસિક, કૅમ્પિંગ, સ્કાઉટિંગ જેવી પ્રવૃત્તિઓની તાલીમ પામ્યા હતા. વધુ  અભ્યાસ કરવા માટે કૉલેજમાં પ્રવેશ તો મેળવ્યો, પરંતુ સંજોગો સાનુકૂળ ન હોવાથી આગળ અભ્યાસ કરી શક્યા નહિ.

અમદાવાદમાં રાષ્ટ્રીય જાગૃતિ લાવવા ખાડિયા વ્યાયામશાળાએ 1930માં વાનરસેના અને માંજરસેના સ્થાપી હતી. અમદાવાદમાં વસંતરાવ હેગિષ્ટે, વાસુદેવ ભટ્ટ અને જયંતી ઠાકોરે વ્યાયામશાળાઓની પ્રવૃત્તિને પ્રચલિત કરી તેમજ કિશોરોને તે દ્વારા નીડર બનાવ્યા. આ પ્રવૃત્તિને પરિણામે અમદાવાદમાં રાષ્ટ્રીય લડતમાં મોખરે રહે તેવા નીડર સ્વયંસેવકો તૈયાર થયા હતા.

12 માર્ચ, 1930ને દિવસે ગાંધીજીએ દાંડીકૂચ આરંભી. આ લડતમાં ભાગ લેવા માટે જયંતી ઠાકોરે અરજી કરી હતી, પરંતુ વય નાની હોવાથી તેમની ઇચ્છા હોવા છતાં તેમની અરજી સ્વીકારાઈ નહિ. આમ છતાં. ગાંધીજીની ઉપરવટ જઈ આ સત્યાગ્રહમાં ભાગ લેવા તથા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને સાંભળવા પહોંચી ગયા અને અસલાલી સુધી કૂચમાં જોડાયા. પછી ગાંધીજીના આદેશથી તેઓ અમદાવાદ પાછા ફર્યા.

તેમણે ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને પોલીસનો માર પણ ખાધો હતો. ત્યારબાદ ધરાસણા સત્યાગ્રહ વખતે મીઠાના અગરો લૂંટવાનો વ્યૂહ જયંતી ઠાકોરે બીજા સાથીઓને બતાવ્યો હતો. આ સત્યાગ્રહમાં પણ તેમણે પોલીસનો માર ખાધો હતો.

જયંતી ઠાકોર ચારેક વાર જેલયાત્રા કરી ચૂક્યા હતા. સૌપ્રથમ 1930માં અમદાવાદમાં અને ત્યારબાદ ‘જપ્ત સાહિત્ય દિન’ની ઉજવણી પ્રસંગે તેમણે સાબરમતી અને યરવડા જેલમાં સાત માસની  સજા ભોગવી હતી. 1942માં ફરી સત્યાગ્રહી સૈનિક તરીકે પકડાયા અને સાબરમતી તથા નાસિકની જેલમાં કારાવાસ ભોગવ્યો. છેલ્લે, 1942ની ‘ભારત છોડો’ લડતમાં ભાગ  લઈને  ભૂગર્ભ પ્રવૃત્તિઓ ચલાવવા માટે તેમણે 1944થી 1946 સુધી જેલવાસ ભોગવ્યો હતો.

જયંતી ઠાકોરે 1942ની લડત વખતે અમદાવાદમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. જુલાઈ, 1942થી જ અમદાવાદમાં આગામી લડત માટે વૉર્ડવાર સભાઓ ભરી સંગઠન સાધવાના પ્રયાસો શરૂ થઈ ચૂક્યા હતા. વ્યાયામ પ્રચારક મંડળના સૂત્રધારો તરીકે જયંતી ઠાકોર અને વાસુદેવ ભટ્ટ, મોહનસિંહ સોલંકી વગેરેએ વૉર્ડનાયકો, જૂથનાયકો વગેરેનાં કામનો ખ્યાલ અગાઉથી મેળવી લીધો હતો. 9મી ઑગસ્ટને દિવસે 17 જેટલા કૉંગ્રેસી આગેવાનોની  ધરપકડ થતાં અમદાવાદના લોકોએ હડતાળ પાડીને લડતનો પ્રારંભ કર્યો. કૉંગ્રેસ મહાસમિતિની સભા વખતે જયંતી ઠાકોર મુંબઈ જવા નીકળ્યા હતા, પરંતુ રેલવેમાં ભંગાણ પડ્યું  હોવાથી તે 11મી ઑગસ્ટે મુંબઈ પહોંચ્યા. ત્યાં અચ્યુત પટવર્ધને તેમને ભૂગર્ભમાં રહીને લડત ચલાવવાનો સંદેશો આપ્યો. તે અમદાવાદ પાછા આવ્યા. અમદાવાદમાં તેમને ‘આઝાદ સરકાર’ના શહેરસૂબા બનાવીને ‘જયાનંદ’ નામ આપવામાં આવ્યું.

આ ચળવળ દરમિયાન જયંતી ઠાકોર અનેક મકાનો અને જુદી જુદી પોળોમાં રહ્યા અને અદમ્ય સાહસ કરીને કાર્યકરોનો વ્યક્તિગત સંપર્ક જાળવી રાખ્યો. શહેરસૂબા તરીકે તેમણે વૉર્ડનાયકો, પોળનાયકો, શેરીનાયકો અને સ્વયંસેવકો નીમવાની વ્યવસ્થા કરી. તેમણે ‘કૉંગ્રેસ પત્રિકા’ પ્રસિદ્ધ કરવાનું વ્યવસ્થાતંત્ર પણ ગોઠવ્યું હતું. લોકોને આ લડતમાં સામેલ કરવા તેમજ લડતનો ખર્ચ ઉપાડી લેવા માટે ‘કૉંગ્રેસ પત્રિકા’માં ‘આઝાદ સરકાર’ના શહેરસૂબા જયાનંદના નામથી ફરમાન બહાર પાડવામાં આવ્યું અને 18થી 25 ઑક્ટોબર, 1942 દરમિયાન યુદ્ધ સપ્તાહ ઊજવીને લોકોને વેરો ભરવાની સૂચના આપવામાં આવી. આ ‘યુદ્ધવેરા’માં લગભગ રૂ. 21,000 જેટલી રકમ એકઠી કરવામાં આવી. 1943માં જયપ્રકાશ નારાયણે મુંબઈમાં લડતના આગેવાનોની બોલાવેલી ગુપ્ત સભામાં જયંતી ઠાકોર જોડાયા હતા. તદુપરાંત હરિવદન ઠાકોર અને વાસુદેવ ભટ્ટ સાથે ‘આઝાદ હિંદ ફોજ’માં જોડાવા માટે કૉલકાતા પણ પહોંચ્યા હતા. અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો તેમ, આ ભૂગર્ભ પ્રવૃત્તિ માટે બ્રિટિશ સરકારે તેમને 1944થી 1946 દરમિયાન અટકાયતમાં રાખ્યા હતા.

સમાજસુધારક તરીકે જયંતી ઠાકોરે બાળલગ્ન જેવાં અનિષ્ટો તથા ખર્ચાળ સામાજિક રીતરિવાજો સામે લડત ચલાવી હતી. જયંતી ઠાકોરે પોતાનું સમગ્ર જીવન સાદાઈ અને સંયમથી તેમજ અન્યને ઉપયોગી થવામાં વિતાવ્યું હતું. તેઓ જઈફ ઉંમરે પણ ‘વસંત નેચર ક્યૉર’ નામની કુદરતી ઉપચારની હૉસ્પિટલમાં કાર્યરત હતા.

પંકજ દેસાઈ