ઠાકોર, જે. એમ. (જ. 23 નવેમ્બર 1914, મુંબઈ; અ. 27 નવેમ્બર 2000, અમદાવાદ) : અગ્રણી ધારાશાસ્ત્રી અને ગુજરાત રાજ્યના વરિષ્ઠ ઍડ્વોકેટ જનરલ. આખું નામ જયેન્દ્ર મણિલાલ ઠાકોર. જાણીતા ધારાશાસ્ત્રીઓના પરિવારમાં જન્મ. પિતા ઍડ્વોકેટ હતા. માતાનું નામ પદ્માદેવી. ભારતના પ્રખર ધારાશાસ્ત્રી સર ચીમનલાલ સેતલવાડ તેમના નાના તથા સ્વતંત્ર ભારતના પ્રથમ ઍટર્ની જનરલ મોતીલાલ ચીમનલાલ સેતલવાડ તેમના મામા હતા. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી 1930માં મૅટ્રિક, વિલ્સન કૉલેજમાંથી 1934માં અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સાથે બી.એ. તથા સરકારી લૉ કૉલેજમાંથી 1936માં એલએલ.બી. થયા. મોતીલાલ સેતલવાડની ચેમ્બરમાં તેમના માર્ગદર્શન હેઠળ બે વર્ષ (1936–38) તાલીમ લીધા બાદ મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરવાની સનદ મેળવવા માટે ઍડ્વોકેટ(ઓરિજિનલ સાઇડ)ની પરીક્ષા 1939માં પાસ કરી અને મુંબઈની વડી અદાલતમાં 1939થી સ્વતંત્ર વકીલાત શરૂ કરી. સાથોસાથ તે પછીના એક દાયકા સુધી મોતીલાલ સેતલવાડના જુનિયર તરીકે કામ કરતા રહ્યા. તેમની સાથે કેટલાક મહત્વના કેસોમાં રજૂઆત કરવાની તક તેમને સાંપડી. 1942ના ‘હિંદ છોડો’ આંદોલન દરમિયાન ગોપનીય રેડિયો સ્ટેશન ચલાવી સરકાર વિરુદ્ધ પ્રચાર કરવા માટે ચાર વિદ્યાર્થીઓ સહિત પાંચ દેશભક્તો પર મુંબઈની સેશન્સ કોર્ટમાં ચાલતા મુકદ્દમામાં બચાવપક્ષના ધારાશાસ્ત્રી તરીકે તેઓ ઊભા રહ્યા હતા. 1950–60ના દાયકા દરમિયાન મુંબઈની વડી અદાલતમાં સ્વતંત્ર રીતે વકીલાત ચાલુ રાખી. 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થતાં તેના પ્રથમ ઍડ્વોકેટ જનરલ તરીકે નિમાયા, જે પદ પર લગભગ ચાર દાયકા (1960–99) કાર્યરત હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં જુદા જુદા રાજકીય પક્ષો સત્તાસ્થાને આવ્યા છતાં બધી જ સરકારોએ તેમને તેમના પદ પર ચાલુ રાખવાનું મુનાસિબ ગણ્યું હતું. તે પૂર્વે 1958માં તે સમયની મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એમ. ચી. ચાગલાએ તેમને તે અદાલતના ન્યાયમૂર્તિના પદ માટેની ઑફર કરી, પરંતુ જે. એમ. ઠાકોર ન્યાયાધીશ બનવા રાજી ન હતા.

લાંબી કારકિર્દી દરમિયાન તેમણે બંધારણીય તથા અન્ય વિવિધ પ્રકારના મહત્વના કેસો સફળતાથી ચલાવ્યા હતા. તેમાં 1958માં કેન્દ્ર, સરકાર વતી ‘કેરળ અને મદ્રાસ ફૂડ પૉઇઝનિંગ ઇન્ક્વાયરી કમિશન’ સમક્ષ રજૂઆત; 1964માં ગુજરાત ફર્ટિલાઇઝર કંપની, ગુજરાત વિદ્યુત બોર્ડ તથા વડોદરાના ઔદ્યોગિક એકમો દ્વારા તેલ અને વાયુ પંચ(ઓ.એન.જી.સી.)ને ચૂકવવા પાત્ર ગણાય તેવી કિંમત નિર્ધારિત કરવા માટે ‘વી.કે.આર.વી.રાવ લવાદ’ સમક્ષ રજૂઆત; 1969માં રાજ્યમાં ફાટી નીકળેલ કોમી રમખાણોની તપાસ માટેના ‘ન્યાયમૂર્તિ જગમોહન રેડ્ડી કમિશન’ સમક્ષ રજૂઆત; 1969ના અંતમાં આંતરરાજ્ય જળવિવાદ કાયદા હેઠળ નિમાયેલ ‘નર્મદા જળ વિવાદ ટ્રિબ્યૂનલ’ સમક્ષ ગુજરાતના કેસની રજૂઆત; 1972માં દેશના તત્કાલીન પ્રધાનમંત્રી સમક્ષ નર્મદા વિકાસ અંગેનું મેમોરૅન્ડમ તૈયાર કરી તે અંગે રજૂઆત કરવાની જવાબદારી; 1973–76ના ગાળા દરમિયાન ‘ન્યાયમૂર્તિ હિદાયતુલ્લા લવાદ’ સમક્ષ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનને અવશિષ્ટ ઇંધન-તેલ(residual fuel oil)ની કિંમત નિર્ધારિત કરવા માટેના કેસમાં રજૂઆત; 1979માં મોરબી ખાતેની હોનારતના સંદર્ભમાં ‘મચ્છુબંધ કમિશન ઑવ્ ઇન્કવાયરી’ સમક્ષ રાજ્યસરકારના કેસની રજૂઆત વગેરે કેસોનો સમાવેશ થાય છે. 1966માં કચ્છ અંગે ભારત-પાકિસ્તાન સીમા વિશે ઊભા થયેલ વિવાદ પર નિર્ણય આપવા જિનીવા ખાતે રચાયેલ ‘ઇન્ડો-પાકિસ્તાન બાઉન્ડરી ડિસ્પ્યૂટ ટ્રિબ્યૂનલ’ સમક્ષ ભારતનો કેસ રજૂ કરવા મોકલવામાં આવેલ પ્રતિનિધિમંડળમાં જે. એમ. ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલે આપેલ ચુકાદો મહદ્અંશે ભારતની તરફેણમાં રહ્યો છે.

આ બધા કેસોમાં તેમની રજૂઆત પ્રશંસનીય ઠરી હતી.

1990માં તેમને વિશ્વગુર્જરી ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા. ઉપરાંત ફેબ્રુઆરી, 1999માં બાર ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયા દ્વારા મુંબઈ ખાતે તેમનું તથા વિખ્યાત ધારાશાસ્ત્રી નાની પાલખીવાલાનું સંયુક્ત રીતે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે