ઠક્કર, અમૃતલાલ વિઠ્ઠલદાસ

January, 2014

ઠક્કર, અમૃતલાલ વિઠ્ઠલદાસ (ઠક્કરબાપા) (જ. 29 નવેમ્બર 1869, ભાવનગર; અ. 19 જાન્યુઆરી 1951, ગોધરા) : ‘ઠક્કરબાપા’નું વહાલસોયું બિરુદ ધરાવનાર તથા દલિતો અને સમાજથી તિરસ્કૃત લોકોની મૂકસેવા કરનાર લોકસેવક. જન્મ સંસ્કારી લોહાણા કુટુંબમાં. માતા મૂળીબાઈ સેવાપરાયણ હતાં. વિઠ્ઠલદાસનાં છ પુત્રો અને એક પુત્રી પૈકી અમૃતલાલ બીજું સંતાન હતા.

પ્રાથમિક શિક્ષણ ભાવનગર અને ધોલેરામાં લીધું. મૅટ્રિક સુધીનો અભ્યાસ આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભાવનગરમાં કર્યો. મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવી તેમણે જશવંતસિંહજી સ્કૉલરશિપ મેળવી (1886). 1887માં પુણેની ઇજનેરી કૉલેજમાં દાખલ થઈને 1890માં એલ.સી.ઈ.ની ઇજનેરી ડિગ્રી પ્રાપ્ત કરી.

લોહાણા છાત્રાલયના ગૃહપતિ તરીકે કામ કરનાર પિતા વિઠ્ઠલદાસે 1900માં છપ્પનિયા દુકાળ વખતે જ્ઞાતિના ગરીબ લોકો માટે રાહતકેન્દ્ર ખોલ્યું હતું. માતા પણ પાડોશમાં રહેતા ગરીબોની સેવા માટે તત્પર હતાં. તેથી અમૃતલાલમાં સેવાનો ગુણ ઊતર્યો હતો.

1890થી 1900 દરમિયાન તેમણે વઢવાણ રાજ્ય, યુગાન્ડા રેલવે (1890), સાંગલી દેશી રિયાસત તથા મુંબઈ મ્યુનિસિપાલિટીના ઇજનેર તરીકે નોકરી કરી હતી.

મુંબઈમાં મહારાષ્ટ્રમાંની હરિજનપ્રવૃત્તિના જનક વિઠ્ઠલ રામજી શિંદેના પરિચય બાદ કુર્લામાં સફાઈ-કામદારોનાં બાળકો માટે તેમણે શાળા શરૂ કરી હતી. સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટીના જી. કે. દેવધરના પ્રોત્સાહનથી કુર્લાના સફાઈ કામદારોને તેમણે ઋણમુક્ત કરાવ્યા હતા. તેમના સાંગલીનિવાસ દરમિયાન તેઓ  ગોપાળ કૃષ્ણ ગોખલે તથા ડી. કે. કર્વેના પરિચયમાં આવ્યા હતા.

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર (ઠક્કરબાપા)

1913માં પિતાના મૃત્યુ પછી નોકરી છોડી. સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટીમાં 6–2–1914થી જોડાઈને આ જ વરસે તેમણે ઉત્તર પ્રદેશના ગોકુળ અને મથુરામાં  દુષ્કાળ રાહતકાર્ય સંભાળ્યું. 1915–16માં મુંબઈના સફાઈ-કામદારોની સહકારી સોસાયટી સ્થાપી અને અમદાવાદમાં મિલમજૂરોનાં બાળકો માટે શાળા શરૂ કરી. 1917માં દેવધર અને જોશીની સાથે રહીને ખેડામાં મહેસૂલ  ધારા અંગેના તપાસપંચની કાર્યવહીમાં ભાગ લીધો.

1918માં વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈ ધારાસભામાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવા માટેનું બિલ  પેશ કર્યું ત્યારે તેમણે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ ખેડીને આ પ્રદેશમાં પ્રવર્તતી શૈક્ષણિક સગવડો અંગેની માહિતી એકત્ર કરી. જમશેદપુરના તાતાના લોખંડના કારખાનાના કામદારોની સ્થિતિ સુધારવા કયાં યોગ્ય પગલાં લઈ શકાય તે સૂચવવા માટે તેમની સેવા લેવાઈ હતી. આ સાથે પંચમહાલમાં દુષ્કાળરાહતનું કાર્ય પણ સંભાળ્યું હતું. અહીં તેમને ભીલોની દારુણ ગરીબીનો પરિચય થયો હતો. 1920માં ઓરિસામાં દુષ્કાળરાહતનું કામ સંભાળ્યું. 1921માં તેમણે સૌરાષ્ટ્રમાં ખાદીપ્રચારનું કાર્ય સંભાળ્યા બાદ પંચમહાલમાં 1922માં સખત દુષ્કાળ પડતાં રાહતકાર્ય કર્યું અને ભીલ સેવા મંડળની સ્થાપના કરી.

1926માં ભાવનગર પ્રજાપરિષદના પ્રમુખપદે તેમની વરણી થઈ. પતિયાળા રાજ્યમાં પ્રજા પર ગુજારવામાં આવતા જુલમોની તપાસ કરવા માટેની સમિતિના ચૅરમૅન થયા (1929). 1930માં સવિનય કાનૂન ભંગના આંદોલન દરમિયાન ખેડા જિલ્લામાં મહેમદાવાદ ખાતે દારૂની દુકાનો ઉપર પિકેટિેંગ કરવા બદલ તેમને છ માસની સખત મજૂરી સાથે જેલની સજા થઈ. 40 દિવસ પછી સરકારે તેમને મુક્ત કર્યા હતા. 1932માં સવિનય કાનૂનભંગની લડત દરમિયાન સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની નીતિ જાહેર કરતાં તે બંધ રખાવવા ગાંધીજીએ 21 દિવસના ઉપવાસ કર્યા. ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા હરિજન નેતાઓ સાથે મસલત કરી સમાધાન કરાવવા ઠક્કરબાપાએ ઘણી જહેમત ઉઠાવી હતી. પરિણામે ‘પૂના કરાર’ થયો અને તે પ્રમાણે હરિજનોને ચોક્કસ મતવિસ્તારની ધારાસભાની બેઠકો મળી. ગાંધીજીની વિનંતીથી ઠક્કરબાપાએ હરિજન સેવક સંઘના સેક્રેટરીનો હોદ્દો સ્વીકારી એક વરસથી ઓછી મુદતમાં હરિજન સેવક સંઘની 22 પ્રાંતિક શાખાઓ અને 178 જિલ્લાકેન્દ્રો સ્થાપ્યાં હતાં. 1933–34માં ગાંધીજી સાથે ફરી તેમણે નવ માસ દરમિયાન હરિજનોની સ્થિતિ સુધારવા આશરે ઓગણીસ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો. 1934–37 દરમિયાન હરિજનોના ઉત્કર્ષ માટે સમગ્ર ભારતમાં તેમણે પ્રવાસ કર્યો હતો.

1938–42 દરમિયાન આદિવાસી અને પછાત વર્ગના કલ્યાણ માટેની મધ્ય પ્રાંત, વરાડ, ઓરિસા, બિહાર, મુંબઈ વગેરે રાજ્યોની સરકારે નીમેલી વિવિધ સમિતિઓના સભ્ય તરીકે કામ કર્યું. 1943–44ના બંગાળના માનવસર્જિત ભયંકર દુકાળના પ્રસંગે તથા ઓરિસા, તમિળનાડુ અને કર્ણાટકના બીજાપુર જિલ્લામાં તેમણે દુષ્કાળરાહતકાર્ય સંભાળ્યું  હતું.

1944માં કસ્તૂરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ફંડ અને ટ્રસ્ટના તે વ્યવસ્થાપક અને સેક્રેટરી તેમજ મધ્ય પ્રાંતના ગોન્ડ સેવક સંઘ(વનવાસી સેવક મંડળ)ના સ્થાપક થયા. 1945માં મહાદેવ સ્મારક ફંડના સેક્રેટરી અને 1946માં રાંચી આદિમ જાતિ મંડળના ઉપપ્રમુખપદે નિમાયા. બાબુ રાજેન્દ્રપ્રસાદ આ મંડળના પ્રમુખ હતા. 1946ના ઑક્ટોબરથી 1947ના માર્ચ દરમિયાન તેમણે પૂર્વ બંગાળના નોઆખાલીનાં કોમી તોફાનોના ભોગ બનેલા લોકો વચ્ચે ગાંધીજી સાથે પદયાત્રા કરી.

આઝાદી બાદ તેઓ બંધારણસભામાં ચૂંટાયા. પૂર્ણ અને અર્ધબાકાત રખાયેલ અસમ સિવાયના પ્રદેશોના કલ્યાણ માટેની બંધારણ-સભાસૂચિત પેટાસમિતિના તેઓ ચૅરમૅન થયા હતા, જ્યારે અસમ માટેની આવી અલાયદી પેટાસમિતિના તેઓ સભ્ય હતા. ગાંધી રાષ્ટ્રીય સ્મારક  નિધિના ટ્રસ્ટી અને કારોબારી સમિતિના પણ તેઓ સભ્ય હતા.

29 નવેમ્બર, 1949ના રોજ તેમને 80 વરસ પૂર્ણ થતાં સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે દિલ્હીની જાહેર સભામાં સ્મારક ગ્રંથ અર્પણ કરાયો હતો. જીવનના અંત સુધી તેઓ તરછોડાયેલા અને કચડાયેલા વર્ગના પ્રશ્નો હલ કરવામાં વ્યસ્ત રહ્યા હતા.

હરિજનો તથા આદિવાસીઓને સમગ્ર સમાજના અંગભૂત ગણી તેમને બધા લાભો અને હકો મળે તેના તેઓ હિમાયતી હતા. મજૂરોના પ્રશ્નને માનવતાની ર્દષ્ટિએ મૂલવવા તેમનો આગ્રહ હતો. દુષ્કાળ અંગેની બ્રિટિશ સરકારની નીતિના તેઓ વિરોધી હતા. આદિવાસીઓના કલ્યાણ તરફ દુર્લક્ષ સેવવા બદલ અને રાષ્ટ્રીય ચળવળને દાબી દેવા માટે બ્રિટિશ સરકારે અખત્યાર કરેલ દમનનીતિના તેઓ સખત ટીકાકાર હતા. તેઓ ગાંધીવાદી અર્થશાસ્ત્રના પુરસ્કર્તા હતા. ખાદી અને ગૃહઉદ્યોગો દ્વારા ગામડાંના ગરીબ લોકોને રોજી પૂરી પાડવાના તેઓ હિમાયતી હતા.

‘હરિજન’, ‘ધ સર્વન્ટ ઑવ્ ઇન્ડિયા’ અને ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ જેવાં, સામયિકોમાં તેઓ લેખો લખતા. તેમની ડાયરી, ભારતના આદિવાસીઓના પ્રશ્નો અંગેના તેમના ‘કાળે મેમૉરિયલ વ્યાખ્યાન’ અને ‘ભારતની આદિમ જાતિઓ’ જેવાં પુસ્તક દ્વારા તેમની માનવતાપ્રેમી નીતિ અને સદભાવનાનો પરિચય થાય છે.

શિવપ્રસાદ રાજગોર