ઠક્કુર, ગોવિંદ (આશરે સોળમી સદીનો મધ્યભાગ) : ‘કાવ્યપ્રદીપ’ નામના કાવ્યશાસ્ત્રના પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથના લેખક. મિથિલાના વતની રવિકર ઠક્કુરના વંશમાં જન્મેલા. માતાનું નામ સોનોદેવી. તેમના નાના ભાઈનું નામ હર્ષ ઠક્કુર હતું. પોતાના ઓરમાન ભાઈ રુચિકર ઠક્કુર પાસેથી કાવ્યસાહિત્યનું શિક્ષણ તેમણે મેળવેલું એમ તેઓ પોતે નોંધે છે. તેમની જેમ નાના ભાઈ હર્ષ પણ સારા કવિ હતા, પરંતુ ગોવિંદ ઠક્કુરે ‘કાવ્યપ્રદીપ’ ગ્રંથ રચ્યો તે પહેલાં જ હર્ષ અવસાન પામ્યાની કરુણ નોંધ તેમણે લીધી છે. તેમના વંશજો હજી પણ મિથિલા પાસેના ભટસિમરિ ગામે રહે છે. 1583માં પ્રભાકરે પોતાના કાવ્યશાસ્ત્રના ગ્રંથ ‘રસપ્રદીપ’માં ગોવિંદ ઠક્કુરના નામનિર્દેશ સાથે તેમના મતનો એકથી વધુ વાર ઉલ્લેખ કર્યો છે તેથી અને 1612માં રચાયેલા ધર્મશાસ્ત્રના પ્રખ્યાત ગ્રંથ ‘નિર્ણયસિંધુ’ના લેખક કમલાકર ભટ્ટે પોતે લખેલી ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકામાં ગોવિંદ ઠક્કુરનો નિર્દેશ કર્યો છે તેથી તેમનો સમય સોળમી સદીના મધ્યભાગનો માની શકાય. તેમને ‘મહામહોપાધ્યાય’ની પદવી મળેલી.

ઠક્કુરના કથન અનુસાર તેમણે રચેલા ‘પ્રદીપ’ નામના બે ગ્રંથો તેમના પુત્રો છે ને ‘દીપિકા’ નામના બે ગ્રંથો તેમની પુત્રીઓ છે ! તેમણે રચેલા ચાર ગ્રંથોમાંથી માત્ર એક જ ગ્રંથ ‘કાવ્યપ્રદીપ’ પ્રકાશિત થયો છે, બાકીનાની હસ્તપ્રતો છે. મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર રુય્યક વિશ્વનાથ અને જગન્નાથે પ્રથમ ટીકા લખેલી, એ પછી મમ્મટથી આગળ વધીને કશુંક કહેવા જેવું લાગતાં અનુક્રમે ‘અલંકારસર્વસ્વ’, ‘સાહિત્યદર્પણ’ અને ‘રસગંગાધર’ની રચના થયેલી. ગોવિંદ ઠક્કુર એ જ પરંપરાના હતા. તેમણે ‘કાવ્યપ્રકાશ’ની કારિકાઓ પર ‘કાવ્યપ્રદીપ’ નામની પોતાના સ્વતંત્ર અભિપ્રાયો રજૂ કરતી ટીકા લખી છે. ‘કાવ્યપ્રકાશ’નાં ઉદાહરણો પર ‘ઉદાહરણદીપિકા’ નામની સ્વતંત્ર વિવેચના સાથે સમજૂતી આપતી બીજી ટીકા પણ લખી છે. જેમ ફક્ત શંકરાચાર્યે કેનોપનિષદ પર પદભાષ્ય અને વાક્યભાષ્ય એમ બે ભાષ્યો લખ્યાં છે, તેમ ગોવિંદ ઠક્કુરે ‘કાવ્યપ્રકાશ’ પર બે ટીકાઓ લખી છે. નાગેશ ભટ્ટ અને વૈદ્યનાથ તત્સત્ જેવા અનેક શાસ્ત્રવિશારદ ટીકાકારોએ ગોવિંદ ઠક્કુરના ‘કાવ્યપ્રદીપ’ પર અનુક્રમે ‘ઉદ્યોત’ અને ‘પ્રભા’ નામની ટીકાઓ રચી છે. ગોવિંદ ઠક્કુરે પોતે રચેલા કેટલાક શ્લોકો ‘કાવ્યપ્રદીપ’માં આપ્યા છે તે તેમનું કવિત્વ સિદ્ધ કરવા પૂરતા છે.

મકરન્દ બ્રહ્મા