ટ્રેઇલર : ટ્રૅક્ટર-ટ્રેઇલર ખેતપેદાશ તેમ જ ખેતીમાં વપરાતી જરૂરી સાધનસામગ્રીની ઝડપી હેરફેર માટે ખૂબ જ ઉપયોગી સાધન. ટ્રેઇલર લાકડાની તેમ જ લોખંડની બૉડીવાળું અને બે અથવા ચાર પૈડાંવાળું હોય છે, જેનું માપ 3.00 મી. × 1 મી. × 0.45 મી. થી 3.60 મી. × 2.18 મી. × 0.60 મી. હોય છે. તેના માપ પ્રમાણે તેની ક્ષમતા 3 ટનથી 10 ટન સુધીની હોય છે. ખેડૂતો સામાન્યત: બે પૈડાંવાળાં ટ્રેઇલર વધારે વાપરે છે, જ્યારે ચાર પૈડાંવાળાં ટ્રેઇલરો અન્ય પરિવહનમાં વધુ વપરાય છે. આ સાધનને ટ્રૅક્ટરની પાછળના ભાગમાં હડા સાથે જોડી ખેંચવામાં આવે છે.

પાવર ટ્રેઇલર કે જીપ સાથે ઉપયોગ માટે નાનાં ટ્રેઇલરો પણ મળે છે. મોટા ટ્રેઇલર ફ્લૅટ બેડ, વેલ બેડ તથા લો બેડનાં બનાવવામાં આવે છે. ટ્રેઇલર એક કે વધુ ધરીવાળાં હોય છે. ટ્રેઇલરને ટ્રૅક્ટર સાથે જોડવા માટે આંકડા (toe hook) અથવા ‘ફિફ્થ વ્હીલ કપલિંગ’ હોય છે.

સુરેન્દ્રપ્રતાપ શ્યામરથી શુક્લા