ટ્રિટિકેલ (માનવસર્જિત ધાન્ય) : એકદળી વર્ગના પોએસી કુળની x Triticosecale પ્રજાતિ તરીકે જાણીતી સંકર (hybrid) વનસ્પતિ. આ માનવસર્જિત ધાન્ય લગભગ 100 વર્ષથી ધાન્ય વર્ગના પાકમાં સામેલ છે, જે બાહ્ય દેખાવે ઘઉંને મળતું આવે છે. આ ધાન્યના દાણા ઘઉં કરતાં મોટા હોય છે. તેની વૃદ્ધિ ઝડપી હોય છે અને બધા જ પ્રકારની જમીનમાં સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

 


દુનિયામાં
સ્થાન  : સૌથી પ્રથમ ટ્રિટિકેલ પર કામ પૂર્વ તથા  પશ્ચિમ યુરોપમાં થયું છે. પરંતુ મહત્વનું સંશોધન કૅનેડામાં મેક્સિકો અને મેનીટોબા યુનિવર્સિટીમાં થયું છે. આજે મોટાભાગના વિકસિત અને વિકાસશીલ દેશોમાં તેને પાક-સુધારણાના કાર્યક્રમમાં મહત્વનું સ્થાન આપવામાં આવે છે.ઉત્પત્તિ અને ફાયદાકારક લક્ષણો : ટ્રિટિકેલની ઉત્પત્તિ ઘઉં (Triticum aestivum L.) અને રાય(Secale cereale, Linn.)ના સંકરણથી થાય છે. તે વંધ્ય હોવાથી કૉલ્ચિસીનની માવજતથી રંગસૂત્રો બમણાં થાય છે. ફળદ્રૂપ ટ્રિટિકેલ મળે છે. આ રીતે મળેલ ધાન્ય શુષ્ક વાતાવરણ સામે અને રોગ સામે ટકી શકવાની ક્ષમતા ધરાવે છે. આ ધાન્ય પાક વધુ સૂકો ચારો, વધારે પ્રોટીન અને લાયસિન જેવા ઍમિનોઍસિડનું સારું સંતુલન ધરાવે છે.

ટ્રિટિકેલનું સૌથી ઉત્તમ પરિણામ વધુ વરસાદવાળા તેમજ હલકી રેતાળ જમીનવાળા  દક્ષિણ ઑસ્ટ્રેલિયાના વિસ્તારમાં જોવા મળ્યું છે. આ ઉપરાંત કૅનેડા, અમેરિકા, રશિયા, મેક્સિકો, ચીન, ભારત, ફ્રાન્સ, પોલૅન્ડ, સ્પેન વગેરે દેશોમાં આ પાકની ખેતી કરવામાં આવે છે.

ટ્રિટિકેલની માહિતી સંપૂર્ણ રીતે પ્રચલિત ન હોવાથી તેનો સ્વીકાર કરતાં ખેડૂતો અચકાય છે. છોડનું ઢળી જવું, દાણા ખરી પડવા, બીજમાં સુષુપ્ત અવસ્થાનો અભાવ, પ્રથમ પેઢીમાં અપૂર્ણ વંધ્યત્વ વગેરે પ્રશ્નોના નિરાકરણ માટે સંશોધનની કામગીરી ચાલુ છે.

ઉપયોગ : મુખ્યત્વે પશુના તેમજ પૉલ્ટ્રીના ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કેન્યા અને ચીનમાં માનવ-ખોરાક તરીકે ઉપયોગ થાય છે.

ઝીણાભાઈ શામજીભાઈ કાત્રોડિયા