ટ્રાન્સવાલ : દક્ષિણ આફ્રિકા ગણતંત્રના ઈશાન ખૂણે આવેલો એક પ્રાંત. ભૌગોલિક સ્થાન : 25° 00´ દ. અ. અને 29° પૂ. રે.. વિસ્તાર 2,86,065 ચોકિમી., વસ્તી 10,05,000 (2024). દેશના કુલ  વિસ્તારના 23% જેટલો વિસ્તાર તે રોકે છે. વસ્તીમાં તે પ્રથમ સ્થાન ધરાવે છે. તેના ઉત્તરના પ્રદેશમાંથી મકરવૃત્ત પસાર થાય છે. ઉત્તર તથા પશ્ચિમે લિમ્પોપો નદી બોત્સ્વાના તથા ઝિમ્બાબ્વે સાથે તેની પ્રાકૃતિક સીમા આંકે છે. પૂર્વે  મોઝામ્બિક છે. અગ્નિ ખૂણે સ્વાઝીલૅન્ડ, દક્ષિણમાં ઑરેન્જ ફ્રી સ્ટેટ તથા નાતાલ પ્રાંતો અને પશ્ચિમમાં દક્ષિણે કેપ પ્રાંત આવેલા છે. દક્ષિણે વાઅલ નદી તેને ઑરેન્જ ફ્રી સ્ટેટથી છૂટો પાડે છે. આ પ્રાંત પહાડો, ઉચ્ચપ્રદેશો તથા તલપ્રદેશોનો બનેલો છે. નાતાલ પ્રાંતમાં પશ્ચિમની વિરાટ ભેખડ ઉત્તરમાં ડ્રેકન્સબર્ગ પર્વતમાળા રૂપે આગળ લંબાય છે. પછી તે હાઈ વેલ્ડ (ઉચ્ચક્ષેત્ર, દક્ષિણ આફ્રિકા તથા ઝિમ્બાબ્વેનાં ઉચ્ચ ઘાસક્ષેત્રો માટે વપરાતું વિશેષ નામ) અને વિટવૉટર્સ રૅન્ડ(ટૂંકમાં રૅન્ડ = શ્વેત જળનો પાળો)ના રૂપે 1200 મી. કરતાં વધારે ઊંચાઈ સુધી પ્રસરે છે. તેના ઉપર 1753 મી. ઊંચાઈએ જોહાનિસબર્ગ નગર વસેલું છે, જે વિશ્વના સૌથી વિશાળ સુવર્ણક્ષેત્રનું કેન્દ્ર છે. રૅન્ડથી ઉત્તરે સ્પ્રિંગબોક ફ્લૅટ સુધી ઝડપથી ઊંચાઈ ઘટતી જાય છે. ત્યાંથી ઉત્તરમાં વૉટરબર્ગ અને પીટરબર્ગ ક્ષેત્રોમાં ઊંચાઈ વધીને ફરી લિમ્પોપો નદી તરફ ઢળતી જાય છે. રૅન્ડ ભેખડ જેવો પાળો છે. તે જલવિભાજક છે. વળી આ પ્રદેશ વરસાદની ઋતુ ઉપર નિર્ભર છે. પરિણામે. જલઆપૂર્તિ એ તેની મોટી સમસ્યા છે. ટ્રાન્સવાલ બુશ વેલ્ડ ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધી તથા સમશીતોષ્ણ કટિબંધી પાક વવાય છે. તેમાં કપાસ, તમાકુ, ખાટાં ફળ, મકાઈ અને મગફળી મુખ્ય છે. રોકડિયા પાક માટે સિંચાઈ આવશ્યક છે. ઈશાન ટ્રાન્સવાલ(ઝેબેડિયેલા)ની એક ફળવાડી વિશ્વમાં ખાટાં ફળોની કદાચ સૌથી મોટી — 2400 હેક્ટર — સિંચિત વાડી છે. ટ્રાન્સવાલમાં તમાકુ સાથે લાંબા ગાળાના વારાફરતી લેવાના પાક તરીકે સિંચાઈદ્વારા ઘઉંનો શિયાળુ પાક લેવાય છે. દેશમાં તમાકુના ઉત્પાદનમાં ટ્રાન્સવાલ અગ્રેસર છે. દક્ષિણમાં મેરિનો ઘેટાંના ઉછેર વડે ઊન પ્રાપ્ત કરાય છે, જોકે આ પ્રાંતનું મહત્ત્વ તો મુખ્યત્વે સોનાને લીધે છે. 1884માં બે ભાઈઓએ રૅન્ડમાં સોનું શોધી કાઢ્યું. 1885માં તેનું ખનન શરૂ થયું. 1886માં જોહાનિસબર્ગ નામે ગામ વસ્યું. આ વિસ્તારમાં મળતાં અન્ય ખનિજોમાં કોલસા, હીરા (1867) અને યુરેનિયમ (1945) છે. સુવર્ણખનનનો વિકાસ વિશાળ પાયે થયો છે. વાઅલ નદી આ પ્રાંતને જરૂરી પાણી પૂરું પાડે છે. પાસે જ કોલસાનાં સમૃદ્ધ ક્ષેત્રો છે. આથી ત્યાં વીજળી ઉત્પન્ન કરવાનું સરળ બન્યું છે. રૅન્ડ પર ઍસ્બેસ્ટૉસ, તાંબા તથા લોખંડ અને પોલાદનાં કેન્દ્રો પણ આવેલાં છે. ખાણો માટેનાં ઉપકરણો આદિ સામગ્રીના ઉત્પાદન માટે ઉદ્યોગોનો ત્યાં આરંભ થયો હતો. હવે તેનો વ્યાપ ઘણો વધ્યો છે, દા. ત., ડબાબંધી માટે જોઈતાં કલાઈનાં પતરાંનો ઉદ્યોગ. દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયા હીરા તથા ઇજનેરી ઉદ્યોગોનું મોટું કેન્દ્ર છે.

1994માં થયેલી રાજકીય ઘટનાઓને કારણે આ પ્રાંતનું માળખું બદલાયું  છે. આ પ્રાંત હવે નીચે પ્રમાણેના વિભાગોમાં જોવા મળે છે : ઉત્તર ટ્રાન્સવાલ (પ્રિટોરિયા અને લિમ્પોપો પ્રાંત), પૂર્વ ટ્રાન્સવાલ (મ્પુમાલાંગા પ્રાંત), પશ્ચિમ ટ્રાન્સવાલ (વાયવ્ય પ્રાંત) અને દક્ષિણ ટ્રાન્સવાલ (ગૌટેન્ગ પ્રાંત). આ વિભાજનથી નકશામાં ટ્રાન્સવાલ નામ હવે ઉપલબ્ધ નથી.

વિમલા રંગાસ્વામી

અનુ. બંસીધર શુક્લ