ટ્રાન્સૅક્ટ (અનુકાપ-પદ્ધતિ) : કોઈ પણ નિવસન પ્રદેશમાં સીધી લીટી કે પટ્ટી કલ્પીને તેના પરિસરમાં આવેલી વનસ્પતિનું વિતરણ (distribution) અને વિપુલતાનું સર્વેક્ષણ કરવાની પદ્ધતિ. આવા સર્વેક્ષણ વડે જે તે પ્રદેશમાં આવેલ વનસ્પતિસમૂહની નોંધ, પ્રતિચિત્રણ (mapping) અને તેના બંધારણમાં થતા ફેરફારનો અભ્યાસ કરવામાં આવે છે. આ અનુકાપ સીધી રેખા નિશ્ચિત પહોળાઈ ધરાવતી પટ્ટી અથવા તો ગમે તે અનુકૂળ લંબાઈ-પહોળાઈ ધરાવતા લંબચોરસ-સ્વરૂપે પણ હોઈ શકે. આ પટ્ટી કે રેખા પર થતી વનસ્પતિની જાતિઓની નોંધ કરવામાં  આવે છે. સૂચકચિહ્ન તરીકે આ સર્વેક્ષણમાં સામાન્ય રીતે પ્રજાતિના નામના પહેલા અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. પર્યાવરણના ફેરફાર સાથે વનસ્પતિસમૂહમાં ક્રમિક અને સતત થતા ફેરફારોના અભ્યાસ માટે આ પદ્ધતિ સાતત્ય ધરાવતી હોવાને લીધે તેને સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે.

આ પદ્ધતિના બે પ્રકારો આલેખવામાં આવે છે : (1) રેખીય અનુકાપ-પદ્ધતિ : તે એક-પરિમાણી (one-dimensional) અનુકાપ છે. આ પદ્ધતિમાં કોઈ પણ અભ્યાસ વિસ્તારનાં અવલોકનો યાર્દચ્છિક (random) કે પદ્ધતિસર લઈ શકાય. અહીં 33.5 મી.ની માપપટ્ટીને યોગ્ય રીતે ગોઠવી તેની બંને બાજુએ અથવા માપપટ્ટીની એક બાજુએ એક સેમી.ની પહોળી પટ્ટીમાં આવેલી જાતિઓની નોંધ કરી શકાય અને રેખીય અનુકાપની સાથે તેઓ કેટલું અંતર રોકે છે તે માપવામાં આવે છે. તૃણ, ગુલાબવત્ (rossette) વનસ્પતિઓ  (જમીનની સપાટીએ પ્રકાંડ પરથી કિરણની જેમ પ્રસાર પામતાં પાંદડાંવાળી વનસ્પતિઓ) અને દ્વિદળી શાકીય વનસ્પતિઓ માટે ભૂમિના સમતલે તેમણે રોકેલા અંતરને માપવામાં આવે છે, જ્યારે ઊંચી શાકીય વનસ્પતિઓ અને ક્ષુપ માટે તેમની છાયા કે પર્ણ-આવરણ (foliage cover) માપવામાં આવે છે. બધી પરિસ્થિતિઓમાં આવા યાર્દચ્છિક અનુકાપો દ્વારા અભ્યાસ કરવામાં આવે તો વનસ્પતિ-સમાજનું પૂરતું સર્વેક્ષણ થઈ શકે. આ પદ્ધતિથી નીચેની માહિતી પ્રાપ્ત કરી શકાય : (1) પ્રત્યેક અનુકાપ પર દરેક જાતિ કેટલી વાર જોવા મળે છે; (2) કુલ જાતિઓના સંદર્ભમાં પ્રત્યેક જાતિની ટકાવારીમાં પ્રાપ્તિ; (3) પ્રત્યેક રેખીય અનુકાપમાં દરેક જાતિએ રોકેલું કુલ રેખીય અંતર અને (4) પ્રત્યેક 30 મી.ની રેખાએ બધી જાતિઓ દ્વારા થતા અંતર્વેધ(intercept)નું કુલ અંતર. આ પ્રમાણે વનસ્પતિની સવિશેષ મળતી જાતિની નોંધને એક વર્ષ અગાઉ કરેલી આ જ પ્રકારની તે જ સ્થળની નોંધ સાથે સરખાવતાં, આગંતુક નવીન વનસ્પતિની જાતિની જાણ સહેલાઈથી મેળવી શકાય છે. અહીં વનસ્પતિના વિસ્તરણનો ખ્યાલ એક જ પરિમાણમાં મળે છે. વનસ્પતિની ગીચતા અને તેમાં મળી આવતાં સ્વરૂપોનું કદ લક્ષમાં રાખી, સ્કેલ-માપની પસંદગી કરવી ઇચ્છનીય ગણાય.

(2) પટ્ટિક અનુકાપ-પદ્ધતિ (belt transect method) : તે એક દ્વિપરિમાણી પદ્ધતિ છે. પટ્ટિક અનુકાપ દ્વારા વનસ્પતિસમૂહનો અભ્યાસ આ રીતે કરવામાં આવે છે : અહીં (અ) કુલ વિસ્તારને 5થી 10 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે અને (આ) પૂર્વનિશ્ચિત લંબાઈ અને પહોળાઈ ધરાવતા શ્રેણીબદ્ધ પટ્ટિક અનુકાપ મૂકવામાં આવે છે અને પ્રત્યેક પટ્ટિક અનુકાપને સમાન ખંડોમાં વિભાજિત કરવામાં આવે છે. આ ખંડોને કેટલીક વાર વર્ગજાલિકા (quadrat) કહે છે. પ્રત્યેક વર્ગજાલિકા  એક અવલોકન સ્થાન દર્શાવે છે. સમગ્ર પટ્ટિક અનુકાપ એક પ્રતિચયન (sampling) એકમ છે. આ પદ્ધતિમાં પટ્ટી અથવા બે સમાંતર રેખાઓની મદદથી તેની વચમાં આવેલ વનસ્પતિની જાતિની નોંધ કરી શકાય છે. અહીં વનસ્પતિના વિકિરણનો ખ્યાલ બે પરિમાણમાં મળે છે. અનુકાપની લંબાઈનો આધાર સ્થળ અને વનસ્પતિની સંરચના તથા પ્રમાણ ઉપર અવલંબિત છે. પટ્ટિક અનુકાપ-પદ્ધતિનો ઉપયોગ વનસ્પતિ-સમાજમાં કોઈ એક જાતિની વિપુલતા આવૃત્તિ અને વિતરણના અંદાજ માટે થાય છે.

ડુંગરાળ પ્રદેશમાં અનુકાપની ગોઠવણી પરિરેખાઓ-(contourlines)ને કાટખૂણે કરવામાં  આવે છે. પરંતુ કોઈ સ્થળે સાધારણ ઢોળાવ અથવા અત્યંત વિશેષ ચઢાણ સૂચવતી પરિસ્થિતિ હોય, ત્યારે ચઢાણને અનુલક્ષી સમાંતર કાપ દોરવો ઇચ્છનીય ગણાય છે.

અનુકાપની લંબાઈ અત્યંત ગીચ જંગલોમાં ઓછી હોવી જોઈએ, જ્યારે નિયમિત દેખરેખ હેઠળના જંગલમાં તે વિશેષ હોવી જરૂરી બને છે. ખેતીવાડીમાં, પાકની ઉત્પત્તિના અંદાજ માટે તથા ઘાસનાં મેદાનોમાં પણ આ પદ્ધતિથી સારું પરિણામ મેળવી શકાય છે.

વનસ્પતિ-સમાજોનો વ્યક્તિગત અભ્યાસ અને તેમાં મળી આવતી નિશ્ચિત પ્રભાવી જાતિઓ, અમુક જ સમાજોમાં કયાં કારણોસર વિશેષ મળી આવે છે વગેરે સર્વ પ્રકારની માહિતી આ પ્રકારની સર્વેક્ષણ પદ્ધતિથી સરળ બને છે.

મનીષા દેસાઈ