ટ્રાએન્થેમા : વનસ્પતિના દ્વિદળી વર્ગની એઇઝોએસી (ફિકોઇડી) કુળની પ્રજાતિ. તે ભૂપ્રસારી શાકીય જાતિઓ ધરાવે છે અને વિશ્વના ઉષ્ણ તેમજ ઉપોષ્ણ પ્રદેશોમાં થાય છે. ભારતમાં Trianthema decandra, Linn; (હિં. गाडनाणी) T. govindia, Buch Ham; T. portulacastrum, Linn; T. triquetra, willd ex Rottl, અને T. hydaspica Edgew થાય છે.

T. Portulacastrum Linn. (સં. श्वेत पुनर्नवा) ભૂપ્રસારી, રોમરહિત, માંસલ, એકવર્ષાયુ શાકીય જાતિ છે. તે સમગ્ર ભારતમાં કૃષિયોગ્ય તેમજ પડતરભૂમિમાં અપતૃણ તરીકે થાય છે. પ્રકાંડ પર ઘણી વાર જાંબલી રંગની ઝાંય જોવા મળે છે. પર્ણો સાદાં, પહોળાં, પ્રતિઅંડાકાર, સમ્મુખ પર્ણવિન્યાસ, પ્રત્યેક પર્ણજોડ અસમાન પર્ણો ધરાવે; પુષ્પો ગુલાબી, કેટલીક વાર સફેદ, એકાકી, નિયમિત, દ્વિલિંગી; પરિદલપત્રો 5, મુક્ત ક્વિન્કંશિયલ, પુંકેસરો મૂળભૂત રીતે 5, પરંતુ વિપાટન (splitting) થતાં અસંખ્ય; સૌથી બહારના વંધ્ય, દલાભ (petaloid).

ફળ પ્રાવર, 5 મિમી × 3 મિમી., અનુપ્રસ્થ સ્ફોટી, ઉપરનું ઢાંકણ ચર્મીય અને એક બીજ મુક્ત, તેનો નીચેનો ભાગ 3થી 5 બીજયુક્ત ત્વચીય, પ્યાલાકાર, બીજ ભૂખરાં કાળાં.

આ જાતિનાં બે સ્વરૂપો છે : (1) લાલ રંગનું સ્વરૂપ : જેનાં પ્રકાંડ, પર્ણકિનારી અને પુષ્પ લાલ રંગનાં હોય છે. (2) લીલા રંગનું સ્વરૂપ : તે લીલું પ્રકાંડ અને સફેદ પુષ્પો ધરાવે છે.

આ જાતિ ખરેખર શ્ર્વેત પુનર્નવા નથી પરંતુ સાટોડીનો પ્રકાર છે. Boerhaavia diffusa સાચી પુનર્નવા છે. તે જલશોથ (dropsy) અને બેરીબેરીમાં ઉપયોગી છે.

શ્વેત પુનર્નવા

પ્રકાંડ અને પર્ણોનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે અતિસાર કે લકવા જેવી વિષયુક્ત અસર નિપજાવી શકે છે. ઘાસચારા તરીકે પણ ઉપયોગી છે, છતાં ઢોરોમાં પણ વિષાળુ અસર ઉત્પન્ન થઈ શકે છે.

પર્ણયુક્ત પ્રરોહમાં 91.3 % પાણી, 2.0 % પ્રોટીન, 0.4 % લિપિડ, 3.2 % કાર્બોદિતો, 0.9 % અશુદ્ધ રેસા, 2.2 % ભસ્મ હોય છે. Ca 100, P 30, ઍસ્કોર્બિક ઍસિડ 70 અને કૅરોટિન 2.3 મિગ્રા. / 100 ગ્રા. હોય છે. તેનું મૂળ વિરેચક (cathartic) અને ઉત્તેજક ગુણધર્મો ધરાવે છે. તેનો ગર્ભપાતક (abortifacient) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જોકે મૂળના નિષ્કર્ષની ગર્ભાશય પર ખૂબ ઓછી અસર હોય છે અથવા અસર થતી નથી. યકૃત, દમ અને અનાર્તવ(amenorrhoea)ની મુશ્કેલીઓમાં ઉપયોગી છે. પર્ણો મૂત્રવર્ધક છે અને સોજા (oedema), જલશોફ અને જળોદર(ascites)માં  ઉપયોગી છે. તેનો ઉકાળો કૃમિહર (vermifuge) છે અને વામાં ઉપયોગી છે. વળી તે આલ્કોહૉલિક વિષકરણમાં પ્રતિકારક છે. વનસ્પતિનાં ઇથેનોલયુક્ત નિષ્કર્ષની ગિનીપિગમાં રુધિરના દબાણ પર અને નાના આંતરડા પર કેટલીક અસર માલૂમ પડી છે.

અનાજનાં કે અન્ય બીજ સાથે મિશ્ર થયેલાં તેનાં બીજ નુકસાનકારક સંદૂષક (contaminant) માલૂમ પડ્યાં છે.

તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યના સ્રોત માટેનું અત્યંત મહત્વનું મૂલ્ય ધરાવે છે અને તેને ભૂમિમાં ઉમેરતાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટૅશિયમથી ભૂમિ સમૃદ્ધ બને છે.

તે Boerhaavia diffusaના મૂળના અપમિશ્રક (adulterant) તરીકે વપરાય છે. આ જાતિમાં ટ્રાએન્થેમીન નામનું આલ્કેલૉઇડ મળી આવે છે. તે 0.01 ગ્રા./કિગ્રા. પ્રમાણમાં એક્ડાયસ્ટીરોન ધરાવે છે, જે સક્ષમ રાસાયણિક રોગાણુહર (chemosterilant) છે. તે નિર્મોચન અંત:સ્રાવની ક્રિયાશીલતા દર્શાવે છે અને 0.01 માઇક્રોગ્રામની માત્રામાં માખીની ઇયળ અવસ્થામાંથી કોષિત અવસ્થામાં થતા રૂપાંતરણની પ્રતિક્રિયા દર્શાવે છે.

બળદેવભાઈ પટેલ

રા. ય. ગુપ્તે