ટૉલ્સ્ટૉય, લિયો નિકોલાયવિચ

January, 2014

ટૉલ્સ્ટૉય, લિયો નિકોલાયવિચ (જ. 9 સપ્ટેમ્બર 1828; અ. 20 નવેમ્બર 1910) : રશિયન નવલકથાકાર, ચિંતક, નાટકકાર. મૉસ્કોથી 200 કિમી. દૂર દક્ષિણમાં આવેલી યાસ્નાયા પોલ્યાનાની, વારસામાં મળેલી, દેવાથી ડૂબેલી કુટુંબની જાગીરને તારવા ટૉલ્સ્ટૉયના પિતાએ અત્યંત શ્રીમંત નબીરાની અનાકર્ષક અને પોતાનાથી પાંચ વર્ષ મોટી પ્રિન્સેસ મારિયા સાથે લગ્ન કરેલું. ટૉલ્સ્ટૉય પિતાનું ચોથું સંતાન. માતાના મૃત્યુ વખતે તેની ઉંમર બે વર્ષની હતી. સાત વર્ષ પછી પિતા ગુજરી ગયા. 17 વર્ષની વયે કાઝાન યુનિવર્સિટીમાં દાખલ થઈ બેએક વર્ષ અભ્યાસ કર્યો, પણ અંતે કુટુંબની મિલકતને સંભાળવા અને કુશળ જમીનદાર થવા જાગીર પર આવ્યા.

લિયો નિકોલાયવિચ ટૉલ્સ્ટૉય

 પછીનાં ચાર વર્ષ ટૉલ્સ્ટૉયનું જીવન જાગીરના વહીવટ અને મૉસ્કોના વિલાસી જીવન વચ્ચે વહેંચાયેલું રહ્યું. 23 વર્ષની વયે ભાઈ નિકોલાસની જેમ લશ્કરમાં જોડાઈને કૅડેટ તરીકે કૉકેસસ ગયા. 27 વર્ષની વયે લશ્કર છોડ્યું. યુરોપનો પ્રવાસ કર્યો. પશ્ચિમ યુરોપના પ્રવાસે એમના પશ્ચિમી ભૌતિકવાદ પરના અવિશ્વાસને ર્દઢ કર્યો.

31 વર્ષની વયે નવી પરિયોજના હાથ ધરી. પોતાના ખેતમજૂરોનાં બાળકો માટે નિશાળ ખોલવાનો સંકલ્પ કર્યો. આ પહેલાં અભણ ખેતમજૂરોને શિક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પોતાનામાં તાલીમનો અભાવ જોયો. આથી ફરી યુરોપના દેશોની યાત્રા કરી અને એમની શિક્ષણપદ્ધતિઓનો સાદ્યંત અભ્યાસ કર્યો.

34 વર્ષની વયે ટૉલ્સ્ટૉયમાં મોટું પરિવર્તન આવ્યું. બેર્સ કુટુંબની સોન્યાના પ્રેમમાં પડ્યા. એમને ડર હતો કે સોન્યા પોતાને સ્વીકારશે નહિ, પણ સોન્યાએ ટૉલ્સ્ટૉયનો સ્વીકાર કર્યો. પછીનાં 16 વર્ષ સુધી સોન્યા ટૉલ્સ્ટૉયના લેખનને પ્રોત્સાહિત કરતી રહી. તે એમની બૃહત્ કથાઓની નકલ કરતી રહી અને જાગીરની વ્યવસ્થાની ફરજમાંથી ટૉલ્સ્ટૉયને મુક્તિ આપતી રહી; પણ ટૉલ્સ્ટૉયના જીવનમાં અંદરથી એક સતત અજંપો હતો. મૃત્યુનો ડર એમને સતત ભીંસતો રહ્યો. શરૂમાં એમણે એની મુક્તિ રૂઢિચુસ્ત ચર્ચમાં જોઈ પણ એમના બૌદ્ધિક ચિત્તતંત્રે ચર્ચનાં વિધિવિધાનનો, પાદરી-સંસ્થાનો અને એના સિદ્ધાંતોનો સ્વીકાર ન કર્યો. છેવટે ટૉલ્સ્ટૉયે પોતાનો ધર્મ શોધ્યો, ઊભો કર્યો, સ્થાપ્યો. ટૉલ્સ્ટૉયના ધર્મમાં ઈશ્વરનો સ્વીકાર છે પણ ઈસુ ખ્રિસ્તની દિવ્યતાનો ઇનકાર છે. બંધુત્વ અને નિ:સ્વાર્થપણાના ગજથી ટૉલ્સ્ટૉયે કલા, સાહિત્ય, શિક્ષણ, જાહેરજીવન, સરકાર – સર્વને માપ્યાં. હવે એમને સાહિત્યસર્જન કરતાં સિદ્ધાંતપ્રચારમાં વિશેષ રસ હતો.

આ પરિવર્તનને કારણે એમનું અંગત જીવન સાવ બદલાઈ ગયું. બીજાના શ્રમ પર જીવવું એ ખોટું છે એવું માનનારે હવે સંપૂર્ણ સ્વાવલંબન સ્વીકાર્યું, વૃત્તિઓ અને વાસનાઓ પર નિયંત્રણ રાખ્યું, ધૂમ્રપાન અને માંસાહાર છોડ્યાં. શાકાહાર અને મૃત્યુદંડ વિશે અભિપ્રાયો વ્યક્ત કર્યા અને અંગત મિલકત તેમજ જાગીરને છોડવાની તૈયારીઓ કરી. આ બધા સિદ્ધાંતો સોન્યા પચાવી શકે તેમ નહોતી. રૂઢિચુસ્ત ધર્મને અનુસરનાર સોન્યા ટૉલ્સ્ટૉયની દ્વિધા પામી ન શકી. ટૉલ્સ્ટૉયને ડગલે ને પગલે સમાધાન કરવું પડ્યું. મિલકત સોન્યાને નામે કરવી પડી. જાહેર જનતા માટે કૉપીરાઇટ જતા કરવાને બદલે સોન્યાને નામે કરવા પડ્યા. સોન્યાએ પ્રકાશન સંસ્થા સ્થાપી અને પતિનાં પુસ્તકોની વિશિષ્ટ આવૃત્તિઓ બહાર પાડી અને અઢળક કમાણી કરી.

સ્થિતિ ખૂબ અસહ્ય બની. એક બાજુ ટૉલ્સ્ટૉય સાદગીનો પ્રચાર કરે અને બીજી બાજુ પોતાને રહેવું પડે સમૃદ્ધિ વચ્ચે. આવી અસંગતિઓ છતાં ટૉલ્સ્ટૉયની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા હતી એ કારણે, રશિયન રાજાશાહી એમનાં કેટલાંક લખાણોને પ્રતિબંધિત કરી શકી પણ ટૉલ્સ્ટૉયને કશું કરી શકી નહોતી. 73 વર્ષની વયે ચર્ચે  એમનો બહિષ્કાર કર્યો તો સામે પક્ષે એમના અપ્રતિકારના સિદ્ધાંતથી મહાત્મા ગાંધી જેવા દક્ષિણ આફ્રિકામાં પ્રભાવિત હતા. દૂર દૂરથી ભિન્ન ભિન્ન ક્ષેત્રના માણસો એમને મળવા આવતા, પણ ટૉલ્સ્ટૉયના ઘરમાં અને મનમાં શાંતિ નહોતી. ત્રીસ વર્ષથી તેઓ નમતું જોખતા આવેલા. હવે વધુ નમી શકાય એવું એમને લાગ્યું નહિ. 1910ના ઑક્ટોબરની 28મીએ સવારના છ વાગ્યે કડકડતી ઠંડીમાં યાસ્નાયા પોલ્યાના છોડ્યું. ક્યાં જવું એનો કોઈ અંદાજ નહોતો. એટલી માત્ર ખબર હતી કે એ ઘરમાં હવે વધુ રહી શકાશે નહિ. એમને સમજનાર એમની એક દીકરી ઍલેક્ઝાન્દ્રા એમની સાથે રહી. રસ્તામાં ટૉલ્સ્ટૉયને ઠંડી લાગી. ખૂબ તાવ ચઢ્યો. તેથી આસ્તાપોવો સ્ટેશને ટ્રેન ઊભી હતી ત્યાં ઊતરી પડ્યા. ટૉલ્સ્ટૉયને ન્યુમોનિયા હતો. ટૉલ્સ્ટૉય યાસ્નાયા છોડી ગયા છે એની બધાને ખબર હતી. આખું રશિયા એકશ્વાસે હતું. આસ્તાપોવો ખબરપત્રીઓ, ફોટોગ્રાફરો, અધિકારીઓ, છૂપી પોલીસો, અનુયાયીઓ, પુત્રો–પુત્રીઓથી ચિક્કાર થઈ ગયું. સોન્યાને, ટૉલ્સ્ટૉયની વિનંતી અનુસાર ટૉલ્સ્ટૉય બેભાન થઈ ગયા પછી જ મળવા દેવામાં આવી. ટૉલ્સ્ટૉયે કોઈ અજાણ્યા સ્ટેશન માસ્તરની રૂમમાં છેલ્લો શ્વાસ લીધો.

ટૉલ્સ્ટૉય નાના હતા ત્યારે મોટા ભાઈએ કહેલું કે એક લીલી ડાળ યાસ્નાયા પોલ્યાનાના જંગલમાં વાવી છે અને તેના પર રહસ્યસૂત્ર કોતરેલું છે. જો એ રહસ્યસૂત્ર હાથ લાગી જાય તો વિશ્વપ્રેમનો સુવર્ણકાળ બેસી શકે. ટૉલ્સ્ટૉયે એમના અડધા ઉપરાંતનું જીવન આ સૂત્ર શોધવામાં લગાડ્યું. એમની ર્દઢ નૈતિક પ્રતીતિ, વાસ્તવિક વિગતો અને સમર્થ કાલ્પનિક સૃષ્ટિના સંયોજનથી સર્જાયેલા સાહિત્યે એમને યુરોપના લેખકોમાં વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે.

મૉસ્કોના વિલાસી જીવન પછી કૉકેસસમાં કૅડેટ તરીકે હતા ત્યારે એમણે પહેલી આત્મકથાત્મક કૃતિ ‘ચાઇલ્ડહૂડ’ (1852) રૂસોની અસર હેઠળ લખી અને એ કાળના પ્રસિદ્ધ સામયિકમાં મોકલી. આ કૃતિને ઉત્સાહથી વધાવી લેવામાં આવી. આ પછી એની અનુગામી કૃતિઓ ‘યૂથ’ (1857) અને ‘બૉયહૂડ’ (1858) આવી. કૉકેસસના ક્રિમિયન યુદ્ધના અનુભવ ટૉલ્સ્ટૉય ‘સ્કેચીઝ ઑવ્ સેબાસ્તોપોલ’(1855)માં સંગૃહીત વાર્તાઓમાં નિરૂપે છે. અહીં સ્ટેન્ધલની અસર છે. પણ અંગત અનુભવોને વિશ્ર્લેષણની ધાર મળી છે. યુદ્ધ અને યુદ્ધને અનુસરતાં જોખમો કરતાં અહીં ‘પ્રાકૃતિક મનુષ્ય’ને કેન્દ્રમાં રાખ્યો છે. આ કલાકૃતિઓ છે એથી વધુ વિશ્ર્લેષણનાં મનોયત્નો છે. આ વાર્તાઓમાં ટૉલ્સ્ટૉય ઉપદેશક છે.

કૉકેસસના રક્ષકદળમાંથી પાછા ફર્યા પછી પીટર્સબર્ગમાં આવેલા ટૉલ્સ્ટૉયને ત્યાંનું સાહિત્યવર્તુળ માફક નથી આવતું. એમને એ વાતાવરણની સૂગ થઈ. યાસ્નાયા પોલ્યાનામાં સ્થાયી થયા પછી અને ખેતમજૂરોનાં બાળકોના શિક્ષણમાં લાગ્યા પછી ટૉલ્સ્ટૉયે પ્રેમમાં પડીને ‘ફૅમિલી હૅપિનેસ’ નવલકથા લખી, જે બહુ ઓછી રસપ્રદ છે. પણ 1862માં સોન્યાને પરણ્યા પછી ટૉલ્સ્ટૉયે બે સમર્થ નવલકથા પર કામ કર્યું. ‘વૉર ઍન્ડ પીસ’ (1862–69) અને ‘અન્ના કેરેનિના’ (1875–77). ‘વૉર ઍન્ડ પીસ’ સમર્થ ઐતિહાસિક નવલકથા છે. એમાં નેપોલિયનની આક્રમણની ભૂમિકાની પડછે રશિયન સમાજનું સમસ્ત ચિત્ર ઊપસ્યું છે. એમાં એક કરતાં વધુ નાયકો છે. ઘટનાની, પરિર્દશ્યની અને પાત્રોની નાની નાની વિગત સાથે એ કથાને તાર્દશ કરે છે. નેપોલિયન અને કુતુઝોફના બે ધ્રુવો કથાને ગતિ આપે છે. આ નવલકથાનો ધ્વનિ એવો છે કે નેપોલિયન, રાજ્યસત્તાઓ, આંદોલનો, વિચારો આદર્શો તો જશે પણ માનવપ્રેમ, શ્રદ્ધા અને રોજિંદા ગૃહજીવનનું મૂલ્ય સ્થાયી ટકવાનું છે. ‘અન્ના કેરેનિના’ એક રીતે જોઈએ તો ‘ફૅમિલી હૅપિનેસ’ સાથે વિપરીત સંદર્ભ ધરાવે છે. અહીં નાયિકા અન્ના અને નાયક બ્રૉન્સ્કી પહેલાં  પ્રચ્છન્ન રીતે અને પછી જાહેર રીતે લગ્નસંસ્થાને અતિક્રમી જાય છે. એમાં નાયક બ્રૉન્સ્કી નહિ પણ નાયિકા અન્ના સમતુલા ગુમાવે છે અને અંતે આત્મહત્યા કરે છે, જ્યારે ‘ફૅમિલી હૅપિનેસ’માં  નાયિકા પતિ પાસે પાછી ફરે છે.

1879માં ટૉલ્સ્ટૉયમાં આવેલા પરિવર્તન પછી એમના લેખનનું મુખ્ય ધ્યેય સિદ્ધાંતના પ્રચારનું રહ્યું. આ સંદર્ભમાં સભાન કલા અને કલાત્મક પ્રભુત્વની વ્યવસ્થિત અભિવ્યક્તિ ‘કન્ફેશન’(1882)માં થઈ છે. એમાં પરિવર્તને આણેલી કટોકટીની કથા ઊતરી છે.

1882 પછી બીજાં સંદેશપરક લેખનોમાં પણ સ્પષ્ટતા, સાતત્ય અને તર્ક તો છે જ. ‘વૉટ ઇઝ આર્ટ’ (1898) – એ એમનું સૌથી વધુ નોંધપાત્ર પુસ્તક છે; જેમાં કલા ખાતર કલાને જાકારો આપવામાં આવ્યો છે. આવાં સંદેશાવાહક પુસ્તકોમાં એમનું ગદ્ય બોલાતી ભાષાની અત્યંત નજીકનું છે. વિચારપરિવર્તન પછી એમણે પોતાનાં કલ્પનાશીલ સર્જનોને તિરસ્કાર્યાં છે, પણ લખવાનું તિરસ્કાર્યું નથી.

એમણે ઉપદેશાત્મક અને તત્ત્વપ્રધાન માનવકથાઓ લખી છે. આ કથાઓ બે પ્રકારની છે : શિક્ષિત વાચક માટેની અને ‘લોકો’ માટેની. એમનાં નાટકોમાં પ્રભાવક કરુણાન્તિકા ‘ધ પાવર ઑવ્ ડાર્કનેસ’ (1886) અને સુખાન્તિકા ‘ધ ફ્રૂટ્સ ઑવ્ એન્લાઇટનમેન્ટ’(1890)નું વિશિષ્ટ સ્થાન છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા