ટૉલેમી રાજવંશ : ઇજિપ્તના ગ્રીક (મેસિડોનિયન) રાજવીઓનો ઈ. સ. પૂ. 323થી ઈ. સ. પૂ. 30 વચ્ચેનો રાજવંશ. ઇજિપ્તમાં ટૉલેમી વંશના રાજવીઓને ફેરોના અનુગામી દેવવંશી ગણવામાં આવતા. આ વંશના ટૉલેમી 1થી ક્લિયોપેટ્રા સાતમી અને તેનો પુત્ર ટૉલેમી 15 સુધીના રાજવીઓ થઈ ગયા. આ વંશનો મૂળ પુરુષ ટૉલેમી પહેલો સોટર મેસિડોનિયાનો વતની અને ઍલેક્ઝાન્ડરનો અગ્રગણ્ય સેનાપતિ તથા સૂબો હતો. ઈ. સ. પૂ. 323માં ઍલેક્ઝાન્ડરના મૃત્યુ પછી તેણે ઇજિપ્તમાં સત્તા હસ્તગત કરી અને ઈ. સ. પૂ. 305માં તે ઇજિપ્તનો વિધિવત્ રાજવી બન્યો. ઇજિપ્તના લોકોને તે જમાનામાં પરદેશીઓ પ્રત્યે સ્વાભાવિક અણગમો હોવાથી તેણે ઇજિપ્ત અને ગ્રીસના ધર્મોનાં તત્વોને અને દેવદેવતાઓને સ્વીકારીને સેરાપીસ પંથની સ્થાપના કરી હતી. તેના રાજ્યમાં ઇજિપ્ત ઉપરાંત સાયરેનિકાનું ગ્રીક સંસ્થાન, જુડિયા (પૅલેસ્ટાઇનનો દક્ષિણ ભાગ) વગેરે પ્રદેશો હતા.

ઇજિપ્તને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા તેણે નવા પાકોનું વાવેતર શરૂ કર્યું હતું અને જૂના પાકોનું વધુ ઉત્પાદન મળે તેવા ખેતીવિષયક સુધારા કર્યા હતા. કરવેરા તથા એકહથ્થુ ઇજારાઓ દ્વારા તેણે રાજ્યની આમદાની વધારી હતી. રાજ્યવહીવટ, લશ્કર અને નૌકાસૈન્યમાં મેસિડોનિયન અને ગ્રીક વસાહતીઓને તેણે દાખલ કર્યા હતા. તેણે ઇજિપ્તમાં ગ્રીક સંસ્કૃતિના પ્રસારને ઉત્તેજન આપ્યું હતું. ઍલેક્ઝાન્ડ્રિયા તેના રાજ્યની રાજધાની હતી. અહીં તેણે પુસ્તકાલય અને સંગ્રહસ્થાનની સ્થાપના કરી હતી. ઈ. સ. પૂ. 285માં ટૉલેમી-1નું મૃત્યુ થયું હતું.

ટૉલેમી બીજાએ સાહિત્ય, કલા અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપ્યું હતું. ઈ. સ. પૂ. 331માં સ્થપાયેલ ઍલેક્ઝાન્ડ્રિયા ટૉલેમી રાજાઓની રાજધાની તો હતી જ, પણ તે ઉપરાંત તે સમગ્ર પ્રાચીન જગતનું બૌદ્ધિક અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું. ટૉલેમી રાજાઓ કવિઓ, કલાકારો વગેરેના આશ્રયદાતા હતા. શિલ્પ, કાવ્ય તથા સાહિત્યની વિશિષ્ટ શૈલી સાથે ઍલેક્ઝાન્ડ્રિયાનું નામ સંકળાયેલું છે. તેણે ઈ. સ. પૂ. 285થી ઈ. સ. પૂ. 246 સુધી રાજ્ય કર્યું હતું. તેણે ફિનિશિયા, સાયપ્રસ અને પૅલેસ્ટાઇન જીતી લીધાં હતાં; પણ તેના સામ્રાજ્યમાં સાયરેનિકા જોડાયા બાદ થોડા સમય પછી તે સામ્રાજ્યમાંથી પાછું છૂટું પડી ગયું હતું. ન્યૂબિયા તથા અરબસ્તાન તેના પ્રભાવ નીચે હતાં. તેણે એલચી મોકલી રોમ તથા ભારત સાથે વેપારી તથા રાજકીય સંબંધો વિકસાવ્યા હતા.

ટૉલેમી ત્રીજો ઈ. સ. પૂ. 246માં ગાદીએ આવ્યો. સેલ્યુસિડ રાજાઓ સાથે તેના ઘર્ષણની શરૂઆત થઈ હતી અને તેણે તેમનો કેટલોક પ્રદેશ જીતી લીધો હતો. તેણે ઈ. સ. પૂ. 311થી ટૉલેમી સંવત શરૂ કર્યો હતો. એડફુ ખાતે તેણે ભવ્ય મંદિર બંધાવવાનો પ્રારંભ કર્યો હતો. તેના સમયમાં ઇજિપ્ત અને સાયરેનિકાનું એકીકરણ લગ્નસંબંધ દ્વારા થયું હતું. ઈ. સ. પૂ. 221માં તેનું મૃત્યુ થયું હતું.

ટૉલેમી ચોથો  નબળો રાજા હતો. સીરિયાનો ઘણો પ્રદેશ તેણે ગુમાવ્યો હતો અને ઘરઆંગણે પણ તેની સામે બળવા થયા હતા. તેણે ઈ. સ. પૂ. 205 સુધી રાજ્ય કર્યું હતું.

ટૉલેમી પાંચમો ઈ. સ. પૂ. 205માં નાની વયે ગાદીએ બેઠો હતો. તેણે ઈ. સ. પૂ. 180માં મૃત્યુ થયું ત્યાં સુધી રાજ્ય કર્યું. તેણે સીરિયાનો કેટલોક ભાગ તથા પરદેશી સંસ્થાનો ગુમાવ્યાં. સેલ્યુસિડ રાજા ઍન્ટાઇઅકસ ત્રીજાએ ઇજિપ્ત અને સીરિયા પર આક્રમણ કર્યું. પણ રોમની મધ્યસ્થીને લીધે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું. ટૉલેમી સાથે સેલ્યુસિડ રાજાએ તેની પુત્રી ક્લિયોપેટ્રા પરણાવી.

ટૉલેમી છઠ્ઠાએ ઈ. સ. પૂ. 180થી 145 સુધી રાજ્ય કર્યું. તેના બાળપણ દરમિયાન ઈ. સ. પૂ. 176 સુધી તેની માતાએ વાલી તરીકે રાજ્ય કર્યું. રાજ્યના ભાગલા પડતાં તેનો ભાઈ સાયરેનિકાનો રાજા થયો અને ઇજિપ્ત અને સાયપ્રસ પ્રદેશો ટૉલેમી છઠ્ઠા પાસે રહ્યા. રોમનની સહાયથી સેલ્યુસિડ હુમલાઓ હઠાવાયા હતા. યુદ્ધ દરમિયાન ઘોડા ઉપરથી પડી જવાથી ટૉલેમી છઠ્ઠાનું મૃત્યુ થયું.

ટૉલેમી સાતમો ઈ. સ. પૂ. 145માં ગાદીએ બેઠો. તેના કાકાએ તેને પદભ્રષ્ટ કરીને બીજે વરસે ફાંસી આપી. ટૉલેમી આઠમાએ ઈ. સ. પૂ. 145થી ઈ. સ. પૂ. 116 સુધી  ઇજિપ્તના રાજા તરીકે સ્વતંત્ર રીતે રાજ્ય કર્યું હતું. તે પહેલાં (ઈ. સ. પૂ. 163થી ઈ. સ. પૂ. 145) તે સાયરેનિકાનો રાજા હતો, ટૉલેમી આઠમાના પ્રોત્સાહનથી ઈ. સ. પૂ. 117ની આસપાસ લાલ સમુદ્ર અને હિંદ મહાસાગરને માર્ગે ભારતના મસાલા મેળવવા ભારતની પ્રથમ ખેપ કરાઈ હતી.

ટૉલેમી નવમાએ ઈ. સ. પૂ. 116થી ઈ. સ. પૂ. 110, 109 107 અને ઈ. સ. પૂ. 88થી 80 સુધી શાસન કર્યું. ઈ. સ. પૂ. 88 પહેલાં તેણે તેના ભાઈ ટૉલેમી દસમા અને તેની માતા ક્લિયોપેટ્રા ત્રીજી (ટૉલેમી આઠમાની વિધવા રાણી) સાથે રાજ્ય કર્યું, પરંતુ ઈ. સ. પૂ. 88થી તે ઇજિપ્તનો  સ્વતંત્ર રાજવી બન્યો. તે ઇજિપ્તને રોમની  વધારે પડતી વગથી દૂર રાખવા માગતો હતો. પૂર્વના દેશો સાથેના વેપારને વિકસાવવા તેણે પ્રયત્નો કર્યા હતા. રાજકુટુંબમાં આંતરિક ખટપટ વધી ગઈ હતી. તેણે રોમને પોન્ટસ સાથેની લડાઈમાં સાથ આપવા ના પાડી હતી. ઈ. સ. પૂ. 80માં તેનું મરણ થયું હતું.

ટૉલેમી દસમાએ ઈ. સ. પૂ. 107થી ઈ. સ. પૂ. 88 સુધી તેની માતાના માર્ગદર્શન નીચે તેના ભાઈ ટૉલેમી નવમા સાથે અથવા વિકલ્પે રાજ્ય કર્યું હતું. ઈ. સ. પૂ. 105માં તે સેલ્યુસિડ રાજ્યના આંતરવિગ્રહમાં સંડોવાયો હતો. ઈ. સ. પૂ. 114માં તે સાયપ્રસનો સૂબો હતો. તેની માની ઇચ્છા હોવા છતાં લોકોના વિરોધને કારણે તે ઇજિપ્તનો રાજા થઈ શક્યો ન હતો. ઈ. સ. પૂ. 110માં તેના મોટા ભાઈને દેશનિકાલ કરાયો ત્યારે ટૉલેમી ઍલેક્ઝાન્ડરને (ટૉલેમી દસમાને) સાયપ્રસમાંથી બોલાવાયો હતો. ઈ. સ. પૂ. 109માં ભાઈઓ વચ્ચે મનમેળ થતાં સોટર બીજો (ટૉલેમી નવમો) ઇજિપ્ત પાછો ફર્યો ને ગાદીએ બેઠો. ઍલેક્ઝાન્ડર સાયપ્રસના રાજા તરીકે પાછો ફર્યો. ઈ. સ. પૂ. 107માં ફરી તેની માતા અને તેના મોટા ભાઈ ટૉલેમી નવમા વચ્ચે કલહ થતાં ટૉલેમી ઍલેક્ઝાન્ડર પાછો ઇજિપ્ત આવ્યો તો પણ ખરી શાસક તો તેની માતા ક્લિયોપેટ્રા ત્રીજી હતી. ટૉલેમી ઍલેકઝાન્ડરે સ્થાનિક ઇજિપ્તવાસીઓને મતાધિકાર આપ્યો હતો. ઈ. સ. પૂ. 88માં થીબ્ઝમાં સ્થાનિક રાજવંશ સ્થાપવા માટે બળવો થયો પણ યુદ્ધમાં તેની હાર થતાં તેને હદપાર કરવામાં આવ્યો. સીરિયા અને પૅલેસ્ટાઇનમાંથી ભાડૂતી લશ્કર ઊભું કરીને  તે બીજા વરસે ઇજિપ્ત પાછો ફર્યો પણ લશ્કરનો પગાર ચૂકવવા ઍલેક્ઝાન્ડ્રિયામાં મહાન ઍલેક્ઝાન્ડરની કબર લૂંટતાં તે લોકોના ક્રોધનો ભોગ બન્યો અને તેને દેશનિકાલ કરાયો. એશિયા માઇનોરને લિસિયન કિનારે આક્રમણ કરવા જતાં તે મરાયો.

ટૉલેમી અગિયારમો ટૉલેમી દસમાનો પુત્ર હતો. ઈ. સ. પૂ. 81માં તેણે ટૉલેમી નવમાની રાણી બેરિનાઇસી ત્રીજી સાથે લગ્ન કર્યાં. રાણી  સ્વતંત્ર રીતે રાજ્ય કરવા ઇચ્છતી હતી તેથી ટૉલેમી ઍલેક્ઝાન્ડરે (ટૉલેમી અગિયારમાએ) તેનું ખૂન કર્યું. લોકો રાણીને ચાહતા હતા. તેથી રોષે ભરાયેલા લોકોએ ઈ. સ. પૂ. 80માં ટૉલેમી અગિયારમા(ઍલેક્ઝાન્ડર)ને મારી નાખ્યો.

ટૉલેમી બારમાએ ઈ. સ. પૂ. 80થી મૃત્યુ (ઈ. સ. પૂ. 51) સુધી રાજ્ય કર્યું. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તેને રોમ ઉપર ખૂબ આધાર રાખવો પડ્યો હતો. તેના શાસન દરમિયાન ઇજિપ્ત રોમનું તાબેદાર રાજ્ય બની ગયું હતું. તે અગાઉ ઈ. સ. પૂ. 103માં તેની દાદી અને ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા ત્રીજીએ તેના ભાઈ અને ટૉલેમી અગિયારમાને એજિયન ટાપુમાં સલામતી ખાતર મોકલ્યા હતા. પોન્ટસના રાજવી મિથ્રાડેટીઝે તેને કેદ કર્યો હતો પણ તેની સાથે સારું વર્તન રાખી તેને ભણાવ્યો હતો. ઈ. સ. પૂ. 80માં તે સીરિયાથી  ઇજિપ્તનો રાજા થવા આવ્યો. તેનો ભાઈ સાયપ્રસનો રાજા થયો. તેણે ક્લિયોપેટ્રા પાંચમી સાથે લગ્ન કર્યાં. તેનો ઈ. સ. પૂ. 76માં રાજ્યાભિષેક કરાયો હતો. ટૉલેમી અગિયારમાના વસિયતનામા પ્રમાણે ઇજિપ્ત ઉપર રાજ્ય કરવા રોમને હક મળતો હતો. રોમન સહાય મેળવવા પૅલેસ્ટાઇન-સ્થિત પૉમ્પીને મદદ કરવા તેણે લશ્કર મોકલ્યું હતું. ઍલેક્ઝાન્ડ્રિયાના લોકો તેની વિરુદ્ધ હતા. તેણે જુલિયસ સીઝરને 6000 ટૅલન્ટની લાંચ આપી તેથી જુલિયસ સીઝરે રોમની સેનેટમાં કાયદો પસાર કરાવીને તેને રાજા તરીકે જાહેર કર્યો હતો.  બદલામાં રોમે સાયપ્રસ પડાવી લીધું, પરંતુ ટૉલેમી બારમાએ તેના ભાઈને મદદ કરવા ના પાડતાં તેણે આપઘાત કર્યો.

સાયપ્રસ ગુમાવવાથી લોકોના બળવાની બીકને લીધે ટૉલેમી બારમો ઈ. સ. પૂ. 58માં લશ્કરી મદદ મેળવવા રોમ ગયો. તે દરમિયાન ઇજિપ્તમાં શાસન કરવા માટે તેની રાણી અને મોટી પુત્રી બેરિનાઇસી ચોથીને નિયુક્ત કર્યાં. ઈ. સ. પૂ. 55 સુધી રોમમાં રહીને રોમન સેનેટરોને લાંચ આપીને મદદ પ્રાપ્ત કરવા પ્રયાસ કર્યો. છેવટે ઈ. સ. પૂ. 55માં તેને સફળતા મળી. તેણે ઇજિપ્તમાં આવીને તેની વિરોધી બનેલી પુત્રી બેરિનાઇસી IVનો શિરચ્છેદ કરાવ્યો. ઈ. સ. પૂ. 51માં તેના મૃત્યુ પહેલાં તેણે તેની હયાત પુત્રી અને ઇતિહાસમાં પ્રખ્યાત બનેલી ક્લિયોપેટ્રા સાતમી અને મોટા પુત્રને ઇજિપ્તના સહ-શાસક તરીકે જાહેર કર્યાં.

ટૉલેમી તેરમાએ તેની બહેન ક્લિયોપેટ્રા સાતમી સાથે સહ-શાસક તરીકે ઈ. સ. પૂ. 51થી તેના મૃત્યુ (ઈ. સ. પૂ. 47) સુધી રાજ્ય કર્યું. રોમન સહાય મળી રહે તે હેતુથી તેણે રોમન સેનાપતિ પૉમ્પીને મદદ કરી હતી પણ તે કારણે તેની બહેન તેના હેતુઓ અંગે શંકા કરવા લાગી. પરિણામે તેણે ક્લિયોપેટ્રાને ઇજિપ્તમાંથી ઈ. સ. પૂ. 48માં દેશનિકાલ કરી. ક્લિયોપેટ્રાએ પોતે લશ્કર એકઠું કરી ઇજિપ્તના શહેર પેલુસિયમ ઉપર ચડાઈ કરી. સીઝરે પૉમ્પીને ગ્રીસમાં હરાવ્યા પછી તેણે આ શહેરમાં આશ્રય લીધો હતો, પરંતુ પૉમ્પીનું અહીં ખૂન થયું. જુલિયસ સીઝર લશ્કર સાથે ઍલેક્ઝાન્ડ્રિયા ઉપર ચડી આવ્યો. તેણે ભાઈ અને બહેન વચ્ચે સુલેહ કરાવી, પરંતુ દરબારીઓના એક જૂથે રોમ વિરોધી અસંતોષને પ્રોત્સાહન આપ્યું. તે વખતે ક્લિયોપેટ્રાએ સીઝરનો પક્ષ લીધો અને તે તેની પત્ની બની. ટૉલેમી સાથે ઘર્ષણ થતાં સીઝરે ચડાઈ કરી. ટૉલેમી તેરમો નાસવા જતાં મૃત્યુ પામ્યો.

તેરમા ટૉલેમીનો નાનો ભાઈ ટૉલેમી ચૌદમો ક્લિયોપેટ્રા સાથે રાજકર્તા થયો. તેણે ઈ. સ.  પૂ. 47થી ઈ. સ. પૂ. 44 સુધી રાજ્ય કર્યું. ક્લિયોપેટ્રા સાતમી રાજ્યની ભાગીદાર હતી. ક્લિયોપેટ્રા ઈ. સ. પૂ. 46માં થોડા વખત રોમ રહી. ટૉલેમી ચૌદમા સાથે તે ઇજિપ્ત આવી. થોડા વખત પછી ટૉલેમી ચૌદમાનું ક્લિયોપેટ્રાને કારણે મૃત્યુ થયું.

તેના અનુગામી, ક્લિયોપેટ્રા અને જુલિયસ સીઝરનો પુત્ર ટૉલેમી પંદરમો ગાદીએ બેઠો. તેણે ઈ. સ. પૂ. 44થી  ઈ. સ. પૂ. 30 સુધી  રાજ્ય કર્યું. ક્લિયોપેટ્રા સાતમીના ઈ. સ. પૂ. 30માં મૃત્યુ પછી ઑગસ્ટસ સીઝરે (ઑક્ટેવિયન) તેને મારી નાખ્યો અને ઇજિપ્તના રાજ્યને રોમ સાથે ભેળવી દીધું. આ રીતે ટૉલેમી વંશનો અંત આવ્યો.

શિવપ્રસાદ રાજગોર