ટૉલર, અર્ન્સ્ટ (જ. 1 ડિસેમ્બર 1893, સામોત્શિન, પૉલૅન્ડ; અ. 22 મે 1939, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ટોડ, સર ઍલેકઝાંડર રૉબટ્ર્સટૉનકિનનો અખાતજર્મન કવિ અને નાટ્યકાર. જન્મ યહૂદી માતાપિતાને ત્યાં. નવમા વર્ષે કવિતા લખવી શરૂ કરેલી. તેરમા વર્ષે તેમણે પિતા ગુમાવ્યા, અઢારમા વર્ષે અભ્યાસ માટે ફ્રાન્સ ગયેલા. 1914માં વિશ્વયુદ્ધ આવ્યું એટલે જર્મનીમાં પાછા ફર્યા અને યુદ્ધમાં  ભરતી થઈ ગયા. યુદ્ધના મોરચા પર તોપખાનામાં એકાદ વરસ કામ કર્યા બાદ માંદગીમાં પટકાઈ પડ્યા અને લશ્કરની કામગીરી છોડી દીધી; પણ જે થોડો સમય એમણે યુદ્ધમાં કામ કર્યું એ પરથી એમના માનવતાપ્રેમી આત્માને ખૂબ દુ:ખ થયું. પછી યુદ્ધનો વિરોધ કરવામાં જ બાકીની જિંદગી ગાળી. તેમના માનસ પર થયેલી યુદ્ધની આ કાલિમાની પ્રબળ અસર એમનાં નાટકોમાં વ્યક્ત થયેલી છે.

અર્ન્સ્ટ ટૉલર

યુદ્ધ પછી તેમણે શાંતિવાદી સંસ્થા સ્થાપી. 1918માં જર્મનીમાં ક્રાંતિ થતાં સમાજવાદી સરકારની સ્થાપના થઈ. ટૉલર એના પ્રમુખ બન્યા. 1919માં બવેરિયાની સામ્યવાદીઓની ચળવળમાં ભાગ લેતાં ટૉલર કેદ પકડાયા અને 5 વર્ષની સજા થઈ. જેલવાસ દરમિયાન તેમણે પુસ્તકો લખ્યાં. નાઝીવાદીઓએ એમનો પીછો પકડ્યો. એમનું જર્મન નાગરિકત્વ લઈ લેવામાં આવ્યું; તેમણે વિશ્વનો પ્રવાસ કર્યો અને હિટલર તથા ફાસીવાદના ભય સામે માનવજાતિને ચેતવણી આપી. તે દિવસોમાં ટૉલર ઘણાં વ્યાખ્યાનો આપતા, એ પછી સ્પેનમાં  આંતરવિગ્રહ ચાલતો હતો ત્યારે ત્યાંના દુ:ખી લોકોને સહાય કરવા માટે તેમણે એક વિશાળ યોજના કરેલી, પરંતુ સ્પેનમાં ફ્રાન્કોનો વિજય થયો અને ટૉલરની માનવતાવાદી યોજના અમલમાં ન આવી શકી. તે ખૂબ હતાશ થઈ ગયા. છેવટે ન્યૂયૉર્કમાં 1939માં તેમણે આત્મહત્યા કરી.

યુદ્ધમાત્ર નિરર્થક અને માનવતાવિરોધી પ્રવૃત્તિ છે એવા ખ્યાલ સાથે તેઓ સદંતર લશ્કરનો ત્યાગ કરે છે. યુદ્ધ, શોષણ અને તિરસ્કારના પાયા પર રચાયેલી સઘળી માનવ-હિલચાલોના તેઓ કટ્ટર વિરોધી બને છે. સામ્યવાદી જીવનર્દષ્ટિનો અંજામ પણ તે જોઈ લે છે. માનવજાતિના પ્રશ્નોનો ઉકેલ એમાં એમને દેખાતો નથી. ટૉલરનું જીવન એમનાં નાટકો સમું કરુણાન્ત છે. જીવન અને નાટક ઉભયમાં એ કરુણાન્તિકાના સર્જક બને છે.

કવિ સુન્દરમને ટૉલરનાં નાટકોનું આકર્ષણ હતું છેક 1939થી. 1942માં તેમનાં બે નાટકોનો અનુવાદ કર્યો – 1961માં ટૉલરના ‘ટ્રાન્સફિગરેશન’ (1919; અને અં. અનુવાદ 1935) નાટકનો અનુવાદ  ‘કાયાપલટ’ પ્રગટ થયો. 1965માં એના ‘મૅન ઍન્ડ માસિસ’(1920)નો અનુવાદ ‘જનતા અને જન’ નામે પ્રગટ થયો. આ નાટકને ટૉલર ‘વીસમી સદીની સામાજિક ક્રાંતિના એક ખંડ’ તરીકે ઓળખાવે છે. એમનું માનવતાવાદી માનસ એમાં પ્રગટ થયું છે. ઉપલક ર્દષ્ટિએ એ સામ્યવાદી વિચારસરણીનું લાગે પણ માનવજીવનની ‘આધ્યાત્મિક વાસ્તવિકતા’ની એ ખોજ કરે છે, જીવનના મૂળ તત્વ સુધી પહોંચવાનો એ પ્રયત્ન કરે છે. શ્રમજીવીઓ પ્રત્યે સમભાવ છે પણ જનતાની આધ્યાત્મિક વિશેષતાઓમાં રહેલા શાશ્વત માનવ અંશને વ્યક્ત કરવાનું એ તાકે છે. એ પછી ટૉલરનાં બીજાં બે નાટકો ‘ધ મશીન રૅકર્સ’ (1922; અં. અનુ. 1923) ‘હોપ્લા ! ઐસી હૈ જિન્દગી !’ નામથી (1927) અને ‘હિન્કમાન’ (1922) ‘સંસ્કૃતિ’માં ધારાવાહિક રૂપે પ્રગટ થયેલાં. 1974માં તે ગ્રંથસ્વરૂપે પ્રગટ થયાં હતાં. ક્રાંતિકારીઓનાં સ્વપ્નોને કડડભૂસ થતાં આ નાટકમાં બતાવ્યાં છે અને છેવટે નાયક કાર્લ ટૉમસ રજાઈમાંથી ચીંદરડી ફાડી આપઘાત કરે છે ! જે ખૂનના આરોપસર થૉમ્સ પર કામ ચલાવવામાં આવેલું એનો ખરો ખૂની તો સ્વિટ્ઝર્લૅન્ડમાં મળી આવ્યો, એની ખબર પડે છે ત્યારે કાર્લ આ પૃથ્વી છોડી ગયો હોય છે. પ્રોફેસર લ્યૂડિનને ટૉમસે કહેલું કે ‘‘કદાચ આજકાલનાં પાગલખાનાં અને દુનિયા વચ્ચે કંઈ જ તફાવત નથી. અહીં જે માણસોને ગાંડા તરીકે દેખરેખ હેઠળ રાખવામાં આવે છે તે જ લોકો બહાર નૉર્મલ બનીને, બીજાઓને કચડતા હોય છે.’’ ‘‘અંતે જેલમાં અંધારું’’ એ શબ્દો સાથે ર્દશ્ય અને નાટક પૂરું થાય છે. ચારે કોર ઝળૂંબી રહેલા અંધકાર પર ટૉર્ચ લાઇટ નાખવાનો સર્જકધર્મ ટૉલરે બજાવ્યો છે. આ નાટકના શીર્ષકનો પહેલો શબ્દ ‘હોપ્લા’! આશ્ચર્યવાચક શબ્દ છે, જેનો અર્થ ‘ઓહ, ઓહ’ જેવો થાય છે. જિંદગીનું સ્વરૂપ એમાં ધ્વનિત કર્યું છે.

‘હિન્કમાન’ના ઉદભવ વિશે ટૉલરે પોતાની આત્મકથા ‘આઇ વૉઝ અ જર્મન’ (1933 અને અં. અનુ. 1934)માં કેટલીક સૂચક હકીકતો કહી છે. ટૉલર મનુષ્યસર્જિત યુદ્ધને કરુણતાના સર્જન દ્વારા મિટાવવાની વાત કરે છે. તેમની અન્ય કૃતિઓમાં ‘બ્રોકન બો’ (1923; અં. અનુ. 1926), જેલવાસ દરમિયાન લખાયેલા પત્રોનો સંગ્રહ ‘લૂક થ્રૂ ધ બાર્સ’ (1935; અં. અનુ. 1937) અને ઊર્મિકાવ્યોનો સંગ્રહ ‘પ્રેસર હોલ (1923; અં. અનુ. 1939) છે.

1936માં ડબલ્યૂ. એચ. ઑડન ટૉલરને પોર્ટુગલમાં મળેલા. ઓડને ‘ઇન મેમરી ઑવ્ અર્ન્સ્ટ ટૉલર’ કરુણપ્રશસ્તિ લખેલી; ઉપરાંત, ટૉલરના કટાક્ષપૂર્ણ નાટક ‘નો મૉર પીસ’(1937)માંનાં ઊર્મિકાવ્યોનું ભાષાંતર પણ કરેલું.

રમણલાલ જોશી