ટૉર્પીડો : નૌકાયુદ્ધમાં વપરાતું ખાસ પ્રકારનું શસ્ત્ર. તે સ્વયંપ્રણોદિત સ્વચાલિત આયુધ છે તથા પ્રબળ વિસ્ફોટકો સાથે પાણીની અંદર ગતિ કરે છે. તે દર કલાકે 30થી 40 નૉટ(દરિયાઈ માઈલ)ની ઝડપથી ગતિ કરે છે તથા 3,500થી 9,000 મીટર જેટલું અંતર એકસાથે કાપી શકે છે. માર્ગમાં તેનું વિચલન ન થાય અને નિશાન સુધી તે સીધી રેખામાં પ્રયાણ કરી શકે તે માટે તેના પર ગાયરોસ્કોપ નામક ભ્રમણદર્શક યંત્ર ગોઠવેલું હોય છે. તેની ઊંડાઈ પર નિયંત્રણ રાખી શકે તેવું પણ એક ઉપકરણ તેના પર ગોઠવેલું હોય છે.

ફ્યૂમ ખાતેની રૉબર્ટ વ્હાઇટહેડની એક ફૅક્ટરીમાં 1866માં સર્વપ્રથમ વાર ટૉર્પીડો બનાવવામાં આવેલી. ઠંડી સંપીડિત (compressed) હવાથી સાત નૉટની ઝડપે આગળ ધસી શકે તેવી આ ટૉર્પીડોનું નિદર્શન ઘણા દેશો સમક્ષ રજૂ કરવામાં  આવ્યું હતું. 1880 સુધી 30 નૉટની ઝડપે આશરે એક કિમી. સુધી જઈ શકે તેવી ટૉર્પીડો બનાવવામાં આવી હતી. વીસમી સદીની શરૂઆતમાં ઠંડી સંપીડિત હવાને બદલે ગરમ હવા દ્વારા ટૉર્પીડોને ગતિ આપવાના પ્રયોગો થયા, જે સફળ નીવડ્યા હતા. આ પદ્ધતિમાં પૅરાફિન, પાણી તથા હવા આ ત્રણેયનું  મિશ્રણ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે વરાળ અને હવાના મિશ્રણથી ચલાવી શકાય તેવી ત્રિજ્યાની પેઠે પ્રસરતા યંત્રની શોધ શક્ય બની હતી. અમેરિકામાં ઇંધન તરીકે મદ્યાર્કનો ઉપયોગ કરી જલશક્તિથી ચલાવી શકાય તેવી ટૉર્પીડો બનાવવામાં આવી હતી.

બે વિશ્વયુદ્ધો દરમિયાન (1918–39) ટૉર્પીડોની રચનામાં ઘણો વિકાસ સધાયો હતો. જર્મનીએ 1939માં વિદ્યુતશક્તિ વડે ચલાવી શકાય તેવી ટૉર્પીડો તેના નૌકાદળમાં દાખલ કરી હતી. સીસું અને તેજાબની બૅટરીથી તેને બળ આપવામાં આવતું. તે 27 નૉટનું અંતર કાપી શકતી તથા 8000 મી. સુધી પ્રસરી શકતી હતી. 1943માં જર્મનીએ શ્રવણક્ષમ ટૉર્પીડોની શોધ કરી તથા તેમાં તારવાહક પદ્ધતિ દાખલ કરી, જેનો ઉપયોગ હવે ભારે વજનવાળી ટૉર્પીડોમાં થાય છે.

ટૉર્પીડોની રચના ગમે તે પ્રકારની હોય છતાં ઝડપ અને અવાજ વિના દોડવાની તેની ક્ષમતાની બાબતમાં સબમરીન પર તેની સરસાઈ હોય તે જરૂરનું છે. તેની ઝડપ વધુ હોવી જોઈએ, અવાજ કર્યા વિના નિશાન સુધી પહોંચવાની તથા નિશાનની નજીક પહોંચતાંની સાથે જ નિશાન પર મારો કરવાની ક્ષમતા તેમાં હોવી આવશ્યક છે. પહેલી વાર નિશાન ચૂકી જાય તોપણ ફરી વાર નિશાન પર ધસી જવાની શક્તિ તેમાં હોવી જાઈએ તથા તેના પર સવાર કરવામાં આવેલાં આયુધાગ્રો(warheads)માં મોટાભાગની સબમરીનોની હોય છે તેવી બે કાંઠાને વીંધવાની ક્ષમતા પણ હોવી જોઈએ.

સામાન્ય રીતે ટૉર્પીડો પર પરંપરાગત વિસ્ફોટકો ગોઠવેલા હોય છે, જે સબમરીન પર સીધો મારો કરીને તેનો નાશ કરી શકે છે. અમેરિકાએ MK 45 ટૉર્પીડો પર પરમાણુ-અસ્ત્રો ગોઠવવાના પ્રયોગો કર્યા, પરંતુ પાછળથી તે પડતા મૂકવામાં આવ્યા. વિઘટિત સોવિયેત સંઘે તેનાં કેટલાંક શસ્ત્રો પર પરમાણુ-અસ્ત્રો ગોઠવ્યાં હતાં.

હવે પછીની ટૉર્પીડો ઓછામાં ઓછા 25 નૉટની ઝડપે ગતિ કરે તથા ગતિ દરમિયાન 500 મી.ની ઊંડાઈ હાંસલ કરવાની ક્ષમતા ધરાવે તેવી અપેક્ષા છે. તેની પ્રણોદન(propulsion)-પ્રણાલી હાઇડ્રોજન પૅરૉક્સાઇડ અને ડીઝલ તેલની જ બનેલી હશે. અર્ધસંવૃત ચક્ર (semi-closed cycle) પદ્ધતિમાં બાષ્પ ઉત્પાદકમાં દાખલ કરતાં પહેલાં ઉદ્દીપક વડે પહેલાં હાઇડ્રોજન પૅરૉક્સાઇડનું વિઘટન કરવામાં આવે છે, જ્યાં તે ડીઝલ તેલ સાથે પ્રક્રિયા કરી મોટા પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન કરે છે. એન્જિન માટે ગ્રાહ્ય બને તે માટે તાજું પાણી ઉમેરી પ્રક્રિયા નીપજોનું તાપમાન 700°થી 800° સે. સુધી નીચું લાવવામાં આવે છે. એન્જિનના નિષ્કાસિત (exhaust) વાયુઓમાં મુખ્યત્વે 200° સે.થી 300° સે. પર રહેલા કાર્બન-ડાયૉકસાઇડ અને પાણીની વરાળ હોય છે. વરાળને શીતક(condenser)માં ઠારવામાં આવે છે અને મોટાભાગના સંઘનિત દ્રાવ(condensate)ને પ્રણાલીમાં ફરી દાખલ કરવામાં આવે છે. નિષ્કાસિત વાયુઓના બાકીના ભાગને દરિયામાં છોડતાં પહેલાં સંપીડક (compressor) દ્વારા સંકોચવામાં આવે છે. એન્જિનની ડિઝાઇન ઓછી ઝડપે કાર્ય કરે તેવી રખાય છે જેથી પિસ્ટનના વિચાક (cam) રોલરો સંકોચન-પિસ્ટનો સાથે હંમેશાં જોડાયેલા હોય અને સંકોચન બે તબક્કામાં પ્રાપ્ત થાય. શીતકને એન્જિનની આસપાસ ગોઠવેલું હોય છે, જેથી તે એન્જિનના ઘોંઘાટને મંદ પાડે. આખો એકમ આઘાતશોષક ભાગો વાપરી ટૉર્પીડો કવચ(shell)માં ગોઠવેલો હોય છે. અસલ (prototype) એન્જિન પ્રતિ મિનિટે 600થી 1500 ભ્રમણો (revolutions) વડે 25થી 300 કિવૉ. શક્તિ ઉત્પન્ન કરી શકે છે અને તેની ઇંધનની વપરાશ 3.5થી 5 કિગ્રા./ કિ.વૉ. હોય છે.

એચ. એમ. પટેલ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે